‘અરે બંધુ તમે જરા શાંત રહો..’
‘હું તો પહેલેથી જ કહેતો હતો, આ રસ્તો ખોટો છે.’
‘હું કચ્છી છું, પણ મનેય આ તરફનો રસ્તો ખબર નથી.’
‘અહીં તો નેટવર્ક પણ નથી આવતું, રસ્તો કેમ શોધીશું… ફોન પણ નથી લાગતો’
અમે બધા પત્રકારો 3 ઈનોવામાં છારી-ઢંઢથી પરત ફરી રહ્યાં હતા. દૂર દૂર સુધી ફેલાયેલા અફાટ મેદાનો, થાળીમાં પેંડા ગોઠવ્યા હોય એવા એકાદ ફીટ ઊંચા દૂર દૂર સુધી એક સરખા ગોઠવાયેલા ઘાસના ઢૂવા, ખુલ્લું આકાશ, ક્યાંક ક્યાંક ગાંડા બાવળની હાજરી, ગમે તે દિશામાં જુઓ એક જ સરખી સોનેરી રજ પાથરી હોય એવા કલરની તરડાયેલી જમીન અને ગળુ સુકવી નાખતી સુક્કી હવા… આવી ભૂગોળમાંથી પસાર થયા પછી અમે સવારે છારી-ઢંઢ પહોંચ્યા હતા (ઢંઢ કચ્છી ભાષાનો શબ્દ છે. મતલબઃ ખાબોચિયું. છારી એટલે ક્ષાર) અને હવે પરત આવી રહ્યા હતા. ભુજથી એંસી કિલોમીટર દૂર આવેલું એ સ્થળ ભલે કહેવાય ખાબોચિયું પરંતુ પક્ષીઓ માટે સવર્ગ છે અને પક્ષી-પ્રેમીઓ માટે પણ કુદરતી પ્રદર્શન જેવું ભવ્ય જળાશય છે.
છારીથી પરત ફરી રહ્યાં હતા એ વખતે જ અમે રસ્તો ભૂલ્યાં. 2013ના જાન્યુઆરીમાં શિયાળાની ઠંડી હતી. પરંતુ અમારી ત્રણેય ગાડીઓમાં ગરમી ફરી વળી હતી. રસ્તો ભૂલ્યા પછી અપેક્ષિત રીતે બ્લેમ-ગેમ શરૃ થઈ હતી. એ સંજોગોમાં જોકે કેટલાક પત્રકારો ચૂપચાપ બેસીને કલબલાટ સાંભળી રહ્યા હતા કેમ કે છારીમાં જે પક્ષીઓના જેટલા અવાજ સાંભળવા મળ્યા ન હતા, એવા ચિત્ર-વિચિત્ર અવાજો હવે અહીં અમારી ટોળકીમાંથી પેદા થઈ રહ્યાં હતા.
એ વખતે કચ્છમાં બર્ડ-કોન્ફરન્સ ભરાઈ હતી. તેના ભાગરૃપે જ રણોત્સવથી બધા પત્રકારોને છારી-ઢંઢનું પ્રાકૃત્તિક સૌંદર્ય દેખાડવા લઈ જવાયા હતા. રણોત્સવના ટેન્ટ-સિટીથી નિકળ્યા ત્યારે પરદેશી પક્ષીવિદો, સ્થાનિક પક્ષી જાણકાર, અન્ય પ્રવાસી વગેરેની બે-ત્રણ બસ, અન્ય વાહનો અને અમારી ગાડીઓનો આખો કાફલો હતો. વળતી વખતે માત્ર અમારી 3 ગાડી જ હતી કેમ બાકીના લોકોને મોટી સાંજ સુધી ત્યાં રોકાવાનું હતુ. જ્યારે અમારે પરત અમદાવાદ પહોંચવાનું હતુ. એટલે કોઈ સ્થાનિક રસ્તાના જાણકારને લીધા વગર અમારી ગાડીઓ નીકળી ગઈ અને પછી થોડી વારમાં રસ્તો ભુલાઈ પણ ગયો.
પૃથ્વીના ઉત્તર છેડે આવેલા પ્રદેશોમાં શિયાળા વખતે તાપમાન શુન્ય નીચે વીસ-ત્રીસ ડીગ્રી સુધી પહોંચી જાય એ વખતે ત્યાંના ઘણાખરા પક્ષીઓ શિયાળો ગાળવા પ્રમાણમાં ગરમ એવા પૃથ્વીના દક્ષિણ ભાગ તરફ ઉડાન ભરે છે. આશિયાનાની શોધમાં નીકળેલાં પ્રવાસી પક્ષીઓને ગુજરાતના કેટલાક જળાશયો માફક આવે છે. માનવ વસાહતથી અલિપ્ત જળાશયોને પક્ષીઓ પોતાના યજમાન બનાવે છે. પક્ષીઓ માટે છારી આવું જ એક યજમાન સ્થળ છે. જળાશયની પાછળ ઉભેલો એકશિખરી કિરો ડુંગર અને ફરતું ફેલાયેલુ અસિમ-અફાટ રણ છારી જળાશયનું કુદરતી રીતે રક્ષણ કરે છે. જળાશય અને જમીન વચ્ચે ચાર ચાર ફીટ ઊંચુ ઘાસ અને તેમાં જામેલા કાદવ-કિચડને કારણે પક્ષીઓની નજીક પહોંચવુ મુશ્કેલ છે. એટલે જ પક્ષીઓ અહીં સલામતી અનુભવે છે અને દર વર્ષે શિયાળો ગાળવા આવે છે.
જળાશય અને પક્ષી દર્શનની એ ભવ્યતા માણ્યા પછી હવે અમે રણની રેતી ફાકતા હોઈએ એવી સ્થિતિ થઈ ગઈ હતી. ‘સ્થાનિક જાણકાર વગર કચ્છના લોકો પણ ત્યાં આસાનીથી પહોંચી શકે એમ નથી. રણ વચ્ચે આવેલા આ પ્રદેશમાં પહોંચવાના કોઈ ચોક્કસ રસ્તાઓ નથી, માટે ભોમિયા વીના ત્યાં ભમવાનું શક્ય નથી. કિલોમીટરો સુધી માણસો તો ઠીક એકાદ નાનકડો જીવ પણ શોધવો મુશ્કેલ થઈ પડે.’ આવી બધી જાણકારી અમને પ્રવાસ પહેલા મળી હતી અને હવે જાણે તેની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઈ હતી.
એટલે પછી આમ-તેમ ડાફોળિયા માર્યા પછી એક ગાડીઓ એક રસ્તે ઉભી રાખી. આગળ જરા ઊંચો પાળો બનાવેલો હતો. રસ્તો તેને ઠેકીને આગળ જતો હતો. અમે કેટલાક લોકો નીચે ઉતર્યા અને પાળા સુધી પહોંચ્યા, જેથી તેની પેલી તરફ શું છે એ જોઈ શકાય. લગભગ એકાદ કલાકથી અમે દિશાહિન સ્થિતિમાં હતા. એવામાં આશાની ટેકરી એટલે કે પાળો દેખાયો. પાળા પર પહોંચ્યા તો પેલે પાર એક સ્થાનિક પશુપાલક ભાઈ દેખાયા. અમારા માટે એ રણમાં વીરડી સમાન જ હતા.
અમે બધા તો અમદાવાદથી હતા, પણ એક પત્રકાર સ્થાનિક હતા. એ કચ્છી ભાષા જાણતા હતા. તેમણે તુરંત એ ભાષામાં રસ્તો પૂછ્યો, પેલા ભાઈએ જવાબ આપ્યો. પછી અમને ગુજરાતી કરીને સમજાવ્યું કે રસ્તો તો બતાવ્યો પણ આગળ જતાં કોઈને પૂછજો એમ કહ્યું છે. બાકી ફરીથી ભૂલા પડશો.
અહીં ધીરે ધીરે અમને બ્રહ્મજ્ઞાન થઈ રહ્યું હતુ. જેમ કે રણમાં જતા પહેલા કેટલીક સાવધાનીઓ અનિવાર્ય છે. એક તો પાક્કેપાયે રસ્તો જોયો હોય એવા ગાઈડ સિવાય સફરની હિંમત કરવી નહીં. રણમાં ક્યાંય બોર્ડ નહીં આવે અને સુર્યનુ સ્થળ જોઈ દિશા-શોધન થઈ શકે એવો વિશ્વાસ પણ ફસાયા પછી પડી ભાંગશે. એક વખત ભટકી ગયા પછી મુસાફરો એક જ વર્તુળમાં ઘૂમતા રહે અને ત્યાંને ત્યાં ગાડીનું પેટ્રોલ કે ડીઝલ ખલાસ થઈ જાય એમ પણ બને. ધી બાજુ સરખું રણ, સરખા ઝાડી-ઝાંખરા, સરખા રસ્તાઓ નજરે પડશે એટલે કઈ બાજુથી આવ્યા હતા અને કઈ બાજુ જવાનું છે એ નક્કી કરી શકાશે નહીં. માટે ગાડીમાં બળતણ ફૂલ રાખવું અને શક્ય હોય તો વધારાનો સ્ટોક પણ રાખવો. કોઈને ફોન કરીને દિશા પુછી લઈશું કે ગૂગલમેપમાં રસ્તો જોઈ લેશુ એવુ માનવાની જરૃર નથી કેમ કે એક પણ પ્રકારના મોબાઈલ-નેટવર્ક ત્યાં આવશે નહીં. વધુ સાવધાની માટે પહેલેથી જ જે રસ્તે કાફલો રણ તરફ જતો હોય એ રસ્તે નિશાનીઓ છોડતી જવી. અમે એવુ કશું કર્યુ ન હતુ, એટલે આગ લાગી ત્યારે કૂવો (એ પણ રણમાં) ખોદવા નીકળી પડ્યાં હતા.
પેલા મવેશીના માર્ગદર્શન પ્રમાણે ગાડીઓ આગળ ચલાવી. અંદરોઅંદર આક્ષેપ થઈ રહ્યા હતા એ થોડા ઓછા થયા અને મહાગઠબંધન જેમ બધા શાંત બેઠા. પંદર-વીસ મિનિટ તો બતાવેલા રસ્તા પ્રમાણે જ વાહન ચાલ્યા. ત્યાં વળી અમારા રસ્તા આગળ ધૂળની ડમરી ઉડતી દેખાઈ. અમારી ગાડી ડમરી નજીક પહોંચી ત્યાં એમાંથી એક ભટભટીયું દેખાયું. ફરીથી આશાનું કિરણ મળ્યું.
અમે ઉતરીને એમને રસ્તો પૂછ્યો. એમણે કહ્યું કે પાછળ ચાલ્યા આવો, હું તમને સડક સુધી પહોંચાડી દઈશ. ત્યાંથી ફલાણું ગામ અને પછી ઢિંકણા ગામેથી ભુજનો રસ્તો આવી જશે. અમે એ મોટરસાઈકલની પાછળ દોરવાયા. દરમિયાન કચ્છી મિત્રએ માહિતી આપી કે અહીં ઘણા લોકો રસ્તો ભુલી જાય તો પછી અમુક સ્થાનિક જાણકારો મોટી રકમ વસુલ્યા પછી જ રસ્તો બતાવે. તમે અજાણ્યા હો તો ખાસ આવી મુશ્કેલી આવી શકે. અમારી સાથે કચ્છી બોલી બોલનારો એક ભાઈ હતો એટલે અમે આસાનીથી મદદ મેળવી શક્યા હતા. અડધોએક કલાક ચાલ્યા પછી આખરે ડામર રોડ આવ્યો અને પછી ભૂજ સુધી પહોંચવાનો રસ્તો ખાસ મુશ્કેલ ન હતો..
છારી કોઈ બારમાસી પ્રવાસન સ્થળ નથી. શિયાળા સિવાયના સમયે ત્યાં જવાનું પણ શક્ય નથી હોતું. ઊનાળામાં રણ વિંધીને ત્યાં પહોંચવાનું કપરું છે તો ચોમાસામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ પ્રવાસ અટકાવવા પુરતી છે. આખો દિવસ રહીને પક્ષીઓ જોવા સિવાય અહીં કોઈ આકર્ષણ નથી. પરંતુ ઊપર આભ અને નીચે ધરતી વચ્ચે રહેવું એટલે શું એ અહીં આવ્યા પછી સમજાય જાય એ નક્કી વાત છે. અહીં એક છાપરું અને વોચ-ટાવર સિવાય કોઈ બાંધકામ નથી. પાંચ-પંદર કિલોમીટર દૂર કેટલાક નાના-નાના ગામો છે. એ ગામોની જીંદગી જોવી હોય તો ત્યાં પણ જઈ શકાય. ખાવા-પીવાની અને બીજી જરૃરી સામગ્રી સાથે લઈ જવી રહી. રાતવાસો કરવાની અહીં કોઈ સગવડ નથી એટલે સુર્યાસ્ત પહેલા પરત ફરવુ પણ અનિવાર્ય છે.
વિજ્ઞાનીઓએ કચ્છની ધરતીનો કેટલોક ભાગ મંગળની સપાટી જેવો ગણાવી તેનો અભ્યાસ શરૃ કર્યો છે. છારી સુધી પહોંચતા સુધીમા મંગળ પર આવી ગયા હોઈએ એવુ જ લાગે. ફરતા ફેલાયેલા રણ વચ્ચે ક્યાંક માલધારીઓની ભેંસો-ઘેટાં-બકરા નજરે પડે.
આવી મુશ્કેલી, અગવડો, હાડમારી સહન કરીને માત્ર જળાશય, ડુંગર, રણ, પક્ષીઓ, ઘાસ-પાંદડા જોવામાં રસ હોય એમના માટે આ પ્રવાસન સ્થળ છે. બાકી આ પ્રદેશ કચ્છના રણનો દુર્ગમ ભાગ તરીકે તો જાણીતો છે જ!