કેપટાઉનના વિવિધ સ્થળો પહેલા બે ભાગમાં માણ્યા પછી હવે ભૌગોલિક અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થળોની શાબ્દિક સફર કરીએ..
બો-કાપ
એશિયાના દેશોમાંથી પકડેલા ગુલામો લઈને જતાં ‘ડચ ઈસ્ટ ઈન્ડિઝ કંપની’ના વહાણો કેપ ટાઉનના કાંઠે ઉભા રહેતા હતા. એમાંથી કેટલાક મલેશિયન (મલય) લોકો કેપ ટાઉનમાં ઉતરી ગયા અને વસવા લાગ્યા. આજે શહેરમાં દોઢ લાખથી વધુ મલય લોકો રહે છે. તેમની વસાહતો અલગ છે અને સંસ્કૃતિ પણ જૂદી છે. શહેરની ભાગોળે આવેલી ‘સિગ્નલ હીલ’ નામની ટેકરીના ઢાળ પર ‘બો-કાપ’ નામનો એક રહેણાંક વિસ્તાર આવે છે.
આ વિસ્તાર અલગ પડે છે, તેના વિવિધ કલરના મકાનોને કારણે. એક જ લાઈનમાં બંધાયેલા દરેક મકાનનો કલર અલગ અલગ છે. એટલે જાણે વિવિધ કલરના ચોસલા બાજુ બાજુમાં મુક્યા હોય એવુ લાગે. અહીં રહેતા મુસ્લીમોએ ગુલામીના એ યુગમાં પોતાની સ્વતંત્રતા દર્શાવવા મકાનને વિવિધ કલર કરવાની શરૃઆત કરી હતી, જે હવે આ વિસ્તારની ઓળખ બની ગઈ છે. આ વિસ્તાર ઢોળાવવાળો છે, રસ્તો ડામરનો બનાવવાને બદલે જમીન પર પથ્થર જડી લેવામાં આવે છે. કેપ ટાઉન આવેલા પ્રવાસીઓ અહીં ફોટો પડાવવાનું ચૂકતા નથી. ઈતિહાસમાં વધુ ઊંડા ઉતરવું હોય તેમના માટે ત્યાં મ્યુઝિયમ પણ છે.
સિગ્નલ હીલ
ઢોળાવથી આગળ વધીએ તો સિગ્નલ હિલ નામની ટેકરી આવે છે. કાંઠેથી પસાર થઈ રહેલા જહાજોને હવામાન, પાર્કિંગ વગેરે અંગે માહિતી આપવા માટે વિવિધ ધ્વજ દ્વારા અહીંથી સિગ્નલ આપવામાં આવતા હતા, માટે એ નામ પડી ગયું. હવે પ્રવાસીઓ માટે સાંજ પસાર કરવાનું લોકપ્રિય સ્થળ છે. અહીંથી સીધો જ ટેબલ માઉન્ટેન દેખાય છે.
અહીં નૂન ગન નામે બે તોપ છે, જે 1806ના વર્ષથી આજ સુધી લગભગ રોજ ફૂટતી આવી છે. એક સમયે તોપના અવાજનો ઉપયોગ ચેતવણી માટે કરવામાં આવતો હતો. હવે એવી જરૃર નથી, માટે રોજ સવારે પરંપરા જાળવી રાખવા 11-30 વાગ્યે અચૂક ફાયર કરવામાં આવે છે. એ વખતે તેમાં દોઢ કિલોગ્રામ જેટલો દારૃગોળો ભરવામાં આવ્યો હોય છે. પ્રવાસીઓ એ ઘટનાના સાક્ષી બની શકે છે. આજે પણ ફોડવામાં આવતી હોય એવી આ દુનિયાની સૌથી જૂની તોપ છે.
ઈતિહાસને વળાંક આપનારી ભૂગોળ-કેપ ઓફ ગૂડ હોપ
કેપ ટાઉન પાસે સૌથી મહત્ત્વની કોઈ જગ્યા હોય તો એ સ્થળ ‘કેપ ઓફ ગૂડ હોપ’ છે. ભૌગોલિક રીતે આકર્ષક એવી આ જગ્યા જગતના ઈતિહાસમાં સવા પાંચસો વર્ષથી પોતાની જગ્યા બનાવી ચૂકી છે. મધ્યયુગમાં જ્યારે ભારત સુધી પહોંચવાનો જમીન માર્ગ બંધ થયો ત્યારે યુરોપિયનો દરિયાઈ માર્ગ શોધવા નીકળી પડ્યા. પોર્ટુગલનો સાહસિક બાર્થોલોમ્યુ ડાયસ પણ ભારતનો રસ્તો શોધવા નીકળ્યો હતો.
દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે આવ્યા પછી ડાયસે પરત ફરવું પડ્યું. પરંતુ અહીંથી પૂર્વમાં આગળ જવાય તો ભારત આવી શકે એવી ડાયસને ખાતરી થઈ. માટે એ જગ્યાને પોર્ટુગલના રાજાએ ‘કેપ ઓફ ગૂડ હોપ (આશાવાદી ભૂમિ)’ નામ આપ્યું. એ પછી વાસ્કો-દ-ગામા ત્યાં થઈને જ ભારત સુધી પહોંચી શક્યો.
સવા પાંચ સદી પહેલા ડાયસને અહીં તોફાની વાતાવરણ, આકરો પવન, ગમે ત્યારે વરસી પડતો વરસાદ, ઉછાળા મારતા મોજાંનો અનુભવ થયો હતો. અહીંનું વાતાવરણ આજે પણ એવુ જ છે, માટે આ સ્થળનું સાચુ નામ ‘કેપ ઓફ સ્ટોર્મ (તોફાની ભૂમિ)’ છે. અહીં દીવાદાંડી, હાઈકિંગના શોખિનો માટે બનાવેલા ટ્રેક, નાની એવી હોટેલ, વગેરે સગવડ છે.
અહીં મોટી સંખ્યામાં બબૂન પ્રકારના વાનર રહે છે, જ્યારે ઝેબ્રા, જંગલી ઊંદંર, કદાવર પક્ષી શાહમૃગ વગેરે જોવા મળે છે. ‘પ્રોએટા’ નામનું દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રિય ફૂલ પણ સિઝન પૂરતું અહીં ખીલી ઉઠે છે. આ આખો વિસ્તાર ટેબલ માઉન્ટેન નેશનલ પાર્કનો ભાગ જ ગણાય છે.
દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષતા કેપ ટાઉનમાં આ સિવાય પણ ઘણા આકર્ષણો છે. ડઝનથી વધારે તો ઈન્ડિયન રેસ્ટોરાં છે. અહીનું વાતાવરણ ગુલાબી ગણીએ કે ન ગણીએ પણ તંદુરસ્ત તો ગણી જ શકાય, કેમ કે શહેર પ્રવાસીઓના શરીરમાં સ્ફૂર્તી ભરી દે છે.