ભાવનગર નજીક આવેલું વેળાવદર નેશનલ પાર્ક કાળિયાર હરણ/Blackbuck માટે આખા જગતનું અનોખું અભયારણ્ય છે. તો વળી હેરિયર પ્રકારના પક્ષીનું એશિયાનું સૌથી મોટું આશ્રયસ્થાન છે. તેની મુલાકાતનું સંપૂર્ણ માર્ગદર્શન
– વિશાલ શુક્લ
એ વહેલી સવારે અમે કાળિયારના ગઢમાં પહોંચ્યા. અમારી જેમ જ હજુ સૂર્યના કિરણો પણ અહીં પગરણ માંડી રહ્યા હતા, ઘાસ જાણે સોનેરી કલેવર ધારણ કરી રહ્યું હતું. કુદરતની એ કરામત જોતાં-જોતાં અમારી નજર દૂર સ્થિર થઈ. સો-સવાસો હરણનું ટોળું શાંતિથી કૂણું ઘાસ ચરી રહ્યુ હતું. ટોળાંનો આગેવાન એક મોટા શિંગડાવાળો નર ચરતાં ચરતાં ચોતરફ નજર રાખી રહ્યો હતો. બાળમૃગો આમ તેમ કુદાકુદ કરી રહ્યાં હતાં.
એ શાંતિભરી પ્રક્રિયા વચ્ચે અચાનક બાવળની ઝાડીમાં જરા સળવળાટ થયો. શું થઈ રહ્યું છે એ અમને કે હરણને કોઈને સમજાય એ પહેલા એક વરુ આ ઝૂંડ ત્રાટક્યું, હરણસભામાં ભાગમભાગી મચી ગઈ.
સ્પ્રિંગની જેમ ઉછળી શકતા અને રોકેટની જેમ ભાગી શકતા હરણાં તો ભાગ્યા પણ વરુનો પ્રયાસ સાવ સફળ ન ગયો. એક નાનકડું હરણીયું વરુના મોઢામાં દબાયું. એ ઢસડીને વરુ ફરીથી ઝાડીમાં ચાલ્યું ગયું.
ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર જોવા મળે એવું આ દશ્ય અમને નજર સામે વેળાવદર નેશનલ પાર્કમાં જોવા મળ્યું હતું. માત્ર અમને શું અહીં આવનારા અનેક પ્રવાસીઓને નિયમિત રીતે કાળિયારનાં ટોળાં અને વધારે સારા નસીબ હોય તો અહીં વર્ણવ્યું એવા શિકારદૃશ્યોના સાક્ષી પણ બનવા મળે.
*****
ગુજરાતમાં જંગલો ઘણા છે, પણ એમાંથી ચાર નેશનલ પાર્ક છે. એમાંનું એક એટલે ભાવગરથી ૫૦ કિલોમીટર દૂર આવેલું ‘વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક’. અમદાવાદથી ભાવનગર જતાં રસ્તામાં જ તેનું પ્રવેશદ્વાર પણ આવે છે. પાર્ક માંડ ૩૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે પણ એનાથી તેની વન્યજીવ સમૃદ્ધિ કે પ્રાકૃતિ સૌંદર્ય ઓછું નથી થતું.
રજવાડી યુગમાં ભાવનગરના રાજવીઓ અહીં ચિત્તાને છૂટા મુકી તેના દ્વારા કાળિયારનો શિકાર કરાવતા હતા. એ કળા ‘ચિત્તેવાની’ તરીકે ઓળખાતી હતી. હવે તો ૧૯૭૬થી આ વિસ્તાર નેશનલ પાર્ક જાહેર થયેલો છે.
આ પાર્કમાં લગભગ સાડા ચાર હજાર કાળિયાર વસે છે. એટલે સો-સવાસોનું ટોળું જોવા મળે અને આપણને એ મોટું લાગે તો પણ પાર્કની વસતી પ્રમાણે એ નાનું ગણી શકાય. અલબત્ત, કાળિયાર આવા ટોળાંમાં જ રહેવા ટેવાયેલા હોય છે. પાર્કની સીમા તો નિર્ધારિત છે, પણ કાળિયાર આસપાસના ૩૫-૪૦ ગામોની સીમમાં વિહરતા રહે છે!
એશિયાનું સૌથી મોટું હેરિયર આશ્રયસ્થાન
પ્રવાસીઓ માટે અહીં કાળીયાર સીવાય અન્ય આકર્ષણનું કેન્દ્ર છે. શિયાળામાં દુનિયાભરના અનેક પક્ષીઓ આપણે ત્યાં આવે છે અને કેટલાક અહીંથી પસાર થતી વખતે ગુજરાતના જળાયશો-જંગલોમાં વીરામ લેવાનું પસંદ કરે છે.
એમાં આ વન-વગડો પટ્ટાઈ (હેરિયર) પ્રકારના પક્ષીનું એશિયાનું સૌથી મોટું આશ્રયસ્થાન છે. આ હેરીયર એટલે કે ‘પટ્ટાઇ’ એ શિકારી કુળનું પક્ષી છે. જેની મુખ્ય ૪ જાતો અહીં જોવા મળે છે. સૌથી વઘુ મોન્ટેગ્યુ હેરીયર, પાલ હેરીયર ત્યાર બાદ માર્શ હેરીયર અને હેરીયર. આ ચારેય જાતના ૫ક્ષીઓ કઝાકિસ્તાન અને સાયબિરિયા જેવા ધરતીના ઉત્તર છેડાના ઠંડાગાર પ્રદેશોમાંથી શિયાળો ગાળવા અંદાજે ૮૦૦૦ કિ.મી. જેટલું અંતર કાપી અહીં આવી પહોંચે છે. પાર્કની મુલાકાતે આવ્યા પછી આ ૫ક્ષીઓ રસ્તા ૫ર બેસેલા અને હવામાં શિકારની શોઘમાં મંડરાતા જોવા મળે છે. પક્ષી નિરિક્ષણની થોડી સમજણ હોય તો આસાનીથી ઓળખી શકાય.
દુર્લભ ખડમોરનું પણ નિવાસસ્થાન
કાળિયાર અને હેરિયર પછી ત્રીજું આકર્ષણ એટલે ‘લેસર ફલોરીકન’ (ખડમોર) ૫ણ અહી જોવા મળે છે. ચોમાસામાં આ ૫ક્ષી અહી આગમન કરે છે. આ ૫ક્ષી બસ્ટાર્ડ પ્રકારનું લુપ્ત થતી પ્રજાતિનું ૫ક્ષી છે. જે ગણી-ગાંઠી જગ્યાએ જ જોઇ શકાય છે. જે અહી સપ્ટેમ્બર માસમાં આવે છે અને બચ્ચા જણી તેને ઉછેરી ફરી ચાલ્યા જાય છે! ૫રંતુ, કમનસીબે એ સમયે પાર્કમાં પણ વેકેશન હોય છે, કેમ કે ચોમાસામાં વનવિસ્તાર બંધ રાખવો પડે. માટે સામાન્ય સંજોગોમાં પ્રવાસીઓ ખડમોરની ઉછળ-કૂદના દર્શન કરી શકતા નથી.
ખડમોર ન દેખાય તો શું થયું? અહીં એ સિવાય સારસ બેલડી, કૂંજનાં ટોળાં, દુઘરાજ, સ્ટોનચાટ વગેરે જેવાં ૧૮૯ જાતના ૫ક્ષીઓ અહીં જોવા મળે છે. એમાંથી ૫૦ તો દુર્લભ પ્રજાતીના પક્ષી છે, પણ અહીં આસાનીથી જોઈ શકાય છે.
કાળિયાર સિવાયના અન્ય પ્રાણી
સસ્તન પ્રાણીઓમાં મુખ્યત્વે અહી કાળીયાર સિવાય ઇન્ડિયન ગ્રે વુલ્ફ, સ્ટ્રીપ્ડ હાયના (ઝરખ), ઇન્ડિયન ફોક્સ (લોમડી), શીયાળ, જંગલ કેટ, બ્લુ બુલ (રોઝ-નીલગાય) જેવા પ્રાણીઓને મુક્ત રીતે વિહરતા માણી શકીએ છીએ.
ક્યારે જઈ શકાય?
- વેળાવદર રાષ્ટ્રિય ઉદ્યાન ૧૬મી ઓકટોમ્બરથી ૧૫મી જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહે છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય ઓકટોમ્બરથી ફેબ્રુઆરી સુઘીનો હોય છે.
- આ પાર્કમાં પ્રવેશ માટેના પાસ સ્થળ ૫ર જ રીસેપ્શન સેન્ટર ૫રથી સહેલાઇથી મળી રહે છે.
- પ્રવાસી પોતાના વાહનમાં જ બેસીને પ્રવાસની મજા માણી શકે છે. જો પ્રવાસને વઘુ એડવેન્ચરસ બનાવવો હોય તો બહાર ખુલ્લી જીપ્સી ભાડેથી મળી રહે છે. પાર્કમાં વિહરવા માટે સાથે ગાઇડ રાખવો જરૂરી છે. જે બૂકીંગ કાઉન્ટર ૫રથી ફાળવી આ૫વામાં આવે છે.
- પાર્કમાં સફારી લગભગ ત્રણેક કલાક ચાલે છે. એ દરમિયાન ભડકાઉ રંગના ન હોય એવા કપડાં પહેરાવા જોઈએ (કેમ કે ભડકાઉ રંગ પ્રાણીઓને ભડકાવી શકે છે અને એ નજીક જ ન આવે એવું બની શકે). પીવાના પાણી ઉપરાંત સાથે દૂરબીન હોય તો વન્યજીવોને માણવાની વધુ મજા આવશે.
ભોજન-પાણી સાથે રાખવું
એ યાદ રાખવું કે અહીં આજુબાજુમાં રેસ્ટોરાં કે ખાણી-પીણીની સગવડ નથી. માટે પોતાના રોકાણ મુજબ એ સામગ્રી સાથે રાખવી જોઈએ. ધારો કે સાથે નથી લાવ્યા તો પછી ટિકિટ લેતી વખતે બૂકિંગ કાઉન્ટર પર જાણ કરવાથી ૧૫૦ રૃપિયાની થાળીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
રાત્રી રોકાણની સગવડ
જંગલમાં રાત રોકાવવી એવું પ્રવાસીઓનું સપનું હોય છે. અહીં એ સપનું આસાનીથી પુરું થઈ શકે એમ છે. રોકાણ માટે અહીં એસી, નોન-એસી અને ડોરમેટરી એમ ત્રણ પ્રકારના રૃમની સગવડ છે.
અલબત્ત, આ માટે સ્થળ પર બૂકિંગ નથી થતું. પાર્કના ડિરેક્ટર (મદદનીશ વન સંરક્ષક)ને અગાઉથી જાણ કરવી પડે. તેની ઓફિસ આમ તો બહુમાળી ભવન, ભાવનગર ખાતે રૂબરૂ અથવા ટેલિફોનિક ફોન નં.૬૩૫૩૨૧૫૨૫૨ ૫ર અથવા ઇ-મેઇલથી bbnp.reservation@gmail.com પર સં૫ર્ક કરવાનો રહે છે. અહીંના ફોરેસ્ટ ગેસ્ટહાઉસનું ભાડું એ.સી. રૃમ માટે ૧૩૦૦ અને નોન એ.સી.ના ૧૦૦૦ રૃપિયા છે. તો પણ લેટેસ્ટ ભાડું જતા પહેલા જાણી લેવું જોઈએ.
આ સિવાય પાર્કની આજુબાજુ કેટલીક ખાનગી લોજ આવેલી છે. જયાં રોકાણની સુવિઘાઓ ઉ૫લબ્ઘ છે. તેનું ભાડું જોકે ૬ હજારથી લઈને ૨૫ હજાર સુધીનું છે.
પાર્કમાં શું ન કરવું?
અમે પહોંચ્યા ત્યારે પાર્કના ફોરેસ્ટર મિલન જાળીલેએ અમને નમ્રતાપૂર્વક પાર્કની જૈવ વિવિધતા, પાર્કના નિયમો, શું કરવું, શું ન કરવું એ સૂચના આપી હતી. એ રીતે દરેક પ્રવાસીઓને આપવામાં આવે છે. પ્રવાસીઓની ફરજ છે કે તેઓ આ સૂચનાનું પાલન કરે.
જો આફ્રિકાના સવા જેવા ઘાસના મેદાનો, જળચર, ભુચર અને ખેચર આ તમામ જીવોને એક સ્થળે, એક સાથે માણવા હોય તો વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કની જીવનમાં એક વખત અચૂક મુલાકાત લેવી રહી.
Super
Great
Supar sir
Khub saras mahiti sir