
જૂલે વર્નની એક વાર્તા પાતાળમાં (જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ)માં લઈ જાય છે. આ વાર્તા પણ પાતાળમાં જાય છે, પરંતુ છેક પૃથ્વીના કેન્દ્ર સુધી નહીં. આ વખતે જવાનું છે, કોલસાની ખાણમાં…

બ્લેક ડાયમન્ડ્ઝ – જૂલે વર્ન
કાળા સૂરજના રહેવાસી – હરીશ નાયક
પ્રકાશક – આર.આર.શેઠ
કિંમત – ૧૫૦
પાનાં – ૨૪૦
સોરઠ સાથે સામ્ય ધરાવતા સ્કોટલેન્ડના એડિનબર્ગ-ગ્લાસગો શહેર અનેક વાર્તાઓમાં સ્થાન પામી ચૂક્યા છે. જૂલે વર્નની આ વાર્તા પણ એડિનબર્ગ પાસેની ખાલી પડેલી કોલસાની ખાણથી શરૃ થાય છે. કોલસાની ખાણમાં કોને રસ પડે.. વાર્તા વાંચવાની શરૃઆત કર્યા પહેલા એવો સવાલ થાય તો નવાઈ નથી.. પણ વાર્તા પૂરી થયા પછી એમ થશે કે નજીકમાં ક્યાંય કોલસાની ખાણ હોય તો એની પ્રક્રિયા કેવી હોય એ જોવા પહોંચી જઈએ. ખાણનું એટલું રસાળ વર્ણન વર્નદાદાએ કર્યું છે અને એટલો જ રસાળ અનુવાદ નાયકદાદાએ કર્યો છે. ગઈ કાલે લખાયેલી એ વાર્તાઓ આજની છે, આવતી કાલની છે. ૧૯મી સદીની છે, વીસમી સદીની છે, એકવીસમી સદીની તો છે જ છે.
સ્કોટલેન્ડ સરકારના આમંત્રણથી જૂલે વર્ન ૧૮૫૯માં સ્કોટલેન્ડના મહેમાન બન્યા હતા. એ પછી ફરી ૧૮૮૦માં પણ તેઓ સ્કોટલેન્ડની સફરે પહોંચ્યા હતા. એ પ્રવાસ પછી સ્કોટલેન્ડને ધ્યાનમાં લઈને બે કથા લખી ‘ધ ગ્રીન રે’ અને ‘બ્લેક ડાયમન્ડ્ઝ’.

બ્લેક ડાયમન્ડ્ઝએ અંગ્રેજી નામ છે, વાર્તાનું ફ્રેન્ચ નામ તો Les Indes noires છે. તેના અંગ્રેજી અનુવાદકોએ તેનો અનુવાદ ચાઈલ્ડ ઓફ ધ કેવર્ન, સ્ટ્રેન્જ ડુંઈગ્સ અન્ડરગ્રાઉન્ડ, ધ અન્ડરગ્રાઉન્ડ સિટી… વગેરે નામ આપ્યા છે. કવિ તરીકે કારકિર્દીની શરૃઆત કરનારા જૂલે વર્ને પોતાની કવિતા પણ આ વાર્તામાં રજૂ કરી છે.
આ વાર્તામાં સાહસ છે, સાથે સાથે ભરપૂર સસ્પેન્સ પણ છે. સસ્પેન્સ ખૂલી ન જાય એ રીતે તેના અંશો તપાસીએ..
- કહેનાર તેમને કાળી દુનિયાના સફેદ રાજા કહેતા.
- ઈંગ્લિશ પ્રજાએ સ્વાભાવિક રીતે જ કોલસાને લઈને સમગ્ર ઈંગ્લિશભૂમિનું નામ બ્લેક-ઈન્ડિઝ આપી દીધું હતું.
- કોલસાની અછત શબ્દ જૂનો થઈ ગયો. કોલસાના દુષ્કાળની જોખમગાથા શરૃ થઈ ગઈ. આગળ ઉપર કોલસા-પ્રલયનો ભયસંકેત દોહરાવવામાં આવ્યો.
- જેમ્સ સ્ટારને રાજાલક્ષી કે ઉમરાવલક્ષી આ જીવન-પદ્ધતિ ગમતી જ ન હતી. શા માટે જે અપાર અને અથાક મહેનત-મજૂરી કરે છે એ નાગરિક સામાન્ય કે સરેરાશ જીવન પસાર કરે અને શા માટે જીવવા માટે કોઈ કામગીરી નહીં કરતા કહેવાતા શાસકો દોમદોમ સાહ્યબી ભોગવીને એશોઆરામમાં જિંદગી વિતાવે?
- તેમણે ડિટેક્ટિવ વાર્તાઓમાં વાંચ્યુ હતું કે આવા સંજોગોમાં કોઈ સતત નજર રાખે છે.
- દુનિયામાં માન આપનારા બે જ વ્યવસાય છે ખાણિયા અને પાદરી.
- બાકી સાહેબ, તેના અંતિમ ઉપદેશો ખરેખર ધારદાર હોય છે. એક વખત પોપશ્રીએ કહ્યું હતું કે એના અંતિમ ઉપદેશ સાંભળવા માટે તો મરવાનું મન થઈ જાય છે.
- માણસ વિજ્ઞાનની દિશામાં આગળ વધતો હતો, પણ એ દિશા કદાચ સ્વાર્થની દિશા હતી. પશુપંખી, જળજમીન, આકાશવાયુ બધાંએ માણસ માટે જ જીવવું જોઈએ અને માણસ માટે જ જીવવું જોઈએ અને માણસ માટે જ કામ કરવું જોઈએ, એવો સિદ્ધાંત અજાણી રીતે પ્રતિપાદિત થતો હતો.

- અજવાળામાંથી અંધારામાંનો આ પ્રવાસ ક્યારેક માનવીને થકવી નાખે છે.
- કદી મોટાં ન થયેલાં કારીગરો અહીં વળી સંતાકૂકડીની રમત પણ રમી લેતાં.
- દરિયાઈ સપાટીથી ઉપર, એવું આપણે ત્યાં ઊંચાઈ માપવાનું ધોરણ છે. સાયમન ફોર્ડ એ જ રીતે નીચે પંદરસો ફીટના ઊંડાણમાં સહકુટુંબ હેમખેમ જીવન વિતાવતો હતો. તે ખુશ હતો.
- તેમના એ લક્ષ પાછળ તેઓ એટલા ખૂંપેલા રહેતા કે આડીતેડી ઢંગધડા વિનાની પાયા વગરની વાતો સાંભળવાનો તેમની પાસે સમય જ રહેતો નહીં.
- અવાવરું, ભેદી, ભંગાર, માનવીના પગલાં પડ્યાં વગરની, છાયાપ્રકાશની આકૃતિઓ સર્જતી જગાઓ આવી ભૂતકથાઓને વધુ હવા પૂરી પાડે છે અથવા વાવંટોળને તોફાન પુરું પાડે છે.
- એક વખત તેમણે ચોંકાવનારું કૌતુક જોયું. અગાઉ જ્યાં માર્ગ ન હતો ત્યાં એકાદ માણસ પસાર થઈ શકે એવો માર્ગ થયાની તેમને શંકા ગઈ.
- તેનાં હાથમાંનો નવો કોલસો તેને અત્યારે કોઈ નાજુક નવયુવતીના હાથના સ્પર્શ કરતાં વધુ રોમાંચ આપતો હતો.
- મૂર્ખાઓ ધસી જાય છે ત્યાં, જ્યાં દેવદૂતો પગ પણ મૂકતાં વિચાર કરે છે.
- પછી તો ‘આમ જવું જોઈએ’, ‘ના, આમ ચાલો’, ‘આમ કહું છું ને’, ‘એમ ક્યાં ખાડામાં પડવા જાઓ છો, આમ ચાલો..’ એવાં ચોતરફા માર્ગદર્શન સાથે બધા માર્ગને વધુ ગૂંચવવા લાગ્યા.
- હવે ઇજનેરશ્રી જેમ્સ સ્ટાર જેવા ખાણોના રાજા, ખાણોના મહામાનવ કે ખાણોના દેવતા મનાતા માનવી આમ એકાએક અદૃશ્ય થઈ જાય, એ તે કંઈ જેવીતેવી વાત છે?
તેમની ઊઠવા-બેસવાની, હરવા-ફરવાન, વાંચવા-લખવાની, સૂવા-બેસવાની બધી આદતોનો અભ્યાસ કરવામાં આવ્યો.

- પણ ઘણી વાર એવું બનતું જ હોય છે. મોટા નામ હેઠળ સાચું અને શાંત કામ કરનારા ઘણાં નાના માણસો અણપૂછ્યા અણપ્રીછ્યા જ રહી જતા હોય છે.
- અગનપરી, આગપરી, જલનપરી, અગ્નિપરી! હવે કોઈ નહીં બચે, કોઈ નહીં, કોઈ નહીં. અંધશ્રદ્ધાળુ, અભણ, અજાણ્યા, અજ્ઞાની, લોકોએ રાડારાડ કરી મૂકી.
- છાપાંઓ સંયમ સાથે પણ મથાળું બાંધતાં : મોટોલા કાંડ-હજી પોલીસ અંધારામાં, અટવાતું ન્યાયતંત્ર, અદભૂત સૃષ્ટિમાં વધતો જતો લોકોનો વિશ્વાસ.
- જેક રાયને નીચેની જે વસ્તુ બતાવી એ વસ્તુ ન હતી, જિંદગી હતી, જીવંત કાયા હતી એટલે કે માનવદેહ હતો.
- હેરી આ બધી જ અંધારી આલમ હવે સ્વાભાવિક આંખે જોઈ શકતો. સતત અંધકારમાં રહી તેની આંખ અંધકારલક્ષી બની ગઈ હતી.
- બધાંના મોઢામાં પાણી આવી ગયું. સંયમ ચૂકી જતાં કેટલાક શીસકારા યા ચૂસકીઓ જાહેરમાં ધ્વની ફેલાવી ગઈ.
- ત્યારે અગનપરીને તમે અગનદાનવી, અગનદિવ્યા, અગનદુષ્ટા, અગનઅભિષિકા, અગનવિનાશિકા એવાં નામ કેમ દેતાં નથી?
- નેલને બહાર જવાની ના કહેવામાં આવી હતી, છતાં એક દિવસ કુટીરની બહાર ગઈ. એ માનવીય સ્વભાવ છે કે જે માટે તેને ના કહેવામાં આવે તે એ અચૂક કરે જ છે.
- હા, એક જમાનામાં અમે એને ઘુવડ-માનવ તરીકે ઓળખતા હતા.
- અમર ગીતગુંજનમાં નેલનો હજીય પરી તરીકે જ ઉલ્લેખ થાય છે : શિતપરી, કોલસાપરી, હસતીપરી, ગમતીપરી, સુખદપરી, આહલાદકપરી!
