ભરતવન-સીતાવન : નીલ ગગન સે ભી પરે હૈ…

જૂનાગઢના પાદરમાં ઉભેલા ગિરનારનું આરોહણ કરનારા બહારના પ્રવાસીઓ મોટે ભાગે અંબાજી મંદિર સુધી જતાં હોય છે. અંબાજી એટલે જ ગિરનાર એવી વ્યાપક સમજ છે, જે બહુ મર્યાદિત છે. ગિરનારમાં એવા અનેક સ્થળો છે, જેની મુલાકાત વગર ગિરનાર પ્રવાસ અધુરો ગણાય. એમાનું એક સ્થળ એટલે ભરતવન…

સાદગીપૂર્ણ મંદિર અને સાદગીપૂર્ણ મહાત્મા

બન્ને બાજુ ખાસ્સા ઊંચા વૃક્ષો છે. એ વૃક્ષોના થડ વળી બે-ચાર જણ થઈને ભાથ ભીડે ત્યારે સમાઈ શકે એવા કદાવર છે. જોતાં વૃક્ષો ખાસ્સા ઊંમર લાયક હોવાનો સંકેત મળી રહે. વીસેક ફીટ ઊંચેથી વૃક્ષોના પાંદડા શરૃ થાય છે. એટલે ઘણી વખત એવુ લાગે કે જંગલની બનેલી બખોલમાં સફર કરી રહ્યાં છીએ..જોકે વાંસના છોડવા આવે એટલે ઊંચી રહેલી વનરાજીને એક પાયરી નીચે ઉતારી દીધી હોય એમ જમીન સરસી વનરાજી શરૃ થઈ જાય છે. નીચે જમીન એવી છે કે જેને પહેલી નજરે રસ્તો કહી શકાય એમ નથી.

તળેટીમાંથી અલગ પડતો રસ્તો અને પછી આગળ જતાં પગથિયાં..

જ્વાળામુખી ઠરીને બનેલા અગ્નિકૃત ખડકો, ખડકોના અંશો વિખરાયેલા પડયા છે.. બે પથ્થર વચ્ચે દેખાય એ જમીન પર પગ મુકીને આગળ ચાલતા જવાનું. ક્યાકં વળી પથ્થરો જ પથ્થરો. જમીન દટાઈ ગઈ હોય તો લપસણા પાણાઓ પર જ સાવધાનીપૂર્વક પગલા માંડતા આગળ ચાલવાનું. એક તબક્કે એવુ પણ લાગે કે ડિસ્વકવરી ચેનલની ટીમ એમેઝોનના જંગલોમાં ચાલી જતી હોય એવુ આ દૃશ્ય છે. સાવ રસ્તો નથી એવું પણ નથી.. ક્યાંક ક્યાંક નવાબીકાળમાં બંધાયેલી પથ્થરની સીડી સફર સાથે તંતુ સાધી આપે છે.

સફર શરૃ કર્યા પછી થોડે આગળ જતાં જટા શંકરનો રસ્તો અલગ પડે છે. Girnar Old steps લખ્યું છે એ જ હકીકતે ભરતવન-સીતાવન જવાનો માર્ગ છે. એ પછી આગળ કોઈ સ્થળ નથી.

તડકો સાવ નથી પહોંચતો એવી બધી ગાઢ વનમાળા નથી, પણ ત્રણેક થરમાં ફેલાયેલી વનરાજી વચ્ચે તડકાને જમીન સુધી પહોંચવામાં કષ્ટ જરૃર થાય છે. આમ તો સર્વત્ર લિલોતરી જ નજરે પડે છે, પણ ક્યાંક પીળા પડેલા પાંદડા અને સિલેટિયા રંગના ખડકો લીલોદ્યાન વચ્ચે થોડો ભાગ પોતાના નામે કરી લે છે. વળાંકદાર વેલાઓ તમારા માથા સાથે ન ભટકાય એનું ધ્યાન રાખીને તમારે આગળ વધવાનું છે. ક્યાંય સીધો સપાટ રસ્તો હોવાનો તો સવાલ નથી. દસેક ફીટથી વધારે દૂર ન દેખાય એવા વળાંકો છે તો વળી પંદર-પચીસ ફીટના ઉતરાણ અને એવા જ ચઢાણ પણ આવે છે.

જે નથી દેખાતો એ ગિરનાર

એ  બધુ હોવા છતાં ગિરનારમાં સીતાવન (બીજુ નામ શેષાવન)થી ભરતવન જતો આ રસ્તો કાપવો જરા પણ મુશ્કેલ નથી. પ્રકૃતિ-રખડપટ્ટીની મજા માણવી હોય એમના માટે તો નહીં જ. ગિરનાર જતા પ્રવાસીઓ મોટે ભાગે ગિરનાર એટલે અંબાજી અને બહુ બહુ તો દતાત્રેયનો પ્રવાસ સમજે છે. હકીકતે આ તો ગિરનારના બે જાણીતા સ્થળો માત્ર છે. તેના પ્રવાસથી ગિરનાર સમજી શકાય એમ નથી. ગિરનારમાં અનેક સ્થળો-જગ્યાઓ રખડવા જેવી છે.

તળેટીએથી આકરો લાગતો ગિરનાર ઉપર જતાં સોંદર્યવાન સ્વરૃપ ધારણ કરે છે. અલબત્ત, પહેલી તસવીર ગિરનારના આગળથી દેખાતા ભાગની છે, ભરતવન તેની પાછળની બાજુએ આવેલું છે.

ગિરનારના પાછળના ભાગે (જૂનાગઢથી જે ગિરનાર દેખાય છે એના પાછળના ભાગે) બહુ ઓછા પ્રવાસીઓ જાય છે. જન્માષ્ટમી કે રામનવમી જેવા પ્રસંગોએ અહીં ભીડ હોય એ સિવાય તો ભેંકાર શુન્યતા પણ માણવા જેવી છે. ભરતવન પહોંચીને ગિરનારના અનોખા દર્શન થાય છે. ગિરનાર પાછળ આવેલા ગામો, ગિરનારની ટેકરીઓએ ખોબો ભરીને વચ્ચે તૈયાર કરી હોય એવી ખીણ, ખીણમાં આવેલી જીણાબાવાની મઢી જેવી બે-ચાર જગ્યાઓ, પાણીનો એકાદ ડેમ.. વગેરે અહીંથી દેખાય છે.

તળેટીમાં કોઈને રસ્તો પૂછવો પડે, પછી તો ભૂલા પડવાનો સવાલ નથી કેમ કે એક જ સીડી પર આગળ વધવાનું છે.

નામ પ્રમાણે રામને મળવા ચિત્રકૂટ જતાં ભરતે અહીં વિસામો કર્યો હોવાની માન્યતા છે. એટલે અહીં રામનું મંદિર છે, પુજા કરવા માટે એક સંત છે જે કોઈ પણ પ્રવાસીને એક સરખા ઉમળકાથી જ આવકારો આપે છે. અહીં આવે એ પ્રવાસીઓને ચા-પાણી-જમવાનું વગેરે જોઈએ એ મળી રહે છે. કોઈને હાથે બનાવવું હોય તો એ સુવિધા પણ છે. પથ્થર કોરીને બનાવેલા રસોડા સહિત નાના-મોટા ડઝનેક ઓરડાઓ છે, જ્યાં પ્રવાસીઓ રાત રહી શકે છે. કોઈને ખુલ્લામાં સુવુ હોય તો છૂટ છે, પણ રાત્રે દીપડો આવે ત્યારે કરીશુ શું એ વિચારી લેવુ રહ્યું. ભુતકાળમાં એક પુજારીનો પગ દીપડો ખાઈ ગયો હતો!

તમે પોતે જ વનના માલિક

અરૃણાચલમાં પહોંચ્યા પછી ભારતનો છેડો આવી જાય એમ ભરતવન સંભવત ગિરનારનો છેડો છે. એ પછી ગિરનાર તો છે પણ જઈ શકાય એવો રસ્તો નથી. એટલે કોઈ આગળ જતુ પણ નથી. અંબાજી પહોંચવાની સીડી પર થાંભલાઓ ખોડી લાઈટ્સ ફીટ કરેલી છે, એટલે રાતે સરળતાથી આરોહણ-અવરોહણ કરી શકાય છે. ભરતવનની સીડીમાં એવુ નથી. એટલે રાતે ગિરનારની સફર કેવી હોય એ જોવુ હોય તો રાત્રે નહીં તો મોડી સાંજે ભરતવનની સીડીની સફર કરવા જેવી છે. વળી અંબાજીની સીડી માફક અહીં ભીડ નથી હોતી. દસ રૃપિયાની વેફર પંદરમાં પધરાવતી દુકાનો પણ અહીં આડી આવતી નથી. એટલે જાણે આખો ગિરનાર આપણા નામે કરી દીધો હોય એવો અહેસાસ આ સીડી કરાવી શકે છે. એ અહેસાસ જ સફરની મજા વધારતો રહેશે. કોઈ રોક-ટોક કરનારુ હોય નહીં તો પછી લહેજત કેમ ન આવે?

આખુ બાંધકામ પહાડી ભુપૃષ્ઠ પર થયેલું છે. પહેલી તસવીરમાં દેખાય એ કુંડનો દરવાજો છે, બીજી તસવીર આગળના ખુલ્લાં વિસ્તારની છે. જે વૃક્ષ દેખાય એ ફણસના છે, જેના પર સિઝનમાં ફળ પણ જોવા મળે.

ભરતવન જવા માટે સીતાવન સુધી તો સીડી છે જ. પછી આગળ વર્ણન કર્યું એવો રસ્તો શરૃ થાય છે. સિતાવન પાસે જ એક ગુફા છે. પથ્થરમાં નાનકડી જગ્યામાંથી અંદર જવાની હિંમત થાય તો એક ઓરડા જેવી જગ્યા છે. સાધુનો ધૂણો છે અને સુવાની પથ્થરની બનેલી પથારી પણ છે! અહીંનો ગિરનાર તમને અલગ જ પ્રકારનો લાગશે. રસ્તામાં ધ્યાનથી જોશો તો એક વિશાળ ખડક દેખાશે જે દૂરથી કોઈ માનવ મહોરુ કોતર્યુ હોય એવુ લાગે છે.

પ્રથમવાર જનારાઓ માટે

જૂનાગઢની તળેટીમાં જઈને કોઈ પણ ને પુછો એટલે ભરતવનની સીડી બતાવી આપશે. એ સીડી મળી જાય એટલે કોઈ ગાઈડની જરૃર નથી. ચડવાની કોઈ ટિકિટ નથી કે નથી કોઈ નિયમો. પહેલી વખત ભરતવન જનારાઓ માટે સીડી-આરોહણ ત્રણેક કલાક ચાલી શકે. એટલે વહેલી સવારે ચાર-પાંચ વાગે શક્ય હોય તો સફર શરૃ કરવી જોઈએ. એનાથી ચઢાણ સરળ બનવા સાથે કોઈ પારકા ગ્રહ પર આવી ચડયા હોઈએ એવુ પણ લાગશે.

રસ્તાનું વૈવિધ્યપૂર્ણ સોંદર્ય અને વિધવિધ પ્રકારની વનસ્પતી

પહેલી વખતની સફર હશે તો માંડ સો-બસ્સો પગથિયા ચડાશે ત્યાં થાક લાગવાનું શરૃ થશે. પરંતુ નથી ચલાતુ, પગ દુખે છે, શ્વાસ ચડે છે.. એવી વિવિધ આડખીલીઓ વચ્ચે બને ત્યાં સુધી પોરો ખાવા બેસવું નહીં. એમ થાય કે હવે તો હું પડી જઈશ ત્યારે જ પહેલો બ્રેક લેવો. કેમ કે થાક વારંવાર લાગશે પણ બ્રેક લેવો એ ઉપાય નથી. એક વખત પોરો ખાશો એટલે શરીરને દર થોડા પગથિયે આરામ જોઈશે. એના બદલે પહેલો વિસામો લેતાં પહેલા જ વધુમાં વધુ પગથિયા પગતળે કરી નાખવામાં આવે તો બહુ વાંધો નહીં આવે. ટૂંકમાં ઓછામાં ઓછા વિશ્રામ સફર સરળ બનાવશે. એપાર્ટમેન્ટની બે-ચાર માળની સીડી ચડી ન શકાતી હોય એમના માટે આ સ્થળ નકામુ છે.

કાશ્મીર સિવાય અહીં પણ સ્વર્ગછે!

બ્રહ્માંડમાં બે તારાઓ વચ્ચેના ખાલી આકાશની માફક તળેટી છોડયા પછી ભરતવન નજીક આવે ત્યાં સુધીનો રસ્તો લગભગ ખાલી જ મળશે. એટલે પીવાનું પાણી સાથે રાખવું અનિવાર્ય છે. પરંતુ એ સિવાય વધારાનો જરા પણ સામાન રાખવો નહીં. ચોમાસાની સિઝન હશે તો જેમ જેમ ઊંચાઈ વધતી જશે એમ એમ વાદળોનું કવચ આપણી આસપાસ વિંટળાંતુ જશે અને નીલ ગગનમાં સફર કરતાં હોઈએ એવુ લાગશે. મીરાં બાઈ તો કદાચ અહીં નહીં આવ્યા હોય પરંતુ તેમણે લખેલું ભજન ‘નીલ ગગન સે ભી પરે હૈ સૈંયાજી કા ગાંવ (સાંસો કી માલા પે સિમરૃ મેં પી કા નામ)!’ આ સ્થળને ધ્યાનમાં રાખીને તો નહીં લખ્યુ હોય ને  એવો વિચાર પણ આવે.

આ બાહ્ય રસોડું છે, એક રસોડું પાછળ ગુફા જેવું છે, જે બે પથ્થરોના મિલનથી બનેલું છે. પ્રવાસીઓને જ્યાં રસોઈ કરવી હોય ત્યાં છૂટ.

ચાલુ વરસાદે સફર કરવાની પણ અનેરી મજા છે. એ વખતે એવુ લાગશે કે કાશ્મીર સીવાય ઘણી જગ્યાએ સ્વર્ગ છે અને તેમાંની એક જગ્યા ભરતવન છે. ચોમાસામાં રખડવું હોય તો રેઈનકોટ, પાણીની બોટલ, લાકડી, કેમેરા… સિવાય કોઈ સામાન સાથે લેતી વખતે ખરેખર એ સાથે લેવો અનિવાર્ય છે કે કેમ એ વિચારી લેવું. સીડી બન્ને બાજુની ખીણો એકદમ જોખમી છે એટલે તેના દૂરથી દર્શન કરી લેવા સારા.

વાનર દેખાશે, દીપડો નહીં દેખાય

રસ્તામાં બે-ચાર સ્થળે મર્કટના ટોળાં આવશે. એ વખતે સામાન સાવધાની પૂર્વક પકડી રાખવો, વાનરોને ખોટી સળી કરવી નહીં, તમે એનાથી ડરો છો એવો દેખાવ કરવો નહીં અને ત્યાંથી પસાર થઈ જવું. આ સીડી પર દીપડાના હુમલાના કો’ક, કો’ક બનાવો બનતા રહે છે. એટલે બને ત્યાં સુધી ટોળકીથી નોખુ પડવું નહીં. સીડી ચડવાનું ચાલુ કર્યા પછી ઝાડી-ઝાંખરામાંથી એકાદ લાકડી મળી આવે તો હાથમાં રાખવી. લાકડી તોડવાનો પ્રયાસ કરવો નહીં કેમ કે એમ કરવાથી તમે વન-ખાતાના ગુનેગાર બની જશો. ખાસ તો એટલું જ યાદ રાખવાનું કે તમે જંગલમાં આવ્યા છો એટલે તમે જેટલી જંગલની ગરિમા જાળવશો એટલી જંગલ તમને મજા કરાવશે.

પરત આવ્યા પછી કદાચ જરૃર પડે તો તળેટીમાં જ આવા બોર્ડ પણ વાંચવા મળશે

ગિરનારનો આ ભાગ જોવા-માણવા જેવો હોવા છતાં વણખેડાયેલો છે. અને વણખેડાયેલો છે એટલે જ કદાચ માણવા જેવો રહ્યો છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *