ગીરમાં સિંહ છે.. અને સિંહ સિવાય બીજુ શું છે?

ગીરમાં સિંહ છે.. અને સિંહ સિવાય બીજુ શું છે?

 

ગુજરાતનાં બે ડઝન નેશનલ પાર્ક-અભયારણ્યો વચ્ચે ગીરનુ જંગલ બાદશાહી ભોગવે છે. દુનિયામાં આફ્રિકા બહાર સિંહો માત્ર ગીરમાં છે એટલે ગીર અને સિંહો એકબીજાની ઓળખ બની ગયા છે. પણ ગીરમાં સિંહો સિવાય જોવા જેવું ઘણું છે..

સિંહનો શિકાર કરવા પહોંચેલા કુંવરનું શું થયું?

૧૯૩૦માં રાજકોટની ગાદી પર આવેલા ધર્મેન્દ્રસિંહ ૧૯૪૦માં ગીરમાં મૃગયા ખેલવા ગયા હતા. એ વખતે સિંહ પર ગોળીઓ તો છોડી પણ સિંહ મરવાને બદલે ઘાયલ થયો.. પછી વારો સિંહનો હતો. ધર્મેન્દ્રસિંહનો પ્રહાર ખાલી ગયો પણ વનરાજનો પ્રહાર ખાલી ન ગયો.. શિકાર ખેલવા ગયેલા રાજકોટના કુંવર ખુદ શિકાર થયા અને એ પણ સાબિત થયું કે જોટાળી બંદૂરથી વીસ ફીટ ઊંચે માચડા પર ચડીને બેઠા બેઠા શિકાર કરે એને રાજા ન કહેવાય, પંજાભેગો પ્રાણ હરે એને રાજા કહેવાય.

વડોદરા નરેશને બચાવનારા બે યુવાનો, અર્જુન અને હરિ.

૧૯૩૩માં સયાજીરાવ ગીરમાં દલખાણિયા પંથકમાં શિકાર કરવા નીકળ્યા હતા. માચડા પર બેઠેલા રાજાએ સિંહ પર ઉતાવળે ગોળી છોડી એમાં નિશાન ચુકાઈ ગયું. હવે મૂછે લીંબુ લટકાવી ફરતા ગાયકવાડને પરસેવો વળવો શરૃ થયો. સિંહ માચડા પર હુમલો કરવાની તૈયારીમાં હતો (ભૂતકાળમાં સિંહોએ માચડા પરથી શિકારીઓને હેઠા નાખીને પ્રાણ હરી લીધા હોય એવા દાખલા નોંધાયા છે). બરાબર એ વખતે હાજર સુખપુરના બે કોળી યુવાનો હરિ અને અરજણ આડા પડયા અને જંગલના રાજાથી વડોદરાના રાજાને બચાવી લીધી હતા. ગાયકવાડે પોતાનો જીવ બચાવનાર બન્ને યુવાનોને વડોદરા બોલાવી સન્માનિત કર્યા. એટલું જ નહીં આવનારી પેઢીઓને એ બહાદુરીની ખબર પડે એટલા માટે કમાટીબાગમાં એ બન્ને યુવાનોનાં પૂતળાં મૂકાવ્યાં જે આજેય ઊભાં છે.

સિંહની ડણક અને ગીર નેશનલ પાર્કનો વનરવ હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. જગતભરમાં સિંહોના બે જ આવાસ છે, આફ્રિકા અને ગીર. ગીરનો સત્તાવાર વનવિસ્તાર તો ૧૪૦૦ ચોરસ કિલોમીટર કરતાં થોડોક વધારે છે, પણ સિંહો એ વિસ્તારની બહાર પોતાનું ફલક ક્યારના વિસ્તારી ચૂક્યા છે. ભારતનાં ૪૫૦થી વધારે અભયારણ્યોમાં ગીર એ રીતે અલગ છે.

ગીરમાં સિંહોનો વસવાટ સદીઓથી હતો જ. પણ ધ્યાન ૨૦મી સદીની શરૃઆતમાં ખેંચાયું જ્યારે સિંહોના શિકારને કારણે સંખ્યા ઘટીને ૧૨-૧૫ થઈ ગઈ. એ પછી જૂનાગઢ નવાબે સિંહોને રક્ષણ આપ્યુ, શિકારની મનાઈ ફરમાવી અને સિંહોની વસતીમાં વૃદ્ધિ થઈ. એ ઈતિહાસ જાણીતો છે. મોટા વડલાની છાયાંમાં નાનાં બીજાં વૃક્ષો ઊગી ન શકે એવી જ સ્થિતિ ગીરમાં થઈ છે. સિંહો બેશક ગીરના સુપર સ્ટાર છે, પરંતુ સિંહોનું લોકોમાં એટલું બધું આકર્ષણ છવાયું છે કે હવે ગીરના બીજા સૌંદર્ય તરફ ધ્યાન જ નથી પડતું.

પથ્થર પર ગાયનું પગલું કોણે કોતર્યું હશે

ખેતીપ્રધાન દેશમાં ગાયનું પગલું એ કોઈ જોવાની ચીજ નથી. પરંતુ પગલું જો કાળમીંઢ, અગ્નિકૃત ખડક પર કોતરાયેલું હોય તો? કોતરાયેલું પણ શા માટે, કુદરતી રીતે જ બનેલું હોય તો? પથ્થર પર પગલું કેવી રીતે હોઈ શકે? પણ છે. ગીરના જંગલમાં મેંદરડા પાસે મોટી ખોડિયાર અને નતાળિયા ગામો વચ્ચે આવેલી અડાબીડ વનરાજી વચ્ચે એક ખડક પર આ પગલું વર્ષોથી કોતરાયેલું છે.

OLYMPUS DIGITAL CAMERA

સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે કનૈયો ગાયો ચરાવવા અહીં આવતો હશે ત્યારે તેની ગાયોએ પાડેલાં આ પગલાં પૈકીનું એક પગલું છે. અન્યથા કોઈ વ્યક્તિ ખડક પર કઈ રીતે પગલું પાડી શકે? પગલાની બાજુમાં કોઈ ગોવાળની મોજડી હોય અને લાકડી ટેકવી હોય એવાં બે નિશાનો પણ હતાં. પરંતુ સતત વહેતા પાણીને કારણે એ બન્ને નિશાનો ઝાંખાં થઈ ગયાં છે જ્યારે પગલું અણનમ છે. જાતે જોયા પછી, સ્પર્શ્યા-અનુભવ્યા-પૂરતી તપાસ કર્યા પછી એટલી ખબર પડે છે કે એ પગલું કોઈ બનાવી શકે એવુ છે નહીં.

પથ્થર પર કોતરકામ કરીને કોઈ પગલું તૈયાર કરે તો આવો પરફેક્ટ આકાર થઈ શકે નહીં. પગલું જોતાં એક પણ રીતે એ કૃત્રિમ હોવાનું લાગતું નથી. શક્ય છે કે હજારો વર્ષ પહેલાં અહીં જ્વાળામુખી સક્રિય હોય અને ત્યારે રસદાર લાવા પર ગાયનું પગલું છપાયુ હોય..

ગાયનું એ પગલું હવે તો વિસ્તરેલા વન-વિસ્તારમાં સમાવી લેવાયુ છે, માટે ત્યાં સુધી વનખાતાની રજામંદી વગર જઈ શકાય એમ નથી. ફરતી બાજુ વનરાજી, વનરાજી વચ્ચે ‘ઊગી’ નીકળેલા કાળા ખડકો, દૂર ચરતા નિલગાય-હરણાં, ટહુકારા દેતા મોરલા વચ્ચે અહીંનુ જંગલ એકદમ શાંત છે. સ્થાનિક જાણકાર વગર ત્યાં સુધી પહોંચી શકાય એમ નથી. પરંતુ ગીરનું એ જીવતું જાગતુ રહસ્ય છે. અંગ્રેજી શાસનમાં ભારતના પશુધનનો અભ્યાસ કરતી વખતે આર્થર ઓલ્વરે પોતાના અભ્યાસમાં આ પગલાંની અચરજપૂર્વક નોંધ કરી હતી. અત્યારે ગુજરાતમાં પશુધનની બોલબાલા છે, કૃષિ યુનિવર્સિટીઓ અને કહેવાતા પશુ-નિષ્ણાતોનોય પાર નથી. પણ કોઈએ વૈજ્ઞાનિક ધોરણે આ પગલાનો અભ્યાસ કરવાની પહેલ કરી નથી.

ગાયના પગલાની જાત-તપાસ

પગલાની પાસે જંગલની સીમાની બહાર બીજી એક જગ્યા છે, સાત વડલા. સાત વડનાં વૃક્ષો અહીં એક લાઈનમાં સૈનિકોની માફક શિસ્તબદ્ધ ઊભાં હતાં. હવે સાત વડલા તો નથી રહ્યા પણ ચાર છે. આસપાસમાં બીજા વટવૃક્ષો છે, પણ સાત વડલાની ઓળખાણ અનોખી છે. આસપાસના ગામવાસીઓ માટે એ એમેઝોનના જંગલ જેવા વૈભવશાળી છે, શાળાના વિદ્યાર્થીઓ માટે પિકનિક સ્પોટ છે, તો માલ-ઢોર ચરાવતા પશુપાલકો માટે વિસામાનું સ્થળ છે. નજીકમાંથી પસાર થતા વોંકળામાં જનાવરો નિયમિત રીતે પાણી પીવા આવતાં રહે છે, એટલે ક્યારેક સિંહ-દર્શનનો પણ અહીં લાભ મળે ખરો.

મોટી ખોડિયાર એ મારું વતન છે, માટે ગાયના પગલે હું એકથી વધુ વાર જઈ આવ્યો છું. મારા વન-પ્રેમની શરૃઆત ત્યાંથી જ થઈ હતી.

અહીં તો બહારવટિયા જ રહી શકે..

રાવલ નદીનું ખળખળ વહેતું પાણી, બન્ને કાંઠે ભેખડો, અને ભેખડ ઉપર માથુ કાઢીને ઉભેલો એક ડુંગરો… એ ડુંગર ઉપર વેજલ કોઠો. પણ એમ વેજલ કોઠો નહીં ઓળખાય..

ઝવરેચંદ મેઘાણીની ‘સોરઠી બહારવટિયા’નાં પાનાં ઊઘડતાંની સાથે પહેલી જ કથા આવે ‘જેસાજી-વેજાજી’ની. ૧૫મી સદીમાં થઈ ગયેલા એ આધુનિક ગુજરાતના પહેલા બહારવટિયા હતા. જેસાજી-વેજાજીની લાંબી કથા મેઘાણી આલેખી ચૂક્યા છે. એ બહારવટાનાં સાડા-ચારસો વર્ષ પછી એ જગ્યા એવી જ ભેંકાર છે. માન્યતા પ્રમાણે ત્યાં જેસાજી-વેજાજીનો કોઠો (કિલ્લો-મકાન) હતો. હવે કોઠો નથી, પરંતુ પુરાતન બાંધકામના કેટલાક અવશેષો વેર-વિખેર પડયા છે. વેજલ માતાજીનું મંદિર છે, પરંતુ જંગલની પાબંધીને કારણે અહીં નિયમિત કોઈ આવતુ નથી.

વેજલ કોઠા સુધી પહોંચવાનું કામ સાત કોઠા વિંધવા જેવુ જ છે.

એકઢાળિયા જેવુ બાંધકામ અને વગડાનો સન્નાટો એ અહીંના રહેવાસીઓ છે. એક બાજુ રાવલ, બીજી તરફ સૂરનળો વોંકળો આ સ્થળને અનોખુ રૃપ આપે છે. ખાંભા પાસે ગાઢ જંગલમાં આવેલા વેજલ કોઠા સુધી પહોંચવુ અતિ કપરું છે. રસ્તો કહી શકાય એવી ભૌગૌલિક રચના છે જ નહીં. પણ પહોંચ્યા પછી સમજાય કે બહારવટિયાઓે રહેતા હોય એ જગ્યા આવી જ હોય! નદીની ભેખડો ભારે ખતરનાક છે, જરાક પગ લપસે કે સીધા નદીમાં.. અને એ નદીમાં મગર તમારી રાહ જોઈને બેઠા હોય.

‘સૌરાષ્ટ્રના ખંડેરો’માં મેઘાણીએ વેજલ કોઠાનું વર્ણન કરતાં લખ્યુ છેઃ ‘એક બાજુ રાવલ નદી. બીજી બાજુ પોતાની પ્રિયા સૂરનળીની સહાય લઈને પડેલો સૂરનાળો વોંકળો. બન્નેએ જાણે પોતાના આંકડા ભીડીને ચોપાસ ભયાનક ખાઈ કરી લીધી છે. ત્રીજી બાજુ ઝેરકોશલી નદી પણ અશોકવનમાં જાનકીજીની ચોકી કરતી રાક્ષસીઓની જેમ પડી પડેલી છે. ને વચ્ચે આવેલો છે વેજલ કોઠો. ત્યાં કોઠો નથી, ગઢ પણ નથી, કશું નથી. પણ એક જબરદસ્ત કિલ્લાના પાયા દટાયેલા દેખાય છે. માત્ર પાયા. અહીં-તહીં શિલાઓ પડી છે… ‘

વેજલ કોઠો ગીરના જંગલમાં દટાયેલું વધુ એક રહસ્ય છે. જેસાજી-વેજાજીની વાર્તા પ્રમાણે અહીં એક કિલ્લો-કોઠો-કોટ હતો જે માત્ર રાતે જ દેખાતો હતો. દિવસે ત્યાંથી કોઈ પસાર થાય તો એમને નકરી જમીન, ડુંગરાની ટોચ સિવાય કશું દેખાતું નથી. પરંતુ દિવસ ભર રોઝડાં (નિલગાય) ઉપર બહારવટુ ખેડીને જેસોજી-વેજોજી રાતે પરત આવે ત્યારે કિલ્લો હાજર થઈ જતો (અન્ય બહારવટિયાઓથી અલગ રીતે જેસોજી-વેજોજી ઘોડાને બદલે નિલગાય વાપરતા હતા એ વળી બીજી અજાયબી છે!). આજે કિલ્લો નથી, છતાં પુરાતન પથ્થરો છે. અને એટલે જ એવુ લાગે છે કે અહીંની ભોંમાં કોઈ રહસ્ય ભંડારાયેલું છે…

ગીરને ઓળખવું હોય તો આ રસ્તા પરથી પસાર થવું પડે

ગીરનુ જંગલ સૌરાષ્ટ્રમાં પૂર્વથી પશ્ચિમ આડું ફેલાયેલુ છે. જંગલના બે ભાગ કરતો રસ્તો ધારી પાસેના દલખાણિયાથી શરૃ થઈ સામે છેડે જામવાળા પાસે નીકળે છે. કનકાઈ-બાણેજ જવા માટે એ રસ્તો વપરાય છે. રસ્તાની વ્યાખ્યા નવેસરથી લખવી પડે એટલી હદે એ રસ્તો રફ છે અને બન્ને બાજુ વગડો ફેલાયેલો છે. ફરવા નીકળેલા લોકો એ રસ્તો પસંદ ન કરે એ સ્વાભાવિક છે. પણ કોઈને ગીરના જંગલની ખરી ઓળખ મેળવવી હોય તો એક વખત દલખાણિયા ટુ જામવાળા (કે પછી જામવાળા ટુ દલખાણિયા) પ્રવાસ કરવો રહ્યો.

કેમ?

દલખાણિયાથી જામવાળા જતો આ રસ્તો ગીરના બે ભાગ પાડે છે. ગીરના જંગલને ઓળખવા માટે વિવિધ ઋતુમાં આ રસ્તેથી પસાર થવું જોઈએ.
એ રસ્તે તમને કોઈ સામે મળી શકે છે?

એક તો એ રસ્તો ગીરના જંગલના બે ભાગ કરતો પસાર થાય છે એટલે ગીરનું જંગલ મધ્યમાં કેવું લાગે તેનો ચિતાર ત્યાંથી મળે. સાવ ભેંકાર કહી શકાય એવા રસ્તા પર પર્ણમર્મર સિવાય કોઈ રવ સાંભળવો મુશ્કેલ છે. જંગલની એકલતા, વિકટતા, અગવડતા, ડર.. એ બધાં જ અહીં સાથીદારો છે. દલખાણિયાથી જામવાળા વચ્ચેના આ રસ્તે ત્રણેય ઋતુમાં એક એક વખત અને એ પણ ટુ-વ્હિલર પર પ્રવાસ કરવામાં આવે તો ગીરની સોળે કળાનાં દર્શન થયા વગર ન રહે.

અલબત્ત, માત્ર સિંહ જોવાના ઈરાદે ગીરમાં જનારા પ્રવાસીઓને આ કશુંય નહીં જ દેખાય.

waeaknzw

Gujarati Travel writer.