ગુજરાતનાં બાલાસિનોર નજીક રૈયોલી ગામ આવેલું છે અને ત્યાં આવેલો છે કરોડો વર્ષ પહેલાના યુગમાં લઈ જતો ડાયનાસોર ફોસીલ પાર્ક
ડાયનાસોર વિષે તો સૌ કોઈએ સાંભળ્યું જ હશે, પણ શું ક્યારેય ડાયનાસોરની દુનિયામાં ડોકિયું કર્યું છે ? ડાયનાસોર આપણી પૃથ્વી પર આશરે દસ કરોડ વર્ષો પેહલા વસવાટ કરતાં હતા અને ઉલ્કાપાત થવાને કારણે તેમનો વિનાશ થયો એવું કદાચ આપણે સૌને ભણવામાં આવ્યું હશે. પણ ડાયનાસોરની દુનિયા કેવી હતી અને કેવા હતા આ શાનદાર જીવ તેના વિષે જાણકારી મેળવવી હોય તો કયા જવું?
શું ગુજરાતમાં તેવી કોઈ જગ્યા આવેલી છે?
જવાબ છે હા!
ગુજરાતનાં બાલાસિનોર નજીક રૈયોલી ગામ આવેલું છે અને ત્યાં આવેલો છે ડાયનાસોર ફોસીલ પાર્ક. ડાયનાસોરનું નામ તો જાણીતું છે પણ ફોસીલ એટલે? ફોસીલ એટલે અશ્મિભૂત. જ્યારે કોઈ સજીવ મૃત્યુ પામે છે અને તેનું શરીર લાંબા સમય માટે જમીનમાં દટાયેલું રહે છે ત્યારે તે ફોસીલમાં ફેરવાય જાય છે. દુનિયભરમાં વિવિધ સજીવોના ફોસીલ મળી આવે છે પણ તે સૌ ડાયનાસોરના ફોસીલ જેટલા મહત્વના હોતા નથી. બાલાસિનોર નજીક રૈયોલી ખાતે ડાયનાસોરના ફોસીલ સૌ પ્રથમ વાર ૧૯૮૦ માં મળી આવેલા , જ્યાર બાદ આ વિસ્તારમાં ભારતીય ભૂસ્તરીય વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી અને બીજા ઘણા આવશેષ મળી આવ્યા છે.
રૈયોલી નજીક ગુજરાતમાં આ પ્રકારના અવશેષ મળવા ઘણી આશ્ચર્યજનક ઘટના હતી કારણ કે ગુજરાતમાં આ પેહલા આવું કઈ મળી આવ્યું નહતું. વૈજ્ઞાનિકોને રૈયોલીમાં શોધખોળ દરમ્યાન ડાયનાસોરના અવશેષની ખૂબ મોટી માત્ર મળી આવી હતી જેની સાથે રૈયોલી ખાતેથી ૨૦થી વધુ પ્રકારના ડાયનાસોરના અવશેષ મળી આવવા પણ બહુ મોટી વાત હતી. પ્રગતિહાસિક સમયમાં રૈયોલી અને તેની આસપાસનો વિસ્તાર આજના કચ્છ સાથે જોડાયેલો હતો અને ઉલ્કાપાત બાદ જ્યારે પૃથ્વીનો ભૌગલિક નકશો બદલાયો ત્યારે આ વિસ્તાર કચ્છથી છુટ્ટો પડી ગયો હશે તેવું તારણ પણ શોધખોળ કરતાં મળી આવ્યું હતું. ડાયનાસોર વિષે વધુ શોધખોળ હાથ ધરવામાં આવી ત્યારે આ વિસ્તારમાં TynnasorusX , Megalosaurus અને Titanosaurus જેવા વિકરાળ ડાયનાસોરના અવશેષ મળી આવ્યા છે.
રૈયોલી ખાતે સૌથી મહત્વની શોધ સાનાજેહ સાંપના અવશેષ છે. આ સાંપ ડાયનાસોરના ઈંડા ખાવા માટે જાણીતો હતો અને પૃથ્વી પર આ સાંપ ડાયનાસોર કરતાં પણ વધુ સમયથી વસવાટ કરતો હતો. રૈયોલી પાસે જ આવેલા ધોરી ડુંગરી નામના સ્થળેથી આ સાંપના અવશેષ અને ઈંડાના ફોસીલ મળી આવેલા છે. આ ફોસીલ પાર્ક ખાતે મળી આવેલા અમુક અવશેષ વૈશ્વિક ખ્યાતિ પણ પામેલા છે કારણ કે રૈયોલી ખાતે મળેલા અમુક ડાયનાસોરના અવશેષ વિશ્વમાં બીજે ક્યાંય મળ્યા નથી.
જતાં પહેલા જાણી લો
- બાલાસિનોરથી ૮ કિમીના અંતરે રૈયોલી ગામ નજીક એક ફોસીલ પાર્ક આવેલો છે.
- પાર્ક દર સોમવારે બંધ રહે છે.
- આ ફોસીલ પાર્કમાં રૈયોલી ખાતે મળી આવેલા ડાયનાસોરના અવશેષ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સાથે જ રૈયોલી ખાતે એક સંગ્રહાલય પણ આવેલું છે જેમાં ડાયનાસોર વિષેની અઢળક માહિતી વિવિધ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે.
- આ સંગ્રહાલયમાં ડાયનાસોર વિષે જાણકારી આપતા પોસ્ટર, વિડિયોગ્રાફી, વિવિધ આકારના પૂતળા અને ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
- તે સિવાય રૈયોલી ખાતેથી જે ડાયનાસોરના ઈંડા મળી આવેલા તેને પણ આ સંગ્રહાલય ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
- આ સંગ્રહાલયમાં ડાયનાસોર વિષે માહિતી આપતી એક નાનકડી 3D ફિલ્મ પણ દેખાડવામાં આવે છે જે બળકોને ઘણી મજા કરાવે તેમ છે.
- પ્રદર્શિત વસ્તુ સિવાય સંગ્રહાલયની મધ્યમાં ડાયનાસોરના વિશાળ પૂતળા આવેલા છે જેની પાસે ઊભા રહી આ જીવની વિશાળ કદ-કાઠીનો અંદાજ લગાડી શકાય તેમ છે.
- સંગ્રહાલયમાં ડાયનાસોર વિષે માહિતી આપતા ૮ ખંડ આવેલા છે જેમાં દરેકમાં ડાયનાસોર વિષે મહત્વની જાણકારી ખૂબ રસપ્રદ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.
- પાર્ક ખાતે પ્રદર્શિત કરવામાં આવેલા આ ફોસીલમાં વધુ કોઈને રસ પડે તેમ નથી કારણ કે આ પાર્ક ખાતે ફોસીલને સરખી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા નથી ઉપરાંત ફોસીલ પાર્ક સાવ રેઢો પડેલો છે.
- ફોસીલ પર્કમાં ફોસીલ જોયા બાદ વિરામ કરી શકાય તે માટે નાનકડા બગીચા જેવુ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રવાસીઓ પોરો ખાય શકે તેમ છે.
- બાલાસિનોર ફોસીલ પાર્ક હાલ ગુજરાત ટુરિઝમની દેખરેખ હેઠળ હોવાથી આ પાર્કમાં પૂરતી સુવિધા મળી રહે છે.
- સંગ્રહાલય ખાતે એક રેસ્ટોરન્ટ આવેલી છે જે સિવાય પાર્કની આસપાસ પણ ખાવા પીવાના અમુક વિકલ્પ મળી રહે છે.
- પાર્ક નજીક ખાવું ન હોય તેમના માટે બાલાસિનોરમાં બીજા ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે.
- બાલાસિનોર અમદાવાદ-ગોધરા હાઇવે પર પડે છે અને પ્રવાસીઓ માટે આ છેક સુધી પાક્કો રસ્તો ઉપલબ્ધ છે.
- પાર્ક અને સંગ્રહાલય સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લા હોય છે.
- સંગ્રહાલયમાં પ્રવેશ માટે ૫૦ રૂપિયાની ટિકિટ ખરીદવી પડે છે જ્યારે ફોસીલ પાર્કમાં પ્રવેશ નિશુલ્ક છે.
- અમદાવાદથી ૯૦, વડોદરાથી ૧૩૦ અને ગાંધીનગરથી ૧૧૫ કિમીના અંતરે આવેલો છે અને ત્યાંથી મોટરમાર્ગે આસાનીથી પોહચી શકાય તેમ છે.
- ગુજરાતની ગરિમાને વૈશ્વિક સ્તરે પ્રતિસ્થાપિત કરતો આ પાર્ક ગુજરાતનાં દરેક મોટા શહેર સાથે બાય રોડ જોડાયેલો છે.
- 9825315382 વઘુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરી શકાય
રૈયોલી ખાતે મળી આવેલા ડાયનાસોરના અવશેષ ફોસીલ પાર્ક ખાતે સંગ્રહિત કરી રાખવામાં આવ્યા છે. આ ફોસીલ પાર્કમાં વિવિધ ડાયનાસોરના વિવિધ અંગના ફોસીલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જોકે ડાયનાસોર જેમનો અભ્યાસનો વિષય હોય તેમના માટે આ ફોસીલ પાર્કમાં ઘણું જોવાલાયક છે. આ ફોસીલ પાર્કની આસપાસ વિશાળ પથરાળ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં લાવાથી બનેલા પથ્થર જોવા મળે છે માટે પથ્થરના વિવિધ રંગ રૂપ નજરે પડે છે. સાથે જ બાલાસિનોર પછી ફોસીલ પાર્ક સુધીનો સમગ્ર વિસ્તારમાં બંજર પથરાળ જમીન આવેલી છે જે મંગળ ગ્રહ પર આવી ગયા હોવાનો અનુભવ કરાવે છે. ફોસીલ પાર્કની આસપાસનો ખૂબ મોટો વિસ્તાર વિરાન પડ્યો છે માટે ઘણી વાર આ વિસ્તારમાં કોઈ જંગલી જીવ પણ નજરે પડી જાય છે.