આયુર્વેદ તો ભારતમાં પાંચ હજાર વર્ષથી વપરાતું શાસ્ત્ર છે, પરંતુ આયુર્વેદિક ટુરિઝમને લોકપ્રિય બનાવવાનું મોટું કામ કેરળે કર્યું છે
આપણી આસપાસ એમ તો ઘણા સ્થળોએ શીરોધારા, મસાજ, નેચરોથેરાપી.. વગેરેના અનેક કેન્દ્રો ખુલી ગયા છે. એટલે આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે કેરળ સુધી ધક્કો શા માટે ખાવો એવો સવાલ થાય. પરંતુ કેરળ આ બાબતમાં સર્વોત્તમ છે. તેના કેટલાક કારણો પણ છે..
- આયુર્વેદિક સારવાર માટે સૌથી મહત્વનો મુદ્દો હવામાન-વાતાવરણ છે. કેરળનું વાતાવરણ સર્વોત્તમ હોવાનું સૌ જાણે છે. શિયાળો-ઉનાળો-ચોમાસુ એ ત્રણેય ઋતુ અહીં માફકસરની રહે છે. એટલે સારવાર માટે જરૃરી હવામાન કુદરતી રીતે મળે છે.
- અહીં આખુ વર્ષ સામાન્ય રીતે તાપમાન ૨૪થી ૨૮ ડીગ્રી વચ્ચે રહે છે.
- અહીંના કોઈ કેન્દ્રમાં સારવાર એસી રૃમમાં નથી કરાવાતી. જે થાય છે પ્રાકૃતિક આવાસમાં જ થાય છે.
- આયુર્વેદિક સારવારમાં બીજું મહત્વનું પાસું ઔષધિઓની શુદ્ધતાનું છે. ઔષધિ જેટલી વધારે શુદ્ધ એટલી સારવાર વધારે અસરકારક. કેરળ પાસે ઔષધિઓનો પાર નથી, એમાં ભેળસેળ ઓછામાં ઓછી છે.
- અગત્સયકૂંડમ નામના વિસ્તારમાં તો ૯૦૦ પ્રકારના આયુર્વેદિક છોડ-વેલા થાય છે. અગત્સયકૂડમ્ એ હકીકતે તો તિરૃવનંથપુરમ્ પાસે આવેલું કેરળનું સૌથી ઊંચુ શીખર છે. આ વિસ્તાર ટ્રેકિંગ માટે પણ જાણીતો છે.
- આયુર્વેદમાં અષ્ટવૈધ્યની પરંપરા છે. એ પરંપરાનું પાલન કેરળમાં થાય છે. આયુર્વેદની આઠ અલગ અલગ શાખાઓના નિષ્ણાતો અષ્ટવૈધ્ય ગણાય છે.
આઠ શાખાઓ
- કાયા – પાચન સબંધિત રોગો
- બાલા – બાળરોગ, મેદસ્વિતા
- ગ્રહ – સાયકોલોજીક ડિસઓર્ડર
- ઉર્ધ્વંગા – આંખ, નાક, કાન, ગળું, દાંત
- શલ્ય – બહારની ઈજાઓની સારવાર, સર્જરી
- દમસ્ત્રા – ઝેરની સારવાર
- જરા – વૃદ્ધાવસ્થા સબંધિત સમસ્યાઓ
- વૃષા – જાતિય સમસ્યાઓ, બાળજન્મ
- આયુર્વેદ એ સારવાર નથી, જીવન જિવવાની પદ્ધતિ છે. કેરળમાં સામાન્ય નાગરિકો પણ વર્ષોથી આ પ્રથાનો ઉપયોગ કરે છે. સવારમાં ઉઠીને તેલ દ્વારા મસાજ કરવો એ ઘણા નાગરિકો માટે રૃટિન પ્રેક્સિટસ છે. શરીર થાકે ત્યારે જ મસાજ કરવો એવુ નથી.
- કેરળની કાલારિપાયટ્ટુ નામની માર્શલ આર્ટ કળા જાણીતી છે. આ કળા માટેના અખાડામાં ઉતરતા પહેલા શરીર પર માલીશ કરવામાં આવે છે.
- કેરળમાં હાથીઓને પણ મસાજ થેરાપી આપવામાં આવે છે.
- આખા કેરળમાં ૧૦૦થી વધારે આયુર્વેદિક હોસ્પિટલો છે અને તેમાં ૨૭૦૦થી વધારે બેડ છે.
- આખા રાજ્યમાં આયુર્વેદના ૮૦૦થી વધારે રજિસ્ટર્ડ કેન્દ્રો છે.
- આયુર્વેદિક સારવાર આપતા કેન્દ્રો પર રાજ્ય સરકારનું નિયંત્રણ છે. આ કેન્દ્રોને તેની ગુણવત્તા અને સુવિધા મુજબ ગ્રીન લિફ અને ઓલિવ લિફ એમ બે કેટેગરીમાં વિભાજીત કરી દેવાયા છે.
- દેશમાં સૌથી વધારે ૧૬ આયુર્વેદિક કોલેજો કેરળમાં છે. ભારતની પ્રથમ આયુર્વેદિક કોલેજ છેક ૧૮૮૯માં કેરળના તિરૃવનંથપુરમ્ (ત્રિવેન્દ્રમ્)માં શરૃ થઈ હતી. કેરળ માટે જરૃરી આયુર્વેદિક નિષ્ણાતો દર વર્ષે આ સંસ્થાઓમાંથી પેદા થતા રહે છે.
- કેરળના આયુર્વેદિક જ્ઞાનને ગ્રંથસ્થ કરીને પશ્ચિમી દેશો સુધી પહોંચાડવાનું કામ નેધરલેન્ડના અધિકારી વાન રીડે (van rheede) કર્યું હતું. તેમણે the garden of malbar નામે ગ્રંથના ૧૨ ભાગ તૈયાર કરાવ્યા હતા. તેમાં ૭૮૦ દુર્લભ આયુર્વેદિક છોડ-વેલા વિશે માહિતી આપવામાં આવી છે.
https://rakhdeteraja.com/kerala-is-ready-to-welcome-tourist-with-new-attractions/