રામ મંદિર બનશે એ પછી અયોધ્યા/Ayodhyaમાં જનારા પ્રવાસીઓ પણ વધશે. મંદિર બન્યા પછી કે પહેલા ગમે ત્યારે અયોધ્યા જવાનું થાય તો ત્યાં શું શું જોવા જેવું છે?
રામ જન્મભૂમિ
અયોધ્યા નગરનું મુખ્ય આકર્ષણ બેશક રામ જન્મભૂમિ છે. ત્યાં મંદિર હતું, પછી ઈસ્લામિક બાંધકામ બન્યું અને હવે એ સ્થળે કામ-ચલાઉ ધોરણે રામની મૂર્તિ બિરાજમાન છે. પરંતુ એ મૂર્તિ કોઈ મંદિરં કે કાયમી બાંધકામ હેઠળ નહીં, એક તંબુમાં બિરાજમાન છે. એ સ્થળે પહોંચતા પહેલા સુરક્ષાના સાત કોઠા વિંધવા પડે. અયોધ્યામાં રામની મૂર્તિ પૂજાનો લાંબો અને ઉતાર-ચડાવ ધરાવતો ઈતિહાસ રહ્યો છે. 1992માં વિવાદાસ્પદ ઢાંચો કહેવાતુ બાંધકામ તોડી પડાયા પછી ત્યાં રામ બિરાજમાન કરી દેવાયા હતા. એ સ્થળ ખૂલ્લું હતું અને પ્રવાસી-ભક્તો ત્યાં સરળતાથી જઈ શકતા હતા. 2005માં આ સ્થળે તોયબાના આતંકીઓએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પાંચેય આતંકી તો ઠાર મરાયા પરંતુ પછીથી આ સ્થળની સુરક્ષા વધારી દેવાઈ.
આજે જન્મભૂમિ વિસ્તારની સુરક્ષા કોઈ હાઈ-સિક્યુરિટી જેલથી કમ નથી. 2.77 એકરના વિસ્તારમાં સામાન્ય સંજોગોમાં ઉત્તર પ્રદેશ પોલીસ અને સીઆરપીએના મળીને કુલ બેથી સવા બે હજાર સુરક્ષા જવાનો ખડે પગે રહે છે. જન્મભૂમિ વિસ્તારને ચો-તરફ લોખંડનો કિલ્લો ઉભો કર્યો હોયો એવી જાળીથી બંધ કરી દેવાયો છે. ત્યાં સુધી જવાનો એક જ રસ્તો છે, જે બે ફીટ પહોળી જાળી વચ્ચેથી પસાર થાય છે. એ જાળીની બહાર થોડે દૂર બીજી જાળી ગોઠવાયેલી છે. આસપાસના વિસ્તારમાં હાથમાં ઈન્સાસ રાઈફલસજ્જ જવાનો, ઉપર સીસીટીવી અને એ સિવાય અનેક પ્રકારે નિગરાની થતી રહે છે. તુલસીકૃત રામાયણમાં કરેલા વર્ણન પ્રમાણે જ્યારે હનુમાનજી લંકાના દરવાજે પહોંચે ત્યારે તેમને ભારે સુરક્ષાનો સામનો કરવો પડે છે. એવી જ કંઈક સુરક્ષા વટાવ્યા પછી, ઓછામાં ઓછું ચારેક વખત ચેકિંગ કરાવ્યા પછી પ્રવાસીઓ રામ-મૂર્તિ સુધી પહોંચી શકે છે.
જાળીમાંથી જ પ્રવાસીઓ ત્રીસેક ફીટ દૂર તંબુ નીચે બિરાજેલા ભગવાન રામને જોઈ શકે છે. જોઈને અચરજ થાય કે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા આવેલા રામ અહીં 1992થી તંબુવાસ ભોગવે છે. હવે એ તંબુના સ્થળે ગર્ભગૃહ આવે એ રીતે મંદિરની રચના થશે. જન્મભૂમિ વિસ્તાર સુરક્ષિત હોવા ઉપરાંત એટલો બધો આંટી-ઘૂંટીવાળો રખાયો છે કે જતી-આવતી વખતે પ્રવાસોને દિશા-સ્થળનું પણ ભાન રહેતું નથી.
મહત્ત્વની માહિતી – અહીં પ્રવાસીઓ મોબાઈલ ફોન સહિતની સામગ્રી લઈ જઈ શકતા નથી. એટલે એ ઉતારે મુકીને જવી જોઈએ અથવા તો બહાર આવેલા જન્મભૂમિ ટ્રસ્ટના લોકરમાં જમા કરાવી પડે. સવારના 1થી 11 અને બપોરે 2થી 6 સુધી જન્મભૂમિ પ્રવાસીઓ માટે ખુલ્લી રહે છે.
રામકોટમાં આવેલા અન્ય મંદિરો
અવધમાં કુલ તો 6 હજારથી વધારે મંદિરો છે. ઊંચા સ્થળેથી જોવામાં આવે તો મકાનની છત કરતાં મંદિરની ટોચ અને ફરફરતી ધર્મધજા વધુ નજરે પડે. જેટલા મંદિરો છે, એટલી જ વળી રામધૂન ચાલતી હોય. એટલે અયોધ્યામાં ગમે ત્યાં ફરતા રહો તમને દૂર દૂર કાનમાં રામ-નામનો જાપ તો સંભળાયા કરે. આ બધા મંદિરોમાં જન્મભૂમિનો એક વિસ્તાર બાદ કરતાં બાકીના બધા મંદિરો સુરક્ષાથી પર છે. એટલે કે ત્યાં જવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થામાંથી પસાર થવું પડતું નથી. જરા ઢોળાવ પર આવેલો સમગ્ર વિસ્તાર રામકોટ તરીકે ઓળખાય છે. અહીં પુરાતનકાળમાં કિલ્લો હતો માટે સમગ્ર વિસ્તાર કોટ તરીકે ઓળખાય છે. રામકોટની અંદર તો અનેક મંદિરો છે, તેમાંથી કેટલાક નોંધપાત્ર મંદિરો આ પ્રમાણે છે.
સીતા રસોઈ ઘર – એ સ્થળ જ્યાં સીતાજી રસોઈ કરતાં હતા, ટૂંકમાં તેમનું રસોડું હતું.
કૈકેઈ ભવન – મહારાણી કૈકેઈનો ઓરડો, જ્યાં રાજા ભરતનો જન્મ થયો હતો.
કૌશલ્યા ભવન – રામના માતાશ્રી, કૌશલ્યા દેવીનો ઓરડો.
સુમિત્રા ભવન- લક્ષ્મણના માતાજી અને દશરથના ત્રીજા રાણી સુમિત્રાદેવીનો ઓરડો.
કનક ભવન – આ મંદિર અથવા મહેલ દેખાવે ભવ્ય છે. અહીં પણ રામ-સિતાની મૂર્તિ બિરાજમાન છે. માન્યતા પ્રમાણે મહારાણી કૈકેઈએ નવવધુ સિતાને આ મહેલ ભેટમાં આપ્યો હતો. એ વખતે મંદિર સોનેથી મઢેલું હતુ એટલે હવે તેને ‘સોને કા મંદિર’ પણ કહેવામાં આવે છે. તેનો કલર પણ પીળો-સોનેરી જ રખાયો છે.
શીશ મહેલ – કાચના ટૂકડાના સુશોભનથી સજ્જ મહેલ રામ-સિતાને સમર્પિત છે. એ રીતે નજીકમાં લવ-કુશનું મંદિર પણ છે.
દશરથ મહેલ – રાજા દશરથનો મહેલ, દેખાવે ઘણો આકર્ષક છે. મંદિરની દીવાલ પર કરાયેલું સૂવર્ણકલરનું જડતર મંત્રમુગ્ઘ કરે એવું છે.
અહીં અનેક મંદિરો છે, જેમાંથી ‘રામ દરબાર’ નામે જાણીતા મંદિરના પૂજારી એવો દાવો પણ કરે છે કે રામ મંદિરની અસલ પ્રતિમાઓ અહીં રાખવામાં આવી છે. જ્યારે મંદિર નિર્માણ પામશે ત્યારે અહીંથી જ પ્રતિમાઓ લઈ જઈ તેનું સ્થાપન કરવામાં આવશે. એ દાવો માનવા જેવો નથી, કેમ કે જન્મભૂમિ મંદિરની મૂળ પ્રતિમાઓ આજે ક્યાં છે એ સરકારને પણ ખબર નથી.
આ સમગ્ર વિસ્તાર ફરવા પ્રવાસીઓને અહીં બહુ સસ્તામાં ગાઈડ મળી રહે છે. આ બધા મંદિરો ફરતાં અડધો દિવસથી વધારે સમયની જરૃર પડતી નથી.
હનુમાનગઢી
અયોધ્યા બહુ નાનકડું નગર છે અને એમાંય જન્મભૂમિ આસપાસનો વિસ્તાર તો સાંકડી ગલી-કૂંચથી ખીચોખીચ છે. એ ગીચ વિસ્તારમાં આવેલું એક મંદિર દૂરથી નજરે પડે એવું છે. ઊંચુ શીખર ધરાવતા મંદિરનું નામ છે હનુમાનગઢી. માન્યતા પ્રમાણે રામે સરયૂ જળમાં સમાધિ લીધી ત્યારે અયોધ્યાનું રખોપું કરવાની જ જવાબદારી હનુમાનજીને સોંપી હતી. હનુમાનજી ઊંચા આસને બિરાજ્યા જે સ્થળ હવે હનુમાનગઢી તરીકે જાણીતું છે. હનુમાનજી અહીં આવેલી ગુફામાં રહેતા હતા, જ્યાં હવે મંદિર બન્યું છે.
બહારથી કિલ્લા જેવુ બાંધકામ ધરાવતું આ મંદિર અયોધ્યાનું સૌથી ઊંચુ મંદિર છે. ઊંચાઈ પર બેસીને અંજનીપુત્ર આખા નગર પર નજર રાખતા હતા. એ મંદિર સુધી પહોંચતા પહેલા જરા મોટા કદના એવા 76 પગથિયાં ચડવાં પડે છે. હનુમાનજી ઉપરાંત માતા અંજનીની પણ અહીં પ્રતિમા છે. આ મંદિર સવારના 5 વાગ્યાથી રાતના 11 સુધી ખુલ્લું રહે છે.
કારસેવકપુરમ્
મંદિર બનાવાનો અંતિમ નિર્ણય લેવાયા પછી સૌથી પહેલા જ્યાં કામગીરીનો આરંભ થવાનો છે એ આ સ્થળ છે. કારસેવકપૂરમ તરીકે ઓળખાતુ આ પ્રાંગણ ‘રામ જન્મભૂમિ ન્યાસ’ સંચાલિત છે. અહીં દેશભરમાંથી મંદિર નિર્માણ માટે આવેલી ઈંટોનો થપ્પો છે. એ ઈંટોના થપ્પામાં ગુજરાતી ભાષા સહિત વિવિધ ભાષામાં ગામ-ઠામ લખેલા પણ વાંચી શકાય છે.
રામ નામ લખેલી લગભગ એકાદ લાખ ઈંટો અહીં સાચવી રખાઈ છે. રાજસ્થાન, આગ્રા એમ વિવિધ વિસ્તારની ખાણોમાંથી આવેલા પથ્થરોનો અહીં જમાવડો કરેલો છે. એ પૈકી ઘણા ખરા પથ્થરો પર કોતરકામ થયું છે. અલબત્ત, કોર્ટના આદેશને કારણે કેટલોક સમયથી એ કામ બંધ હતુ, હવે ફરી આરંભાશે. અહી પથ્થર કાપવા માટેની યંત્ર-સામગ્રી વગેરે ધરાવતો વર્કશોપ આવેલો છે.
મંદિરનું મોડેલ પણ તૈયાર કરીને અહીં મુકાયું છે. જો કોઈ ફેરફાર નહીં થાય તો એ મોડેલ પ્રમાણે મંદિર બનશે. એ મોડેલ પ્રમાણેનું મંદિર 268 ફીટ લાંબુ, 128 ફીટ ઊંચુ હશે અને 212 પિલ્લરનો ઉપયોગ થશે. 1990થી ચાલતી આ કાર્યશાળાનું કામ અટક્યું ત્યાં સુધીમાં પથ્થર તરાશવાનું 50 ટકા પુરું થઈ ગયું હતું.
અહીં મંદિર પણ છે અને જન્મભૂમિ વિસ્તારમાં કઈ રીતે ભગવાન પ્રગટ થયા તેની કથા બોર્ડ પર લખેલી છે. એક દીવાલ પાસે જાળીની પાછળ કેટલી તસવીરો લગાવેલી છે, જે 1992માં થયેલા કોમી રમખાણોની વિગતો રજૂ કરે છે.
વધુ કેટલાક સ્થળોની વાત બીજા ભાગમાં…