
ગિરનારના જંગલમાં દાયકાઓથી સિંહો રહે છે. હવે એ સિંહો જોઈ શકાય એ માટે Girnar Nature Safariની શરૃઆત કરાઈ છે. સાસણ, દેવળિયા, આંબરડી પછી સિંહ દર્શનનું આ ગુજરાતમાં ચોથું સ્થાન છે

ઐતિહાસિક શહેર જૂનાગઢ પર કુદરતની મહેર છે. એક તરફ ગિરનાર છે, તો થોડે દૂર ગીરનું જંગલ છે. ગીરના જંગલ ઉપરાંત જૂનાગઢ પાસે પોતાનું જંગલ છે. એ જંગલ એટલે ગિરનારની તળેટીમાં આવેલો વન-વિસ્તાર. આ વન વિસ્તારમાં વર્ષોથી સિંહો રહે છે. ગીરના જંગલથી આ જંગલ અલગ છે અને દૂર પણ છે. પરંતુ અહીં સિહોનું નાનું એવુ અલગ સામ્રાજ્ય છે.

ગિરનાર આસપાસ તો પોણા બસ્સો ચોરસ કિલોમીટરનું જંગલ છે. એ જંગલમાં રહેતા સિંહો માટે સફારી ટુરિઝમની શરૃઆત કરી દેવાઈ છે. એટલે કે હવે જૂનાગઢ જતી વખતે ગિરનાર, ગિરનાર રોપ-વે, ઉપરકોટ, મ્યુઝિયમ..વગેરે ઢગલાબંધ જોવા જેવા સ્થળો સાથે સિંહ દર્શન પણ કરી શકાશે.
સાસણ સિંહ સફારીનું બૂકિંગ કરતી સત્તાવાર સાઈટ પર આ સફારીનું બૂકિંગ પણ થવા લાગ્યું છે.

સિંહ દર્શન કરવા સાસણ અસંખ્ય લોકો આવે છે, પણ બધાને ત્યાં ટિકિટ મળી શકતી નથી. હજારો પ્રવાસીઓ બૂકિંગ ફૂલ થવાથી નિરાશ થતા હતા. હવે તેનો વિકલ્પ ઉભો થયો છે. જૂનાગઢના પ્રવાસન વિકાસ માટે પણ આ મહત્વનો નિર્ણય છે.

- ગિરનારમાં ઈન્દ્રેશ્વર મંદિર આવેલું છે. ત્યાંથી જંગલમાં પ્રવેશનો રસ્તો પણ છે. ઈન્દ્રેશ્વર ચેક પોસ્ટ ખાતે જ આ સફારી પાર્કનો આરંભ થયો છે. ઈન્દ્રેશ્વર નાકાથી પાતુરણ નાકા સુધીના ૧૩ કિલોમીટરના કમાનાકાર રૃટ પર સફારી યોજાશે. કુલ સફર ૨૬ કિલોમીટરની થશે, જે જંગલની દૃષ્ટિએ ઘણી મોટી કહી શકાય.
જૂનાગઢ અને સિંહ સફારીની માહિતી આપતી અન્ય લિન્ક
- જૂનાગઢથી જેતપુર રોડ પર દોલતપરા વિસ્તારમાંથી ઇન્દ્રેશ્વર અને આત્મેશ્વર મંદિરો તરફ જતો રસ્તો અલગ પડે છે. આ મંદિરો જંગલમાં આવેલા છે. સામાન્ય દિવસોમાં પણ ત્યાં પ્રવાસીઓ દરવાજે નોંધણી કરાવીને જઈ શકે છે. જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ ઝૂ પાછળ આ સમગ્ર વિસ્તાર આવેલો છે. મંદિર વિસ્તાર જૂનાગઢના કેન્દ્રથી ૬ કિલોમીટર દૂર છે.

- જૂનાગઢથી જેતપુર રોડ પર દોલતપરા વિસ્તારમાંથી ઇન્દ્રેશ્વર અને આત્મેશ્વર મંદિરો તરફ જતો રસ્તો અલગ પડે છે. આ મંદિરો જંગલમાં આવેલા છે. સામાન્ય દિવસોમાં પણ ત્યાં પ્રવાસીઓ દરવાજે નોંધણી કરાવીને જઈ શકે છે. જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ ઝૂ પાછળ આ સમગ્ર વિસ્તાર આવેલો છે.
- સફારી માટે રોજ સવારે ચાર, બપોર બાદ ચાર એમ કુલ આઠ પરમીટ અપાશે. એક જીપ્સીમાં છ પ્રવાસી અને એક બાળક જઈ શકશે. સફારીની સંખ્યા સમય સાથે વધશે.
- અત્યારે ગીરમાં સત્તાવાર રીતે સિંહ જોવા માટે ૩ સ્થળો છે. સાસણથી જંગલમાં લઈ જવાતી જિપ્સી સફર સિંહ દર્શનનો સૌથી લોકપ્રિય વિકલ્પ છે. સાસણ પાસે દેવળિયા સફારી પાર્ક છે અને ત્રીજો સફારી પાર્ક ધારી પાસે આંબરડી છે. આ ત્રણેય સિંહ સફારી ગીર જંગલની છે, જ્યારે ગિરનાર સફારી ગીર જંગલથી ૫૦-૬૦ કિલોમીટર દૂર જૂનાગઢ-ગિરનારમાં છે.

- ગિરનાર જંગલ વિસ્તારમાં ૫૦ જેટલા સિંહોનો વસવાટ છે. એટલે સિંહ જોવા મળવાની શક્યતા સારી એવી છે. સિંહ સિવાય અહીં જીવસૃષ્ટીની કમી નથી. જેમ કે ૩૭ જાતના સસ્તન, ૩૮ જાતના સરિસૃપો તથા ૩૦૦થી વધારે પ્રકારના પંખી અહીં વસે છે. એ ઉપરાંત અઢાર ભાર વનસ્પતી તો ખરી જ.
- ગિરનાર આરોહણ કરવા અનેક લોકો આવે અને ઉપરથી નીચેનું જંગલ જોઈને વસવસો વ્યક્ત કરતા હોય છે, કે આપણે પણ ક્યારેક આ જંગલમાં ઉતરી શકીએ.. પણ હવે આ સફારીથી એ ઈચ્છા પુરી થશે.
- અહીં જનારા પ્રવાસીઓ યાદ રાખવું કે સાસણ કરતા આ જંગલ વધારે ગાઢ છે, માટે શિયાળામાં ઠંડીય વધુ લાગશે. એ તૈયારી સાથે જવું.

ટિકિટના દર
સામાન્ય દિવસોમાં
છ વ્યક્તિ માટે ૮૦૦ રૃપિયા તથા બાળકના ૧૦૦ રૃપિયા ચાર્જ છે.
શનિ-રવિ, તહેવારના દિવસોમાં ૧૦૦૦ તથા બાળકો માટે ૧૨૫ રૃપિયા
આ ચાર્જ જંગલ સફારીની ટિકિટ છે. તેમાં જિપ્સીનો ચાર્જ રૃપિયા ૧૭૦૦ તથા ગાઈડનો ચાર્જ રૃપિયા ૪૦૦ ઉમેરવાનો થાય.
એટલે સાત વ્યક્તિને સફારી રૃપિયા ૩૦૦૦માં પડશે.
ઉપરાંત પરદેશી પ્રવાસી માટે ૫૬૦૦ અને બાળકોનો ૧૪૦૦ ચાર્જ છે. શનિ-રવિ, તહેવાર માટે એ ચાર્જ વધીને ૭૦૦૦ અને ૧૭૫૦ રખાયો છે.
સફારીનો સમય
૧૬ ઓક્ટોબરથી ફેબ્રુઆરી અંત સુધી
સવારના ૬-૪૫થી ૯-૪૫ સુધી.
બપોરના ૩થી ૬ સુધી
૧લી માર્ચથી ૧૫ જૂન સુધી
સવારના ૬થી ૯ સુધી
બપોરના ૪થી ૭ સુધી
- શિવરાત્રી તથા ગિરનારની પરિક્રમા જેવા ગિરનારની તળેટીમાં યોજાતા તહેવારો વખતે સફારી બંધ રહેશે. એ ઉપરાંત જૂન ૧૬થી ઓક્ટોબર ૧૫ સુધી ચોમાસાને કારણે તમામ પ્રકારની સફારી બંધ રહેશે.
