કાન્હા : ધ જંગલ બુકના અસલ વનની સફરે જવું હોય તો આ રહી માહિતી

મધ્યપ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક તેના વાઘ અને વનસમૃદ્ધિ માટે જાણીતું છે. રૃડયાર્ડ કિપલિંગે પોતાની જગ વિખ્યાત વાર્તા ધ જંગલ બુક માટે પણ આ વનમાંથી પ્રેરણા લીધી હતી.

છેક આખુ મધ્ય પ્રદેશ વિંધીને છેડે પહોંચીએ ત્યારે શરૃ થાય કાન્હા નેશનલ પાર્ક. અહીંથી મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ કરતાં તો છત્તિશગઢનું પાટનગર રાયપુર વધારે નજીક છે. એ છેડે ઘનઘોર જંગલ આવેલું છે. એકલુ જંગલ નહીં. બાજુમાં સવાસો કિલોમીટર દક્ષિણે બીજુ જંગલ છે. એ જંગલ એટલે પેન્ચ નેશનલ પાર્ક. આપણે વાત કરીએ કાન્હાની.

મધ્ય પ્રદેશના આ બન્ને જંગલો રૃડયાર્ડ કિપલિંગ માટે પ્રેરણા સ્રોત હતાં. કાન્હા તો ભારતના ટોપ-ફાઈલ ટાઈગર રિઝર્વમાં સ્થાન પામે છે. કેમ કે અહીં ગાઢ જંગલો છે, મોટી સંખ્યામાં વાઘ છે અને વિકરાળ વનસૃષ્ટી પણ છે. મોગલી તો અહીં હોય કે ન હોય પણ શેરખાન (વાઘ), તબાકી (ઝરખ), બલ્લુ (રિંછ), કા (અજગર), ચમલે-રક્ષા (વરૃ) જેવા સજીવોનો પાર નથી. કાન્હાના ગેટમાં પ્રવેશ્યા પછી શરૃઆતમાં ખુલ્લાં મેદાનો છે. બન્ને તરફ મેદાનમાં ઉગેલું ઘાસ અને વચ્ચે ધૂળિયો રસ્તો. તેના પર સડસડાટ કરતી પ્રવાસીઓની જિપ્સીઓ આગળ વધે. એ વખતે જિપ્સીના એન્જીન સિવાય બીજો કોઈ અવાજ સંભળાવવો મુશ્કેલ છે. થોડી વાર પછી કોઈ લશ્કર કૂચ કરવાની તૈયારીમાં ઊભું હોય એમ સામે નજરે પડે છે, વૃક્ષોની હારમાળા! એ હારમાળા નજીક આવે એમ વાતાવરણ બદલાતું જાય અને અચાનક જંગલ પણ કલેવર બદલે. થોડી મિનિટો પછી બન્ને તરફના મેદાનોનોનું સ્થાન લેવા આવી પહોંચે છે, ઊંચા-તોતિંગ વૃક્ષો. વચ્ચે ખાલી જગ્યામાં હાથી સંતાઈ શકે એવું વિશાળ એલિફન્ટ ગ્રાસ છે. જંગલમાં આવું પરિવર્તન તો હોય, પણ અહીં સૌથી મોટો તફાવત અનુભવાય તાપમાનનો. ભરબાપોરે પણ જંગલની ઠંડી અસહ્ય લાગે અને એ વખતે જ અહેસાસ થાય કે હજારેક કિલોમીટરમાં ફેલાયેલા મોગલીના દેશમાં આપણે આવી પહોંચ્યા છીએ.

આ જંગલમાં ભારતીય ગૌર અને (બાયસન-જંગલી ભેંસ) બારાસિંગા પણ છે. પણ વાર્તામાં આવે એ બગીરા (કાળો દીપડો) નથી. આવા કાળા દીપડા ભારતમાં દુર્લભ છે, જે થોડી ઘણી વસતી છે એ દક્ષિણ ભારતમાં છે. વાઘ તો ખરાં જ પણ એ સિવાયના અસંખ્ય સજીવો જંગલને ધબકતું રાખે છે. અહીંના હરણ પણ વિશિષ્ટ છે. કેમ કે એક સમયે બારાસિંગાની સંખ્યા ઘટીને આંગળીના વેઢે ગણાય એટલી થઈ ગઈ હતી. એ વખતે કાન્હાએ બારાશિંગાને પોતાની આગોશમાં લીધા અને તેની વસતી વૃદ્ધિ થાય એવી સગવડ કરી આપી. પરિણામે હવે કાન્હામાં સેંકડોની સંખ્યામાં બારાસિંગા છે. ભારતમાં સજીવ સંરક્ષણનો ઉત્તમ નમૂનો કાન્હમાં બારાસિંગાના સંવર્ધને પુરો પાડયો છે.

જંગલમાં ઘણા જળાશયો છે, પણ એક તળાવ રસપ્રદ છે. એ તળાવનું નામ છે શ્રવણ તાલ.માન્યતા પ્રમાણે રામાયણકાળમાં શ્રવણને અહીં રાજા દશરથનું શબ્દવેધી તીર વાગ્યુ હતું. હવે શ્રવણના માતા-પિતા તો નહીં પણ વન્યજીવોને પાણી પુરું પાડે છે.

ભારતીય પ્રજાને જંગલ બુકનો પરિચય મળ્યો ‘દૂરદર્શન’ પર આવેલી એનિમેટેડ સિરિયલથી. ‘જંગલ જંગલ બાત ચલી હૈ..’ ફેઈમ એ સિરિયલ મૂળ તો જાપાનમાં ૧૯૮૯માં રિલિઝ થયેલી બાવન હપ્તાની શ્રેણી છે. દૂરદર્શને તેનું ભારતીયકરણ કરીને ભારતમાં રજૂ કરી અને પછી એ અપરંપાર રીતે લોકપ્રિય થઈ. એટલી બધી લોકપ્રિય કે એ સિરિયલની ડીવીડી આજેય જોવાય છે.

જતાં પહેલા જાણી લો

  • જબલપુર કાન્હાથી નજીક આવેલું રેલવે સ્ટેશન છે. અહીંથી કાન્હા ૧૮૦ કિલોમીટર દૂર છે. જબલપુરથી કાન્હા પહોંચવા માટે ટેક્સી ઉત્તમ વિકલ્પ છે.
  • નજીકનું એરપોર્ટ પણ જબલુપર છે. નાગપુર પણ છે, પણ એ થોડું વધારે દૂર છે. એ રીતે રાયપુર પણ લેન્ડ થઈ ટેક્સી દ્વારા કાન્હા પહોંચી શકાય.
  • પ્રવાસ માટે વધુ વિગતો www.mptourism.com પરથી મળી શકશે.
  • ગમે તેવી ગરમી વચ્ચે પણ અહીના જંગલો ઠંડા હશે.
  • જબલપુરથી કાન્હા પહોંચવા માટે જે હોટેલમાં ઉતરવાનું હોય તેનું પાક્કું સરનામું હોય તો સરળતા રહેશે, કેમ કે કાન્હા મૂળ તો જંગલ વિસ્તાર છે.
  • જીપ ઉપરાંત ટાઈગર સફારી પણ ઉપલબ્ધ છે.
  • ચોમાસા સિવાય ગમે ત્યારે આ જંગલો ફરી શકાય એવા છે. બે દિવસ જેટલો સમય હોય તો બેસ્ટ. જુલાઈથી ઓક્ટોબર દરમિયાન પાર્ક બંધ રહે છે.
  • જબલપુરમાં પણ ભેડા ઘાટ, ચોસઠ જોગણી મંદિર, નર્મદા સહિત અનેક સ્થળો જોવા જેવા છે. માટે જબલપુર-કાન્હાનો સંયુક્ત પ્રવાસ ગોઠવી શકાય.
  • માહિતી માટે ગુજરાતમાં પણ મધ્ય પ્રદેશ ટુરિઝમની ઓફિસો છે. સંપર્ક 079 – 26462977, 32939000. ahmedabad@mptourism.com

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *