
જેમને જૂનાગઢ જઈ ગિરનારની રોપ-વે સફર કરવી છે, તેમને અમારો અનુભવ અને ticket booking વગેરે માટેની ટિપ્સ કદાચ કામ લાગશે…
ટિકિટ માહિતી
- જૂનાગઢનું આઈકાર્ડ હોય તો 590 અને અડધી ટિકિટ રૃપિયા 300
- જૂનાગઢ સિવાયના નાગરિકો માટે 700 અને અડધી 350
- વન-વે એટલે કે માત્ર ઉપર જવાની કે માત્ર આવવાની રૃપિયા 400.
- જૂનાગઢવાળી સુવિધા અને વન-વે સુવિધા વેબસાઈટ પર ઉપલબ્ધ નથી.
- આ દર વળી થોડા દિવસ પુરતા છે, 14 નવેમ્બર પછી તો ભાવ વધશે એવુ બોર્ડ મારેલું જ છે.
- જૂનાગઢ બસસ્ટેશને ઉતર્યા પછી ભવનાથ-રોપવે મથક પહોંચવા માટે 13 રૃપિયા ટિકિટની બસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભવનાથ અથવા તો તળેટી તરીકે ઓળખાતો વિસ્તાર જૂનાગઢનું અનોખું ઘરેણું છે. ત્યાંથી ગિરનારના વિવિધ સ્થળો-મંદિર-જગ્યાઓએ જવાના રસ્તા, પગથિયાં, કેડી-કેડા.. ફંટાય છે. જોકે મુખ્ય આકર્ષણ તો ગિરનારના પગથિયાં છે અને હવે રોપવે નામે બીજું આકર્ષણ ઉમેરાઈ ગયું છે.

ભવનાથમાં ગિરનારની મુખ્ય સીડી ઉપરાંત ડાબી તરફ જંગલમાં ઢોળાવવાળો રસ્તો શરૃ થાય અને પછી ત્યાંથી જટાશંકર, ભરતવન-સિતાવન, જેવા સ્થળોએ જઈ શકાય. એ રસ્તાનો વપરાશ ઓછો થતો. પરંતુ હવે રોપવેનું મથક ત્યાંજ ઉભુ કર્યું હોવાથી અમે ભવનાથ પહોંચ્યા ત્યારે એ રસ્તા પર ભીડ ઉમટેલી હતી. અમે પણ ભીડમાં જોડાયા.


રોપવે માટે અત્યારે તો જૂનાગઢના ઓછા, બહારના પ્રવાસી વધારે આવે છે. મોટા ભાગના પોતાના વાહન લઈને આવે છે અને ત્યાં પહોંચ્યા પછી તેમને ખબર પડે કે પાર્કિંગની સગવડ નથી. ત્યારે અણગમો થાય એ સ્વાભાવિક છે. જોકે બસ્સો-ત્રણસો મીટર દૂર જ થોડી જગ્યા ખાલી છે એટલે ત્યાં વાહનો પાર્ક થઈ શકે છે.


સારી વાત એટલી કે જ્યાંથી વાહન અટકે ત્યાંથી થોડુંક જ ચાલીને રોપવે મથક સુધી પહોંચી શકાય છે. અમે ત્યાં પહોંચ્યા ત્યાં જ સંખ્યાબંધ ચોકીદારો પ્રવાસીઓનું સ્વાગત કરવા હાજર હતા. આવનારા પ્રવાસીઓ પાસે ઓનલાઇન ટિકિટ હોય તો એમને ટિકિટની લાઈનમાં ઉભવું પડતું નથી. જેમની પાસે ઓનલાઈન ટિકિટ ન હતી એમને ટિકિટની લાઈનમાં ઉભા કરી દેવાયા.


અમે આગળ વધ્યા. એ દિવસે રવિવાર હતો અને વળી સવારનો સમય. એટલે ખાસ્સી ભીડ દેખાતી હતી. એ પડાવ પાર કરીને અમે અંદર પહોંચ્યા, જે રોપ-વેનો વિશાળ વેઈટિંગ રૃમ હતો. ત્યાં વળી ઉડનખટોલા (રોપવેનું ઉષા બ્રેકોએ અપનાવેલું બ્રાન્ડ નેમ)નું એક સ્થાપત્ય હતું જ્યાં ઉભા રહીને સૌ કોઈ ફોટા પડાવતા હતા.

વેઇટિંગ રૃમનું નામ સાર્થક થાય એવી લાંબી લાઈન ત્યાં હતી. એ લાઈન રોપવેમાં સવાર થવા માટેની હતી. ઓનલાઈન હોય કે ઓફલાઈન અહીં તો રાહ જોવી જ પડે. અલબત્ત, ભીડ વધારે હોય ત્યારે જ. વેઇટિંગ રૃમમાં બેસવાની ખુરશીઓ હોવાથી ત્યાં રાહ જોવી મુશ્કેલ ન હતી. પ્રવાસીઓને કાબુમાં રાખવા માટે અહીં પણ સંખ્યાબંધ સ્ટાફર્સ હાજર હતા. કુલ મળીને સવાસો માણસોનો સ્ટાફ રોપવે સંચાલન કરે છે. લંબાઈ, ઊંચાઈ, મોટી કેબિનો ઉપરાંત સ્ટાફની દૃષ્ટિએ પણ આ રોપવે ભારતમાં સૌથી મોટા પૈકીનો એક હશે.

ઝિગઝેગ આકારે ગોઠવાયેલી લાઈનમાં આગળ વધતા રોપવે કક્ષના દ્વારે પહોંચ્યા. અહીં પહોંચતા પહેલા સૂચના આપવામાં આવતી હતી કે આઠ-આઠ વ્યક્તિનું ઝૂંડ બનાવો. કેમ કે એક કેબિનમાં આઠ પ્રવાસી સમાઈ શકે. રોપવેની ટ્રોલી ઉપરથી નીચે આવે એ ધીમે ધીમે ચાલતી જ રહે, સાવ સ્થિર ન થઈ શકે. કેમ કે સ્થિર થાય તો ઉપરની બધી ટ્રોલીઓ અટકી પડે. એટલે પ્રવાસીઓએ ધીમી ગતીએ ચાલતી ટ્રોલીમાં સવાર થવું રહ્યું. બાળકો વૃદ્ધો હોય તો ત્યાં સાવધાની રાખવી પડે. અને એટલે જ પહેલેથી આઠના ગ્રૂપમાં રહેવાનું મહત્વ છે.


ટ્રોલીમાં બેઠા એ સાથે જ પગ થોડા અંદર લેવાની સૂચના મળી. દરવાજો બંધ થયો, બહારથી હૂક મારી દેવાઈ. અને ટ્રોલી રવાના થઈ જે ઝડપે અશ્વિની ભટ્ટની નવલકથા ચાલતી હોય એ ઝડપે. ગિરનાર તો અનેક વખત ચડ્યા પણ રોપવેમાંથી જે પ્રકારે દેખાય તેની મજા અનોખી છે. ટ્રોલીઓ ખાસ્સી સલામત અને ચારે તરફ કાચ ધરાવે છે. એટલે સુંદર નજારો દેખાવા લાગ્યો. ઉપર જોઈએ તો અંબાજી, ડાબી તરફ ભૈરવજપનો પથ્થર, નીચેની તરફ પહેલા રોપવે મથક, પછી થોડા ઊંચે જઈએ એટલે ભવનાથ અને પછી વધારે ઊંચે પહોંચતા સમગ્ર ગઢ જૂનો દેખાવા લાગ્યો.

રોપવે ગિરનારના પોણા બસ્સો ચોરસ કિલોમીટરના અભયારણ્ય-જંગલ ઉપરથી પસાર થાય છે. આ જંગલમાં સિંહ-દીપડા રહે છે. રોપવેના થાંભલા પાસે બે સિંહ થોડા દિવસ પહેલા જ આવી ચડ્યા હતા. એટલે ભવિષ્યમાં પણ દેખાતા રહેશે એ વાત નક્કી છે.


અમે નીચે પણ નજર નાખી. સિંહ-દીપડા તો ન આવ્યા પણ થોડી ઊંચાઈ પર પહોંચ્યા ત્યાં પગથિયાં પણ દેખાવા લાગ્યા. એનાથી વધારે ઉપર પહોંચ્યા પછી ગિરનારના કાળમીંઢ ખડકો સામે આવ્યા. રોપ-વે વચ્ચે કુલ નવ ટાવર બનાવાયાં છે. એમાં પણ ટાવર નંબર ૫ અને ૬ વચ્ચે તો ૧ કિલોમીટરનું ખાસ્સું લાંબું અંતર છે, જ્યારે ત્યાં જમીન લગભગ ૧૫૦૦ ફીટ ઊંડી છે. ત્યાંથી પસાર થતી વખતે લાગ્યું કે જાણે હવાઈ કિલ્લામાં રહેવા આવી ગયા.. ૯ પૈકીનો સૌથી ઊંચો ટાવર ૬૬ મીટરનો છે.
થોડી વારે અંબાજી પહોંચ્યા અને રોપવેની સ્પીડને બ્રેક લાગી. અહીં પણ ટ્રોલી ધીમી પડી એટલે કર્મચારીઓએ પ્રવાસીઓને ઉતાર્યાં. રોપવે મંદિરને અડીને જ બન્યો છે એટલે સીધા અંબાજી મંદિર પહોંચી શકાય. મંદિરમાં ભક્તોની ભીડ હતી, એટલે પુજારી-સંચાલકો બધાને ઝડપથી બહાર નીકળવા અપીલ કરતા હતા. અમે પણ ત્યાંથી બહાર નીકળ્યા. એ રીતે રોપવેની અમારી એક તરફી સફર પુરી થઈ.


અંબાજી સુધી રોપવે થવાથી ગુજરાતના સૌથી ઊંચા ગોરખનાથ શિખર સુધી પહોંચવુ સાવ સરળ થઈ ગયું છે. કેમ કે અંબાજી મંદિરની પાછળ જ માંડ થોડાક સો પગથિયાં ચડીને ગોરખનાથ પહોંચી શકાય છે. જવા-આવવા માટે એક કલાકથી વધારે સમયની જરૃર પડતી નથી. અમારા માટે મુખ્ય આકર્ષણ ગોરખનાથ જ હતું.

થોડી વાર ચાલીને ગુજરાતના સર્વોચ્ચ ૩૬૭૨ ફીટ ઊંચા શિખર ગોરખનાથ પહોંચ્યા. નામ પ્રમાણે નાથ સંપ્રદાયના મહાત્મા ગોરખનાથનો અહીં ધૂણો અને પાદુકા છે. જોકે અમે પહોંચ્યા ત્યારે મંદિરનું રિનોવેશન ચાલતું હતું. ગોરખનાથથી આગળ સામે દેખાતી (અને ગિરનારના ફોટામાં સૌથી વધુ ચમકતી) ટૂંક દતાત્રેયની છે. ત્યાં ભગવાન દતાત્રેયના પગલાં છે. ત્યાં સુધી જવાની કોઈ સીડી દેખાતી નથી પણ છે ખરાં. એ સીડી અત્યંત આકરી હોવાથી જેમને પોતાની શારીરિક ક્ષમતા પર પૂરો વિશ્વાસ હોય એમણે જ ત્યાં જવું. એ રસ્તે જવા ઊંડે ઉતરવું પડે પછી ચડવું પડે. ઉતરાણ વખતે રસ્તામાં જમણી તરફ ફંટાતી કમડંળ કુંડ નામની જગ્યા પણ આવે છે, જ્યાં દતાત્રેય ભગવાનનો અખંડ ધૂણો છે. એટલે કે ભગવાન દત્તના વખતથી એ પ્રજ્વલિત છે. ગિરનારમાં કુલ બે અખંડ ધૂણા છે, કમંડળ કુંડે અને ગોરખનાથના શીખરે.


અમારે ગોરખનાથથી આગળ જવાનું ન હતું. ગોરખનાથ શિખર પર એક પથ્થરની સાંકડી ટનલ છે. ચાર પગે ચાલીને તેમાંથી પસાર થઈ શકાય તો પાપમુક્ત થવાય એવી માન્યતા છે. જોકે જેમને એક્સએલએલ સાઈઝના વસ્ત્રો પહેરવાના થતાં હોય એમના શરીરને આ કુદરતી સ્કેનરમાંથી પસાર થવામાં મુશ્કેલી નડે. અમારે એવો વાંધો ન હતો એટલે પથ્થરની આરપાર નીકળી, મહંત સાથે વાતો કરી અંબાજી પરત ફર્યા.

રોપવેમાંથી ઉતરતી વખતે ચડવા જેટલી લાંબી લાઈન તો ન હતી, પણ લાઈન હતી. વળી અહીં વેઇટિંગ રૃમ જેવી સુવિધા હજુ સુધી ઉભી નથી થઈ. ત્યાં એક કર્મચારીએ જણાવ્યું કે વેઈટિંગ રૃમ હજૂ બને છે. વાતાવરણ આકરું હોય અને જો વેઇટિંગ રૃમની સુવિધા ઉભી ન થઈ હોય તો લાઈનમાં ઉભું રહેવું અઘરું પડે.

અમે તો સભ્યો જ આઠ હતા એટલે રાતીચોળ કલરની ટ્રોલી આવી એમાં ગોઠવાયા અને વળી એ જ જૂનાગઢ, ગિરનાર ક્ષેત્ર, ભવનાથ, જંગલના દર્શન કરાવતા થોડી વારે નીચે પહોંચ્યા. ટ્રોલીમાં ઉપરના ભાગે બારીઓ ખુલ્લી હોવાથી હવાની અવર-જવર રહે છે. પરંતુ તળેટીથી સીધા ઊંચે જતી વખતે કોઈને કાનમાં ધાક બેસવાની સામાન્ય સમસ્યા સર્જાઈ શકે.

રોપવે પછી પણ ડોળીવાળાની સફર ચાલુ જ છે, કેમ કે અંબાજીથી નીચેના સ્થળોએ જવું હોય કે પછી અંબાજીથી આગળ જવું હોય અને શરીર કામ ન આપતું હોય એમના માટે ડોળી એકમાત્ર વિકલ્પ છે.
Superb.
super job mr. LALIT
Super story Lalit mama
Super information