
મંઝીલ કરતા સફરમાં મજા આવે… એવુ સાંભળ્યું-વાંચ્યુ હોય.. પણ તેનો અનુભવ કરવો અઘરો છે. કેમ કે પ્રવાસ વખતે આપણે દર વખતે સફર પર ધ્યાન આપી શકતા નથી. સફર રસપ્રદ બને એટલે હવે કેરેવાન ટુરિઝમનો કન્સેપ્ટ ભારતમાં પોપ્યુલર થઈ રહ્યો છે. કેરેવાન શબ્દનો અર્થ કાફલો થાય. વિદેશમાં તો પોતાની વાન-કાર-ગાડીમાં જરૃરી સામાન લઈને દિવસો સુધી ફરવા નીકળી પડવાનો કન્સેપ્ટ છે જ.

ભારતમાં હવે એ લોકપ્રિય થઈ રહ્યો છે. કેરળ ટુરિઝમ એ બાબતમાં ઘણું આગળ આગળપડતું સાબિત થયું છે. અહીં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કેરેવાન ટુરિઝમ માટે બસ અને એ બસો પાર્ક થઈ શકે એટલા માટે કેરેવાન પાર્ક ઉભા કરવામાં આવ્યા છે.

- કેરળના અજાણ્યા સ્થળો એક્સપ્લોર થઈ શકે એટલા માટે આ સુવિધા શરૃ કરાઈ છે. કેરળે હાલ તેના માટે મોટી બસ ફાળવી છે. એ ઉપરાંત નાના વાહનો પણ કેરેવાન માટે સજ્જ થઈ રહ્યા છે.
- કેરળ સરકારને દોઢસોથી વધુ કંપની-વ્યક્તિઓએ કેરેવાન બસ શરૃ કરવા માટે અરજી આપી છે.
- બસની મર્યાદિત જગ્યામાં પથારી, બાથરૃમ, રસોડાની સગવડ, કેમ્પિંગ માટેની સામગ્રી.. વગેરેનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.
- કેરેવાન પાર્ક થઈ શકે એટલા માટે ૧૦૦થી વધારે કેરેવાન પાર્ક ઉભા કરવાની તૈયારી ચાલે છે. કેટલાક પાર્ક તૈયાર થઈ ગયા છે.
- કેરેવાન પાર્ક એ માત્ર પાર્કિંગની સામાન્ય જગ્યા નથી. ખાસ્સી વિશાળ જગ્યા, ગાર્ડન, નાની ઓરડીઓ..વગેરે સુવિધાઓ ઉભી કરાઈ છે.
- કેરેવાન પાર્કના સ્થળો મોટે ભાગે એવા પસંદ કરાયા છે, જે જંગલ, પહાડી, નદીકાંઠો.. વગેરે આસપાસ છે. જેથી અહીં રોકાણ દરમિયાન પણ પ્રવાસીઓને નવું જોયાનો આનંદ મળે છે.
- ‘કેરેવાન’ શબ્દનો અર્થ આમ તો ‘હરતું-ફરતું ઘર’ એવો થાય છે.
- વાન મોટી હોય પરંતુ આવી બધી સાજ-સજ્જાને કારણે તેમાં 3થી 5 વ્યક્તિ ફરી શકે છે. આવી સુવિધાઓને કારણે તેને ‘હાઉસ ઓન વ્હીલ’ પણ કહેવામાં આવે છે.

કેરેવાન ટુરિઝમના ફાયદા
- સુવિધાસજ્જ વાનમાં મનપસંદ જગ્યાએ ફરી શકાય
- કોરોના જેવી સ્થિતિમાં સરળતાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય
- ઈનડોર રહીને આઉટડોર પ્રવાસ કરી શકાય
- ગમે એટલો લાંબો પ્રવાસ પણ કરી શકાય
- બાળકો કે વૃદ્ધો સાથે હોય એવા સંજોગોમાં પ્રવાસમાં સલામતી જળવાઈ રહે છે
- નવા પ્રકારનો પ્રવાસ અનુભવ થાય

ગેરફાયદા
- વાહન મોટું હોવાથી સાંકડા રસ્તામાં મુશ્કેલી થાય
- મર્યાદિત સાધન-સુવિધાથી ચલાવવુ પડે

કેરેવાનમાં સામાન્ય સવલતો
- બેસવા-સુવાની વ્યવસ્થા
- મિનિ ફ્રિજ
- ઠંડુ-ગરમ પાણી
- આઉટડોર કિચનની સુવિધા
- કેમ્પિંગ માટેની સામગ્રી
- ઈનડોર ગેમ