Backwaters : કેરળની અનોખી જળસૃષ્ટિનો પ્રવાસ કરતાં પહેલા જાણવા જેવી વિગતો…

કેરળનું પ્રવાસનની દૃષ્ટિએ બહુ મોટુ નામ છે. એ રાજ્ય પાસે વિવિધ આકર્ષણો છે. એમાં એક મોટું આકર્ષણ બેકવોટર્સ નામે ઓળખાતા જળમાર્ગોનું છે. કેરળ સમુદ્રના કાંઠે ઉભું પથરાયેલું રાજ્ય છે. સમુદ્ર પુરો થાય, જમીન શરૃ થાય અને ફરી પાછું પાણી આવે. એ પાણી સમુદ્રનું, નદીનું, તળાવનું વગેરે મળીને લાંબી કેનાલો બનાવે છે. આ કેનાલો અથવા તો જળમાર્ગ બેકવોટર્સ તરીકે ઓળખાય છે. બેકવોટર્સ એ સમુદ્રની જેમ અશાંત નથી હોતું માટે પ્રવાસીઓ હોડી, હાઉસબોટમાં સવાર થઈને અનોખી સફર કરી શકે છે. કેરળ જતાં પ્રવાસીઓની ઈચ્છા એકાદ દિવસ તો બેકવોટર્સમાં પસાર કરવાની હોય જ છે. એ બેકવોટર્સ વિશેની પ્રાથમિક માહિતી…

બેકવોટર્સના પાંચ ભાગ

૧. કુન્નુર-વાલિયાપરામ્બા (kannur – valiyaparamba )

બેકવોટર્સ એ ૯૦૦ કિલોમીટર લાંબો જળમાર્ગ છે. આમ તો સમગ્ર કેરળમાં બેકવોટર્સનું નેટવર્ક છે, પણ પાંચ મુખ્ય ભાગો છે.

આ વિસ્તાર કેરળના સૌથી ઉત્તર ભાગમાં કુન્નુર શહેર પાસે આવેલો છે.

૨. કાનોલી કેનનાલ કલ્લાઈ (canoli canal kallai)

આ હકીકતે મશીનરી ન હતી ત્યારે માનવો દ્વારા બનાવાયેલી કેનાલ છે. ૧૮૪૮થી ૫૦ દરમિયાન તેનું બાંધકામ થયું હતું. આ ભાગ કોઝીકોડ શહેરથી શરૃ થાય છે.

૩. કોલમ-કોટ્ટાપુરમ (kollam kottapuram waterway)

૧૬૮ કિલોમીટર લાંબા આ પટ્ટાને છેક ૧૯૮૩માં રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરવામાં આવ્યો હતો. ૨૪ કલાક નેવિગેશન સુવિધા ધરાવતો દેશનો પહેલો જળમાર્ગ છે. કોચી, કુમારકોમ, અલેપ્પુઝા, કોલમ વગેરે મહત્વના શહેરો આ સૌથી લાંબા બેકવોટર્સમાં આવી જાય છે. અહીંથી અનેક મોટી ફેરી સર્વિસ ઉપડે છે, જેમાં સવાર થઈ કોચી, કુમારકોમ, અલેપ્પુઝા વગેરે સ્થળોએ જઈ શકાય છે.

૪. અક્કુલમ-વેલી (akkulam-veli) 

કેરળના પાટનગર થિરૃવનંથપુરમ (ત્રિવેન્દ્રમ) જિલ્લામાં આવેલો આ ભાગ દક્ષિણ છેડે છે. ઈકો-ટુરિઝમનો અહીં સારો એવો વિકાસ થયો છે.

૫. થિરૃવલ્લમ-પૂવર (thiruvallam-poovar)

આ ભાગ ત્રિવેન્દ્રમથી પણ દક્ષિણમાં આવેલો નાનકડો માર્ગ છે. ધાર્મિક ઉપરાંત સુંદર દરિયાકાંઠા આ વિસ્તારના આકર્ષણો છે.

બેકવોટર્સ કાંઠાની દુનિયા

દુનિયાની તમામ સંસ્કૃતિઓ નદી કાંઠે એટલે કે અવિરત વહેતા પાણીના કાંઠે વિકસી છે. કેરળના બેકવોટર્સના કાંઠે પણ શહેરો, ગામ્ય જીવન, સંસ્કૃતિ, વેપાર-ધંધાનો વિકાસ થયો છે.

બેકવોટર્સ સરોવરો

કેરળમાં ૪૪ નદી અને ૩૪ સરોવર આવેલા છે. એમાંથી ઘણા બેકવોટર્સનો જ બાગ છે.

૧. વેમ્બનાડ સરોવર (vembnad lake)

ભારતનું સૌથી લાંબુ અને કેરળનું સૌથી મોટું સરોવર છે. ૧૬ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું સરોવર કેરળનો ૪૦ ટકા ભાગ રોકે છે. આ સરોવરમાં કેરળની ૧૦ નદીઓનું પાણી ઠલવાય છે.

૨. અસ્થામુડી સરોવર (ashtamudi lake)

૧૬ કિલોમીટર લાંબુ આ સરોવર કેરળના સાવ દક્ષિણ છેડે આવેલું છે. કેરળનું બીજા નંબરનું મોટુ સરોવર છે. અહીં ૫૭ પ્રકારના પક્ષી જોવા મળે છે.

૩. કાયામાકુલમ લેક (kayamkulam lake)

૬૦ ચોરસ કિલોમીટરનું આ સરોવર કોલમ અને અલેપ્પુઝા જિલ્લામાં પથરાયેલું છે.

બેકવોટર્સનો ભાગ બનેલી નદીઓ

કેરળમાં ૪૪ નદીઓ છે, નાની-મોટી છે. તેમાંથઈ કેટલીક મહત્વપૂર્ણ નદીઓ…

૧. પેરિયાર

૨. પામ્બા

૩. કાલ્લાડા

ટાપુઓ

કેરળ જળમાં ફેલાયેલું રાજ્ય છે એટલે નાના-મોટા ટાપુઓની અહીં બોલબાલા છે.

૧. પથીરમાનાલ (pathiramanal)

એક સમયે કેરળના રાજા અહીં રાતવાસો કરતા હતા. અહીં ૯૦ પ્રકારના પક્ષી અને ૩૦થી વધુ પ્રકારના પતંગીયાં જોવા મળે છે.

૨. કુમારાકોમ (kumarkom)

પ્રવાસીઓમાં  આ ટાપુ સૌથી પ્રિય છે. વેમ્બનાડ સરોવર સાથે જ આ ટાપુ સંકળાયેલો છે.

૩.બોલગાટ્ટી (Bolagatty)

ડચ પ્રજાએ ૧૭૪૪માં બાંધેલા પેલેસ માટે આ ટાપુ પોપલ્યુલર છે. હોલેન્ડ બહાર ડચ પ્રજાએ બાંધેલો આ સૌથી મોટો મહેલ છે.

પ્રકૃતિ અને પર્યાવરણ

બેકવોટર્સના પાણીમાં અને કાંઠે વિવિધ પર્યાવરણ અને પ્રાકૃતિક આકર્ષણો ઉભા છે.

૧. જળસૃષ્ટિ

એકલા વેમ્બનાડમાં ૧૫૦થી વધારે પ્રકારની માછલીઓ જોવા મળે છે.

૨. મેન્ગ્રોવ્સ

કાંઠા વિસ્તારને મજબૂત રાખવામાં મેન્ગ્રોવ્સ અર્થાત ચેરિંયાનો મહત્વપૂર્ણ ફાળો છે.

૩. પક્ષીસૃષ્ટિ

પાણી છે એટલે ઠેર ઠેર વિવિધ પ્રકારના પક્ષીઓ સર્વત્ર જોવા મળે છે.

કાંઠે ચાલતા વેપાર-ધંધા

બેકવોટર્સના કાંઠે રહેતા લોકોના બાળકો બોલતા શીખે કે ચાલતાં શીખે એ પહેલાં તરતા શીખી જતાં હોય છે. તેમના જીવનનો મહત્વનો ભાગ પાણી છે. પાણી સાથે સંકળાયેલા જ કેટલાક વ્યવસાયોમાં તેઓ મહારથી છે.

૧. ડાંગરની ખેતી

૨. કાથીનું ઉત્પાદન

૩. માછીમારી

૪. હોડીઓ બનાવવી

બેકવોટર્સ દરમિયાન કરવા જેવા અનુભવ

૧. હાઉસબોટ

કાશમીરના દાલ સરોવરની હાઉસબોટ જેમ જગવિખ્યાત છે એમ કેરળના બેકવોટર્સની હાઉસબોટ પણ પોપ્યુલર છે. કાશ્મીર કરતા એ હાઉસબોટ એક ડગલું આગળ છે કેમ કે એ સતત ફરતી રહે છે.

૨. બોટ રેસ

સવાસો ફીટ કરતા વધારે લાંબી, પાતળી હોડીઓની રેસ માટે કેરળ જાણીતું છે. હવે ત્યાં પ્રવાસીઓ જોઈ શકે એટલા માટે વિવિધ સ્થળોએ ૧૨ બોટ રેસનું આયોજન કરવામાં આવે છે.

૩. આયુર્વેદ

કેરળ તેની આયુર્વેદિક સારવાર માટે જાણીતું છે. જાણીતું હોવાનું એક કારણ છે કે કેરળ પાસે આખા જગતમાં સર્વોત્તમ આયુર્વેદિક કલ્ચર છે. સર્વોત્તમ હોવાનું કારણ વળી એ છે કે કેરળનું હવામાન આયુર્વેદિક સારવાર માટે ઉત્તમ છે અને ઔષધિઓ શુદ્ધ વપરાય છે.

ક્યાં ક્યાં બ્રેક મારી શકાય?

૧. કુમારકોમ બર્ડ સેન્ચુરી (kumarakom bird sanctuary)

પક્ષી પ્રેમીઓ અને વન ભ્રમણ ઈચ્છતા પ્રવાસીઓ માટે સ્વર્ગ છે આ જગ્યા.

૨. કુટ્ટન્ડ (kuttanad)

આ જગતની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં સમુદ્ર સપાટી કરતા નીચી ભૂમિ પર ડાંગરની ખેતી થાય છે. અહીંના ખેતરો નેધરલેન્ડની યાદ અપાવે એવા છે.

૩. થાનીરમુક્કોમ બંધ (thanneermukkom bund)

કુટન્ડ વિસ્તારની જમીન નીચી છે. ત્યાં સમુદ્રનું ખારુ પાણી ન ઘૂસી જાય એ માટે બાંધેલો આ બંધ છે.

૪. અલુમ્કાડાવુ (alumkadavu)

ભારતની પ્રથમ હાઉસબોટ બનાવાની શરૃઆત અહીંથી થઈ હતી. આજે તેનો હાઉસબોટ મેકિંગ ઉદ્યોગ બહુ જાણીતો છે.

૫. અલેપ્પુઝા (alappuzha)

ઈસ્ટનું વેનિસ ગણાતું આ શહેર વિવિધ આકર્ષણો ધરાવે છે. અનેક પ્રવાસીઓ અહીંથી સફરની શરૃઆત કરતા હોય છે.

૬. કોચી

કોચી મોટું શહેર છે, કિલ્લો ધરાવે છે અને સર્વોત્તમ બંદરમાં સ્થાન પામે છે. અરબ સાગરની રાણી તરીકે પણ આ શહેર પોપ્યુલર છે.

જતાં પહેલાં જાણી લો

  • કેરળ આખુ વર્ષ જઈ શકાય, પરંતુ બેકવોટર્સની સફરનો ઉત્તમ ગાળો ડિસેમ્બરથી જાન્યુઆરી છે.
  • હાઉસબોટમાં પ્રવાસીઓને હોટેલ જેવી જ રહેવા-ખાવાની સગવડ મળે છે.
  • એક દિવસથી અઠવાડિયા સુધી હાઉસબોટમાં રહીને બેકવોટર્સની સફર કરી શકાય છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *