Abu Dhabiમાં જોવા જેવા સ્થળ : ભાગ-1

ગુજરાતીઓને પરદેશ ફરવા નજીકના સ્થળોએ જવું હોય તો એમાં Abu Dhabi/અબુ ધાબી એક મજબૂત વિકલ્પ છે. ત્યાંના કેટલાક જોવા જેવાં સ્થળો..

‘યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)’માં નામ મુજબ કુલ સાત અમિરાત છે. સાત અમિરાત અલગ હોવા છતાં સરવાળે તેની સંસ્કૃતિ, રહેણી-કરણીની દૃષ્ટિએ એક છે. સાત ભાગ તો વહિવટી સરળતા માટે અને સુલતાની પરંપરા જાળવી રાખવા પાડેલા છે.

આ સાતેય અમિરાતનું પાટનગર એટલે અબુ ધાબી. દુબઈ એ યુએઈનું સૌથી મોટું શહેર છે, તો ત્યાંથી દોઢસો કિલોમીટરના અંતરે આવેલું અબુ ધાબીએ યુએઈનું પાટનગર છે. આરબ સંસ્કૃતિ અને પશ્ચિમની આધુનિકતાનો અહીં સંગમ થયો છે. માટે એ શહેર ચોવીસેય કલાક પ્રવાસીઓથી ધમધમતું રહે છે.

અબુ ધાબી શબ્દનો એરેબિક ભાષામાં અર્થ ‘લેન્ડ ઓફ ધ ગેઝલ (ગેઝલ પ્રકારના હરણની ભૂમિ)’ એવો થાય છે.  જગતના પ્રવાસન નકશામાં પોતાના આગવા આકર્ષણોને કારણે અબુ ધાબીએ અનોખું સ્થાન જમાવ્યું છે. આ રહ્યાં એમાંના કેટલાક આકર્ષણો…

1. શેખ ઝાયેદ મસ્જીદ

અબુ ધાબીના આધુનિક બાંધકામોમાં થોડા વર્ષ પહેલા ઉમેરાયેલી આ મસ્જીદ અનોખી છે. દુબઈ પાસે બુર્જ ખલિફા છે, તો અબુ ધાબી પાસે આ મસ્જીદ છે. દૂરથી તો તેનો ભવ્ય સફેદ ગુંબજ અને ચારે ખૂણે ઉભેલા મીનારા નજરે ચડ્યા વગર રહેતા નથી. જોકે અંદરથી જોયા પછી ખબર પડે આખી મસ્જીદમાં કુલ 82 ગુંબજ છે એ વળી 1096 થાંભલા પર ઉભા છે.

ગુંબજની છત પર સોને મઢેલા ઝુમ્મર લટકે છે, તો ભોંય તળિયે હાથે વણેલી જગતની સર્વોત્તમ અને સૌથી મોટી જાજમ પથરાયેલી છે. જાજમનો વિસ્તાર 60 હજાર ચોરસ ફીટથી વધારે છે (સારો એવો ગણીએ તો પણ ટુ-બીએચકેનો ફ્લેટ 1 હજાર ચોરસ ફીટથી મોટો નથી હોતો!) અને વજન 35 ટન છે. વેટિકન સિટી (જુઓ, ‘જિપ્સી’ અંક નંબર 16), તાજ મહેલ પછી સૌથી વધુ જોવાતા ધાર્મિક સ્થળમાં ‘ટ્રીપ એડવાઈઝરે’ આ મસ્જીદનો સમાવેશ કર્યો હતો. 2019ના પહેલા છ મહિનામાં જ 40 લાખ પ્રવાસીઓ અહીં આવ્યા હતા.

આ મસ્જીદ અબુ ધાબીના પ્રથમ શાસક શેખ ઝાયેદ બિન સુલતાનના નામે ઉભી કરાઈ છે. શેખની દફનવિધિ પણ મસ્જીદના પ્રાંગણમાં જ કરાઈ છે. મસ્જીદમાં એક સાથે 40,000 બિરાદરો નમાજ અદા કરી શકે છે. મસ્જીદમાં ઈસ્લામીક સ્થાપત્યનો દબદબો છે, તો સાથે સાથે ઈરાનિયન અને મુઘલ સ્થાપત્યનો પણ ભેગ કરાયો છે.

વધુ એક આકર્ષણ ઉત્તર આફ્રિકાના (અને દક્ષિણ યુરોપના) દેશોમાં જોવા મળતું મૂરિશ સ્થાપત્ય પણ છે. સિરિયાના સ્થપતિ યોસેફ અબ્દેલકી દ્વારા ડિઝાઈન થયેલી આ ઈમારત વિવિધ દેશોની 38 કન્સ્ટ્રકશન કંપનીઓએ ભેગી મળીને તૈયાર કરી છે.

ધર્મ સ્થાન હોવાથી અહીં પ્રવેશવા માટે નિર્ધારિત કરેલા વસ્ત્રો પહેરવા ફરજિયાત છે. જરૃર પડ્યે પ્રવેશદ્વારેથી જ વિનામૂલ્યે વસ્ત્રો આપવામાં આવે છે. અહીં ગાઈડેડ ટૂર પણ મળી રહે છે, જે સાથે લઈને મસ્જીદના વિવિધ વિભાગો ફરી શકાય છે.

મસ્જીદની મોટપનો અંદાજ એ વાતે મળી રહે કે ગાઈડેડ ટૂર દ્વારા ફરવા માટે પણ ચારેક કલાકનો સમય જોઈએ. શુક્રવાર સિવાય અહીં રોજ સવારે 9થી રાતના 10 સુધી વિનામૂલ્યે મુલાકાત લઈ શકાય છે. શુક્રવારે સવારના ભાગે મસ્જીદ બંધ હોય છે, પણ સાંજે 4.30થી 10 દરમિયાન ખુલ્લી રહે છે.  મસ્જીદની વેબસાઈટ https://www.szgmc.gov.ae/ પર મુલાકાત વિશે માર્ગદર્શક વિગતો આપવામાં આવી છે.

2. સ્પીડનું સરનામું ફેરારી વર્લ્ડ

ઈટાલિયન કંપની ફેરારીની ફેશનેબલ અને અતી ઝડપી કાર સામાન્ય માણસો તો ખરીદી શકવાના નથી. પરંતુ ફેરારી કી સવારી જેવો અનુભવ કરી શકાય એટલા માટે અબુ ધાબીમાં ફેરારી થિમ પાર્ક તૈયાર કરાયો છે. પાર્કનું પહેલું આકર્ષણ તો તેની છત છે.

ફેરારીના લોગા આકારની લાલ ચટ્ટક કલરમાં બનેલી છત જાણે કોઈ મોટો કટોરો જરા કાપ-કૂપ કરીને ઊંધો મુક્યો હોય એવું ચિત્ર ઉપસાવે છે. આ પાર્કના નામે આર્કિટેક્ચરની ભાષામાં જેને સ્પેસ ફ્રેમ (છતને ટેકો આપવા માટે આડા ગોઠવાયેલા લોખંડ-એલ્યુમિનિયમના ત્રિકોણાકાર એંગ્લ્સ) કહેવામાં આવે એવી વિશ્વની સૌથી મોટી ફ્રેમનો પણ વિક્રમ છે. એવડું મોટું સ્પેસ ફ્રેમિંગ હજુ સુધી જગતમાં ક્યાંય થયું નથી. એટલે પાર્ક ફરતી વખતે સૌથી પહેલી નજર તો છત તરફ નાખવી રહી. સમગ્ર પાર્કના બંધકામ માટે કુલ 12,370 ટન સ્ટીલનો વપરાશ થયો છે. એ રીતે અહીં દુનિયાનો સૌથી મોટો ફેરારી લોગો તૈયાર કરાયો છે. લોગોની લંબાઈ 65 મીટર, પહોળાઈ 48.5 મીટર છે.

86,000 ચોરસ મીટરમાં ફેલાયેલા પાર્કના મુખ્ય આકર્ષણો તેની એકથી એક ચડિયાતી એવી 37 રાઈડ્સ છે. કોઈ રાઈડ લિટલ ઈટાલિની સફર કરાવે છે, તો ખોવાયેલી દુનિયામાં લઈ જાય છે. કોઈ રાઈડ પાણીમાંથી પસાર થાય છે, તો કોઈ હવામાં ઉડાવે છે. એ બધી રાઈડમાં વળી સૌથી મોટું આકર્ષણ તેનું ‘ફોર્મ્યુલા રોસા’ નામનું રોલર કોસ્ટર છે.  52 મીટર ઊંચા છેડેથી શરૃ થતી રોલર કોસ્ટરની સફર 4.9 સેકન્ડમાં જ 240 કિલોમીટરની અસાધારણ ઝડપ હાંસલ કરી લે છે. ફોર્મ્યુલા વન રેસની કાર સામાન્ય રીતે આવી ઝડપે દોડતી (કે ઊડતી) હોય છે, જેનો અનુભવ અહીં સવાર લઈ શકે છે. પ્રવાસીઓને જાણે એમ લાગે કે તેમને કોઈ બ્લેકહોલના ગુરુત્વાકર્ષણે ખેંચી લીધા અને પછી બીજી જ પળમાં મુક્ત કરી દીધા. એ વખતે હૃદયના ધડકારા વધી જાય, પેટમાં ખાલીપો અનુભવાય, શહીર હવામાં ઊડી રહ્યાંનુ લાગે.. એ બધાથી ડરવાની જરૃર નથી કેમ કે એ જ તો રોલર સફરની મજા છે.

આ સફર વિજ્ઞાનના સિદ્ધાંતો પર કામ કરે છે. એટલે એમાં નાના-બાળકો, સવા છ ફીટથી વધારે ઊંચાઈ ધરાવનારા, 100 કિલોગ્રામથી વધુ વજન હોય એવા વ્યક્તિઓને પ્રવેશ અપાતો નથી. તેમના શરીર પર ઝડપની વિપરિત અસર થઈ શકે છે.

ફેરારીના મૂળ વતન ઈટાલિનો સ્વાદ માણી શકાય એ માટે ઈટાલિયન ભોજન માટે ડાઈનિંગ હોલ છે અને અન્ય વિવિધ પ્રકારની રેસ્ટોરાં પણ છે. આખા પાર્કના કેન્દ્રમાં એક વાત હોય તો એ સ્પીડ છે. રસ્તા પર એક હદથી વધારે સ્પીડ હાંસલ કરવી સલામત નથી, પરંતુ આ પાર્કમાં એ ઈચ્છા પુરી કરી શકાય છે. 356 દિવસ પાર્ક ખુલ્લો રહે છે. પ્રવેશ માટે 295 દિહરામની ટિકિટ છે, જ્યારે બાળકો માટે એ રકમ 230 દિહરામ છે. સતાવાર વેબસાઈટ https://www.ferrariworldabudhabi.com/ પર વધારે વિગત મળી શકશે.

3. પેરિસ બહારનું લ્રુવ મ્યૂઝિઅમ

પેરિસનું લ્રુવ મ્યૂઝિઅમ બેશક ‘મોનાલિસા’ જેવા સેલિબ્રિટિ સ્ટેટસ ભોગવતા પેઈન્ટિંગ્સ અને આખા જગતમાંથી એકઠી થયેલી કળાકૃતિઓ માટે વિખ્યાત છે એવુ જ લ્રુવ મ્યૂઝિઅમ અબુ ધાબીમાં ઉભું કરી દેવાયું છે.

પેરિસનું મ્યૂઝિઅમ બહુધા કળા-સંગ્રહ માટે જાણીતું છે, અબુ ધાબીનું લ્રુવ મ્યૂઝિઅમ માનવજાતના ઈતિહાસ પર કેન્દ્રિત છે. મનુષ્ય ઉત્ક્રાંતિનો ઈતિહાસ લગભગ 12 હજાર વર્ષ પહેલાના નિઓલિથિક સમયગાળાથી શરૃ થાય છે. એટલે દેશની સીમા, શરીરનો રંગ, ભૂગોળ-ઈતિહાસના ભેદભાવ વગરની ત્યારથી લઈને અત્યાર સુધીની માનવોત્પતિ અહીં જોઈ શકાય છે. દુનિયાનું પ્રથમ ગામ કેવું હશે, ઉદય-પતન પામેલી વિવિધ માનવ સંસ્કૃતિઓ, ઈજિપ્તનો સેલિબ્રિટી રાજવંશ, પુરાતનકાળના હથિયાર, ગ્રંથો, માટીના અવશેષો, ભારતમાંથી મળેલું બીજી સદીનું બૌદ્ધ મઠનું શિલ્પ, નેપોલિયન બોનાપાર્ટનું ચિત્ર, લિઓનાર્દો વિન્ચીના અન્ય પેઈન્ટિંગ્સ અને એવી જગવિખ્યાત કૃતિઓ પણ અહીં છે જ.

આરબ જગતને હંમેશા પાણીની અછત રહી છે. એ વાતનો અહેસાસ કરાવવા અને પાણી દ્વારા તાજગી રજૂ કરવા માટે આખા મ્યૂઝિઅમ વચ્ચેથી પાણની કેનાલ પસાર થાય છે. આખુ મ્યૂઝિઅમ 180 મીટરના વ્યાસ ધરાવતા જાળીદાર ડોમથી ઢંકાયેલું છે. 97000 ચોરસ મીટરમાં ફેલાયેલા સંગ્રલાયમાં 12 સ્થાયી ગેલેરીઓ છે, જ્યારે નિયમિત રીતે અન્ય પ્રદર્શનો પણ યોજાતા રહે છે. સોમવાર સિવાય ખુલ્લું રહેતું સંગ્રહાલય સવારના 10થી રાતના 10 સુધી જોઈ શકાય છે.

4. ફોર્મ્યુલા વન રેસ

અબુ ધાબીમાં અસલ ફોમ્યુલા વન રેસ માટેનો ટ્રેક પણ છે. સામાન્ય રીતે નવેમ્બરમાં ત્યાં રેસ યોજાય છે. એ સિવાયના દિવસોમાં પ્રવાસીઓ ત્યાં હરી-ફરીને રેસની દુનિયા સમજી શકે છે. આગામી સિઝન 26થી 29 નવેમ્બર 2020 દરમિયાન યોજાશે. તે દરમિયાન હાજર રહેવા પણ તેની ટિકિટ ખરીદી શકાય છે.

5. વોટરફ્રન્ટ

એક તરફ સમુદ્ર અને બીજી તરફ ચકચકીત શહેરી બાંધકામોને કારણે ક્રોનિકલ નામનો દરિયાકાંઠો પણ ડ્રાઈવ માટે જાણીતો છે. અહીંનો વોટરફ્રન્ટ પ્રવાસીઓમાંને એકાદ આંટો મારવા મજબૂર કરે એવો છે. હિન્દ મહાસાગરમાં થતી ઈન્ડિયન હમ્પબેક ડોલ્ફિનની અહીં મોટી વસાહત છે.

વધુ કેટલાક સ્થળોની વાત બીજા ભાગમાં..

Images courtesy

https://adpearljourney.com/
https://visitabudhabi.ae
https://www.louvreabudhabi.ae
https://www.szgmc.gov.ae
https://www.ferrariworldabudhabi.com

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *