ખજાનામાં સૌ કોઈને રસ પડે અને એટલે તેના પર કથાઓ લખાતી રહે.. એમાંની આ કથા આશકા માંડલ ખજાનો શોધવા નીકળી પડેલા કાફલાની છે. જેમાં પાંને પાંને અશ્વિની ભટ્ટનો ભાષા વૈભવ પથરાયેલો છે.
આશકા માંડલ
લેખક- અશ્વિની ભટ્ટ
પ્રકાશક – સાર્થક પ્રકાશન (અમદાવાદ)
કિંમત-૪૭૫ રૃપિયા
પાનાં-૪૫૬
રાજસ્થાનમાં આવેલું નાનકડું રજવાડું, નામ એનું હમીરગઢ.
એક દિવસ હમીરગઢના કુંવર સિગાવલ રણમાં રખડવા નીકળી પડ્યા અને જાણે-અજાણે રેતીમાં દટાયેલો ઈતિહાસ સપાટી પર આવવા લાગ્યો. છેવટે વાત ખજાનો શોધવા સુધી પહોંચી. કથા વીસમી સદીના શરૃઆતી વર્ષોની છે. ત્યારે ભારત આઝાદ થયું ન હતું, બીજી તરફ ૧૮૫૭માં થયેલો પ્રયાસ સાવ શાંત થયો ન હતો.
આઝાદીનો પ્રયાસ કરનારા સૌ કોઈ અંગ્રેજો માટે તો વિલન હતા. અંગ્રેજો માટે વિલન પણ હિન્દીઓ માટે હીરો હતા શરનસિંહ માંડલ. શરણસિંહ નાનાસાહેબ પેશ્વાનો વારસો સાચવીને બેઠો હતા. પણ એ હતા ક્યાં? એક એ સવાલ હતો.
બીજો સવાલ એ હતો કે અકલ્પનિય લાગે એવડો મોટો ખજાનો ક્યાં સંતાયેલો હતો?
ત્રીજો સવાલ એ હતો કે રણમાં આવેલા દુર્ગમ સ્થળે ખરેખર ખજાનો છૂપાયેલો હતો?
ત્યાં ખજાનો હતો તો પહોંચવાનો રસ્તો કોણ જાણતુ હતું?
એ બધા સવાલો વચ્ચે આઝાદી માટેની ઝંખના, રાજપૂતોની ખાનદાની અને પરાક્રમો, સતત આવતા ઉતાર-ચડાવ, એક સસ્પેન્સ ખુલે ત્યાં રજૂ થતું બીજું રહસ્ય.. માનવીય મનને પકડી રાખવાની કળા શું છે એ અશ્વિની ભટ્ટ બરાબર જાણતા હતા. એટલે તેની દરેક વાર્તાની માફક આ પણ શરૃ કર્યા પછી હવે શું થશે.. એ સવાલ છેવટ સુધી ઉભો રહે છે.
રણ, તેની વિષમતા, ઊંટ, ચંબલની ખીણો.. વગેરેના વર્ણનો રસપ્રદ છે કેમ કે અશ્વિની ભટ્ટ પોતે કથા માટે લગભગ આખુ રાજસ્થાન સ્કૂટર પર બેસીને રખડ્યા હતા. અંગ્રેજી ફિલ્મ મેકેનાઝ ગોલ્ડ ૧૯૬૯માં આવી હતી. આ કથામાં પણ થોડીક વાર્તા તેને મળતી આવે છે.
એ ગ્રંથના જ કેટલાક અંશો અહીં રજૂ કર્યા છે.
- પણ પિતાજીની સામે કોઈની દલીલ ચાલતી નહીં. તે નખશખ રાજા હતા અને સ્વભાવે તદ્દન રાજપૂત જ!
- ઉત્તરમાં શ્રીમોહનગઢ, દક્ષિણમાં જેસલમેર અને દક્ષિણ-પશ્ચિમમાં કિશનગઢની સરહદો વચ્ચે, ભયાનક રેગિસ્તાનમાં અમારું રાજ્ય હતું. સેંકડો ચોરસ માઈલમાં રેતીના ડુંગરો છવાયેલા હતા.
- કોઈ માણસે એ આદમીને લૂંટ ક૨વા મારી નાખ્યો હોય તો એ ઘડિયાળ શા માટે લઈ ન ગયો હોય? શા માટે કોથળી ખાલી હતી? તો શું કોથળીમાં એ સોનાની ઘડિયાળ કરતાં પણ વધુ કીમતી ચીજ હશે?
- શ્રીદેવીએ જવાબ આપ્યો, “જ્યાં સુધી આ દેશમાં અંગ્રેજોનું રાજ્ય છે ત્યાં સુધી મામા બહાર આવી શકે તેમ નથી. મારા લગ્નમાં એટલે જ એ નહોતા આવ્યા. અંગ્રેજ અમલદારોએ લગ્ન વખતે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો. તેમને ખાતરી હતી કે શરસિંહ આવશે…”
શ્રીદેવીએ કહ્યું. તેના અવાજમાં અજબ લાગણીવશતા હતી. તેણે પોતાના મામાને છેલ્લાં બાવીસ વર્ષમાં જોયા જ ન હતા
- ૧૮૫૮થી માંડલોએ જુદી જ લડત આદરી હતી. નાનાસાહેબ હતાશ થયા હતા. બહાદુરશાહ ભાંગી પડ્યો હતો. તાત્યા ટોપેને ફાંસી થઈ હતી, પણ શૂજિતના ચહેરા પર વેરની આગ જલતી રહી હતી.
- “અચ્છા બેટા… તો સોગંદ લે દીકરા, કે આ ધરતી ૫૨ અંગ્રેજ હોય અને જ્યાં સુધી તારા શરી૨માં લોહી હોય ત્યાં સુધી તું લડીશ… જય મહાકાલી…” શૂજિતના ચહેરા પર અનેરી આભા પ્રગટી. શરનસિંહે પ્રતિજ્ઞા લીધી.
- “હું પણ સ્કૉટિશ છું. લોહી રેડાવાથી હું ડરતો નથી, માંડલ ઠાકુર… પણ અત્યારે ધિંગાણું થાય એ તમને પસંદ નહીં પડે. તમે જીદ છોડો અને અમારા માણસો શાંતિથી તલાશી લઈ લેશે.”
“એ તો નહીં બને, કર્નલ. હજુ આ મેડી પર મહાકાલીનો વાવટો ફરકે છે. માંડલનું રાચિહ્ન ફરકે છે. તમારો યુનિયન જેક જે દિવસે ફરકે ત્યારે તમે ઝડતી લેજો.”
- સોળ વર્ષનો ઠાકુર શરનસિંહ રાજામાંથી બાગી બન્યો અને કોઈ વિશિષ્ટ સૂઝ, ચોક્કસ પ્લાનિંગ અને નીતરી હિંમતને કા૨ણે તે કદીય અંગ્રેજોના હાથમાં આવ્યો નહીં.
- ડૉક્ટર જમશેદે સખીરામની સારવાર કરતી નર્સને બોલાવવાનો હુકમ આપ્યો હતો. તેને આશ્ચર્ય થતું હતું કે તે ગઈ ક્યાં? મિનિટોમાં લોકો નર્સની તલાશમાં દોડ્યા પણ તે ક્યાંય દેખાઈ નહીં. હૉસ્પિટલના બધા કમરા, પેન્ટ્રી, ઑપરેશન થિયેટર, સ્ટરીલાઇઝેશન રૂમ, સ્ટોર્સ, ઑફિસ વગેરે બધી જ જગ્યાએ તપાસ ક૨વામાં આવી, પણ નર્સ ગાયબ હતી. સ્ટાફ-ક્વૉર્ટર્સમાં પણ દોડતા માણસો પહોંચ્યા હતા. તેની સાથે રહેતી બીજી છોકરીને પણ ખબર ન હતી. તે સવા૨ની રૂમ ૫૨થી ગયા પછી પાછી આવી જ ન હતી.
- “મને સમજાતું નથી. મરતી વખતે લોકો ઈશ્વરનું નામ લે એ સ્વાભાવિક છે. પણ… આશકા બોલે! આશકા શા માટે બોલે? એ જ શબ્દો તેને કેમ યાદ આવ્યા હશે? મંદિરની આરતી સાથે સંકળાયેલા એ શબ્દો બોલવાનો અર્થ શો?”
- તેના કહેવાનો અર્થ હું સમજતો હતો. રાજામહારાજાઓ ઓછી ઉપાધિઓ ઊભી કરતા નહીં. કોઈક ને કોઈક જગ્યાએ તો તેમના પગ લપસેલા જ હોય. ક્યાંક કોઈ સ્ત્રીને તેમણે પોષવાની હોય અથવા તેનાથી થયેલાં બાળકોને ખવરાવવાનું હોય, કોઈ સ્ત્રીનાં માબાપને કે પતિને વળતર આપવાનું હોય. આવું કંઈ ને કંઈ લફરું ન હોય તો તે રાજા ન કહેવાય.
- આજકાલ કરતાં ત્રીસ વરસથી આખી સલ્તનત એક બાગી રાજાને પકડી નથી શકતી તે કેવી રીતે? મારા પતિ જેવા ત્રણ હજાર લોકો એ નરબંકાની પડખે છે.હજુ બીજાં ત્રીસ વરસ જશે તોય શ૨નસિંહ માંડલ અંગ્રેજના હાથમાં નહીં આવે…”
- લોકો તો કહે છે કે એ જ્યારે બહાર નીકળે છે ત્યારે એક ચામડાની કોથળીમાં સોનામહોરો રાખે છે અને જ્યાં રાત રહે છે ત્યાં પાંચ સોનામહોર આપે છે.
- મારું નામ સિગાવલ કેશી, સ૨ વી૨ભદ્રનો હું પુત્ર અને હમીરગઢના રાજવીનો ભાઈ. નાનપણથી જ મને કોઈએ તુંકારો કરીને બોલાવ્યો ન હતો.
- આછા પીળા ટુ પીસ કૉસ્ચ્યુમ હેઠળ તેનું સોનાગેરુ સમું શરીર એક અદ્ભુત શિલ્પ જેવું લાગતું હતું. તંગ ભરાયેલા સ્નાયુઓ તેલથી રગદોળાયેલા હતા અને તેના ચુસ્ત દેહ ૫૨ સૂરજનાં કિ૨ણોથી ચમકારા પેદા થતા. મેં તેને પગથી માથા સુધી આવરી લીધી. આજ સુધીમાં કોઈ સ્ત્રીને જોઈને મારી જબાન બંધ થઈ ગઈ ન હતી. આજે આ છોકરીને જોઈને હું કંઈક અકથ્ય સંકોચ અનુભવતો હતો. નદીમાં તરવા જતા પહેલાં તેણે માલિશ કરાવ્યું હતું. અને એટલે જ તેનું સોનેરી બદન વધુ ખૂબસૂરત લાગતું હતું. રાજમહે રહેતી રૂપસુંદરીઓ કરતાં તેનામાં કંઈક નવીન વૈશિષ્ટ્ય હતું.
- હવે તમને એ વાતની ખબર નહીં હોય કે હાથીદાંતનું પેલું નાનકડું શિંગડા આકા૨નું ભૂંગળું અમારી ગુપ્ત એંધાણી છે. શરનસિંહ ઠાકુરના બધા જ ખાસ માણસો પાસે એ સામાન્ય દેખાતી ચીજ રહે છે. પણ તેની અંદરના ભાગમાં ત્રિશૂળ કંડારેલું હોય છે. કહીને પૃથ્વીસિંહે ગજવામાં એક નાનકડું હાથીદાંતનું ભૂંગળ કાઢ્યું.
- “અમારી પાસે તાલીમ પામેલાં કબૂતરો છે. તમારો પત્ર પહેલાં કારોલી જશે. ત્યાંથી સીધો ટોન્ક, તે પછી અજમેર, જોધપુર, ત્યાંથી પોકા૨ન અને ત્યાંથી જેસલમે૨. જેસલમેરથી ખેપિયાએ જવું પડશે. એટલે જ વા૨ થશે, બાકી તો પંદર કલાકમાં તમારો પત્ર તમારા ભાઈના હાથમાં પહોંચી જાય…”
- તેનો ચહેરો ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં આવતા અકબરના ચિત્ર સાથે કંઈક મળતો આવતો હતો. કેવળ તેની મૂછો સીધી હતી. ગમે તેમ પણ તેની ભમ્મરો સુંદર હતી. તેની આંખોમાં તેજ હતું. તેનો ચહેરો ચબરાક લાગતો હતો.
- મારામાં ૧૦૦ ટકા માર્ક્સ મળે તેવી જો કોઈ આવડત હોય તો તે નકશા બનાવવાની. રેગિસ્તાનના જે વિસ્તારમાં અમારું રાજ્ય હતું ત્યાં ડગલે ને પગલે નકશા જોઈએ જ.
- સિંહણ કેશવાળી ખંખેરે તેમ આશકાએ માથું ઝટક્યું. તે તદ્દન સ્વસ્થ થઈ ગઈ હતી. ઘડી પહેલાં સાવ ઢીલી પડી ગયેલી છોકરી ખૂંખાર થઈ ગઈ હતી.
- શાહબુદ્દીન ઘોરીથી તે પંચમ જૉર્જ સુધીનો કોઈ રાજવી સંઘારી તોડા પર પોતાની ધજા ફરકાવી શક્યો નથી. અને જો તારા બાપુ… શરનસિંહે ત્યાં પોતાનું છૂપું રહેઠાણ બનાવ્યું હોય તો મારે કહેવું પડશે કે એ આદમી નથી, દેવ છે, સાક્ષાત્ શંક૨ છે.
- તે વખતે કેવળ અંગ્રેજ સાર્જન્ટોને જ આવી પિસ્તોલ મળતી. તેમ છતાંય પૂરણ ગમે ત્યાંથી એ મેળવી લાવ્યો હતો. શરનસિંહના હાથ કેટલા લાંબા હશે તેનો એ નાનકડો પુરાવો હતો.
- રાજપૂતાણી એકલા પુરુષને નહીં, તેના પરાક્રમને પણ ચાહતી હોય છે.”
- હોઉં કે ન હોઉં શું ફરક પડવાનો હતો?” તેણે પગ ઉલટાવીને મારા ઉપર નાખ્યો. “સ્કૉટિશ હોઉં કે ઇંડિયન ઠાકુર, હું એક સ્ત્રી છું.
- ગિરદ હેઠળ જાણે ભગવાન શંકરના અગણિત ગણો દટાયા હોય અને જેમ એકાએક સ્વયંભૂ ભૂગર્ભમાંથી બેઠા થતા હોય તેમ એ રાઇફ્લોમાં જાણે જીવ આવ્યો.
- પંજેઠીમાં રેગિસ્તાની ઇલાકાની સૌથી ભયાનક જેલ છે. પાંચ માઈલ દૂરથી તો ત્યાં પાણી લાવવું પડે છે. અને ત્યાંના જેલરને બગીચા બનાવવાનો શોખ છે.
- જ્યારે તમે પ્રેમમાં પડો ત્યારે તમારી એ લાગણીને ૨જૂ કરવાનું કેટલું ઉત્કટ મન થાય.
- શરનસિંહ જો સંઘારી તોડા સુધી પોતાનો ખજાનો લઈ ગયા હોય તો હમીરગઢમાં તેની માહિતી કેમ ન હતી? હતી તો કોની પાસે હતી?
- અરબી સોદાગરની રસમ પ્રમાણે બનાવેલા આ ઓછા વજનના ખુફિયા અને બુકાનીઓ જ્યારે માણસ પહેરે ત્યારે તેનું માથું અને ચહેરો ઢંકાઈ જાય, જેથી ગ૨મીને કા૨ણે ચહેરાની ચામડી તતડી ન ઊઠે.
- ઊંટસવારી કરવી તે પણ એક કલા છે અને રમત છે. ઊંટના દરેક હલનચલન સાથે જો આપણા શરી૨ને મેળ બેસે તેવો ઝોલો આપવામાં એટલે કે શરીરને તદ્દન લસ્ત રાખીને બેસતાં ન આવડે તો ઊંટસવારી કમ્મરતોડ બને.
- તમારામાંથી જે લોકોને રેગિસ્તાનનો અનુભવ નથી તેમને કદાચ ખબર નહીં હોય, પરંતુ મને ખબર છે, ખસતી રેતીના હૂવા જીવલેણ છે. સંઘારી તોડાની આસપાસની સવાસો ચો૨સ માઈલ ધરતીમાં આવા અપરંપાર હૂવા છે અને ઓલાદી સંઘા૨ સાંઢિયા અથવા તો રેગિસ્તાનની ગિરદની રૂખ પામનાર ભોમિયા સિવાય એ ધરતી પર ડગ માંડનારો કાં તો પાગલ હોય કાં તો મરજીવો હોય… વી૨ભદ્રસિંહને એ ખબર હતી. ગમે તેમ પણ ખજાનો મૂકવા માટે એ જગ્યા પસંદ થઈ…
- સંઘારી તોડો વિખ્યાત જગ્યા છે, પણ તે નામ પૂરતી. શાહબુદ્દીન ઘોરી પછી ત્યાં ભાગ્યેજ કોઈ ગયું હોય, સમજ્યા?
- ત્રેવીસ જણના અમારા કાલામાં બીજા અઢાર જણ અને વીસ ઊંટ ઉમેરાયાં હતાં. નાની રેજિમેન્ટ જેવો એ કાફલો એક લોકવાયકા, એક સ્વપ્નને મેળવી લેવા થનગની રહ્યો હતો… કેવું વિચિત્ર….
- “જેવી તારી મરજી…” મેં કહ્યું. “પણ પ્રેમ બંદૂકથી નથી થઈ શકતો.”
“મને ખબર છે ઠાકુર, પ્રેમ શરી૨થી થાય છે અને શરી૨ બંદૂકને તાબે છે.” પૂરણ બોલ્યો.
- તમને વિચિત્ર લાગશે… પણ રેગિસ્તાન પર ઊડતાં ગીધ અને સમળીઓ પણ અજબ સંવેદનથી જાણે આ વાત પારખી લેતાં હોય છે. તરસ્યો, રણના દોજખથી લથડતો મુસાફર કે પ્રાણી હવે પડવાનો છે… મર્વાનો છે તે વાત એ પંખીઓ જાણે કળી જતાં હોય તેમ નીચે ઊતરી આવે છે.
- પણ સંઘારી તોડા ૫૨ બળતા દીવાને કારણે એક વાત તો તેને સમજાઈ હતી કે શરનસિંહ જીવતા ન હોય તોપણ લડ્યા વગર ખજાનો મળવાનો નથી. અને જીવતા હશે તો તો ભયાનક લડાઈ થયા વગર રહેવાની નથી.
- હું ચોંકી ઊઠ્યો. મારામાં એકાએક સ્ફૂર્તિ આવી. મને પડેલા ઘા અને વેદના ભુલાઈ ગયાં. “આશકા… વાત સાચી છે. અહીં ચોક્કસ ખજાનો છે.”
- “તું રાજા છું. અમને સ્ત્રીઓને જો તટસ્થ રહીને ન્યાય તોળતાં આવડતું હોત તો જોઈએ શું…”
- “ગઈ કાલે તેં આ તોડા પર બળતો દીવો જોયો ન હતો? એ દીવો ક્યાંથી આવ્યો હશે? તોડાના ભોંયરામાં લાલટેન ન હતી… અંદર ગયા પછી તને એવું લાગ્યું ન હતું કે એ કમરામાં કોઈ રહેતું હશે. તેં હુક્કો ન જોયો… લાલ શરાબની પેટી ન જોઈ… કાગળ ન જોયા… અરે ગઈ કાલે…” તેને મેં બોલતી અટકાવી.
- પાણીની અવેજીમાં અમૃત પણ આવી નથી શકતું એ સમજ રેગિસ્તાનમાં જ આવી શકે.