
આડા હાથે મુકાયેલું લશ્કરી ક્ષેત્ર – સિઆચેન
ઘરમાં કોઈ ચીજ આડા હાથે મુકાઈ જાય અને પછી મળે નહીં. એવી સ્થિતિ ઘણી વાર આવતી હોય છે. આપણી બેદરકારી બીજું શું એમ માનીને આપણે વાત ત્યાં જ પૂરી કરી દેતાં હોઈએ છીએ. પણ જોવા જેવી વાત એ છે કે કેન્દ્ર સરકાર પણ ઘણી વખત દેશની સુરક્ષા સાથે સંકળાયેલા ગંભીર મુદ્દાઓને આડા હાથે મુકી દેતી હોય છે.
સિઆચેન તેનું જ ઉદાહરણ છે. સરકારને પાકી ખબર નથી કે સિઆચેન સરહદ ખરેખર ક્યાં છે. એટલે કામચલાઉ સરહદથી જ કામ ચાલી રહ્યું છે. સિઆચેનની મુલાકાત લઈને હર્ષલ પુષ્કર્ણાએ લખેલા પુસ્તક ‘આ છે સિઆચેન’ના શરૃઆતી પાનાંઓમાંથી આ વાત સામે આવે છે.
****
સિઆચેન વિશે ઘણી વાર ડોક્યુમેન્ટ્રી જોઈ છે. એટલે પુસ્તક વાંચવાની શરૃઆત કરી ત્યારે શું નવુ હશે એ સવાલ ઘૂમરાતો હતો. પાનાં ફરતા ગયાં એમ સવાલની ઘૂમરી શાંત પડતી ગઈ. 160થી વધુ ફોટા-નકશા ધરાવતા પુસ્તકમા સિઆચેન અંગે માહિતી છે, જવાનોની મનોવ્યથા છે અને વહિવટીતંત્રની મૂંજવણ પણ છે. પુસ્તક કેવું છે એ નક્કી કરી શકો એટલા માટે તેમાંથી જ કેટલીક માહિતી…
- સિઆચેનમાં આપણો રાષ્ટ્રધ્વજ ફરક્યાનો એ પહેલો બનાવ હતો. દેશને સ્વતંત્રતા મળ્યાના છેક 31મા વર્ષે બન્યો એ જુદી વાત હતી.
- સિઆચેનમાં ફસાયેલા જવાનોના મૃતદેહ હેલિકોપ્ટરમાં સમાય નહીં એટલા માટે મૃત્યુ વખતે જ તેના પગ ઘૂંટણેથી વાળી દેવામાં આવતા હતા.
- સિઆચેનના પહાડોમાં પાકા મકાન બાંધી શકાતા નથી, એટલે આપણા જવાનોએ ફાઈબરની કેબિનો અથવા તંબુમાં રહેવું પડે છે.
- સિઆચેનની પહાડી ચોકીએ 20 લીટર કેરોસીનનો કેરબો પહોંચાડવામાં ચિત્તા હેલિકોપ્ટરની એક ફેરીનો ખર્ચ 40,000 રૃપિયા આવે!
યુદ્ધ ક્ષેત્રનું મહત્ત્વ સમજવા માટે તેનું સ્થાન સમજવું અનિવાર્ય છે. નોર્મન્ડી હોય કે નરેમ્બર્ગ.. સફારીમાં નકશા અપાય છે, માટે જ યુદ્ધકથા સરળતાથી સમજાય છે. અહીં પુસ્તકમાં આપેલા નકશાને મોટાં સ્વરૃપે રજૂ કરી હર્ષલભાઈ સિઆચેન ક્યાં છે એ સમજાવી રહ્યા છે. - સિઆચેન ખાતે ફરજ બજાવતા જવાનોને સામાન્ય રીતે 90 દિવસથી વધુ સમય ત્યાં રાખવામાં આવતા નથી. એટલા સમયમાં જોકે તેમનું વજન બાર-પંદર કિલોગ્રામ ઘટી જતું હોય છે. એક વખત સિઆચેન જઈ આવેલા જવાનને બીજી વખત ત્યાં મોકલવામાં આવતો નથી.
- 20-21 હજાર ફીટ ઊંચી ચોકી પર તોફાન શરૃ થાય ત્યારે જવાનો-અફસરો પાસે તંબુમાં રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. નાનકડા તંબુમાં કઈ રીતે સમય પસાર કરવો? નવરાંબેઠા મગજ આડે પાટે ન ચડી જાય એટલા માટે એ કપરા કાળ દરમિયાન તંબુમાં રહેલા છાપા-સામયિકો તો ઠીક ચોકલેટ અને શેમ્પુના રેપર પર જીણા અક્ષરે લખેલું લખાણ પણ વાંચી જવામાં આવે છે. કંઈ ન કરવા કરતાં વાંચતા રહેવું સારું.
- સિઆચેન પર ફરજ બજાવતા જવાનોની ભૂખ થોડા સમયમાં જ મરી જાય છે. શરીર પોતાની જ ચરબી ખાવાનું શરૃ કરી દે. ભૂખ જગાડતાં કોષો મરી પરવારે. એ સંજોગોમાં એક જ સ્વાદ સિઆચેન પર રહેતા જવાનોને અતી વહાલો લાગે. એ સ્વાદ તીખાં મરચાનો!
- સિઆચેનમાં પાણી ક્યાંથી આવે? ક્યાંયથી નહીં. તો પછી પાણીની જરૃર કેવી રીતે પુરી થાય? એ માટે જવાનો રોજ ચોકીથી થોડે દૂર જઈ ચોખ્ખો બરફ ઉપાડી આવે. એ બરફના ટૂકડા કરવામાં આવે. એ પછી તેને કેરોસીન સંચાલિત સ્ટવ પર મૂકીને ગરમ કરવામાં આવે. એ બરફ પીગળે ત્યારે પાણી મળે. આર.ઓ.નું બટન દાબીએને પાણીનો દદૂડો થાય એવી સગવડ ત્યાં કોઈ કાળે શક્ય નથી.
- ખુબ ઊંચાઈને કારણે સિઆચેનની હવામાં વાઈરસ-બેક્ટેરીયા નથી. પરિણામે ત્યાં કામ કરીને આવે એ જવાનની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય છે. એટલે કોઈ ફરજપરસ્ત જવાન સિઆચેન ચોકી પર બીમાર ન પડે તો પણ નીચે બેઝ કેમ્પ પર આવે ત્યારે તેના શરીર પર વિપરિત અસર થયા વગર રહે નહીં.
- સિઆચેનમાં આપણા ખુશ્કીદળનું કામકાજ રંગેચંગે પાર પાડવામાં ત્રણ મહત્ત્વનાં પાસાં હેપ્ટર્સ (હેલિકોપ્ટર્સ), ડોક્ટર્સ અને પોટર્સ છે.

સિઆચેન વિશે આપણી જાણકારી ગમે તેટલી હોય તો પણ બહુ ઓછી હોવાની. પુસ્તકમાં સિઆચેનના વિવિધ અને સામાન્ય નાગરિક તરીકે આપણે કદી કલ્પ્યાં ન હોય એવા ડાયમેન્શન્સ રજૂ કરવામાં આવ્યા છે. સાહસમાં રસ હોય, પોતાને યુવાન કહેવડાવવા હોય, વાંચનમાં રસ હોય, નવું જાણવાની ઈચ્છા હોય.. એ સૌ કોઈએ યુદ્ધમેદાનની આ રમ્ય કથા વાંચવી રહી. માત્ર શાબ્દીક નહીં, પરંતુ સફારીની પરંપરા પ્રમાણે નકશા-ગ્રાફિક-કલર ફોટા સાથે રજૂઆત છે. એટલે પુસ્તક વાંચ્યા પછી લખનાર પ્રત્યે માન થાય, તેનાથી અનેકગણુ વધારે માન ત્યાં કામ કરતા જવાનો પ્રત્યે થાય.

પુસ્તક માત્ર હર્ષલ પુષ્કર્ણા લિખિત એમ કહીએ તો એ અધુરી માહિતી થશે. કેમ કે લખતાં પહેલા સફારીના સંપાદક (અને નગેન્દ્ર વિજયના પુત્ર) હર્ષલભાઈએ સિઆચેનને આત્મસાત કર્યું હતું.
માત્ર આત્મસાત કર્યું હતું એમ કહીએ તો પણ અધુરી માહિતી કહેવાશે. કેમ કે સિઆચેન એ લાલ-દરવાજે ભરાતી બજાર નથી કે ભવનાથનો મેળો નથી, જ્યાં જઈ આવીને તત્કાળ આત્મસાત કરી શકાય. એટલે આત્મસાત કરતાં પહેલા હર્ષલ પુષ્કર્ણાએ પોતાના શરીરને સિઆચેનના વિષમ અને કઠોર વાતાવરણમાં રહી શકે એ યોગ્ય બનાવ્યું હતું. તેમના બ્લોગ પર એ માહિતી તેમણે વિગતવાર રજૂ કરી છે, પુસ્તકમાં પણ રજૂ કરી છે.
પત્રકારત્વમાં કોઈક અજાણ્યા સ્થળે જઈને માહિતી એકત્રિત કરી રજૂ કરવાનું આગવું મહત્વ છે. તો વળી કોઈક જાણીતા સ્થળે જઈને અજાણી માહિતી પિરસવાનું પણ વિશેષ મહત્ત્વ છે. ‘એથનોગ્રાફિક જર્નલિઝમ’ કહેવાતું આ પત્રકારત્વ હવે આપણે ત્યાં ધીમે ધીમે ઓછું થતું જાય છે. પણ કોઈ પત્રકાર જ્યારે કોઈ સ્થળે જઈને કંઈક માહિતી અંકે કરવાનો પ્રયાસ કરે ત્યારે નવી માહિતી મળે, મળે અને મળે જ. એ મારો અંગત અનુભવ છે.

હર્ષલ પુષ્કર્ણાએ સિઆચેન જઈને ત્યાંની સફર લખીને ગુજરાતી પત્રકારત્વમાં અને ગુજરાતી પુસ્તક લેખનમાં અનોખો વિક્રમ સર્જયો છે અને સફળતાના વાવટા પણ ખોડ્યાં છે. સિઆચેન શું છે તેની આપણને સૌને થોડા-ઘણા અંશે ખબર છે. હવે સમાચાર માધ્યમોમાં તેનો વારંવાર ઉલ્લેખ આવે છે. વળી ‘સફારી’માં જ અગાઉ આપણે એ અંગે વાચ્યુ હોય. ‘ડિસ્કવરી’ કે ‘નેશનલ જ્યોગ્રાફી’માં તેની ડોક્યુમેન્ટ્રી પણ આવતી હોય છે. માટે સાહસમાં રસ હોય એ સૌ કોઈને સિઆચેન શું છે તેની ખબર હોય. પણ સિઆચેન શું શું છે એ ન ખબર હોય. એટલે કે સિઆચેન શું છે, તેની પ્રાથમિક માહિતી હોય, પણ સિઆચેન શું છે, તેની સર્વગ્રાહિ માહિતી ન હોય.
દરમિયાન લશ્કરમાં ન હોય એવા કેટલા સામાન્ય નાગરિકો સિઆચેન ગયા છે એવો સવાલ ક્યારેય પૂછવામાં આવે ત્યારે ગુણવંતી ગુજરાત પાસે કમસેકમ એક નામ તો હશે જ!

વાત માત્ર પુસ્તક લખવાથી અટકી નથી. સિઆચેન અંગે લોકજાગૃતિનું અથાક મિશન હર્ષલભાઈએ આરંભ્યુ છે. જે શહેરમાં, જે રાજ્યમાં, જ્યાં કહો ત્યાં આવીને એ સિઆચેન અંગેનો ઓડિયો-વિઝ્યુઅલ કાર્યક્રમ વિનામૂલ્યે કરે છે. તેની વધુ વિગતો આ વેબસાઈટ પરથી મળી શકશે. અત્યાર સુધીમાં 28 સ્થળોએ આ કાર્યક્રમ થઈ ચૂક્યો છે. તમારું ગામ-શહેર-નગર બાકી હોય તો હવે એનો વારો આવવો જોઈએ.
ગુજરાતી, મરાઠી, અંગ્રેજી ત્રણેય ભાષામાં લખાયેલું પુસ્તક સફારીની વેબસાઈટ પરથી મળી શકશે.