હત્યા થાય પછી તપાસ થાય એની નવાઈ નથી. આ કથામાં તો અખબારમાં જાહેરખબર અપાઈ હતી કે હત્યા થવાની છે.. પછી થઈ પણ ખરાં. એની તપાસની કથા…
લેખક – અગાથા ક્રિસ્ટી
અનુવાદ – વર્ષા પાઠક
પ્રકાશક – આર.આર.શેઠ
ઓનલાઈન શોપિંગ માટે – અરિંહત બૂક્સ (૮૭૩૪૯૮૨૩૨૪)
(આ નંબર પર વોટ્સઅપ કરી મંગાવી શકાશે)
કિંમત – ૨૫૦
પાનાં – ૨૨૨
અગાથા ક્રિસ્ટી ક્વિન ઓફ ધ ક્રાઈમ તરીકે જાણીતા છે, કેમ કે તેમણે લખેલી ક્રાઈમ કથાઓ જગતભરની વિવિધ ભાષાઓમાં વંચાતી જ રહે છે. ક્રિસ્ટીની કથા મોટે ભાગે ખૂન આસપાસ જ ઘૂમતી હોય છે. એક ખૂન થાય અને એક પછી એક સૌ શંકાના દાયરામાં આવે..
આવી અનેક કથાઓ લખી, મોટા ભાગની તો બેસ્ટ સેલર સાબિત થઈ અને અમુક પરથી ફિલ્મો બની.
આ કથા ઈંગ્લેન્ડના નાનકડા ગામ ચિપિંગ ક્લેગહોર્નમાં આકાર પામે છે, જ્યાં અખબારમાં ‘ખૂન થવાનું છે’ એવી જાહેરખબર છપાઈ. જે ઘરમાં ખૂન થવાનું છે, ત્યાં કોઈક મજાક-મસ્તી ચાલી રહી છે એવુ માનીને ગામની મહિલાઓ ત્યાં એકઠી થઈ. કેમ કે ઘર એક મહિલાનું જ હતું. લિડલ પેડોક્સ નામના ઘરમાં હત્યા થઈ હતી, તેની આસપાસ જ કથા ઘૂમતી રહે છે.
નિર્ધારિત સમયે ખરેખર હત્યા થઈ, પોલીસે તપાસ આદરી અને પછી કોણ ખૂની એ સવાલ ઘેરો થતો ગયો. છેવટે કેસ ઉકેલવા માટે અગાથા ક્રિસ્ટીના બે જાસૂસો પૈકી એક મિસ જેન માર્પલનું આગમન થયું.
સામાન્ય રીતે જાસૂસો યુવાન હોય અને જેમ્સ બોન્ડ જેવી કથા હોય તો આકર્ષક યુવતી જાસૂસીમાં સક્રિય હોય. અગાથા ક્રિસ્ટીના મહિલા જાસૂસ જેન માર્પલ તેમની જેમ જ મોટી ઊંમરના મહિલા છે. પણ જાસૂસીની દુનિયામાં ખાંટુ છે.
વાર્તાનો અનુવાદ વર્ષા પાઠકે કર્યો છે. કથાનું સસ્પેન્સ ન ખૂલે એ રીતે એ પુસ્તકના કેટલાક અંશો…
- મિસિસ સ્વેટનહામે એના ધોળા થઈ ગયેલા, પણ હજીયે સુંદર લાગતા વાંકડિયા ઝૂલ્ફાં કપાળેથી ખસેડીને, હાથમાં ધ ટાઇમ્સ લીધું.
- “આ લોકોમાંથી કોઈને ભાન નથી કે ઇન્ડિયા શું છે! બસ, મનમાં આવે એ ઘસડી મારવાનું!”
- ગૅઝેટમાં જેના નામસ૨નામા સાથે છપાયેલી જાહેરખબરે આખા ગામમાં સનસનાટી મચાવી દીધેલી. એ વ્યક્તિ પોતે હજી આખીયે વાતથી બેખબર હતી.
- આવડે છે, પણ થોડા દિવસ પહેલા ઘરમાંથી મને કમ્પ્લીટ લેટર રાઇટર’ નામની બુક મળી. એમાં જે સ્ટાઇલમાં લખેલું, એ તો કમાલની હતી. કોઈ વિડોઅર પુરુષ તરફથી લગ્નની પ્રપોઝલ મળે તો એને કઈ રીતે ના પાડવી, એ પણ બુકમાં લખેલું.”
- અને પછી ડોરાએ ચીસ પાડી, “લેટ્ટી… લેટ્ટી. આ તો પેલો માણસ છે જે તને મળવા આવેલો. મેડનહામ વેલ્સની સ્પા હોટેલમાંથી! યાદ છે સ્વીટ્ઝરલૅન્ડ જવા માટે એણે પૈસા માંગેલા અને તેં ના પાડી દીધેલી. હવે લાગે છે કે સ્વિટ્ઝરલૅન્ડ જવાની વાત તો બસ એક બહાનું હતું. આપણું ઘર જોવા આવ્યો હશે. હે ભગવાન, એ તો તારું ખૂન કરી નાખત!”
- ભરાવદાર રાતા વાળ અને નમણો નાકનકશો ધરાવતી Myrna Harris ચિંતામાં પડી ગયેલી. કામકાજના સ્થળે પોલીસની પૂછપરછનો સામનો કરવો પડે. એ વિચાર જ આ યુવતીને અપસેટ કરી દેવા માટે પૂરતો હતો.
- કૉન્સ્ટેબલ લેંગે અહીંની મુલાકાત પછી જે નોંધ લખેલી, એમાં ડોરા વિશેનું પોતાનું નિરીક્ષણ એક શબ્દમાં વર્ણવી દીધેલું – રેઢિયાળ.
- બીજાં લોકોએ પણ કહ્યું કે બ્લેકલોકના ઘરમાં ખાસ મોટી રોકડ રકમ કે દરદાગીના નથી હોતા. આ સાચું હોય તો પછી એક જ શક્યતા બાકી રહે કે લિટલ પેડોક્સમાં એવી કોઈ અતિ મૂલ્યવાન વસ્તુ છે, જેના વિશે કોઈ નથી જાણતું…”
“આ તો કોઈ બેસ્ટસેલિંગ નવલકથાનો પ્લોટ લાગે છે.
“સર, હું સમજું છું કે મારી આ થિયરી સાંભળવામાં સાવ બેહૂદી, ચક્રમ જેવી લાગી શકે. બીજો એકમાત્ર પોઇન્ટ એ છે કે, મિસ બન૨ દૃઢપણે આ પ્રસંગને મિસ બ્લેકલોકની હત્યાનું કાવતરું માને છે.”
- “પણ ખરેખર બધાંએ એને જોયો?” માર્પલે પૂછેલો સવાલ ક્રેડકને હચમચાવી ગયો. જેન માર્પલે ક્રેડકના ભાષણમાંથી જે સાંભળવા જેવું હતું, એ બરાબર સાંભળી સમજી લીધેલું. વધતી જતી ઉંમરે એની બુદ્ધિની ધાર બુઠ્ઠી નહોતી થઈ. ક્રેડકની જેમ એને પણ વિચાર આવ્યો હતો કે, જે લોકો પેલા માસ્ક પહેરેલા માણસને જોયાનું કહેતા હતાં, એમણે કદાચ કોઈને જોયો જ નહોતો.
- મારું માનવું છે કે એ વૃદ્ધ બાઈના જીવનમાં અત્યારે ઇન્ટરેસ્ટિંગ કહેવાય એવું ખાસ કંઈ બચ્યું નથી. પોતાની રૂટિન, બૉર્નિંગ લાઇફમાંથી બહાર નીકળવા માટે એ આવા મર્ડર કેસીસ શોધતી હશે.
- ક્રેડકની નજર આપોઆપ એ ‘ડમી’ દરવાજા પર ગઈ, જેને એ ખોલવાના ફાંફાં મારતો હતો. બારણાનાં લાકડાં પર એણે એક આડી લાઇન જોઈ. ઘણાં સમય સુધી ત્યાં રહેલા ટેબલથી આ ડાઘ પડી ગયેલો. એના દિમાગમાં આછો સળવળાટ થયો. “ટેબલ ક્યારે ખસેડેલું?” એણે પૂછ્યું.
- “ઇન્સ્પેક્ટર, ગોળગોળ વાત કરવાની જરૂર નથી. તમારે એ જ પૂછવું છે ને કે, રેન્ડલ સાથે મારો આડો સંબંધ હતો? પણ જવાબ છે, ના. રેન્ડલે મને ક્યારેય એવી નજરે જોયાનું યાદ નથી. અને મને પણ રેન્ડલમાં એ પ્રકારનો કોઈ રસ નહોતો. એ એની પત્ની બેલના ગળાડૂબ પ્રેમમાં હતો અને મરતાં સુધી રહ્યો. મારું નામ વીલમાં ઉમેરીને એણે માત્ર ભૂતકાળમાં મેં કરેલી મદદનો બદલો વાળેલો.”
- “હા, પણ ધારી લ્યો કે મિસિસ ગુડલરની પહેલા તમારું અવસાન થઈ જાય તો પૈસા કોને મળે?” લેટિશિયા વિચારમાં પડી ગઈ. “કદાચ પિપ અને એમ્માને” એણે છેવટે કહ્યું.
- “માય ડિયર, વાત તો ઇન્ટરેસ્ટિંગ છે. મિસ બ્લેકલોકે એમનાં આ બે ફૅમિલી મેમ્બર્સને ક્યારેય જોયા જ નહોતા. ઇન્સ્પેક્ટરને કહેવું પડશે.” માર્પલે કહ્યું.
- એના ગયા પછી, થોડીવાર ફ્લેચરનું દિમાગ બહેર મારી ગયું. એની કલ્પનાઓ ઊલટપુલટ થઈ ગઈ. એ માની બેઠેલો કે દરવાજાને ઑઇલિંગનું કામ માત્ર ઘરમાંથી કોઈ કરી શકે, પણ હવે પોતાની ભૂલ સમજાઈ. અહીં તો કોઈપણ વ્યક્તિ, કોઈપણ સમયે આવી શકતી હતી. બસ, મિત્ઝી, લેટિશિયા અને ડોરા ઘરની બહાર જાય એટલી જ રાહ જોવી પડે. શંકાનું વર્તુળ પાછું મોટું થઈ ગયું.
- આખી રાત ટ્રેનમાં વિતાવ્યા પછી ઇન્સ્પેક્ટરે નાનકડા સ્ટેશન પર પગ મૂક્યો, ત્યારે સહુથી પહેલો વિચાર આવ્યો કે મિસિસ ગુડલર જેવી શ્રીમંત અને હવે અપંગ થઈ ગયેલી સ્ત્રીએ અહીં રહેવાનું શું કામ પસંદ કર્યું હશે?
- આ અંગ્રેજોએ તો આવી વસ્તુ ક્યારેય ચાખી પણ નહીં હોય. એમની કેકમાં રાખ ને ધૂળ જેવો સ્વાદ હોય છે.
- હું તો જાણે છે કે સેન્ટ્રલ યૂરોપથી આવેલા લોકોને કોઈની શિખામણ કે સલાહસૂચન સાંભળવા નથી ગમતા.
- “બાથરૂમમાંય બેચાર બૉટલ્સ પડી હશે. આ ઘરમાં જ્યાં હાથ નાખો ત્યાંથી એસ્પિરિન મળી આવશે.” જુલિયા બોલી.
- કાન્સમાં તપાસ કરાવી તો ત્યાંથી મિસિસ સિમોન્સે કહ્યું કે એનાં દીકરો-દીકરી ચિપિંગ ક્લેગહૉર્નમાં, કઝિન લેટિશિયા બ્લેકક્લોક સાથે રહે છે. જુલિયા ને પૅટ્રિક અસલી છે.” “પણ આપણે જેની સાથે વાત કરી એ મિસિસ સિમોન્સ, સાચુકલી મિસિસ સિમોન્સ છે?”
- “તો હવે તારા દિમાગની જગ્યાએ જે અખરોટ છે, એના પર થોડું જોર દઈને યાદ કર કે બ્લેક્લોકના ઘરમાં લાઇટ્સ ગઈ ત્યારે દરેક વ્યક્તિ ક્યાં હતી?”
- થોડીવાર પછી કાર બોલ્ડર્સના પ્રાંગણમાં જઈને ઊભી રહી, ત્યારે એમી નહીં, એનો મૃતદેહ હિન્ચની રાહ જોતો બહાર પડ્યો હતો.
- “તો હવે પૂછી શકું કે જે છોકરીને તું તારી બહેન બનાવીને અહીં લઈ આવ્યો છે એ કોણ છે?”