જેમ જેમ નાગોયા શહેર નજીક આવ્યું એમ થોડોક ટ્રાફિક જોવા મળ્યો. જાપાનના શહેરી વિસ્તારમાં અમારો ખરા અર્થમાં પ્રવેશ થઈ રહ્યો હતો. કેમ કે હજુ સુધી જાપાનનું કોઈ મેગા શહેર અમે જોયું ન હતું. પહેલા દિવસે જોયું એ નગાનો અને ટાયાકામાં નાનાકડાં શહેર હતા, જ્યારે શિકારાવા તો ગામ જ હતું.
નાગોયાની વસતી સવા બે કરોડ જેટલી છે અને ઓટોમોબાઈલનું હબ ગણાય છે. જે રીતે સાણંદ નેનો સિટી તરીકે જાણીતું થયુ છે એમ નગોયાના પાદરમાં ટોયોટા ટાઉનશિપ આવેલી છે. ટોયોટા દુનિયાની પ્રથમ ક્રમની કાર ઉત્પાદક કંપની છે. ઓટોમોબાઈલ ઉપરાંત ટેકનોલોજી, મશીનટુલ્સ વગેરેમાં પણ આ શહેરે નામ કાઢ્યું છે. શહેરનું નામ અગાઉ ‘સફારી’માં વિશ્વયુદ્ધની કથાઓ વખતે વાંચ્યુ હોય એટલે જાણીતું હતું, હવે તેને જાણવાનો વખત હતો.
‘હોટેલ કેસલ પ્લાઝા’ 20 માળની હતી, ખાસ્સી ઊંચી દેખાતી હતી. આસપાસમાં તો જોકે તેનાથી પણ અનેકગણા ઊંચા બિલ્ડિંગ હતા. ઉપર જોઈએ ત્યાં જ જાણે આસમાન તરફ જતી સીડી હોય એવુ લાગે. નજીકમાં આવેલા બે ગોળાકાર ટાવર આકર્ષક હતા. ખાસ્સા 40 કરતા વધુ માળ ઊંચા હતા. સાથીદારે જાણાવ્યુ કે નાગોયા રેલવે સ્ટેશનના ટાવર છે.
આખા જાપાનમાં રેલવે સ્ટેશનો ખાસ્સા મોટા છે. કેમ કે દરેક સ્ટેશનમાં બુલેટ, મેટ્રો, એક્સપ્રેસ એમ વિવિધ પ્રકારની અને એમાં પણ પેટા પ્રકારો ધરાવતી ટ્રેનો આવ-જા કરે છે. દરેક પ્રકારના ટ્રેક અલગ છે, માળ પણ અલગ છે. એટલે કે જમીન પર બુલેટ હોય, તો પેટાળમાં પહેલા માળે બીજી ટ્રેન હોય, બીજા માળે વળી ત્રીજી ટ્રેન હોય. જેટલું જાપાન જમીન પર છે, એટલું જમીન નીચે પણ છે. જેમ કે ટોકિયોનું જ રેલવે સ્ટેશન છે એ જમીનથી નીચે પાંચ માળ ધરાવે છે. અમે ત્યાંથી પકડી એ નારીતા એક્સપ્રેસ ‘બી (બેઝમેન્ટ)-5’ પર આવતી હતી..
દરેક સ્ટેશન સાથે કદાવર બિલ્ડિંગ, શોપિંગ મોલ, થિએટર, રેસ્ટોરાં.. વગેરેનો પાર નહીં. એટલે આપણા ઘણા એરપોર્ટ નાના લાગે એવડાં અને એવાં તેમના રેલવે સ્ટેશનો છે. રેલવેના બે ઊંચા ટાવર પૈકી એક તો જાણે મેરિયોટ હોટેલ હતી, બીજામાં શોપિંગ-રેસ્ટોરાં વગેરે.. પણ મહત્ત્વની વાત એ હતી કે એ બન્ને ટાવર આખી દુનિયાના સૌથી ઊંચા રેલવે સ્ટેશન ટાવર હતા.
નાગોયા કેવું ભવ્ય છે, એ સમજતાં પછી ખાસ વાર ન લાગી. જોકે વધુ મજા એ પછી શરૃ થઈ. સાંજ પડી ચૂકી હતી અને હવે ભોજનનો ટાઈમ થવાં આવ્યો હતો. અમારે અહીં ‘અકબર’ નામની ઈન્ડિયન રેસ્ટોરાંમાં જમવાનું હતુ. અકબરમાં પહોંચ્યા, જ્યાં ગુજરાતી, પંજાબી, રાજસ્થાની વગેરે થાળી હતી. તેનો સ્ટાફ પણ ઈન્ડિયન હતો. બે દિવસ જાપાની ભોજન આરોગ્યા પછી આ ઈન્ડિયન ભોજને રાહત આપી.
જાપાનના દરેક ઊંચા મકાન, ટાવર, હોટેલ, બિલ્ડિંગમાં આકસ્મિક સંજોગોમાં શું કરવું તેનો પ્લાન હોય છે. જાપાનમાં સતત ભુકંપ, વાવાઝોડું.. વગેરે કુદરતી આફત આવતી રહે છે. તો પણ 50-60 માળ ઊંચા બિલ્ડિંગ બનાવવા એમને નડતા નથી. કેમ કે ત્યાં બિલ્ડરો અને સરકારની મીલીભગત નથી. અમારા હોટેલના રૃમમાં પણ આકસ્મિક સંજોગોમાં નજીકમાં આવેલી સરકારી સ્કૂલમાં એકઠા થવાનું માર્ગદર્શન આપતો સૂચનાપત્ર હતો.
કંઈક ગરબડ થાય તો કોઈ પણ સૂચનાની રાહ જોયા વગર સૌ કોઈએ નજીકની સરકારે નક્કી કરેલી સ્કૂલ કે જાહેર બાંધકામની જગ્યામાં એકઠા થઈ જવાનું. એ સ્થળ પછી આપોઆપ રાહત કેમ્પ બની જાય અને સરકાર પણ આફત વખતે ત્યાં જ મદદ પહોંચાડે. ત્યાં ન પહોંચ્યા હોય એવા થોડા-ઘણા લોકોને જ પછી શોધવા જવાનું રહે. આફત સામે લડવાનો એ અકસીર ઉપાય હતો.
અમે જાપાન પહોંચ્યા એ દીવસે જ ઝેબી વાવાઝોડું પશ્ચિમ કાંઠે ત્રાટક્યું હતુ. 25 વર્ષનું એ ઘાતક વાવાઝોડું હતુ, પણ જાપાનમાં તેની ખાસ અસર દેખાતી ન હતી. અલબત્ત, કેટલાક બંદરો, કેન્સાઈ એરપોર્ટ વગેરે બંધ કરી દેવાયા હતા. થોડી કલાકો પૂરતી બુલેટ સેવા અટકાવી દેવાઈ હતી. જાપાની પ્રજા અને સરકાર એ સ્થિતિથી ટેવાયેલી છે, માટે તેમાંથી બહાર નીકળતા તેમને વાર નથી લાગતી.
સાંજે ભોજન પછી આમ-તેમ આંટા-ટલ્લા કરી અમે પથારીમાં પડ્યા. સવારે નાગોયા શહેરના દર્શને જવાનું હતું.