દસેક હજાર મંદિરો ધરાવતુ ક્યોટો બીજા વિશ્વયુદ્ધ વખતે અણુ હુમલાથી બચી ગયુ હતુ. જગતના સર્વશ્રેષ્ઠ શહેર તરીકેનો ખિતાબ જીતનારુ ક્યોટો અનેક રીતે પ્રેરણા લેવા જેેવુ છે.
૧૯૯૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણિય વિભાગની જાપાની શહેર ક્યોટોમાં મળી હતી. એ બેઠકમાં ૨૦૦૫થી લઈને ૨૦૧૨ સુધીમાં કઈ રીતે વિકસિત દેશો પૃથ્વી પરનું પ્રદૂષણ ઓછુ કરવા સંયમિત જીવન જીવશે તેની રૃપરેખા ઘડી કાઢવામાાં આવી હતી. એ રૃપરેખા ક્યોટો પ્રોટોકોલ તરીકે જાણીતી છે.
ક્યોટો પ્રોટોકોલ જ અત્યાર સુધી એ નાનકડા જાપાની શહેરની જાપાન બહાર ઓળખ હતી. હવે એ શહેર ફરીથી ચર્ચામાં આવ્યુ છે. ટોકિયો, યોકોહામા, ઓસાકા, નોગોયા જેવા ધૂરંધર મેગા શહેરો પડતા મુકીને મોદીએ જાપાન યાત્રાના પહેલા પડાવ તરીકે ક્યોતો પસંદ કર્યુ છે. તેની પાછળ તેની લાંબા ગાળાની ગણતરીઓ હોવી જોઈએ.
માત્ર પંદરેક લાખની વસાહત ધરાવતુ ક્યોટો જાપાનું સાતામા ક્રમનું મોટુ શહેર છે. પરંતુ તેનો ઈતિહાસ આખા જગતમાં તેને એજોડ બનાવે એવો છે. પુરાતન સંસ્કૃતિ જાળવી રાખ્યા પછી પણ બધી આધુનિક સુવિધાઓ ભોગવતું ક્યોટો જગતનું પહેલુ સ્માર્ટ સિટી ગણાય છે. બજેટમાં જ નરેન્દ્ર મોદી સરકારે દેશમાં ૧૦૦ સ્માર્ટ સિટી ઉભા કરવાની ઈચ્છા જાહેર કરી છે. સ્વાભાવિક રીતે જ એવી તરંગી યોજના પુરી ન થઈ શકે. પરંતુ ૧૦૦ને બદલે એકાદ સ્માર્ટ સિટી ઉભુ કરવું હોય કે પછી જુના શહેરને જ નવતર રૃપ આપવું હોય તો ક્યોટોનું ઉદાહરણ નજર સમક્ષ રાખી શકાય એમ છે.
ઈસવીસન ૭૯૪ (સવા બારસો વર્ષ પહેલાં)માં ક્યોટો શહેરની સ્થાપના થઈ હતી. એ વખતે જ શહેરનું નામ જોકે ક્યો મિયાકો હતું. પાછળથી એ શહેરનું નામ બદલીને ક્યોટો કરાયુ કેમ કે શહેર માત્ર શહેર ન રહેતા પ્રમોશન પામીને જાપાનની રાજધાની બન્યુ હતું. અને રાજધાની-પાટનગર માટે વપરાતો જાપાની શબ્દ છેઃ ક્યોટો! શહેનશાહી પરંપરામાં માનતા જાપાની રજવાડાએ રાજધાની બનાવ્યા પછી ક્યોટોનો દબદબો છેક ૧૮૬૯ સુધી જળવાઈ રહ્યો. જે-તે સમયે ક્યોટો જાપાનનું સૌથી મોટુ શહેર હતું અને જગતના સૌથી મોટા શહેરો પૈકીનું એક હતું. ૧૮૬૯ પછી ટોકિયો નવા પાટનગર તરીકે ઉપસી આવ્યુ હતું. પંરદમી સદીમાં ખેલાયેલા એક યુદ્ધ વખતે આ શહેરને ભારે નુકસાન થયુ હતું. મોટા ભાગના જાપાની શહેરોની માફક અહીં પણ લાકડાના બનેલા જ મકાનો વધારે છે (ભૂકંપને કારણે જાપાન લાકડાનું બાંધાકામ વધારે પસંદ કરે છે, હવે તો જોકે ગગનચૂંબી ઈમારતો બની ચૂકી છે, પરંતુ આ જુના સમયની વાત છે). યુદ્ધ પછી માંડ માંડ બેઠુ થયેલુ શહેર ફરી બળીને ખાખ થાય એવા સંજોગો આવી પહોંચ્યા હતાં. બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ જાપાન પર અણુ હુમલો કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રાથમિક લિસ્ટમાં પાંચ શહેરો હતાં. એમાનું એક શહેર ક્યોટો પણ હતું.
ત્રણ દિશાએ ટેકરીઓથી ઘેરાયેલુ હવે ક્યોટો પૂર્ણપણે વિકસી ચૂક્યુ છે અને વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યુ છે. ઓગસ્ટ મહિનાની શરૃઆતમાં જ ટ્રાવેલ્સ મેગેઝિનોએ કરેલા સર્વે પ્રમાણે જગતનું બેસ્ટ શહેર ક્યોટો ગણાયુ છે. આ લિસ્ટમાં ઘણા વર્ષોથી બેંગકોંગનો પહેલો ક્રમ આવતો હતો. પરંતુ હવે ક્યોટો બેસ્ટ બન્યું છે. એક તરફ શહેરમાં લાકડાના બાંધાકામો છે, તો બીજી તરફ આધુનિક બિલ્ડિંગો, ઓવરબ્રીજ, રોડ-રસ્તા સહિતની આધુનિકતા છે. ક્યોટોને ત્રણ નદીઓ લાગુ પડે છે અને પહાડી વિસ્તાર હોવાથી વરસાદનું પાણી પણ દળદળતું આવે છે, પરંતુ ચોમાસામાં પાણી ભરાવાના પ્રસંગો બનતા નથી. શહેરનું પુરાતન બાંધકામ એટલુ બધુ આકર્ષક અને નયનરમ્ય છે કે આખા શહેરી વિસ્તારના વિવિધ ૧૭ સ્મારકોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ શહેર જાહેર કરી દીધા છે. ચારે દિશાએથી સરખા લાગતા મંદિરો, લાકડા પરની કોતરણી, લાકડાના હોવાને કારણે એક સરખો બ્રાઉન કલર, ખાંચાદાર છતો, માથે અણિયાળી કલગી જેવા ઘુમ્મટો.. એ બધુ શહેરના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. ૧૭ વર્લ્ડ હેરિટેજ સાઈટ ઉપરાંત બે ડઝન કરતા વધારે જાતભાતના સંગ્રહાલયો છે. પ્રાચીન જાપાની શહેર પૈકીનું એક શહેર હોવાથી જાપાની કલ્ચરને સમજવા માટે આ શહેરની મુલાકાત અનિવાર્ય થઈ પડે છે.
અહીંના રહેવાસીઓ બરાબર જાણે છે કે શહેરનું અર્થતંત્ર પ્રવાસીઓ પર નિર્ભર છે. માટે આપણા શહેરોમાં થાય છે એમ અહીં આવતા પ્રવાસીઓને છેતરી લેવાની વૃત્તિ ત્યાંની પ્રજા ધરાવતી નથી. ઉલટાના એક વખત આવેલા પ્રવાસીઓ ફરી અહીં આવે એ રીતે તેમની આગતા-સ્વાગતા કરવામાં આવે છે. ઐતિહાસિક હકીકત એ પણ છે કે બેનમૂન સૌંદર્યને કારણે જ આ શહેર બચી શક્યુ છે.
આગળ વાત કરી એમ અમેરિકાએ પાંચ શહેરો પરમાણુ હુમલા માટે પસંદ કર્યા હતાં. એમાં ક્યોટોનો વારો પણ આવી શકે એમ હતો. પરંતુ એ વખતના અમેરિકી સંરક્ષણ મંત્રી હેનરી સ્ટીમ્પ્સને માથે રહીને ભારપુર્વક આ શહેરનું નામ બાદ કરાવ્યુ? કારણ? કારણ કે વર્ષો પહેલાં સ્ટીમ્પ્સન હનિમૂન માટે તથા બાદમાં રાજદ્વારી તરીકે આ શહેરની મુલાકાતે આવી ચૂક્યા હતાં. માટે એ શહેરનું મહત્ત્વ બરાબર જાણતા હતાં.
પ્રવાસ જેટલું જ શહેરા જળમાર્ગ, સાઈકલિંગ સહિતના પર્યાવરણ ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન માટે પણ પ્રખ્યાત છે. જોકે તેની સૌથી મોટી ઓળખ ત્યાંના મંદિરો છે. આપણા વારાણસીની જેમ ક્યોટોમાં દસેક હજાર નાના-મોટા મંદિરો છે. એમાંથી કેટલાક મંદિરો ખુબ વિશાળ અને ભવ્ય છે. માટે દુનિયાભરમાં ફેલાયેલા બૌદ્ધો માટે ક્યોટો ધાર્મિક સ્થાનક પણ છે.
જાપાન દરિયામાં ફેલાયેલો દેશ છે. ટાપુરાષ્ટ્ર અને એમાં પણ ભૂકંપ એ બન્ને આફતોને કારણે દેશ ચોવીસે કલાક એલર્ટની સ્થિતિમાં જ રહે છે. એ સંજોગોમાં પણ કુદરતિ સંપત્તિનો વેડફાટ ન થાય એ રીતે તેનો વપરાશ કરવાનો અહીં નિયમ છે. ક્યોટોમાં પાણી, જમીન તો ઠીક હવાનો પણ બગાડ કરવાની છૂટ નથી. કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કરનાર માટે અહીં આકરી સજા છે.
સ્માર્ટ સીટિ વિકસવવા કે હાઈ-સ્પીડ ટ્રેન શરૃ કરવી એ ભારતનો ઉદ્દેશ છે. પરંતુ ભારત પહેલાં ક્યોટોમાંથી વિકાસની પ્રેરણા લેવા માટે અમેરિકાનું બોસ્ટન, ફ્રાન્સનું પેરિસ, ચેકોસ્લોવેકિયાનું પ્રાગ, ઈટાલિનું ફ્લોરેન્સ, યુક્રેનનું કિવ, ચીનનું ક્ષીઆન.. સહિત ડઝનેક શહેરો આપ-લેના કરારો કરી ચૂક્યા છે. સ્વાભાવિક રીતે આટલા બધા શહેરોને જે એક શહેર સુરાપુરા જેેવુ લાગતું હોય એ શહેર ભારત માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ જ શકે ને!
જાપાની પ્રજા તેના ખૂમારીભર્યા મિજાજ માટે જાણીતી છે. એટલે જ તો એક અણુ હુમલો કર્યા પછી પણ એ દેશે ઝૂકવાની તસ્દી લીધી ન હતી. વિશ્વયુદ્ધ પછી પણ જાપાનનો સંઘર્ષ ચાલુ છે, પરંતુ એ સંઘર્ષ પ્રગતિનો છે. હવે જાપાન અનેક ટેકનોલોજીઓમાં વૈશ્વિક સ્તરે નામના ધરાવે છે. તો વળી એશિયામાં પણ ચીન પછી બીજા ક્રમનું મોટુ અર્થતંત્ર નથી.
જાપાનીઓ માટે વેડફવા માટે જમીન નથી, બગાડવા માટે મીઠુ પાણી નથી, ખોદી ખોદીને કાઢી શકાય એવી સંપત્તિઓ નથી, ઢગલાબંધ કૃષિ ઉત્પાદનો નથી. એટલે આ દેશ એ બધા જ સાધન-સંસાધનનો મર્યાદિત ઉપયોગ કરી તેમાંથી ઉત્તમોત્તમ પરિણામે મેળવે છે. ભારત પાસે આ બધુ જ છે, અને આપણી પાસે બગાડવા માટે જ હોય એ રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ક્યોટોમાંથી એ પ્રેરણા લેવા જેવી છે!