2022 દરમિયાન થાઈલેન્ડના પ્રવાસન ઉદ્યોગમાં પ્રચંડ તેજી જોવા મળી છે. આખા વર્ષમાં 1.115 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે આગલા વર્ષે 2021માં થાઈલેન્ડ આવનારા પ્રવાસીઓની સંખ્યા 4.28 લાખ હતી. એટલે કે કોરોના ઓછો થયો એ સાથે જ 2022માં પ્રવાસીઓ 27 ગણા વધ્યા હતા. કોરોના વખતે પણ પ્રવાસીઓ થાઈલેન્ડમાં આવી શકે એ માટે સરકારે ઘણી છૂટછાટ આપી હતી અને બીજે ક્યાંય ન જઈ શકતા પ્રવાસીઓ થાઈલેન્ડ જઈ શક્યા હતા.
સરકારે 2022માં 1 કરોડ પ્રવાસીઓ આવશે એવો અંદાજ મુક્યો હતો. તેના બદલે 1.1 કરોડથી વધારે પ્રવાસીઓ આવતા સરકારની ધારણા પણ ખોટી પડી હતી. કોરોના વખતે ધીમા પડેલા પ્રવાસન ઉદ્યોગને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે. હવે આ વર્ષે અઢી કરોડ પ્રવાસીઓ આવે એવી થાઈલેન્ડની ગણતરી છે. કેમ કે ચીનમાં પ્રતિબંધો હટી ગયા છે અને ચીની પ્રજા આખા જગતમાં ફરવા માટે જાણીતી છે.
થાઈલેન્ડમાં જે દેશોના સૌથી વધુ પ્રવાસીઓ આવે છે, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. મલેશિયા, ભારત અને સિંગાપોરના પ્રવાસીઓ સૌથી વધારે થાઈલેન્ડમાં જાય છે. થાઈલેન્ડના કુલ પ્રવાસીઓમાં ભારતમાંથી ગયેલા પ્રવાસીઓની સંખ્યા 9,97,913 હતી.