ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓ અને રાજ્યની અગ્રણી ટ્રાવેલ ટ્રેડ કંપનીઓના પ્રતિનિધિઓએ આજે અમદાવાદના ટ્રાવેલ ટ્રેડ સમુદાય સાથે બેઠક યોજીને બંન્ને રાજ્યો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપવા સાથે મળીને કામ કરવાની તકો વિશે ચર્ચા કરી હતી. અમદાવાદમાં હ્યાત્ત ખાતે આયોજિત બેઠકમાં શહેરના ભાવિ રોકાણકારો ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે ઉત્તરાખંડ સરકાર અને ટુરિઝમ બોર્ડના પ્રમુખ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમનો મૂળભૂત ઉદ્દેશ્ય રોકાણકારો સાથે જોડાવાનો તથા ઉત્તરાખંડમાં ઉપલબ્ધ રોકાણ અને પ્રવાસનની તકો પ્રસ્તુત કરવાનો હતો. વધુમાં ઉત્તરાખંડના ટ્રાવેલ ટ્રેડ સમૂહે અમદાવાદના તેમના સમકક્ષો સાથે ચર્ચા કરીને ગુજરાતમાંથી આવનારા ભાવિ પ્રવાસીઓની રૂચિ અને જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ઉત્તરાખંડ સરકારના પ્રવાસન સચિવ સચિન કુર્વેના વડપણ હેઠળ યુટીડીબીના બીજા પ્રતિનિધિઓમાં ડાયરેક્ટર (માર્કેટિંગ અને પ્રસાર) સુમિત પંત તથા જનસંપર્ક અધિકારી કમલ કિશોર જોશી પણ સામેલ હતાં. આ મીટીંગમાં કુર્વેએ ઉત્તરાખંડમાં રોકાણની જબરદસ્ત સંભાવનાઓ ધરાવતા વિવિધ પ્રવાસન કેન્દ્રો અને લેન્ડ બેંક વિશે ગુજરાતના રોકાણકારોને માહિતી આપી હતી, જેમાં રોકાણકારોએ ઉત્તરાખંડમાં રોકાણ કરવાની તેમની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
ઉત્તરાખંડ સરકારના પ્રવાસન સચિવ સચિન કુર્વેએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ માટે પ્રવાસન એક મોટો ઉદ્યોગ છે અને રાજ્યના જીડીપીમાં તેનું નોંધપાત્ર યોગદાન છે તથા રાજ્યની મોટી વસતીને તે રોજગાર પૂરો પાડે છે. ઉત્તરાખંડની મુલાકાતે આવતાં પ્રવાસીઓમાં ગુજરાત ટોચના પાંચ રાજ્યો પૈકીનું એક છે. એક અંદાજ મૂજબ રાજ્યની હિસ્સેદારી 10 ટકા છે. વધુમાં રાજ્યમાં આવતા પ્રવાસીઓમાં એક તૃતયાંશ મહિલાઓ છે, જે સૂચવે છે કે રાજ્ય મહિલાઓ માટે સુરક્ષિત છે. મોટાભાગના પ્રવાસીઓ સમૂહ અથવા તેમના પરિવાર અને મિત્રો સાથે પ્રવાસ કરવાનું પસંદ કરે છે.
કુર્વેએ ઉમેર્યું હતું કે, ઉત્તરાખંડમાં ગંગામાં રિવર રાફ્ટિંગ, પહાડોમાં ટ્રેકિંગ, ઔલીના રમણીય ઢોળાવમાં સ્કિઇંગ, કેબલ કાર રાઇડ અને હિમાલયના અદ્ભુત નજારા સહિત ઘણાં અનુભવો અને પ્રવૃત્તિઓ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. ઉત્તરાખંડમાં ઋષિકેશ યોગ કેપિટલ તરીકે જાણીતું છે. મહત્વપૂર્ણ છે કે આગામી 1-7 માર્ચ, 2023 દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ ફેસ્ટિવલ યોજી રહ્યાં છીએ. રાજ્ય સરકાર એક સ્કીમ પણ ચલાવી રહી છે, જે અંતર્ગત ટુર ઓપરેટર્સને યોગ ફેસ્ટિવલમાં વિદેશી પ્રવાસીઓ લાવવા માટે રૂ. 10,000થી મહત્તમ રૂ. 5 લાખ સુધીના પ્રોત્સાહનો અપાશે.
તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં સરકારે મસૂરીમાં જ્યોર્જ એવરેસ્ટથી હિમાલય દર્શન ઓફર કરતી હેલીકોપ્ટર સેવાઓ શરૂ કરી છે અને બીજી પ્રવાસન પ્રવૃત્તિઓના ભાગરૂપે બ્રેકફાસ્ટ ટુરિઝમ અથવા ફ્લાઇંગ પિકનિક લોંચ કરવાની પણ દરખાસ્ત છે. ફ્લાઇંગ પિકનિકના ભાગરૂપે પ્રવાસીઓ મસૂરીથી નજીકના પ્રવાસન કેન્દ્રો સુધી જઇને રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ કરી શકશે તથા સુંદર ખીણો અને લેન્ડસ્કેપની મજા માણી શકશે. પ્રવાસન વિભાગે આ સંદર્ભે પૂરતી તૈયારીઓ કરી છે અને તે પર્યાવરણ અને વન મંત્રાલયની મંજૂરીની રાહ જોઇ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર કાસર દેવી મંદિર, કટારમલ સૂર્ય મંદિર અને બાનાસુર કિલ્લા વગેરે જેવાં હેરિટજ પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે, જેથી આ કેન્દ્રોની સુંદરતામાં વધારો કરી શકાય. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના 20થી વધુ પ્રમુખ ટ્રાવેલ ટ્રેડ બિઝનેસિસ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે શહેરના ટ્રાવેલ ટ્રેડ સમુદાયના આશરે 50 અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ઉત્તરાખંડની યાદ અપાવતી વાનગીઓ અને સાંસ્કૃતિક ઉત્સવોનો આનંદ માણ્યો હતો.
ઉત્તરાખંડ આગામી થોડાં વર્ષોમાં 70 મિલિયન પ્રવાસીઓને લક્ષ્યાંકિત કરી રહ્યું છે, જે હાલમાં અંદાજે 35 મિલિયનથી વધુ છે અને તેના માટે મોટાપાયે માળખાકીય વિકાસો કરાશે. તેના માટે રાજ્યમાં પ્રવાસન સુવિધાઓમાં સુધારા માટે ઝડરી કામ થઇ રહ્યું છે, જેમાં તીર્થસ્થળો ઉપર પુનઃવિકાસ કાર્યો, હોમસ્ટે શરૂ કરવા, હોટેલ રૂમમાં ઉમેરો, માર્ગ અને હાઇવેમાં સુધાર, નવા એરપોર્ટ્સ સ્થાપવા વગેરે સામેલ છે. ગુજરાતના રોકાણકારો ઉત્તરાખંડના વિકાસ પ્રોજેક્ટ્સમાં સહભાગી થાય અને વૃદ્ધિનો હિસ્સો બને તેવી ઉત્તરાખંડને આશા છે.