સાતપુડાના જંગલો ઓછા જાણીતા છે. મધ્ય પ્રદેશનો આ વન વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે પરંતુ અહીં ઓછા પ્રવાસીઓ આવે છે. કેમ કે અહીં વાઘ જેવા મોટા જંગલી પ્રાણીઓ ઓછા છે. પરંતુ સામે પક્ષે જેમને પક્ષી નિરિક્ષણ કરવું હોય, જંગલનો અનુભવ લેવો હોય અને ખાસ તો શાંતિ જોઈતી હોય એવા પ્રવાસીઓ અહીં આવે છે.
મધ્ય પ્રદેશમાં ઠેર ઠેર લક્ઝરી રિસોર્ટ ધરાવતા પગદંડી ગ્રૂપનો એક રિસોર્ટ અહીં પણ છે. Denwa Backwater Escape નામના એ રિસોર્ટે હવે અહીં બોટિંગ સુવિધા શરુ કરી છે. દેંવા નદીના કાંઠે જોવા મળતા પક્ષી રિવર ટર્ન (કેંચી પુછ વાગબલી)ના વૈજ્ઞાનિક નામના આધારે Sterna Aurantia રાખવામાં આવ્યુ છે.
દેનવાં બેકવોટર એસ્કેપમાં ઉતરતા પ્રવાસીઓ નદીની સફર કરી શકે એ માટે આ હોડીની વ્યવસ્થા કરાઈ છે. હોડીમાં આઠ બેઠકોની વ્યવસ્થા છે. નદીની સફર કરતાં કરતાં પ્રકૃત્તિને માણવાનો એ સારો રસ્તો છે. સાતપુડા વન વિભાગની સહાયથી જ આ હોડી યોજના શક્ય બની છે.
જતાં પહેલા જાણી લો
- સાતપુડા નેશનલ પાર્ક દર બુધવારે બંધ રહે છે. કેમ કે મધ્યપ્રદેશમાં બધા નેશનલ પાર્ક એ દિવસે બંધ રહે છે.
- નેશનલ પાર્ક 1લી ઓક્ટોબરથી 30 જૂન સુધી ખુલ્લું હોય છે. એ સિવાયનો સમય ચોમાસાને કારણે બંધ રહે છે.
- આ જંગલમાં જીપ, બોટ અને વોકિંગ એ ત્રણેય પ્રકારની સફારી ઉપલબ્ધ છે.
- સફારીનો ટાઈમિંગ સવારના 6થી 11 અને બપોરના 3થી 6 સુધીનો છે. જોકે ચૂર્ના રુટ પર સવારના 6થી આખો દિવસ સફારી કરી શકાય છે.
સાતપુડા નેશનલ પાર્ક મદ્યપ્રદેશનું મહત્વપૂર્ણ જંગલ છે. એ જંગલમાં આ ભવ્ય રિસોર્ટ છે જ્યાં લક્ઝરી સુવિધા ઈચ્છતા પ્રવાસીઓ આવે છે. સાત પહાડો ધરાવતુ જંગલ હોવાથી તે સાતપુડા તરીકે ઓળખાય છે. આ સમગ્ર વિસ્તાર 1427 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. એટલે કે ગિર અભયારણ્ય જેવડો છે. અહીં ક્યારેક વાઘ જોવા મળે છે પરંતુ તેનું પ્રમાણ ઘણુ ઓછું છે. એ સિવાય દીપડા, રીંછ, ગૌર વગેરે જોવા મળે છે. ખાસ તો ભારતમાં બહુ ઓછી જગ્યાએ જંગલી કૂતરા એટલે કે ઢોલ જોવા મળે છે. સાતપુડાનો તેમાં સમાવેશ થાય છે.