ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકા જાય છે. અમેરિકાનો વિઝા મેળવવો અઘરો છે. માટે તેના વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ઘણા લોકો તો વિઝા માટે એજન્ટને લાખો રૃપિયા આપી દેતા હોય છે. પરંતુ હકીકત એ છે કે કોઈ એજન્ટ વિઝાની ખાતરી ન આપી શકે. વિઝા આપવો કે ન આપવો એ એમ્બેસીના અધિકારીઓને જ નક્કી કરવાનું હોય છે. વિઝા મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ છે અને આ મુજબ છે.
1. સૌથી પહેલા વિઝાનો પ્રકાર પસંદ કરો, અમેરિકાના વિઝાના ઘણા પ્રકાર છે. સામાન્ય રીતે વિઝિટર અથવા તો સ્ટુડન્ટ વિઝામાંથી કોઈ એક વિઝા પસંદ કરવાનો હોય છે.
2. જો વિઝિટર વિઝા હોય તો ફોર્મ DS-160 ભરવું પડશે. જો સ્ટુડન્ટ વિઝા હોય તો ફોર્મ I-20 ભરવાનું રહેશે.
3. અમેરિકી સરકારની આ સાઈટ પર https://travel.state.gov/ પર ફોર્મ ભરવા અંગેની તમામ માહિતી આપી છે
4. ફોર્મ ફાઈનલ ભરતાં પહેલાં એક ફોર્મની પ્રિન્ટ કાઢીને પ્રેક્ટિસ માટે ભરી લેવું જોઈએ. ફોર્મ લગભગ 14 પાનાં જેટલું છે.
5. ફોર્મ ભરાયા પછી વિઝા ફી ભરવાની આવશે. વિઝા ફી 160 ડોલર છે, જેના રૃપિયા અત્યારે 13 હજારથી વધારે થાય છે.
6. ફી ભરાયા પછી વિઝા માટે એપોઈન્ટમેન્ટ મળશે. વિઝા મેળવવા રૃબરૃ જવુ પડશે. ગુજરાતમાંથી જતા પ્રવાસીઓએ મુંબઈ વિઝા માટે જવાનું હોય છે. ક્યારેક મુંબઈ વિઝા સેન્ટરમાં એપોઈન્ટમેન્ટ ન મળે તો લોકો દિલ્હીના વિઝા સેન્ટરની પણ મુલાકાત લેતા હોય છે. એ ઉપરાંત કલકતા, ચેન્નઈ, હૈદરાબાદમાં પણ વિઝા સેન્ટર છે.
7. વિઝા ઈન્ટર્વ્યુ માટે બરાબર તૈયારી કરવી અને ડોક્યુમેન્ટ્સ રેડી રાખવા. તમારા પ્રવાસને એન્ડોર્સ કરતા મહત્તમ દસ્તાવેજો હશે, તો વિઝા મળવાની શક્યતા વધી જશે.
8. વિઝા ઈન્ટર્વ્યુ એમ્બેસી ઓફિસમાં થશે. એ જગ્યા હાઈ સિક્યુરિટી હોવાથી મોબાઈલ ફોન સહિતની અનેક ચીજો ત્યાં લઈ જવા નહીં મળે. માટે એ સામગ્રી બહાર મુકવી પડશે.
9. ઈન્ટર્વ્યુ વખતે વિઝા રિજેક્ટ થશે તો ત્યાં જ ના પાડી દેવાશે. વિઝા મળવાનો હશે તો તમારો પાસપોર્ટ ત્યાં રાખી લેશે અને રિસિપ્ટ આપશે. તેમાં વિઝાનો સિક્કો લગાડેલો પાસપોર્ટ ક્યારે મળશે એ લખેલું હોય છે.
10. પાસપોર્ટ મળી જશે એટલે અમેરિકા જવાનો માર્ગ મોકળો સમજી લેવો.