એર ઇન્ડિયાએ આજે દિલ્હી અને કેનેડાના વાનકુંવર વચ્ચેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 વારને બદલ વધારીને દરરોજ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આનો અમલ 31 ઓગસ્ટથી થશે.
ફ્રીક્વન્સીમાં આ વધારો ભારત અને કેનેડા વચ્ચે ટ્રાફિકમાં વધારાને પૂર્ણ કરવા થયો છે. આ સર્વિસમાં ફરી પહોળું બોઇઁગ 777-300 ઇઆર વિમાન સેવારત થશે. તેમાં પેસેન્જર ત્રણ ક્લાસમાં પ્રવાસ કરી શકશે – ફર્સ્ટ, બિઝનેસ અને ઇકોનોમી.
ટાટા ગ્રૂપે એર ઇન્ડિયાનું એક્વિઝિશન કર્યા પછી ઉત્પાદક બોઇંગ ગ્રૂપ વિમાનને ફરી સેવારત કરવા ટાટા સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 મહામારી અને અન્ય કારણોસર બોઇંગ વિમાન લાંબા સમયથી ઉડાન ભરી શક્યાં નથી. આ વિમાનની તબક્કાવાર પુનઃસક્રિયતાએ એર ઇન્ડિયાને ફ્રીક્વન્સી વધારવાની સુવિધા આપી છે અને આગામી મહિનાઓમાં નેટવર્કમાં વધારો કરવાની સુલભતા પ્રદાન કરશે.
એર ઇન્ડિયાના એમડી અને સીઇઓ શ્રી કેમ્પ્બેલ વિલ્સને કહ્યું હતું કે, “દિલ્હી અને વાનકુંવર વચ્ચે અમારી ફ્રીક્વન્સીમાં આ વધારો ઘણા કારણોસર આવકારદાયક છે. આ મહામારીમાંથી સુધારાનો વધુ એક સંકેત છે અને ગ્રાહકની ઊંચી માગને પૂર્ણ કરશે. વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે, એર ઇન્ડિયાના કાફલા અને આંતરરાષ્ટ્રીય નેટવર્કને પુનઃસ્થાપિત કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમને આ સીમાચિહ્નરૂપ સફળતા મેળવવાની ખુશી છે અને એર ઇન્ડિયામાં ટીમ નજીકના ભવિષ્યમાં વધારે વિસ્તરણ કરવા સક્ષમ બનાવવા મહેનત કરી રહી છે.”
એર ઇન્ડિયાનો પહોળા વિમાનોનો કાફલો હાલ 43 વિમાનોનો છે, જેમાંથી 33 કાર્યરત છે. હજુ હમણા સુધી એરલાઇન 28 વિમાનોનો ઉપયોગ કરતી હતી, જેમાં આ નોંધપાત્ર વધારો છે. બાકીના વિમાનો વર્ષ 2023ની શરૂઆત સુધીમાં તબક્કાવાર રીતે સેવારત થશે.