રેલગાડીની સફર દરમિયાન ખાવા-પીવાની ચીજો મળે તેની નવાઈ નથી, પણ માંડોવી એક્સપ્રેસ જાણે સ્વાદનો ચટાકો કરવા જ ચાલતી હોય એમ લાગે…
ગુજરાતથી તો મોટો વર્ગ ગોવા જાય છે, પરંતુ બસ કે પછી ફ્લાઈટ કે પછી ટ્રેનના ફિક્સ પેકેજમાં જતાં હોય એટલે ઘણી વખત રસ્તાનું સૌંદર્ય ચૂકી જાય છે. કોંકણ પ્રદેશનું સૌંદર્ય માણવા જેવું છે. તો વળી ગોવા (મડગાંવ)-મુંબઈ વચ્ચે એક એવી ટ્રેન ચાલે છે, જેનું ફૂડ ચાખ્યા વગર રેલવે સફર અધુરી ગણાય. આ ટ્રેનનું નામ છે, કોંકણ કન્યા માંડોવી એક્સપ્રેસ. કોકંણ પ્રદેશમાંથી નીકળતી કન્યા જેવી ટ્રેન અને ગોવાની માંડોવી નદીના આધારે નામ પડ્યું છે. જોકે એ માંડોવી એક્સપ્રેસના ટૂંકા નામે વધારે જાણીતી છે.
ભારતની બધી રેલવોમાં વિવિધ જાતની ખાણી-પીણી મળતી હોય છે. પરંતુ માંડોવી એક્સપ્રેસમાં મળતો ખોરાક તેને ભારતની ફૂડ ક્વીન બનાવે છે. અહુજા કેટરિંગ નામની કોઈ સંસ્થા વર્ષોથી આ ટ્રેનમાં ફૂડ પિરસે છે. મુસાફરોને ખાણી-પીણી એટલી બધી માફક આવી ગઈ છે કે ઘણી સામગ્રી ઘરે પણ પેક કરીને લાવે છે.
માંડોવી એક્સપ્રેસ (10103/10104) દિવસની ટ્રેન છે. સવારે મડગાંવથી ઉપડે અને સાંજે મુબઈ સેન્ટ્રલ પહોંચાડે. એ રીતે મુંબઈ સેન્ટ્રલથી ઉપડીને આખો દિવસ ચાલ્યા પછી ગોવા પહોંચાડે. સફર 12 કલાકથી વધારે ચાલે. પરંતુ એ સફર બે રીતે મજેદાર બને છે. એક તો બારી બહારથી જોવા મળતાં કોંકણ પ્રદેશના કુદરતી દૃશ્યો અને બીજું ટ્રેનમાં અવિતર આવતા રહેતા નાસ્તા-પાણી.
ટ્રેનમાં ફૂડ ઓપ્શન
- દાબેલી
- વડાપાંઉ
- શીરા-ઉપમા
- કટલેસ
- ઈડલી-વડા
- મેથી વડા
- સમોસા
- ચાટ
- સુપ
- ચા-કોફી
- ગુલાબ જાંબુ
ઘણા મુસાફરો સફર દરમિયાન સ્વાથી પ્રભાવિત થઈને પેન્ટ્રી કાર સુધી પહોંચે છે. તો વળી ત્યાં તેમને નવું સરપ્રાઈઝ મળે. પેન્ટ્રી કારની સ્વચ્છતા ઘણી સારી હોય છે. ઉપરાંત આ ટ્રેનના સંચાલકો, સ્ટાફરો.. વગેરે ખાવા-પીવાના શોખીન છે. માટે એ ઉત્તમ પ્રકારની સામગ્રી તૈયાર કરે છે.
આ ટ્રેનમાં જે ફૂડ પિરસે છે એ આહુજા કેટરિંગ 3 પેઢીથી આ કામ કરે છે. સ્વાદ એમના લોહીમાં વહે છે એમ કહી શકાય. ટ્રેનમાં કોઈ પણ સમયે 1000 જેટલા મુસાફર તો હોય જ. એમને પુરો પડે એટલો નાસ્તો-ભોજન તૈયાર કરવામાં આહુજાની માસ્ટરી છે. ફૂડની કેટલીક સામગ્રી તૈયાર હોય છે, બાકીની કામગીરી પેન્ટ્રી કારમાં થાય છે. મડગાંવ, થિવિમ, રત્નાગીરી, ખેડ વગેરે જગ્યાએથી રાંધવા માટે તૈયાર કરેલી સામગ્રી ટ્રેનમાં જરૃર મુજબ ઠલવાતી રહે છે અને તેના પર કૂકિંગ પ્રક્રિયા થાય એટલે વળી એ સામગ્રી પ્રવાસીઓના પેટમાં ઠલવાય છે.
ગુણવત્તા જળવાઈ રહે એટલે નિયમિત રીતે ક્વોલિટી ચેકિંગ થાય છે અને મુસાફરોના પ્રતિભાવો પણ નિયમિત રીતે લેવાતા રહે છે. માંડોવી તો દૈનિક ટ્રેન છે. એમાં ઘણા મુસાફરો એવા છે, જે મુંબઈ-ગોવા વચ્ચે સાપ્તાહિક કે પખવાડિક અપડાઉન કરતાં હોય છે. એ પણ આ ટ્રેનની ફૂડ સામગ્રીના દિવાના છે અને રિપિટ ઓર્ડર કર્યા કરતાં હોય છે. સ્વાદના સર્વોત્તમ ટેસ્ટને રેલગાડી 12 કલાક ચાલે તો પણ એ સફર લાંબી લાગતી નથી.