ઓએસિસ ઓફ ધ સીઃ ટાઈટેનિક કરતાં પાંચ ગણુ મોટુ જહાજ! કઈ રીતે કરવી તેની સફર?

ટાઈટેનિક 1912માં સમુદ્રમાં ઉતર્યું ત્યારે સૌથી વિશાળ અને વૈભવશાળી જહાજ હતું. હવે તો ટાઈટેનિકને વામન ઠેરવે એવા અનેક વિરાટ જહાજો દરિયાઈ પ્રવાહો પર હિલોળા લે છે. ઓએસિસ ઓફ ધ સી જગતના સૌથી મોટા જહાજ પૈકીનું એક છે

  • ઓએસિસ ઓફ ધ સી અત્યારે વિશ્વનું સૌથી મોટું જહાજ છે.. પરંતુ માત્ર મોટું છે, એમ કહેવાથી તેની ઓળખ નહીં થઈ શકે. કેટલાક આંકડાઓ દ્વારા એ કેવડુ મોટુ છે એ સમજવુ પડશે..
  • ઓએસિસનું વજન વજન ૨,૨૫,૨૮૨ ટન છે, જે ટાઈટેનિક કરતાં ૫ ગણુ અને સરેરાશ હાથી કરતાં ૪૫ ગણુ વધારે થયું! અગાઉના સૌથી મોટા જહાજ કરતાં એ ૪૦ ટકા વિશાળ છે.
  • લંબાઈ ૧,૧૮૭ ફીટ છે, પહોળાઈ ૨૦૮ ફીટ (બોઈંગ વિમાનની પાંખોના વ્યાપ કરતાં પણ વધારે) છે અને સમુદ્ર સપાટીથી ઊંચાઈ ૨૧૩ ફીટ છે.

ફિનલેન્ડના તુર્કુ ખાતે આવેલા શીપ બિલ્ડિંગ વર્કશોપમાં ૩ વર્ષે બંધાયેલુ ઓએસિસ ઓફ ધ સી ખરીદવું હોય તો આજની તારીખે 8000  કરોડ રૃપિયા કરતાં થોડી વધારે રકમ જોઈએ! ઓએસિસ રોયલ કેરેબિનયન નામની દરિયાઈ પ્રવાસન ક્ષેત્રે વિશ્વ વિખ્યાત કંપનીની માલિકીનું છે.

તરતી સેવન સ્ટાર હોટેલ જેવા ઓએસિસમાં એક સાથે ૫૪૦૦ મહેમાનો રહી શકે એમ છે. દરેક કેબિનના ભાગે બાલ્કની આવે છે, એટલે જહાજમાં બાલ્કનીઓની કુલ સંખ્યા અંદર બહાર મળીને ૨૭૦૬ થઈ છે. મુસાફરોની સેવા-ચાકરી તથા જહાજના સંચાલન માટે ક્રૂ મેમ્બરોની સંખ્યા ૨૩૯૪ છે. એ બધા મેમ્બરો વિવિધ ૭૧ દેશમાંથી આવે છે!

  • જહાજ પર બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર હાજર હોય તો જહાજ એક દિવસમાં ૨૩,૫૦,૦૦૦ લિટર પાણી વાપરી નાખે છે.
  • મુસાફરોના મનોરંજન માટે જહાજમાં ૩૭ બાર છે, ૨૦ રેસ્ટોરાં છે અને દસેક હજાર ચોરસ ફીટની જગ્યા એવી છે, જેમાં શોપિંગ માટે દુકાનો આવેલી છે. સ્ટેજ કાર્યક્રમો માટે ગ્રીક શૈલીનું ૭૫૦ બેઠકો ધરાવતુ એમ્ફિથિએટર છે.
  • જહાજ પર ઠેર ઠેર બગીચાઓ છે, જેમાં ૧૨ હજાર ફૂલ-છોડ, ૫૬ મોટાં વૃશ્રો અને ૬૨ વેલાઓ છે.
  • જહાજમાં ૨૪૦ કિલોમીટરથી વધુ લાંબા પાઈપ ફીટ થયેલા છે, જ્યારે વાયરિંગની કુલ લંબાઈ ૫૩૦૦ કિલોમીટર કરતાં વધારે થાય છે.
  • પ્રવાસીઓને રહેવા માટે ૧૬ માળમાં કેબિનો વહેંચાયેલી છે, જ્યારે કુલ માળની સંખ્યા ૧૮ છે.
  • દરિયાઈ સફરમાં પ્રભાવશાળી કહી શકાય એવી કલાકના ૪૩ કિલોમીટરની ઝડપે એ પ્રવાસ કરે છે.
  • જહાજ ચકચકીત દેખાતુ રહે એ માટે ૬ લાખ લિટર કલરનો ઢોળ ચડાવાયો છે.
  • અકસ્માતના સંજોગોમાં જહાજના પડખે તલવારની માફક ઝૂલતી ૧૮ લાઈફબોટ મદદરૃપ થાય એમ છે. બધી બોટમાં મળીને ૬૬૬૦ લોકોને સમાવી શકાય એમ છે.
  • અને એ જહાજમાં બે અઠવાડિયા સુધી સફર કરવી હોય તો અંદાજે સવા લાખ કરતાં વધારે રૃપિયા ખર્ચવા પડે. એટલે કે એક દિવસનો ખર્ચ થાય નવેક હજાર રૃપિયા.

રોયલ કેરેબિયન કંપનીએ ૨૦૦૭માં જહાજ માટે ઓર્ડર આપ્યો હતો અને ૨૦૦૯માં એ તૈયાર થઈ ગયુ હતું. પહેલી સફર માટે રવાના થાય એ પહેલા કંપનીએ જહાજના નામ માટે સ્પર્ધા રાખી હતી. એ સ્પર્ધામાં એકઠા થયેલા વિવિધ નામો પૈકી ઓએસિસ ઓફ ધ સી નામ ફાઈનલ થયું ત્યારથી જહાજ એ નામે ઓળખાય છે. ઓએસિસનો મતલબ રણદ્વિપ થાય છે. પરંતુ અહીં આ જહાજ સમુદ્ર વચ્ચે દ્વિપ જેવું છે. એ પછી ૨૦૦૯ની ૫મી ડિસેમ્બરે પહેલી વખત ફિનલેન્ડથી અમેરિકા જવા નીકળ્યુ હતું.

દુનિયાભરમાં ઠેર ઠેર આવેલા બસ સ્ટેશન જેવા પોઈન્ટ પરથી એ મુસાફરોને બેસાડે છે અને ટિકિટ પ્રમાણે દરિયાઈ સફર કરાવે છે. ઓએસિસ ઓફ ધ સી જગતનું સૌથી મોટુ જહાજ છે.. ના એ જગતનું સૌથી મોટું પેસેન્જર જહાજ છે. સૌથી મોટા જહાજનો વિક્રમ તો બીજા કોઈના નામે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *