ભારતમાં રેલવે વગર લાંબી સફર અશક્ય છે. એ રીતે અમેરિકામાં પ્રજા વિમાની મુસાફરી કરવા ટેવાયેલી છે. જે મુસાફરો વિમાની મુસાફરી નથી કરતાં એ કલાકો સુધી ગાડી ચલાવીને રોડ ટ્રીપ કરે છે. પરંતુ રેલવેનું ચલણ બહું ઓછું છે. માટે ત્યાંની ઘણી-ખરી પ્રજાએ ક્યારેય રેલવે સફર કરી જ નથી હોતી. રેલવે તેમના માટે પ્રવાસનું નહીં પરંતુ મનોરંજનનું માધ્યમ છે. એટલે પ્રવાસીઓને આકર્ષવા ત્યાં રોકી માઉન્ટેનિયર નામની ટ્રેન ટ્રાવેલ કંપનીએ નવી સફર લૉન્ચ કરી છે.
- આ ગાડી કુલ ચાર રૃટ પર ચાલે છે. જેમાંથી 3 રૃટ કેનેડામાંથી ઉપડે છે અને એક રૃટ અમેરિકાના કોલોરાડો રાજ્યના ડેનેવરથી રવાન થાય છે.
- મોટા ભાગના રૃટ વચ્ચે અમેરિકાના કેટલાક સર્વોત્તમ પ્રવાસ સ્થળો આવે છે. કોલારાડોમાં તો રમતુમડા અને કરોડો વર્ષથી ઉભેલા ખડકોનો પાર નથી, ટ્રેન તેની વચ્ચેથી પસાર થાય છે. તો વળી આર્ક નેશનલ પાર્કમાંથી પણ ટ્રેનનો રૃટ નીકળે છે. નામ પ્રમાણે આ નેશનલ પાર્ક કમાનાકાર પથ્થરો માટે જાણીતો છે. કરોડો વર્ષથી પથ્થરોની કમાનો ત્યાં ઉભી છે. તો વળી જગ વિખ્યાત કોલારાડો નદી પણ ટ્રેનની સફર દરમિયાન જોવા મળે છે.
- અમેરિકાના ઈતિહાસમાં રેલવેનું અનોખું મહત્વ છે. અમેરિકાના પશ્ચિમ ભાગમાં જ્યારે પરિવહનના કોઈ વિકલ્પો ન હતા ત્યારે રેલવે લાઈનો નંખાતી હતી અને એના માટે જંગ થતો હતો. એ પર હોલિવૂડની ઘણી ફિલ્મો પણ બની છે. માટે ત્યાં રેલવે સફર કરવી એ અનોખો અનુભવ છે.
- ટ્રેનની ટિકિટ 1465 ડોલરથી 2342 ડોલરની છે. આ મોંઘી ટિકિટમાં સફર, ભોજન ઉપરાંત જ્યાં હોટેલ રોકાણ આવે ત્યાં ઉતારાનો પણ સમાવેશ થાય છે. મુસાફરો માટે સિલ્વર લીફ અને ગોલ્ડ લીફ એવા બે ક્લાસ છે. બન્નેમાં ફાઈવ-સ્ટાર પ્રકારની સુવિધા છે.
- આ ટ્રેન ડેલાઈટ ટ્રેન તરીકે ઓળખાય છે. કારણ કે કોચ પર કાચ ફીટ કરાયા છે, એટલે આપણે ત્યાં જે વિસ્ટાડોમ કોચવાળી ટ્રેન કેવડિયા સુધી શરૃ થઈ એવી રીતે આ ટ્રેનમાંથી પણ બેઠા બેઠા બહારના દૃશ્યો અદ્ભૂત રીતે જોઈ શકાય છે.
- ટુરિસ્ટ સ્પેશિયલ ટ્રેન હોવાથી પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને જ રસોડાથી ખુરશીઓ સુધીની સુવિધા ગોઠવવામાં આવી છે. દરકે ડબ્બામાં ૩ કર્મચારીઓ મુસાફરોની સેવામાં સતત ખડેપગે રહે છે.
- ૧૦ ફીટ પહોળા, ૧૪થી ૧૮ ફીટ ઊંચા અને ૮૫ ફીટ લાંબા ડબ્બામાં ૫૬થી વધારે મુસાફરો બેસાડવાના નથી.
- https://www.rockymountaineer.com/ પરથી આ ટ્રેનનું બૂકિંગ કરાવી શકાય છે.