રેલવે ભારતની જીવાદોરી છે, પરંતુ આ જીવાદોરી હજુ દેશના ઘણા ભાગો સુધી પહોંચી શકી નથી. એવા ભાગોમાં કાશ્મીરનો સમાવેશ થાય છે. એક તો કાશ્મીર પહાડી રાજ્ય છે અને વળી સરકારોએ ત્યાં રેલવે લાઈનના વિસ્તારમાં ખાસ રસ લીધો નથી. પણ હવે ત્યાં રેલવે લાઈન માટે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
જમ્મુ-બારામુલ્લા વચ્ચે 345 કિલોમીટર લાંબી રેલવે લાઈન નંખાઈ રહી છે. કામ ઝડપથી થઈ શકે એટલે આ રેલવે પ્રોજેક્ટને નેશનલ પ્રોજેક્ટ ગણીને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટના ભાગરૃપે જ ચીનાબ નદી પર જગતનો સૌથી ઊંચો કમાનાકાર પુલ બની રહ્યો છે. નદીથી એ પુલની ઊંચાઈ પોણા બારસો ફીટ છે, જે એફિલ ટાવર કરતા પણ સોએક ફીટ વધુ થાય છે. અત્યારે એ જગતનો સૌથી ઊંચો રેલવે પુલ છે.
ભારતમાં તો સરકારી પ્રોજેક્ટ દાયકાઓ સુધી પુરા થતાં નથી. સદભાગ્યે આ પુલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પુલનું 90 ટકાથી વધારે કામ થઈ ગયું છે. પુલની લંબાઈ ૧૩૧૫ મિટર છે, જ્યારે બજેટ ૫૧૨ કરોડ રૃપિયા નિર્ધારિત થયું છે. ૧૭ સ્પાન ધરાવતા પુલના બાંધકામ માટે કુલ ૨૫ હજાર ટન સ્ટીલ વપરાશે. ૧૨૦ વર્ષ કામ આપી શકે એવી રેલવે લાઈન માટે ડિસેમ્બર ૨૦૨૧ની ડેડલાઈન નક્કી કરાઈ હતી પણ એ તો જતી રહી છે. હવે કદાચ ડિસેમ્બર 22માં પુરો થાય તો થાય. આ રેલવે લાઈનના રસ્તામાં આવા વિક્રમી પુલો આવે છે, તો વળી ક્યાંક ક્યાંક ટનલ પણ બની રહી છે. સમગ્ર લાઈન પર ૧૨ મોટા અને ૧૦ નાના પુલ બનાવાના છે.
કાશ્મીર દેશની સુરક્ષા માટે પણ મહત્વનું રાજ્ય છે. ઘણા રસ્તા અને ટનલો છે. છતાં પણ આકરા શિયાળામાં બરફવર્ષાથી અમુક રસ્તા બંધ થઈ જાય છે. એ વખતે આ પુલ કામ લાગશે. કેમ કે કાશ્મીરને દરેક ઋતુમાં દેશ સાથે એ પુલ કનેક્ટ રાખશે. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે લિન્કનો ભાગ છે. આ રેલવે લાઈન પાછળ કુલ 28000 કરોડનો જંગી ખર્ચ કરવાનો છે. આ 272 કિલોમીટર લાંબી લાઈનમાંથી 160 કિલોમીટરથી વધારેનું તો બાંધકામ થઈ ગયું છે અને કેટલાક ભાગમાં ટ્રેન દોડતી પણ થઈ ગઈ છે.