એરપોર્ટ પર પહેલી વખત જતી વખતે શું શું કાર્યવાહી કરવાની હોય એ આપણે અગાઉ વાત કરી. હવે વાત કરીએ એરપોર્ટ પરથી ઉતરીને બહાર નીકળવાની પ્રક્રિયાની..
- લેન્ડિંગ
સૌથી પહેલા વિમાન ઉતરશે. ત્યારે પ્રવાસીઓને ફોન ફરીથી વાપરવાની છૂટ મળશે. વિમાન પાર્કિંગ એરિયામાં પહોંચશે પછી દરવાજા ખુલશે અને એક પછી એક મુસાફરો બહાર નીકળશે. પ્લેન ઉતરે અને બહાર નીકળવાનું થાય એ વચ્ચે પંદરેક મિનિટ તો લાગશે જ.
- એરપોર્ટમાં પ્રવેશ
કેટલાક કિસ્સામાં પાર્કિંગ દૂર હશે તો બસ દ્વારા મુસાફરોને એરપોર્ટના દ્વાર સુધી લઈ જવાશે.
કેટલાક કિસ્સામાં વિમાન નજીક જ પાર્ક થયું હશે તો ગેટવે કહેવાતી સીડી દ્વારા એરપોર્ટમાં પ્રવેશ મેળવવાનો થશે.
- એરપોર્ટની અંદર
એરપોર્ટના જે દ્વારે અંદર પહોંચવાનું થશે ત્યાં જ સુરક્ષાકર્મીઓ હશે. પરંતુ એ દરેક મુસાફરોને ચેક નહીં કરે. કોઈ શંકાસ્પદ હશે તો ચેક કરશે. બાકી જવા દેશે.
- સામાન મેળવવો
જેમણે મુસાફરી શરૃ કરતી વખતે પોતાનો સામાન લગેજમાં નાખ્યો હશે તેમણે અહીં મેળવવાનો રહેશે. એ માટે વિમાન ઉતરે ત્યારે જ એર હોસ્ટેસ દ્વારા સૂચના આપવામાં આવી હોય છે કે તમારો સામાન બેલ્ટ નંબર 4 પરથી મેળવવો. જે એરપોર્ટ પર એકથી વધારે સામાન બેલ્ટ હોય ત્યાં નંબર મહત્વનો બને છે.
જોકે જ્યાં બેલ્ટ હોય ત્યાં સ્ક્રીન પર કઈ ફ્લાઈટનો સામાન આવે છે એ દર્શાવ્યુ હોય છે. એરપોર્ટમાં સામાન આપતી વખતે એક સ્લીપ આપવામાં આવે છે. સામાન પાછો મેળવવા માટે આ સ્લીપની જરૃર પડતી હોય છે. માટે સાચવીને રાખવી.
જેમનો સામાન લગેજમાં ન ગયો હોય એમના માટે આ પ્રક્રિયા આવતી નથી. એ સીધા જ બહાર નીકળી શકે છે.
- ઈમિગ્રેશન
જે પ્રવાસીઓ પરદેશથી આવતા હોય એમનો સામનો ઈમિગ્રેશન અધિકારી સાથે થાય છે. ઈમિગ્રેશન ઉપરાંત કસ્ટમ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં હોય છે. સામાનમાં કોઈ શંકાસ્પદ ચીજ હોય કે બિલ વગરની પ્રોડક્ટ હોય તો અહીં તપાસ થઈ શકે છે. પરદેશમાંથી કંઈ પણ ખરીદ્યું હોય તો તેનું બિલ રાખવુ.
ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ અહીં પાસપોર્ટ પર ભારતમાં પરત ફર્યાનો સિક્કો મારી દેશે. દેશમાંથી જ આવતા પ્રવાસીઓને આ સ્ટેપ આવતું નથી.
- બહાર નીકળવું
સામાન લીધા પછી એક્ઝિટના બોર્ડ લખેલા હોય એ દિશામાં આગળ વધવા સિવાય કશું કરવાનું રહેતું નથી.
જે પ્રવાસીઓએ કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાની હોય એમણે અલગ દિશામાં જવાનું હોય છે.
દરેક એરપોર્ટ પર અંગ્રેજી અને હિન્દીમાં એક્ઝિટ લખેલા બોર્ડ અને એરા મારેલા જ હોય છે. એ મુજબ ચાલવામાં આવે તો કોઈ મુશ્કેલી આવતી નથી. એ ઉપરાંત ત્યાં હાજર પોલીસ કે અન્ય કર્મચારીઓને પણ પૂછી શકાય.
એરપોર્ટમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા ખાસ અઘરી નથી.