હિમસાગર એક્સપ્રેસ : ઉત્તરથી દક્ષિણ સુધી ભારતના બે ભાગ પાડતી રેલગાડી
ભારતમાં એક સમયે સૌથી લાંબી ટ્રેન તરીકે ‘હિમસાગર એક્સપ્રેસ’નો દબદબો હતો. પોણા 3 દાયકા સુધી એ ટ્રેન ભારતની સૌથી લાંબા રૃટની ગાડી હોવાનો દરજ્જો ભોગવી ચૂકી છે.
ટ્રેન નંબર ૧૬૩૧૭ અને ૧૬૩૧૮.
સપ્તાહમાં એક વાર ઉપડે છે અને બ્રોડગેડ લાઈન પર દોડે છે.
શરૃ થાય છે ભારતના ઉત્તરી રેલવે સ્ટેશન જમ્મુથી અને પ્રવાસ પુરો થાય છે છેક દક્ષિણે આવેલા કન્યાકુમારી ખાતે.
એ દરમિયાન ટ્રેન સરેરાશ ૫૩ કિલોમીટર પ્રતિ કિલોમીટરની સ્પીડે ૩,૭૧૪ કિલોમીટરની સફર કરે છે.
૭૦ કલાકની એ સફરમાં ટ્રેન કુલ ૭૨ સ્ટેશનોએ રોકાય છે.
એ ભારતની સૌથી લાંબી ટ્રેન હિમસાગર..
ના હવે સૌથી લાંબી નથી! હવે તો કન્યાકુમારીથી ઉપડીને આસામના દીબ્રુગઢ ખાતે બ્રેક મારતી ‘વિવેક એક્સપ્રેસ’ દેશની સૌથી લાંબી ટ્રેન છે. પણ વિવેક એક્સપ્રેસની શરૃઆત પહેલાં ૧૯૮૪થી લઈને ૨૦૧૧ સુધીના પોણા ત્રણ દાયકા સુધી ભારતની સૌથી લાંબી ટ્રેન તરીકે હિમસાગરે દબદબો ભોગવ્યો હતો. અને આજે પણ વિવિધતાની રીતે એ ટ્રેન અજોડ છે.
હિમાલયના શિખરોથી નીકળીને કન્યાકુમારીના દરિયાને સ્પર્શે છે. જમ્મુ સ્ટેશનેથી શરૃ થઈને કન્યાકુમારીમાં એન્જીન શાંત થાય ત્યાં સુધીમાં પૃથ્વી પોતાની ધરી પર ૩ વખત ફરી ચૂકી હોય છે. એટલે કે હિમસાગર પ્રવાસ પુરો કરવામાં ૩ દિવસ-ત્રણ રાત જેટલો સમય લે છે. કન્યાકુમારીથી દર શુક્રવારે બપોરે ૨ વાગ્યે ઉપડતી હિમસાગર છેક સોમવારે ૩ વાગ્યા પછી (જો ટાઈમે હોય તો) જમ્મુ-તાવી પહોંચે છે. અડધા દિવસનો વિરામ લઈને એ જ ગાડી ફરીથી દક્ષિણ તરફ ઉપડે છે. રાતે બારેક વાગે શરૃ થયા પછી કુમારી પહોંચે ત્યાં ગુરુવારની મધરાત થઈ ચૂકી હોય છે.
કોઈ મુસાફર જમ્મુથી કુમારી સુધી બેઠો રહે તો તેને એ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુ એમ ૧૨ રાજ્યોના પ્રવાસનો લાભ મળે! ગાડી રસ્તામાં ૭૨ સ્ટેશનોએ રોકાય છે, પરંતુ ન રોકાતી હોય એવા સ્ટેશનો તો રસ્તામાં ૫૬૦ આવે છે! ભારતીય રેલવેતંત્ર વિવિધ ઝોનમાં વહેંચાયેલુ છે. એ પૈકીના પાંચ ઝોનમાંથી આ ટ્રેન પસાર થાય છે. પ્રવાસ દરમિયાન હિમસાગર પંજાબના કિલ્લા રાયપુર પાસે સૌથી વધુ ઝડપ પ્રાપ્ત કરે છે. અહીં ગાડી ક્યારેક ક્યારેક ૧૦૮ કિલોમીટરના કાંટે પહોંચે છે. તો વળી ભોપાલ પાસે ગાડીને ધીમી પડીને ૧૯ કિલોમીટરની ધીમી ગતીએ આગળ વધવુ પડે છે. બાકી મુસાફરીની સરરેશ ઝડપ ૫૩ કિલોમીટરની છે. દિલ્હીમાં સૌથી વધુ પોણી કલાક ટ્રેન રોકાય છે, જ્યારે અનેક સ્ટેશનો એવા છે, જ્યાં તેનો હોલ્ટ ૧-૧ મિનિટનો જ છે. ખાસ્સી લાંબી સફર હોવાને કારણે રસ્તામાં કેટલાક સ્ટેશનોએથી ગાડીમાં ખોરાક-પાણીનો પુરવઠો પણ ભરવામાં આવે છે.
આખુ ભારત તો સપાટ હોય નહીં! એટલે ટ્રેને રસ્તામાં અનેક ઉતાર ચડાવ જોવા પડે છે. હિમસાગર દક્ષિણ ભારતના કોઈમ્બતોર જંકશને આવે ત્યારે એ સૌથી ઊંચી હોય છે. કેમ કે આ સ્ટેશન સમુદ્ર સપાટીથી ૪૧૬ મીટર (૧,૩૬૫ ફીટ) ઊંચુ છે. પણ અહીંથી સવાસો કિલોમીટરની પણ મુસાફરી ન થઈ હોય ત્યાં ટ્રેન તેની સફરના સૌથી નીચા સ્થળે આવી પહોંચે છે. કેરળના કિનારે આવેલા ત્રિસુર ખાતે ટ્રેન પહોંચે ત્યારે સમુદ્ર સપાટીથી ૬ મિટર (૨૦ ફીટ) જ ઊંચી હોય છે. એટલી જ ઊંચાઈ વળી આગળ વધીને આવતા ચેનગાન્નુર સ્ટેશને નોંધાય છે.
રેલવેના આઈકોનિક બ્લુ અને ક્રિમ કલરે રંગાયેલી આ ટ્રેન હિમસાગર નામ શા માટે ધરાવે છે એ સમજી શકાય એમ છે. હિમ (જમ્મુ)થી શરૃ થતો તેનો પ્રવાસ સાગર (કન્યાકુમારી) કાંઠે પુરો થાય છે. સફર દરમિયાન ગાડી ખેતર, પુલ, રસ્તા, પોલાણ, ખીણ, જંગલ, બોગદા, ઉંચા-નીચા ઢોળાવ પરથી પસાર થતી જાય છે. એમાંય વળી કન્યાકુમારી ખાતે તો ૩ સમુદ્રનો સંગમ થાય છે એટલે આ ગાડી ખરા અર્થમાં ભારત દર્શન કરાવે છે એમ કહી શકાય.
હિમસાગરને બીજા ક્રમે ધકેલતી ‘દિબ્રુગઢ-કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ’ ૨૦૧૧થી શરૃ થઈ ગઈ છે. આસામના દિબ્રુગઢથી રવાના થઈ કન્યાકુમારી સુધી પહોંચવામાં વિવેક એક્સપ્રેસને ૮૪-૮૫ કલાક લાગે છે. કુલ મુસાફરી ૪,૨૭૩ કિલોમીટર (પૃથ્વીના ગોળાની ત્રિજ્યાના દસમાં ભાગ કરતાં પણ વધારે) કરતી આ ગાડી ૫૭ સ્ટેશનો પર જ રોકાય છે (નથી રોકાતી એવા સ્ટેશન ૬૦૦)અને ૬ રાજ્યોમાંથી પસાર થાય છે.
આસામના પહાડી વિસ્તારો, બ્રહ્મપુત્રનો મેદાની પ્રદેશ, ચાના બગીચાઓ, બંગાળનો નક્સલી વિસ્તાર, ઓરિસ્સા-આંધ્રપ્રદેશનો દરિયાકાંઠો, તમિલનાડુના જંગલો વગેરે વિવેક એક્સપ્રેસના સફરના સાથીદારો છે. દિબ્રુગઢમાંથી ટ્રેન ઉપડે ત્યાંથી બર્માની સરહદ નજીક થાય છે, તો વળી જરા આગળ વધ્યા પછી ભુતાન, બાંગ્લાદેશ અને નેપાળની સરહદોને પણ એ બાયપાસ કરે છે.