ભૈરવજપ પથ્થર પર જવાનું અઘરું છે, પરંતુ વિવિધ એંગલથી જોવો હોય તો ક્યાંથી જોઈ શકાય? આ રહ્યા તેના વિકલ્પો
ગિરનાર પર જનારા ઘણા ખરા પ્રવાસીઓ અંબાજીને જ ગિરનાર માનીને ચાલતા હોય છે. રોપ-વેની સુવિધા પણ અંબાજી સુધીની છે. જોગે ગિરનાર ઘણા શિખરો ધરાવે છે અને જવા જેવી તો અનેક જગ્યાઓ છે. એમાંની એક જગ્યા એટલે ભૈરવજપનો પથ્થર. ભૈરવ જપના પથ્થર પર પ્રેમભાઈ કાછડિયા નામના યુવાન જતા-આવતાં હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. એટલે જૂનાગઢ બહાર તો ઠીક જૂનાગઢના લોકોમાં પણ આ પથ્થર અંગે કૂતુહલ વધ્યું છે. પ્રેમભાઈ વડાલ ગામના વતની છે. વડાલ ગામ ગિરનારની તળેટીમાં સાવ અડીને આવેલું છે. આ ગામના અનેક લોકો ગિરનારની વિવિધ જગ્યાઓ પર સેવા આપતા હોય છે.
આ પથ્થર પર જવું અઘરું છે, પણ તેને જોવા માટે કેટલાક વિકલ્પ છે.
- રોપ-વેથી અંબાજી જવાનું થાય તો જતી વખતે ડાબી તરફ એ પથ્થર જોવા મળે છે. દૂરથી નાનકડું અદડિયું ગોઠવ્યું હોય એવો એ પથ્થર શિખરનો ઊંચે નીકળેલો ભાગ છે.
- બીજી તરફ ગિરનારની તળેટીમાં બહુ ઊંચે નહી એવી જટાશંકરની જગ્યા આવેલી છે. આ જગ્યાએ જતા પણ ભૈરવજપ જોવા મળે છે. ભૈરવજપ અહીંથી ઊંચે જોવાથી જોઈ શકાય છે. અહીંથી તેનું ખરા અર્થમાં વિકરાળ સ્વરૃપ જોવા મળે છે.
- અંબાજી મંદિરથી થોડે હેઠવાસમાં સેવાદાસ નામની જગ્યા છે. એ જગ્યા પાછળ આ પથ્થર આવેલો છે. સેવાદાસની જગ્યાએથી પણ આ પથ્થર સારી રીતે જોઈ શકાય છે. એને જોયા પછી મોટા ભાગના ત્યાં સુધી જવાનો વિચાર માંડી જ વાળે.
ભૈરવજપને જોકે પથ્થર કહેવો એ કદાચ અપમાન ગણાય કેમ કે એ નાનકડું શિખર છે. પથ્થરની ઊંચાઈ લગભગ 125 ફૂટ, જ્યારે ઘેરાવો તો 200થી વધારે ફૂટ થતો હશે. એક સમયે ત્યાં જવા માટે સાંકળ બાંધેલી હતી. એ સાંકળ પકડીને જઈ શકાતુ હતું. તો પણ બધા તો જઇ શકતા ન હતા. પરંતુ આજે સાંકળ ન હોવા છતાં કેટલાક શ્રદ્ધાળુ તો ત્યાં જઈ શકે છે. એ માટે સેવાદાસની જગ્યાએથી રજા-મંજૂરી લેવી પડે છે.
લોકમાન્યતા એવી છે કે ભૈરવજપ પર જઈને ત્યાંથી પડતું મુકવાથી બીજા જન્મમાં રાજા થવા મળે. રાજા થવા મળે કે ન મળે પણ ભૈરવજપ પરથી કોઈ પડે તો જં કંઈ રાજ-પાટ હોય એ તુરંત પુરા થાય. આ જગ્યા અંગે સમર્થ ઈતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ જૂનાગઢના ઈતિહાસના આધારભૂત ગ્રંથ ‘જૂનાગઢ અને ગિરનાર’માં લખ્યું છે : ‘સેવાદાસજીની જગ્યા પાછળ પશ્ચિમ દિશામાં નીચેની ખીણ ઉપર ઝુકતો ભૈરવજપનો ખડક છે. તેના ઉપર ભૈરવનું સ્થાપન છે. આ વિકરાળ અને વિકટ ખડક ભૈરવજપ નામથી જાણીતો છે. પૂર્વે’ એવી માન્યતા પ્રચલિત હતી કે તેના ઉપર ચડી નીચે પડતું મૂકી મૃત્યુને ભેટે તે બીજે ભવ રાજપતિ થાય. આવા એક આત્મઘાતનો બનાવ ઈ. સ. ૧૮૭૨માં બનતાં જૂનાગઢ રાજયે ત્યાં આવા કાર્ય માટે કઈ જાય નહિ તેવો પ્રબંધ કર્યો હતો. ’ ભૈરવજપ લેવો કે ખાવો એવો શબ્દપ્રયોગ પ્રચલિત હતો. ભૈરવજપ માટે હકાબાપા નામના એક વડીલ જતા હોય એવી કોમેડી વાર્તા પણ વાર્તાકાર કાનજી ભૂટા બારોટે તેમની આગવી શૈલીમાં રજૂ કરી છે. એ વાર્તા યુટ્યુબ સહિતના ડિજિટલ માધ્યમો પર ઉપલબ્ધ છે.
બાદમાં તો સરકારે ગેજેટ દ્વારા સૂચના આપી હતી કે કે આ માન્યતા માટી છે અને ધાર્મિક દૃષ્ટિએ પણ તેમ કરવું બરાબર નથી. ભૈરવજપ ઉપર જવું અને પડવું એટલું વિષમ છે કે આજે પણ કાઈ કિડત અને અસંભવ કામ કરવાનું હેાય તો કહેવત છે કે આ તા ભૈરવજપ ખાવા જેવું છે. અલબત્ત, તો પણ સાહસ શોખીનો ત્યાં જતા હોય છે.