ભારતના દરેક રાજ્યમાં ખાન-પાનની અલગ અલગ આગવી ડિશો છે. ઘણી વખત ક્યા રાજ્યમાં શું પોપ્યુલર છે, તેની પુરતી જાણકારી હોતી નથી. અહીં દેશના 29 રાજ્યની પોપ્યુલર ડિશનું લિસ્ટ આપ્યું છે
આપણે બધા જ જાણીએ છીએ કે ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે. દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ છે. સાથે જ પોતાની અલગ સંસ્કૃતિ, પરંપરા અને વિવિધતાઓ છે. ભાષા, પોશાક, રીત-રીવાજ, રહેણી કહેણી વગેરે તમામ વસ્તુઓમાં આ વૈવિધ્ય જોવા મળે છે. આ વિવિધતા માત્ર સંસ્કૃતિ કે પરંપરામાં જ નહીં પરંતુ ખાન પાનમાં પણ દેખાઇ આવે છે. ભારતના પ્રત્યેક રાજ્યના ખોરાકની આગવી વિશિષ્ટતા છે. જે રીતે આપણે ત્યાં કહેવત છે કે બાર ગાવે બોલી બદલાય, તે જ રીતે ખોરાક અંગે પણ એવું જ છે. દરેક રાજ્યને પોતાની પારંપરિક વાનગીઓ છે, જે બહારથી આવતા લોકોને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરે છે. આજે ભારતના વિવિધ રાજ્યમાં મળતા આવા જ ખોરાકના ખજાના વિશે વાત કરવી છે. આમ તો દરેક રાજ્યના ખોરાકમાં અનેક વેરાયટી જોવા મળે છે. તેવામાં અહીં દેશના 29 રાજ્ય અને ત્યાંની પ્રસિદ્ધ 29 ડિશોની વાત કરવામાં આવી છે.
1. જમ્મુ કાશ્મીર –દમ ઓલાવ
દમ આલૂ એ આખા દેશમાં મળતી વાનગી છે, જેને તમે પણ ખાધી હશે. ત્યારે દમ ઓલાવ તેનું જ કાશ્મીરી વર્ઝન છે. આ એક પ્રકારની કાશ્મરની પરંપરાગત વાનગી છે. જે બીજે મળતા દમ આલૂ કરતા અલગ છે. કાશ્મીરી દમ ઓલાવમાં તમને કાશ્મીરી મસાલાનો અદ્ભુત સ્વાદ મળશે. જેને દહીં, ગ્રેવી અને અન્ય મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે.
2. હિમાચલ પ્રદેશ – ધામ
કદાચ તમે પહેલી વખત આ વાનગીનું નામ સાંભળ્યું હશં, પરંતુ તે હિમાચલ પ્રદેશની સૌથી પ્રસિદ્ધ વાનગીઓમાંની એક છે. જેને રાજમા, મગ દાળ અને ચોખાને દહીંમાં પકાવીને તૈયાર કરવામાં આવે છે. જેને અડદની દાળ તેમજ ખાટી મીઠી ચટણી સાથે પિરસવામાં આવે છે. જો હિમાચલ પ્રદેશ જાઓ તો આ વાનગી અવશ્ય ચાખવા જેવી છે.
3. હરિયાણા – બાજરાની ખિચડી
સાંભળવામાં થોડું અલગ લાગશે પરંતુ બાજરાની ખિચડી હરિયાણાની લોકપ્રિય વાનગી છે. અહીં દરેક ઘરમાં ખવાતી આ વાનગીને મોટાભાગે મોતી બાજરામાંથી બનાવવામાં આવે છે. અને બાદમાં લોકો તેલ અથવા તો ઘી સાથે તેને ખાવાનું પસંદ કરે છે. સાંભળવામાં સરળ લાગતી આ વાનગી સ્વાદમાં ઉત્તમ હોય છે.
4. પંજાબ – મકાઇની રોટલી અને સરસોનું શાક
મકાઇની રોટલી અને સરસોનું શાક પંજાબનો સૌથી લોકપ્રિય અને પારંપરિક ખોરાક છે જેને પંજાબી તડકા સાથે પકાવવામાં આવે છે. પંજાબના દરેક ઢાબા અને હોટેલમાં આ વાનગી પિરસવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં આ ડિશ વધારે ખવાય છે. સરસોના શાકને બનાવવાની પારંપરિક રીત છે. અને સાથે મકાઇની રોટલીને માખણ અથવા ઘી સાથે પિરસવામાં આવે છે.
5. ઉત્તરાખંડ – કંડાલીનું શાક
જો તમે ઉત્તરાખંડ ફરવા જવાના હોય તો ત્યાં કંડાલીનું શાક અવશ્ય ચાખજો. કંડાલીનું શાક એ ઉત્તરાખંડની મુખ્ય વાનગી છે. કંડાલી એક પ્રકારની વનસ્પતિ છે. જેને ઉકાળીને સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવે છે. ઉત્તરાખંડના લોકો કંડાલીના શાકને ચોખા અને રોટલી સાથે ખાય છે.
6. ઉત્તર પ્રદેશ– ચૌલાઇનું શાક
જેવી રીતે પંજાબમાં સરસોનું શાક ખવાય છે, તેવી રીતે ઉત્તર પ્રદેશના લોકો ચૌલાઇનું શાક ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને ઠંડી દરમિયાન આ શાક વધારે બને છે. જેને ચૌલાઇ નામની વનસ્પતિના પાનમાંથી બનાવવામાં આવે છે. આ શાક સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ હોય છે. શાકને રોટલી, પરોઠા અથવા તો ભાત સાથે પિરસવામાં આવે છે.
7. બિહાર – લિટ્ટી ચોખા
જ્યારે પણ તમે બિહારના સૌથી પ્રસિદ્ધ ખરાક વિશે સર્ચ કરશો તો તેમાં સૌથી ઉપર લિટ્ટી ચોખાનું નામ આવશે. લિટ્ટી ચોખા એ બિહારનો પરંપરાગત ખોરાક છે. લિટ્ટી ચોખાની લિટ્ટીને ઘઉંના લોટ વડે બનાવવામાં આવે છે. જે શેકેલો મેંદો, વિવિધ મસાલા અને લીંબુના રસથી ભરેલી હોય છે. તેને ચોખા સાથે પિરસવામાં આવે છે. જેમાં વિવિધ શાકભાજી નાંખેલા હોય છે.
8. સિક્કિમ – મોમો
મોમોનું નામ તો બધાએ સાંભળ્યું હશે અને ઘણા લોકોને ખૂબ પસંદ પણ આવે છે. ત્યારે મોમો એ સિક્કિમની ખૂબ લોકપ્રિય વાનગી છે. મૂળ તો આ તિબિટની વાનગી છે પરંતુ સિક્કિમનો એવો એક પણ વિસ્તાર નહીં હોય જ્યાં મોમો ના મળતા હોય. દરેક જગ્યા પર ત્રણ કે ચાર પ્રકારના મોમો મળશે. જેમાં સ્ટીમ અને ફ્રાઇડ મોમો સૌથી વધારે લોકપ્રિય છે.
9. અસમ – પપૈયા ખાર
પરંપરાગત આસામી મસાલા, લાલ ચોખા, દાળ અને કાચા પપૈયાના અસાન્ય સંયોજન વડે પપૈયા ખાર નામની આ ડિશ તૈયાર કરવામાં આવે છે. જે સ્થાનિક લોકોની સાથે અસમ જતા પ્રવાસીઓને પણ આંગળીઓ ચાટવા માટે મજબૂર કર છે. ખાર એ અસમના રસોડાનું અભિન્ન અંગ છે. જેને સૂકવેલા કેળાની છાલમાંથી મેળવવામાં આવે છે અને બાદમાં વિવિધ શાકભાજી સાથે પકાવવામાં આવે છે.
10. અરુણાચલ પ્રદેશ – થુક્પા સુપ
આમ તો થુક્પા સુપ એ એક તિબેટયન વાનગી છે પરંતુ અરુણાચલમાં પણ ઘણી પ્રચલિચત અને લોકપ્રિય છે. ખાસ કરીને શિયાળામાં ઠંડીનો સામનો કરવા માટે આ વાનગી ખાવામાં આવે છે. થુક્પા સુપ ઉકાળેલી નૂડલ્સ અને શાકભાજીનું મિશ્રણ હોય છે. જેને વિવિધ મસાલા સાથે બનાવવામાં આવે છે. આમ જોઇએ તો મેગી જેવું જ લાગશે, પરંતુ સ્વાદ એકદમ અનોખો અને સ્વાદિષ્ટ હોય છે. થુક્પા સુપના પણ બે પ્રાકર છે વેજ અને નોનવેજ.
11. નાગાલેન્ડ – ગલ્હો
નાગાલેન્ડ એ નાગા પ્રજાતિનું રહેઠાણ છે જેમની આગવી પરંપરા અને સંસ્કૃતિ છે. નાગાલેન્ડમાં આમ તો લગભગ તમામ વાનગીઓ માંસાહારી જ મળશે. જો કે કેટલીક વાનગીઓમાં વેજ અને નોન વેજ એવા બે પ્રકાર છે. ગલ્હો પણ આવી જ એક વાનગી છે. જેને ચોખા અને શાકભાજી વડે તૈયાર કરવામા આવે છે. જે એક પ્રકારના સુપ જેવું હોય છે.
12. મણિપુર –કંગશોઇ
મણિપુરમાં દેરક ઘરમાં ખવાતું કંગશોઇ એક પ્રકારનું વેજિટેબલ સૂપ અથવા તો વેજિટેબલ ખિચડી છે તેવું કહી શકાય. જે સ્વાદમાં તો ઉત્તમ છે જ પરંતુ સાથે ભરપુર પોષણ પણ આપે છે. વિવિધ સિઝનેબલ શાકભાજીને બાફીને ડુંગળી, આદુ અને અન્ય મસાલા સાથે બનાવવામાં આવે છે. જેને ભાત સાથે પિરસવામાં આવે છે.
13. મિઝોરમ –પાંચ ફોરમ તરકારી
ઉત્તર પૂર્વમાં આવેલા નાનકડા એવા મિઝોરમ રાજ્યની આ લોકપ્રિય વાનગી છે. પાંચ ફોરમ એટેલે કે પાંચ પ્રકારના મસાલા. જેમાં જીરુ, સરસો, મેથી, વરિયાળી અને કલૌંજીનો સમાવેશ થાય છે. બંગાળના સ્વાદની ઝલક આપતી આ ડિશ લોકોને આંગળી ચાટવા પર મજબૂર કરે છે. જેમાં બટાટા, રીંગણ અને કોળાને આ પાચં મસાલા સાથે પકાવવામાં આવે છે.
14. ત્રિપુરા –ભાંગુઇ
ભાંગુઇ નામની આ વાનગી ચોખામાંથી તૈયાર કરવામાં આવે છે. ત્રિપુરાની આ પરંપરાગત વાનગી દરેક ઘરમાં બને છે. પહેલા ચોખાને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે અને ત્યારબાદ ઘી, આદુ અને ડુંગળી સાથે શેકવામાં આવે છે. ચોખાને કેળાના પાનમાં વીંટીને બાદમાં શેકવમાં આવે છે. જેથી તે વધારે સ્વાદિષ્ટ બને છે.
15. મેઘાલય –પુમાલોઇ
ચોખા એ મેઘાલયનો મુખ્ય ખોરાક છે. અહીંના લોકો મોટેભાગે ચોખામાંથી બનાવેલી વસ્તુઓ વધારે ખાય છે. પુમાલોઇ પણ ચોખામાંથી બનતી આવી જ એક વાનગી છે. જે મેઘાલયમાં ઘણી પ્રસિદ્ધ છે. ખાસ કરીને કોઇ કાર્યક્રમ કે પછી ઉત્સવો દરમિયાન પુમાલોઇ બનાવવામાં આવે છે.
16. પશ્ચિમ બંગાળ –રસગુલ્લા
વિશ્વભરમાં પ્રસિદ્ધ બંગાળી મિઠાઇમાં રસગુલ્લાનું નામ પ્રથમ આવે છે. લગભગ 200 વર્ષ પહેલા બંગાળમાં રસગુલ્લા બનવાની શરુઆત થઇ હોવાનું માનવામાં આવે છે. કોલકાતામાં તમેન ગળની ચાસણીવાળા રસગુલ્લા ખાવા મળશે, જેને મોંની અંદર મુકતાની સાથે જ પાણી પાણી થઇ જશે. રસગુલ્લા તો હવે બધે મળે છે પણ બંગાળના રસગુલ્લાની વાત અલગ છે.
17. ઝારખંડ – ધુસ્કા
ધુસ્કા અથવા તો ધુશ્કા ઝારખંડની પરંપરાગત વાનગી છે. ખાસ કરીને તહેવારના સમયે આ વાનગી ત્યાં ખૂબ બનાવવામાં આવે છે. આ વાનગી મુખ્યત્વે ચોખાનો લોટ, ચણાની દાળ અને કેટલીક વખત બાફેલા બટેટા વડે બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને તળવામાં આવે છે અને ચટણી અથવા તો સોસ સાથે પિરસવામાં આવે છે.
18. છત્તીસગઢ – આમત
આમત એ છત્તીસગઢની લોકપ્રિય વાનગી છે. જેને બસ્તર ક્ષેત્રના સાંભાર તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર શાકભાજી, આદુ અને લસણની ચટણી વડે બનાવવામાં આવે છે. પરંપરાગત રીતે બનતી આમતને વાંસમાં તૈયાર કરવામાં આવે છે, જેથી વાંસની અદ્વિતય સુગંધ તેમાં ભળે છે. આમત પકાવવાની આ પ્રક્રિયા આજે પણ કેટલાક આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે.
19. ઓડિશા – છેના પોડા
છેના પોડા ઓડિશામાં મળતી એક પ્રકારની મિઠાઇ છે. છેના પોડાનો અર્થ થાય છે શેકેલી ચીઝ. એટલે કે આ ચીઝમાંથી બનતી મિઠાઇ છે. ઘરે બનાવેલું તાજુ ચીઝ , ખાંડ અને રવાને મિક્સ કરીને જ્યાં સુધી ભુખરા રંગનું ના થાય ત્યાં સુધી શેકવામાં આવે છે.
20. તેલંગણા – હૈદરાબાદી બિરયાની
હવે તો સામાન્ય રીતે આખા દેશમાં વિવિધ પ્રકારની બિરયાની મળે છે. જો કે હૈદરાબાદી બિરયાની જેવી તેલંગણામાં મળશે તેવી તમને બીજે ક્યાંય નહીં મળે. આ સિવાય તેલંગણામાં અનેક પ્રકારની બિરયાની મળશે. એવું કહેવામાં આવે છે કે હૈદરાબાદના નિઝામના રસોડામાંથી બિરયાનીનો ઉદ્ભવ થયો છે. અહીં બન્ને પ્રકારની બિરયાની મળે છે વેજ અને નોન વેજ.
21. આંધ્ર પ્રદેશ –પૂઠરેકુલ્લુ
પૂઠરેકુલ્લુ એ આંધ્ર પ્રદેશની પ્રખ્યાત મિઠાઇ છે. પૂઠરેકુલ્લુનો શાબ્દિક અર્થ ખાંડના મિશ્રણવાળી પરત થાય છે. આ મિઠાઇમાં ખાંડ, સુકો મેવો તથા કિસમિસને ચોખાનો લોટ અને ઘીમાંથી બનાવેલા પાતળા રેપરમાં ભરવામાં આવે છે. ત્યારબાદ તેને સેકવામાં આવે છે. આ મિઠાઇ આંધ્ર પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં ઘણી લોકપ્રિય છે. આ મિઠાઇ વિના ત્યાં કોઇ પણ તહેવાર અધુરો છે.
22. કેરળ – અપ્પમ
અપ્પમ એ કેરળની પંરપરાગત વાનગી છે. અપ્પમને ચોખાના લોટ, નારિયેળના દૂધ, નારિયેળના પાણી અને ખાંડ વડે તૈયાર કરવામાં આવે છે. કેરળના સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓને પણ અપ્પમનો સ્વાદ પસંદ આવે છે. સામાન્ય રીતે તો અપ્પમ એક શાકાહારી વાનગી છે, પરંતુ તેને લોકો મટન સાથે પણ બનાવે છે.
23. તામિલનાડૂ – પોંગલ
પોંગલ એ દક્ષિણ ભારતીય રાજ્ય તામિલનાડૂનો સૌથી પ્રસિદ્ધ અને પારંપરિક ખોરાક છે. વેજિટેરિયન પોંગલ ચોખા અને દાળના મિશ્રણ વડે તૈયાર કરવામાં આવે છે. પોંગલ એ પચવામાં સૌથી સરળ છે. આ ખોરાક સવિશેષ રીતે પોંગલ ઉત્સવ દરમિયાન ખાવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પોંગલ એ તામિલનાડૂનો મુખ્ય તહેવાર છે અને આ ડિશ આ તહેવરનું અભિન્ન અંગ છે.
24. કર્ણાટક – અક્કી રોટી
અક્કી રોટી કર્ણાટકવાસીઓનો મનપસંદ નાસ્તો છે. અક્કી રોટીને રાઇસ બ્રેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્ણાટકના ઓફિસ એરિયા અને સ્કૂલ કોલેજો બહાર અક્કી રોટી વેચાતી જોવા મળશે. ત્યાંના લોકો આ વાનગીને નારિયેળની ચટણી, ચા અથવા તો દહીં સાથે ખાય છે.
25. ગોવા –પોઇ
ગોવાની સંસ્કૃતિથી લઇને ખોરાક સુધી પોર્ટુગલોનો પ્રભાવ જોવા મળે છે. જેના કારણે બ્રેડમાંથી બનતી વિવિધ પ્રકારની વાનગીઓ અહીં ખાવાલાયક હોય છે. પોઇ પણ આ પ્રકારની જ વાનગી છે. દેખાવમાં પોઇ પાવ જેવું જ લાગે છે પણ તેને સ્થાનિય તાડીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
26. મહારાષ્ટ્ર – મિસળ પાંવ
મિસળ પાંવ એ મહારાષ્ટ્રનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. જે અહીં દરેક નાસ્તાની દુકાન અને હોટેલમાં આ વાનગી ખાવા મળશે. જેમાં અંકુરિત થયેલા મગ, વટાણા સહિતની વસ્તુઓમાંથી કરી તૈયાર કરવામાં આવે છે. જેની અંદર ડૂંગળી, ટમેટા અને સૂકા ચેવડાને નાંખવામાં આવે છે. જે મિસળ તરીકે ઓળખાય છે. બટરમાં સેકેલા પાવ સાથે તેને પિરસવામાં આવે છે.
27. ગુજરાત – ઢોકળા
ખાન –પાનના શોખીન ગુજરાતીઓ ઢોકળાને બહુ પ્રેમ કરે છે. ગુજરાત બહારથી આવતા લોકોને પણ ઢોકળાનો સ્વાદ દાઢે વળગે છે. બેસનના લોટમાંથી બનતા ઢોકળાના અહીં તમને અનેક પ્રકાર જોવા મળશે. વિવિધ પ્રકારની ચટણી સાથે ઢોકળાને પિરસવામાં આવે છે. ગુજરાતના દરેક ખુણા પર તમને ઢોકળા તો અવશ્ય મળી જશે.
28. મધ્ય પ્રદેશ – ભુટ્ટે કા કીસ
ભુટ્ટો એટલે મકાઇ અને કીસ એટલે ક્રશ કરેલું. એટલે ભુટ્ટે કા કીસનો સરળ અર્થ થાય ક્રશ કરેલી મકાઇ. ભુટ્ટે કા કીસ એ એક સ્વાદિષ્ટ નાસ્તો છે. બનાવવામાં એકદમ સરળ અને ઝડપથી તૈયાર થાય છે. ખાસ કરીને મધ્ય પ્રદેશના ઇંદૌરનું આ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મકાઇને ક્રશ કરીને દૂધ, ખાંડ તથા અન્ય મસાલા સાથે આ વાનગી બને છે. જેમાં ઉપરથી ટોપરાનું છીણ પણ નંખાય છે.
29. રાજસ્થાન – દાલ બાટી ચૂરમા
રાજસ્થાનના ટ્રેડિશનલ ફૂડની વાત આવે તો સૈથી પહેલા તેમાં દાલ બાટીનું જ નામ યાદ આવશે. રાજસ્થાનની આ ડિશ હવે તો આખા દેશમાં મળે છે, પરંતુ તેને રાજસ્થાનમાં જે સ્વાદ અને મજા આવશે તેવી બીજે ભાગ્યે જ મળશે. ઘઉંના લોટમાંથી બાટી બનાવીને તેને વિશેષ રીતે ઘીમાં શેકવામાં આવે છે. જ્યારે વિવિધ પ્રકારની દાળોને મિક્સ કરીને પકવવામાં આવે છે. ઉપરાંત ઘી અને ચટણી સાથે પિરસવામાં આવે છે.