ટ્રેન સુપરફાસ્ટ કેટેગરીની છે, 655 કિલોમીટર અંતર 8 કલાકમાં કાપે છે. સરેરાશ સ્પીડ 81 કિલોમીટરની છે.
વૈષ્ણોદેવી ભારતનું અત્યંત લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. સાથે સાથે સંવેદનશિલ પણ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શેરાવાલી માતા વૈષ્ણોદેવી એ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનું સંયુક્ત સ્વરૃપ છે. એક સમયે ધરતી પર અસુરોનો ત્રાસ વધી ગયો હતો ત્યારે દેવીએ ધરતી પર આવીને તેમનો સંહાર કર્યો હતો. એ પછી વસુંધરાના રક્ષણ કાજે દેવી કાયમ ધરતી પર જ રહી ગયા, એ જગ્યાએ એટલે વૈષ્ણોદેવી મંદિર. ભારતની 108 શક્તિપીઠમાં વૈષ્ણોદેવી મંદિરનો સમાવેશ થાય છે. સમગ્ર વર્ષ દરમિયાન અહીં પ્રવાસીઓ આવતા રહે છે, પણ નવરાત્રી અને દીવાળીમાં વિશેષ ભીડ રહે છે. આ મંદિર સુધી જવા માટે કટરા સ્ટેશન સુધી રેલવે જાય છે. દિલ્હીથી ખાસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (22439) શરૃ કરવામાં આવી છે.
- વંદે ભારત એક્સપ્રેસ સવારમાં 6 વાગે રવાના થઈ બપોરે 2 વાગ્યે કટરા પહોંચાડે છે.
- ટ્રેન સવારમાં નવી દિલ્હી સ્ટેશન ( NDLS ) પરથી રવાના થાય છે.
- નવી દિલ્હી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 પરથી ટ્રેન રવાના થાય છે.
- રસ્તામાં માત્ર 3 જગ્યાએ જ ટ્રેન સ્ટોપ લે છે, અંબાલા કેન્ટ, લુધિયાણા અને જમ્મુ-તાવી. દરેક સ્ટેશન પર માંડ 2 મિનિટનો જ બ્રેક લે છે.
- ટ્રેન સુપરફાસ્ટ કેટેગરીની છે, 655 કિલોમીટર અંતર 8 કલાકમાં કાપે છે. સરેરાશ સ્પીડ 81 કિલોમીટરની છે.
- ટ્રેન આખી સિટિંગ છે, બે ક્લાસ છે એક્ઝિક્યુટિવ ક્લાસ અને ચેર કાર ક્લાસ. ચેર કારની ટિકિટ 1665 અને એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ 3055 છે.
- અત્યારે ટ્રેન સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ચાલે છે. સોમવારે નથી ચાલતી.
કટરા સુધી ટ્રેનમાં જવાય છે અને ત્યાંથી પંદર-વીસ કિલોમીટર દૂર મંદિર આવેલું છે. મંદિર પાંચ હજાર ફીટ કરતા વધુ ઊંચાઈ પર છે, ત્યાં પહોંચવા માટે કેટલુંક ચઢાણ કરવું પડે છે અને ચાલવુ પણ પડે છે. એ માટે ઝોળી, ખચ્ચર વગેરેની સુવિધા મળી રહે છે. પણ મૂળભૂત રીતે આ યાત્રા જરા મુશ્કેલ હોવાથી માતાજીનું તેડું આવે પછી જ જઈ શકાય એવી માન્યતા છે.
અહીં પ્રવાસીઓ માટે રહેવા-ઉતરવાની તમામ સગવડો છે. હેલિકોપ્ટર દ્વારા પણ મંદિર સુધી જઈ શકાય છે. એ બધા બૂકિંગ મંદિરની સાઈટ www.maavaishnodevi.org પરથી કરાવી શકાય છે. મુલાકાતના નિયમો તેના પર વાંચીને જવુ જોઈએ જેથી ત્યાં પહોંચીને મુશ્કેલી ન થાય. આ ટ્રેન ઉપરાંત બીજી ઘણી ટ્રેનો આ બે સ્ટેશન વચ્ચે ચાલે છે. જેમ કે રાજધાની એક્સપ્રેસ રાતે પોણા નવ વાગે રવાના થઈ સવારે 5 વાગે કટરા ઉતારે છે.