માતાજીના ભક્તોમાં ૫૧ શક્તિપીઠનું અનેરું મહત્વ છે. ૫૧ શક્તિપીઠ દેશના વિવિધ ખૂણે ફેલાયેલી છે. એ બધાની યાત્રા અશક્ય તો નથી, પરંતુ મુશ્કેલ જરૃર છે. તેની સામે એક સાથે ૫૧ શક્તિપીઠની પ્રદક્ષિણાનો વિકલ્પ ખુલી રહ્યો છે. ગુજરાતના અંબાજી મંદિરમાં માર્ચ ૨૦૨૨થી આ સુવિધા શરૃ કરાશે. દરેક દેવી-દેવતાની પ્રદક્ષિણા કરવાનું આગવુ મહત્વ છે. અહીં પ્રદક્ષિણા કરીને એક સાથે પુણ્યનું ભાથું કમાઈ શકાશે. આમ તો વિવિધ શક્તિપીઠની યાત્રાએ નીકળીએ તો દિવસો શું મહિનાઓ લાંબી સફર ચાલે. પરંતુ અંબાજીમાં આ પરિક્રમા ૩-૪ કલાકમાં જ પુરી કરી શકાશે.
અત્યારે પ્રદક્ષિણા માટે માર્ગ તૈયાર કરવાની કામગીરી ચાલે છે. જર્જરીત થયેલા પગથિયાનું કામ ચાલી રહ્યું છે. આ શક્તિપીઠની પ્રતિકૃતિ પાછળ 61.57 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 2008માં કરવામાં આવ્યો હતો. પરંતુ સરકારી રાહે ધીમે ધીમે કામ ચાલી રહ્યું છે. દેશમાં ફેલાયેલા તમામ શક્તિપીઠમાં કેવી રીતે પૂજા અને આરતી કરવામાં આવે છે તેની માહિતી મેળવવા માટે અંબાજીના પૂજારીઓને મોકલવામાં આવ્યા હતા. આ શક્તિપીઠમાં પૂજા અને આરતી પણ કરવામાં આવશે.
ભારતમાં 51 પૈકી 42 શક્તિપીઠ આવેલી છે. 9 પૈકી બાકીના તિબેટમાં માનસરોવરના કિનારે માનસ, શ્રીલંકામાં આલંકા, નેપાળમાં ગંડકી અને ગુહેશ્વરી, પાકિસ્તાનમાં હિંગળાજ, બાંગ્લાદેશમાં સુગંધ, કર્તોયા, ચટ્ટલ અને યશોરા શક્તિપીઠ આવેલી છે. પશ્ચિમ બંગાળ એવુ રાજ્ય છે, જ્યાં એક ડઝનથી વધારે શક્તિપીઠો આવેલી છે.