PHOTO : સામાન્ય દિવસોમાં ન જોવા મળે એ અલૌકીક ગિરનાર માત્ર પરિક્રમા વખતે જોવા મળે છે

GIRNAR PARIKRAMA

કારતક સુદ અગિયારસ (૧૪મી નવેમ્બર)થી ગિરનારની પરિક્રમા શરૃ થઈ છે. આ પરિક્રમા લોકભાષામાં લીલી પરિક્રમા તરીકે ઓળખાય છે. ચોમાસું પુરું જ થયું હોવાથી દેવદીવાળી ટાણે આરંભાતી પરિક્રમા વખતે ગિરનારની લીલોતરી પુર બહારમાં હોય છે. આ વર્ષે (૨૦૨૧) શરૃઆતમાં પરિક્રમાની ના પાડ્યા પછી સરકારે ૪૦૦ના જૂથમાં લોકોને જવાની છૂટ આપી છે.

પરિક્રમાનો આ રૃટ છે, જે સ્પષ્ટ કરે છે કે શિખર ફરતે અને જંગલ વચ્ચેથી નદી-નાળા પસાર કરતાં આગળ વધવાનું છે.
ગિરનારની પરિક્રમા કેવી હોય એ જૂઓ photoમાં

આખો ગિરનાર તો ઘણો મોટો છે, નાના-મોટા ઘણા શિખર અને ડુંગર છે. એટલે સંપૂર્ણ વિસ્તારની પરિક્રમા અશક્ય છે. પણ આ પરિક્રમા પ્રતિકાત્મક રીતે ગિરનારના મહત્વના સ્થળો આવરી લે છે. ગિરનારની સફર જ્યાંથી શરૃ થાય એ ભવનાથ તળેટી વિસ્તારથી પરિક્રમાનો આરંભ થાય છે અને ૩૬ કિલોમીટરની સફરના અંતે ત્યાં જ સફર પુરી થાય છે.

ભવનાથ તળેટી જ્યાંથી પરિક્રમા શરૃ થાય અને ત્યાં જ પુરી થાય

જતાં પહેલા જાણી લો

  • પરિક્રમા દેવ દિવાળી વખતે જ થઈ શકે છે, બાકીના દિવસોમાં પ્રવેશ નથી મળતો. કારતક સુદ અગિયારથી પુનમ એ પરિક્રમાનો નિર્ધારિત સમય છે.
  • પરિક્રમા સામાન્ય રીતે ૩ રાત, ચાર દિવસ ચાલે છે
  • પરિક્રમા વખતે ઝીણા બાવાની મઢી, માળવા અને બોરદેવી એ ત્રણ મુખ્ય પડાવ છે
  • પરિક્રમા વખતે સાથે વસ્ત્રો, ઓઢવા-પહેરવાની સામગ્રી, દવા વગેરે રાખવું
  • પરિક્રમા વખતે શિયાળો શરૃ થયો હોય અને જંગલમાં રાતે ઠંડી વધારે લાગશે
  • ખાવા-પીવાની સામગ્રી ખાસ લેવાની જરૃર નથી, રસ્તામાં એ બધુ મળશે. અલબત્ત આ વખતે એ શક્યતા ઓછી છે, કેમ કે સરકારે છેલ્લી ઘડી સુધી મંજૂરીના નામે મંજીરા વગાડ્યા હતા.
પરિક્રમાએ નીકળી પડેલો સંઘ
ભાગ્યમા હોય તો ગિરનારના વન્યજીવોનો પણ ભેટો થાય

આ ધર્મયાત્રા બહુ પુરાણા સમયથી ચાલી આવે છે. જોકે આધુનિક ગિરનાર પરિક્રમાની શરૃઆત એકાદ સદી પહેલા થઈ હતી. પરિક્રમા વખતે ગિરનારમાં લાખો લોકો (પાંચથી દસ લાખ) ઉમટે છે. જૂનાગઢની વસતી પાંચેક લાખ છે. ડબલ વસતી ચાર દિવસમાં ગિરનાર ધમરોળી નાખે છે.

પરિક્રમાનું ધાર્મિક-પૌરાણિક મહત્વ

ગિરનારના પર્વતિય ભુગોળ ઉપરાંત જંગલ વિસ્તારને કારણે પરિક્રમાનો મારગ આકરો બને છે. પ્રાકૃતિક પણ ખરો. બે-ચાર એવી ટેકરીઓ (સ્થાનિક ભાષામાં ઘોડી) આવે છે, જેનું ચઢાણ કપરું છે. પ્રવાસીઓ ધાર્મિક ઉત્સાહમાં એ કપરાં ચઢાણ આસાનીથી પાર કરે છે.

પરિક્રમા વખતે ટ્રેન પર આ રીતે આવન-જાવન બહુ સામાન્ય છે. અલબત્ત, સૌરાષ્ટ્રવાસીઓ જ આવો વિકલ્પ અપનાવે છે. નીચેની તસવીર રેલવે સ્ટેશન પર થતી ભીડની છે.

ગિરનારના જંગલમાં સિંહ-દીપડા સહિતના વન્યજીવો રહે છે. પરિક્રમા વખતે જંગલમાં ખુલ્લામાં તંબુ બાંધીને અને તંબુ ન મળે તો આકાશનું ઓઢણું કરીને પ્રવાસીઓ સુતા હોય છે. પ્રવાસીઓ અને જંગલજીવોનો ભેટો સામાન્ય રીતે થતો નથી.

પરિક્રમા વખતે અવિરત ચાલતા અન્નક્ષેત્રોમાં ખાવા-પીવાની જરૃરી સામગ્રી મળી રહે છે.

જૂના જમાનામાં આ પરિક્રમા ચાર દિવસ ચાલતી. એ વખતે પરિક્રમા જનારા સાથે જ ભોજન-પાણી, સીધું-સામાન, ઓઢવા-પાથરવાની સામગ્રી લઈને નીકળતા. ઘણો સામાન હોવાથી સંઘમાં જ પ્રવાસીઓ રવાના થતાં. હવે સાથે સામાન લઈ જવાની બહુ જરૃર રહેતી નથી. પરિક્રમાના રૃટ પર ઠેર ઠેર અન્નક્ષેત્રો, ચા-પાણી, દવા, ઓઢવા-પહેરવાની સામગ્રી મળે છે. વિનામૂલ્યે પણ મળે અને વેચાતી પણ મળે. એટલે પ્રવાસીઓ ઓછમાં ઓછી સામગ્રી સાથે ગિરનાર ઘૂમી શકે છે.

આ પરિક્રમાનો પથ છે, જેને મારગ મળે એ પહેલા આગળ ચાલે. આ જંગલના રસ્તે પરિક્રમા પછી જવા મળતું નથી.
પરિક્રમા પુરી થયા પછી સ્થાનિક સંસ્થાઓ અને સરકાર મળીને ખાસ કચરાની સફાઈ માટે એક રાઉન્ડ મારે છે, જેથી ગિરનાર ફરીથી હતો એવો જ સુંદર થઈ જાય

પરિક્રમા વખતે આવતા મુખ્ય ધર્મસ્થળો

  • ઈંટાવા મહાદેવ
  • જીણા બાવાની મઢી
  • સરકડીયા હનુમાન
  • માળવા
  • ફાટેલ ખોડિયાર મંદિર
  • બોરદેવી મંદિર
  • ભવનાથ
રસ્તામાં આવતા વિવિધ પડાવમાં બોરદેવી સહિતની જગ્યાઓએ સામાન્ય દિવસોમાં જઈ શકાય છે પણ પરમિશન લઈને

પ્રવાસમાં સરળતા ઉમેરાવાને કારણે હવે યુવા વર્ગ પણ મોટે પાયે પરિક્રમા તરફ આકર્ષાયો છે. બાકી એક સમયે પરિક્રમા એ જાતરાનો પર્યાય ગણાતી. જાતરા કરવાની ઉંમર હોય એવા વડીલો જ જતાં. હવે તો કોઈને એક દિવસનો સમય હોય તો પણ સરળતાથી પરિક્રમા કરી શકે છે. કેમ કે એક દિવસમાં ૩૬ કિલોમીટર જંગલના રસ્તે ચાલી નાખવુ સાવ અશક્ય નથી. અલબત્ત ખરી મજા જંગલમા રાતવાસાની છે. ખરી મજા ધીમે ધીમે પ્રકૃતિનું પાન કરતાં પરિક્રમા કરવાની છે.

પરિક્રમા પછીય પ્રવાસીઓ થાકતા નથી એટલે ગિરનાર ઉપર પહોંચે. ઉપર પહોંચે તો જૂનાગઢનો આવો ઝળહળાટ જોવા મળે

ગિરનાર વિસ્તાર અભયારણ્ય છે. સામાન્ય દિવસોમાં આ રૃટ પર જવાની છૂટ મળતી નથી. માત્ર પરિક્રમાના ચાર દિવસ વખતે જ ગિરનારના જંગલમાં અંદર પ્રવેશી શકાય છે. એ વખતે અલૌકિક ગિરનાર, ભાગ્યે જ જોવા મળતા અવધૂત સાધુ-સંતો, ગિરનારના ગેબી અનુભવો માણી શકાય છે.

રસ્તામાં આ રીતે જ્યાં જગ્યા મળે ત્યાં ભોજન-પાણી અને રાતવાસો કરવાની તૈયારી રાખવી પડે.

જૂનાગઢ આસપાસના લોકો તો ઠીક પરંતુ દૂરથી આવનારા પરિક્રમા પુરી થયા પછી થાક્યા વગર ગિરનાર આરોહણ-અવરોહણ કરી નાખે. હવે આ વર્ષથી તો રોપ-વેની સુવિધા છે. પરંતુ ગિરનાર પ્રેમીઓનો જૂસ્સો એવો હોય કે ચાર દિવસ પરિક્રમામાં ચાલ્યા પછી, સાથે ગમે તેટલો સામાન હોય તોય ગિરનાર ચડતાં-ઉતરતાં તેમને કોઈ અટકાવી શકતા નથી. અજબ કુદરતી તાકાત એ વખતે ધર્મયાત્રીઓને મળતી હોય એવુ લાગે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *