ફરવા નીકળતી વખતે સાથે જરૃરી સામાન લઈને ફરવું એ ઘણી વખત મુશ્કેલીકારક સાબિત થતું હોય છે. એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે કેરવેન ટુરિઝમનો નવો ટ્રેન્ડ ભારતમાં વિકસી રહ્યો છે. ‘કેરેવાન’ શબ્દનો અર્થ આમ તો ‘હરતું-ફરતું ઘર’ એવો થાય છે. ઘરને ફરતું કરવાનું તો પોસિલબ નથી, પરંતુ ફરતાં ઘરની જેમ પ્રવાસ કરવો અશક્ય નથી. કેરવેન એટલે એવી વાન જેમાં ઘર જેવી સુવિધા અને સામગ્રી હોય. મર્યાદિત જગ્યામાં પથારી, બાથરૃમ, રસોડાની સગવડ, કેમ્પિંગ માટેની સામગ્રી.. વગેરેનો સમાવેશ કરી લેવામાં આવે છે. વાન મોટી હોય પરંતુ આવી બધી સાજ-સજ્જાને કારણે તેમાં 3થી 5 વ્યક્તિ ફરી શકે છે. આવી સુવિધાઓને કારણે તેને ‘હાઉસ ઓન વ્હીલ’ પણ કહેવામાં આવે છે. ભારતમાં મધ્યપ્રદેશ અને કેરળ ટુરિઝમે કેરેવાનની દિશામાં નોંધપાત્ર પ્રગતી કરી છે. આ બન્ને રાજ્યોમાં કેરેવાન ટુરિઝમની સુવિધા મળે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે રાજ્યોમાં પણ ધીમે ધીમે કેરેવાન સુવિધા વિકસી રહી છે.
કેરેવાનમાં સામાન્ય સવલતો
કેરેવાન એ બસ છે, એટલે એમાં અમર્યાદિત સુવિધાઓ તો શક્ય નથી. પરંતુ બજેટ પ્રમાણે સુવિધાઓ ઓછી-વધારે હોય છે. સામાન્ય રીતે કેરેવાનમાં નીચે પ્રમાણેની સુવિધાઓ શામેલ હોય છે.
- બેસવા-સુવાની વ્યવસ્થા
- મિનિ ફ્રિજ
- ઠંડુ-ગરમ પાણી
- આઉટડોર કિચનની સુવિધા
- કેમ્પિંગ માટેની સામગ્રી
- ઈનડોર ગેમ
સરાકીર ટુરિઝમ વિભાગો ઉપરાંત ઘણી ખાનગી કંપનીઓ પણ કેરેવાન ચલાવવા લાગી છે. બેંગાલુરુ, દિલ્હી, નાગપુર જેવા શહેરોમાં ખાનગી કેરેવાન સુવિધા ઉપલબ્ધ છે. જેમાં પાંચ હજારથી પચાસ હજાર સુવિધીની ટ્રીપ આયોજિત કરી શકાય છે.
કેરેવાન ટુરિઝમના ફાયદા
- સુવિધાસજ્જ વાનમાં મનપસંદ જગ્યાએ ફરી શકાય
- કોરોના જેવી સ્થિતિમાં સરળતાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય
- ઈનડોર રહીને આઉટડોર પ્રવાસ કરી શકાય
- ગમે એટલો લાંબો પ્રવાસ પણ કરી શકાય
- બાળકો કે વૃદ્ધો સાથે હોય એવા સંજોગોમાં પ્રવાસમાં સલામતી જળવાઈ રહે છે
- નવા પ્રકારનો પ્રવાસ અનુભવ થાય
ગેરફાયદા
- વાહન મોટું હોવાથી સાંકડા રસ્તામાં મુશ્કેલી થાય
- પાર્કિંગની સુવિધા પણ જરૃરી છે
- મર્યાદિત સાધન-સુવિધાથી ચલાવવુ પડે
ભારતમાં કેરેવાન ટુરિઝમની સુવિધા આપતી કેટલીક કંપનીઓ
ગ્રીન ડોટ એક્સપિડિશન https://greendotexpeditions.com/
ગ્રીન ડોટ એક્સપિડિશન 12 વ્યક્તિને સમાવી શકે એવી મોટી બસ દ્વારા સફર કરાવે છે. સામાન્ય રીતે આ કંપની હિમાચલ પ્રદેશ, લદ્દાખ, પંજાબ અને રાજસ્થાન-કચ્છની નિયમિત સફર યોજે છે. જેમ કે કચ્છની સફરમાં એક દિવસથી પાંચ દિવસ સુધીના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
વેકેશન ઓન વ્હીલhttps://wacationonwheels.com/
નાગપુરની આ કંપની પણ ગુજરાત, રાજસ્થાન, મનાલી-લેહ, મધ્યભારત વગેરેની સફર કરાવે છે. જરૃર પ્રમાણે કેરેવાન પ્રવાસીઓને જ્યાંથી ઈચ્છે ત્યાંથી પીક-અપ પણ કરી શકે છે. તેની દરેક કેરવાનમાં 9 વ્યક્તિને સમાવી શકાય છે. તેનો ભાવ પણ વ્યક્તિદીઠ 2500 રૃપિયાથી જ શરૃ થાય છે.
મધ્યપ્રદેશ ટુરિઝમ https://mpstdc.com/facilities
મધ્ય પ્રદેશ સરકારે 12 વ્યક્તિને એક સાથે ફેરવી શકે એવી કેરેવાનની શરૃઆત ઘણા સમય પહેલા શરૃ કરી દીધી છે. મધ્ય પ્રદેશની કેરેવાન કિલોમીટર દીઠ ચાર્જ ચૂકવીને ભાડે લઈ શકાય છે. કિલોમીટરના 40 અને 85 રૃપિયા છે. 40 રૃપિયા ડિલક્સના, જ્યારે 85 રૃપિયા લક્ઝરીના છે. રાત્રી રોકાણના વળી 2500 અને 5000 અલગ ચૂકવવાના થાય. ફાયદો એ છે કે પ્રવાસીઓ જ્યાં ઈચ્છે ત્યાં આ વાન લઈ જઈ શકે છે. એ ઉપરાંત ભોપાલ-પંચમઢી-ભોપાલ, ભોપાલ-ભીમબેટકા-દેલવાડી, ભોપાલ-ભોજપુર.. વગેરે વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
લક્ઝરી કેમ્પર https://www.luxecamper.com/
આ કંપની બેંગલોર સ્થિત છે અને આસપાસના વિસ્તારમાં વિવિધ ટૂર ઓફર કરે છે. નામ પ્રમાણે લક્ઝરી છે. વિવિધ પેકેજ 49000થી લઈને 99000 સુધીના છે. એ ઉપરાંત રોજના 10 હજારના ભાડે પણ તેની વાન લઈ શકાય છે.
મોટરહોમ https://motorhome.co.in/
દિલ્હી સ્થિત આ કંપની વાન તમને ચલાવવા પણ આપે છે. સામાન્ય રીતે કેરેવાનમાં ડ્રાઈવર જે-તે કંપનીનો જ આવતો હોય છે. તેની પાસે 2થી લઈને 12 વ્યક્તિ સુધીની કેરેવાન છે. મુસાફરોની સંખ્યા મુજબ ગાડીમાં સુવિધા વધારી-ઘટાડી શકાય છે. તેની એક ગાડીમાં તો છત પર બેસવાની પણ સગવડ છે, જેનાથી આસપાસની દુનિયા જોવાની મજા પડે.
ટ્રીપી વ્હીલ https://www.trippywheels.com/
ટ્રીપી વ્હીલ પણ બેંગલોર સ્થિત કંપની છે. બેંગાલુરુ આસપાસ આવેલા વિવિધ સ્થળોની ટ્રીપ આ કંપની યોજે છે. જેમ કે કાન્સુની 4 વ્યક્તિ માટેની ટ્રીપનો ભાવ 8999 છે. એવી રીતે વિવિધ ઓફર કંપનીની સાઈટ પર આપેલી છે.
કેમ્પિંગ કો http://www.camping-co.com
કેમ્પિંગ કંપની નોર્થ ઈસ્ટ ઈન્ડિયા અને ભુતાન માટે વિકલ્પો ઓફર કરે છે. ગ્રામીણ, વણખેડાયેલો વિસ્તાર ખેડવાનો તેનો મૂળ ઉદ્દેશ છે. આ કંપની પરંપરાગત બસો ઉપરાંત પહાડી વિસ્તારને અનુરૃપ મહિન્દ્રાની ઓફરોડ ગાડીઓમાં પણ ફેરવે છે. કંપનીની ઓફર તો માત્ર 3 હજારથી જ શરૃ થાય છે. ઉપરાંત કંપની કેમ્પિંગનો સામાન પણ પુરો પાડે છે અને વેચે છે.
કર્ણાટક ટુરિઝમ https://www.karnatakatourism.org/caravan-tourism/
કર્ણાટક ફરવા માટે કેરેવાનનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. કર્ણાટકના પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ જેવા કે કબિની, બંદીપુર, ભીમેશ્વરી, કોગાડુ, ગોકર્ણ, બદામી.. સહિતના ઘણા સ્થળોએ કેરેવાન ઉપલબ્ધ છે. રોજના 30 હજાર જેવી રકમમાં કેરેવાન ભાડે લઈ શકાય છે. જેમાં બે વ્યક્તિનો સમાવેશ થાય છે. અલબત્ત, આ માટે કર્ણાટકે લક્ઝર કેમ્પર સાથે જોડાણ કર્યું છે.
આ ઉપરાંત કેરળ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્ય સરકારોએ પણ કેરેવાન ટુરિઝમની દિશામાં આગેકૂચ કરી છે. ધીમે ધીમે ભારતમાં એ પ્રમાણ વધશે.