વડોદરા શહેરમાં જોવા જેવા તો અનેક સ્થળો છે, જેમાં કમાટી બાગ અથવા તો સાયાજી બાગ મુખ્ય છે. આ બગીચો ખુબ મોટો છે, આખો દિવસ ઓછો પડે અને એકથી વધુ વખત જોવો પડે એવો છે. એ બગીચામાં વિવિધ આકર્ષણો વચ્ચે ઓછા જાણીતા બે પૂતળાં ઉભા છે. પૂતળાં છે હરિ અને અરજણ નામના યુવાનોના. પૂતળાં સાથે નીચે તકતીમાં લખેલું છે કે ધારી-અમરેલીના બહાદુર યુવાનો..
ગાયકવાડી રાજ્ય વડોદરા આસપાસ તો હતું જ, સાથે સાથે અમરેલી તાબાનો વિસ્તાર પણ ગાયકવાડમાં આવતો હતો. ગાયકવાડી રાજાઓ અમરેલી આસપાસ ગીર જંગલોમાં નિયમિત રીતે શિકાર-વન ભ્રમણ માટે જતા હતા. એવી જ એક સફરની યાદગીરી તરીકે અરજણ અને હરિના પૂતળા કમાટી બાગમાં ઉભા કરાયા છે.
- આ બાગ સવારના ૫ વાગ્યાથી રાતના ૮ સુધી ખુલ્લો રહે છે.
- પાર્કમાં નાના-મોટા અનેક આકર્ષણો છે, જેની ટિકિટ છે, પરંતુ પાર્કમાં પ્રવેશની કોઈ ટિકિટ નથી
- પાર્ક ખાસ્સો મોટો હોવાથી બે-ત્રણ કલાક તો ફરતાં થશે જ.
૧૯૩૩માં વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ગીરના જંગલમાં ધારી પાસે સિંહના શિકાર માટે ગયા હતા. સ્થાનિક લોકોની મદદ વગર શિકાર ન થઈ શકે. મહારાજાની સેવા-સગવડ માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જે સિંહને એક તરફ ધકેલે અને એ વખતે જ માચડા પર બેઠેલા રાજા ગોળી છોડી બહાદૂરી બતાવી શિકાર કરે.
ધારીથી આગળ દલખાણીયા, સુખપુર, ચાંચઈ, પાણીયા વગેરે ગામો છે. સાવ ગીરના છેવાડે આવેલા ગામો. ૧૯૩૩માં સયાજીરાવ જ્યારે શિકારે ગયા ત્યારે બે જુવાન નામે હરિભાઈ જીવાભાઈ જીંજરિયા અને તેનો માસિયાઈ અરજણભાઈ ભગવાનભાઈ કનેરિયા સાથે હતા.
દલખાણિયા પાસે ક્રાંગસા ગામની સીમમાં શિકારનો માચડો ગોઠવાયો. માચડા પર રાજા અને તેનો કાફલો ગોઠવાયો. થોડી વારે દૂરથી આવતો એક સાવજ દેખાયો. મહારાજાએ નિશાન લઈને ગોળી છોડી. પણ ગોળી ચૂકાઈ ગઈ. એ પછી પ્રહાર કરવાનો વારો સિંહનો હતો. મહારાજા નિશાન ચૂક્યા પણ સિંહ નિશાન ન ચૂકે તો?
સિંહે માચડા પર હુમલો કરી દીધો, લાકડાનો બનેલું માળખું હલબલવા લાગ્યું અને ઉપરથી મહારાજા નીચે આવી પડે એવી સ્થિતિ ઉભી થઈ. એ વખતે ત્યાં હાજર હરિ અને અરજણે તુરંત બહાદુરી દાખવી સિંહ સામે હાકલા-પડકારા કર્યા. સિંહ મુંઝાયો, આઘો-પાછો થયો અને એ વખતે જ રાજાની ગોળીના નિશાના પર આવ્યો. રાજાએ ગોળી છોડી અને સિંહ વિંધાયો.
મહારાજા કદરદાન હતા. સમજી ચૂક્યા હતા કે હરિ અને અરજણ ન હોત તો કદાચ આજે ન થવાનું થયું હોત. મહારાજાએ બન્ને જૂવાનોને વડોદરા બોલાવ્યા, સન્માન કર્યું અને લોકોને ખબર પડે કે બહાદુરી કોને કહેવાય એટલા માટે બન્નેના પૂતળાં કમાટી બાગમાં મુકાવ્યા.
મજાની વાત એ છે કે એ વાતને ૯ દાયકા પછી આજેય એ પૂતળાં વડોદરામાં ઉભા છે. શહેરનો વિકાસ ગમે તેટલો થયો છતાં કમાટી બાગમાંથી આ પૂતળાં હટાવવાની કુબુદ્ધિ કોઈ શાસકોને સુઝી નથી. જોકે પૂતળાં પાછળનો ઈતિહાસ દર્શાવતું બોર્ડ મુકવાની બુદ્ધિ પણ નથી સુઝી. એક સમયે કમાટી બાગમાં બન્ને પૂતળાં સાથે સાથે હતા. આજે અલગ અલગ કરી દેવાયા છે પરંતુ સાચવી રખાયા છે.
વડોદરાના કમાટી બાગમાં જવાનું થાય તો બહાદુરી, ખાનદાની, મર્દાનગીના નમૂના જેવા આ પૂતળાં અચૂક જોવા જેવા છે.