અમદાવાદમાં આવેલું Science city/સાયન્સ સિટી વર્ષો પહેલા જ્યારે શરૃ થયું ત્યારે ભવ્ય હતું. તેની જાળવણી થઈ શકી નહીં એટલે હવે નવીનિકરણ કરવું પડ્યું છે. એ પછી ઉમેરાયેલા આકર્ષણો વિશ્વ કક્ષાના છે. નવા આકર્ષણો મુખ્ય ત્રણ પ્રકારના છે. એક પછી એકની જાણકારી…
એક્વાટિક (જળ) ગેલેરી
- સાદી ભાષામાં જેને માછલીઘર કહેવાતું એનું આધુનિક નામ એક્વેટિક ગેલેરી/aquatic gallery. એક્વા એટલે જળ-પાણી. આ એક્વેટિક ગેલેરીએ અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે અને તે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ પણ છે.
- અહીં 188 પ્રજાતિની કુલ 11 હજારથી વધારે માછલી જોવા મળશે જેમાં મુખ્ય આકર્ષણ શાર્ક છે. શાર્ક કદાચ સમુદ્ર કાંઠે જોવા મળે પણ અહીં શાર્ક ટનલ છે, એટલે તેમાંથી પસાર થવાનું અને તમારી ઉપર-બાજુમાં શાર્ક ઘૂમતી રહે. એ ટનલ 28 મિટર એટલે કે સોએક ફીટ લાંબી છે.
- વિવિધ જળચરો વિવિધ 68 ટેન્ક અર્થાત ટાંકા કે વિભાગોમાં રખાયા છે.
- 5D થિએટર, જેમાં પાણીમાં સફર કરતાં હોવાનો અહેસાસ થશે.
- ગેલેરીમાં ૧૦ અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય.
- એકવેરિયમમાં જે માછલીઓ રાખવામાં આવી છે તે QR કોડ સાથેની છે. આવી માછલી-ફિશના કયુ.આર કોડ પોતાના મોબાઇલમાં એન્ટર કરીને મૂલાકાતીઓ આ માછલીઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી પોતાની જિજ્ઞાસા સંતોષી શકશે.
નેચર પાર્ક
- નેચર પાર્ક/nature parkની નવાઈ નથી હોતી કેમ કે દરેક ગાર્ડન એ પોતાની રીતે એક નેચર પાર્ક જ છે. માટે અહીં નવિનતા લાવવા વિવિધ આકર્ષણો ઉમેરાયા છે.
- ૨૦ એકરમાં પથરાયેલ આ નેચર પાર્કમાં ૩૮૦થી વધુ સ્પીસિસ જોવા મળશે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે.
- જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલામણી છે. જે ખાસ મોટું આકર્ષણ છે ને મજા સાથે મગજને કસરત પણ કરાવશે.
- વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ 15 સ્કલ્પ્ચર-શિલ્પ પણ છે. જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉંડેડ સ્લોથ બેર, ઉધઈના રાફડા અને મધપુડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે.
રોબોટિક ગેલેરી
- રોબોટ આપણા માટે નવા નથી પરંતુ આપણા માટે કામ કરે એવા રોબોટ નવા છે. તેનો અનુભવ આ robotic galleryમાં થઈ શકશે. હ્મુમોનોઈડ એટલે કે હ્યુમન અને એન્ડ્રોઈડ ઓપરેટિંગનું મિશ્રણ ધરાવતા રોબોટ વાતો કરશે અને મર્યાદિત માત્રામાં લાગણીઓ પણ રજૂ કરશે.
- ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. જેમ કે મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે.
- અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, ૧૬ રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ કરશે.
- વર્ચ્યુઅલ રિઆલિટટી (VR), ઓગમેન્ટેડ રિઆલીટી (AR) શું એ સમજાવતી ગેલેરી
- 200થી વધુ વિવિધ 79 પ્રકારના રોબોટ જોવા મળશે.
આ ત્રણ ગેલેરીને કારણે સાયન્સ સિટી ગુજરાતમાં એક વિશ્વ કક્ષાનું આકર્ષણ ગણાશે એમાં કોઈ નવાઈ નથી. ગુજરાત સરકારના વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગે આખરે એવું આકર્ષણ ઉભું કર્યું, જેમાં બાળકોને વર્તમાન અને થોડા અંશે ભવિષ્યની ટેકનોલોજી અંગે પ્રાથમિક જાણકારી મળે.
ટિકિટના દર
- એન્ટ્રી ફી – 50
- કાર પાર્કિગ ફી – 50
- રોબોટિક ગેલેરી – 250
- એક્વાટિક ગેલેરી – 250
- 3D સ્કેનર/પેન્ટર – 500
- રોબો પેન્ટર – 200
- VR – 200
- 5D થિએટર – 150
- અન્ય રાઈડસ – 200
અન્ય વિગતો
- સવારે ૮થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે.
- પ્રવેશ માટે અત્યાર સુધી દરવાજેથી ટિકિટ લઈ શકાતી હતી. હવે ફરજિયાત એડવાન્સ બુકિંગ કરવું પડશે. એ માટે સાયન્સ સિટીની મોબાઈલ એપ અથવા વેબસાઈટ https://sciencecity.gujarat.gov.in પર કરી શકાય.
- પ્રવેશ બાદ મુલાકાતીઓને એક ગેલેરીથી બીજી ગેલેરી કે એક સ્થળેથી અન્ય સ્થળે સમગ્ર પરિસરમાં જવા માટે મોબાઇલ એપ પર નકશા અને સ્થળની સ્થિતીની ચોક્કસ જાણકારી પ્રાપ્ત થશે.