રશિયાના ઝાર માથે આક્રમણનું સંકટ આવી પડ્યું. એ વખતે ઝારનો સંદેશો તત્કાળ સાઈબિરિયામાં પહોંચાડવાનો હતો. એ કામ સોંપાયુ મરદ-મૂછાળા સાહસિક યુવાનને…
માઈકલ સ્ટ્રગોફ : ધ કુરિયર ઓફ ઝાર
અનુવાદ-શાંતિ ના.શાહ
પ્રકાશક-પ્રવીણ પ્રકાશન (રાજકોટ, ૦૨૮૧-૨૨૩૨૪૬૦)
પાનાં-૧૭૬
કિંમત-૨૦૦ રૃપિયા
રશિયા ભારત કરતાં પાંચ-છ ગણો મોટો દેશ છે. એમાંય સાઈબિરિયા તો જગતનના સૌથી દુર્ગમ સ્થળોમાં સ્થાન ધરાવે છે. ત્યાં આજેય સફર કરવી કઠીન છે. જ્યારે આ વાર્તા તો છેક ૧૯મી સદીના ૧૮૭૬ના અરસાની છે. ત્યારે મોસ્કોથી સેંકડો કિલોમીટર દૂર આવેલા ઇકુર્ત્સક નગર સુધી એક સંદેશો પહોંચાડવાનો હતો.
રસ્તામાં બરફ, નદી, નાળા, જંગલ, શિકારી સજીવો.. વગેરે પડકારો હતા. એ ઉપરાંત મોટી માથાકૂટ બળવાખોરોની હતી. બળવાખોરો કે જેઓ ઝાર સામે જંગે ચડ્યા હતા એ ઝારના સંદેશાવાહક અર્થાત રાજદૂતને જૂએ તો જીવતો છોડે નહીં.
એવા સમયે રાજદૂત બનીને મહિનાઓની સફર કરીને સાઈબિરિયામાં સંદેશો કોણ પહોંચાડે? એ માટે માઈકલ સ્ટ્રગોફ નામનો યુવાન આગળ આવ્યો. તેણે જવાબદારી ઉપાડી.. એ પછી તેને અનેક કષ્ટો સહન કરવા પડ્યા પણ તેણે મીશન પાર પાડ્યું. તેની આ કથા છે.
અનુવાદ કરનારે લખ્યું છે કે ઉદાત્ત ભાષાંતર કર્યું છે. એટલે કે જરૃર મુજબ થોડી છૂટછાટ લીધી છે. જોકે ઉદાત્ત ભાષાંતર વધારે પડતું ઉદાત્ત થઈ ગયું છે કેમ કે મૂળ વાર્તામાં જે પ્રેમી-પ્રેમીકા છે તેને અહીં ભાઈ-બહેન બનાવી દીધા છે. મૂળ વાર્તા તો રસપ્રદ છે, પણ ઉદાત્ત ભાષાંતરના નામે થયેલી આ છેડછાડ અસહ્ય છે.
અત્યંત લોકપ્રિય હોવાથી આ વાર્તા પરથી અનેક ફિલ્મો-નાટકો-સિરિયલો પણ બન્યાં છે. વાર્તાના કેટલાક અંશો અહીં રજૂ કર્યા છે.
- નદીનું નામ મોસ્કોયા અને શહેરનું નામ મોસ્કો! એક બાજુ આવેલા આ નવા રાજમહેલનું નામ હતું ક્રેમલિન-પ્રાસાદ! અને એ ભદ્ર પુરુષ ખુદ રશિયાનો ઝાર હતો.
- આ કથાના સમય વખતે સાઇબિરિયામાં રેલવેલાઇન હતી. નહીં તો પણ પૂર્વ સરહદ સુધી ટેલિગ્રામની લાઇન સ્થાપિત કરવામાં આવી હતી. એ રીતે શાસન-કાર્ય અંગે સાઇબિરિયા રશિયા સાથે જોડાયેલું હતું.
- ઝાર ડ્યૂકને હજી વધુ ચેતવવા માગતો હતો, પણ એ બાબત કેટલી બધી મુશ્કેલ હતી! ઇકુર્ત્સક મોસ્કોથી હજારો માઇલ દૂર હતું. રસ્તામાં બળવાખોરોનાં થાણાં આવેલાં હતાં. આથી જ એક બાહોશ સંદેશવાહકની જરૂર ઊભી થઈ હતી. એ માણસ કદાવર, નિર્ભય અને કાબેલ હોય તો જ એ કામ પાર પડે તેમ હતું. કોઈ સામાન્ય માણસનું તો એમાં ગજું જ નહીં.
- શિયાળામાં સાઇબિરિયાના રસ્તાઓ ૫૨ ચાલવાનું મુશ્કેલ બને છે. કુદરતી અવરોધોનો કોઈ પાર રહેતો નથી. ખાડા, સરોવરો, નદીઓ, ખાબોચિયાં – બધાં બરફ છવાવાથી સમતલ બની જાય અને રસ્તાનું એક પણ સાચું નિશાન રહેતું નથી. તીવ્ર ઝાકળ પડવાથી નાની વનસ્પતિ પણ ઢંકાઈ જાય છે અને ભૂખથી પીડાતાં જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં આમતેમ ફરવા લાગે છે.
- આ પ્રકારે ધીમી વાતચીત કરવી એ રશિયન લોકોનો મૂળ સ્વભાવ છે. તે લોકો માને છે કે ભીંતને પણ કાન હોય છે, એટલે ધીમેથી વાત કરવામાં જ મજા છે.
- તેમણે પોતાનો ડાબો હાથ સહેજ ઊંચો કરીને લોકોને કહેવા માંડ્યું : ‘નિજની-નવગ્રેડનો હુકમ છે કે કોઈ રશિયન નાગરિક કોઈ પણ કારણસર રશિયા બહાર જઈ શકશે નહીં. વિદેશીઓને હુકમ કરવામાં આવે છે કે ચોવીસ કલાકની અંદર જ એમણે આ દેશમાંથી નીકળી જવું.’
- ગાડીના પાછળના ભાગમાં અમે બેસી રહ્યા. ગાડીનો આગળનો ભાગ પાછળના ભાગથી છૂટો પડી ગયો. ઘોડો, ગાડીવાન અને આગળનો ભાગ આગળ ચાલ્યા ગયા – અને અમે અહીં પાછળના ભાગમાં જ લટકી રહ્યા. અરે, ગાડીવાને પાછળ જોવાની પણ તસ્દી લીધી નહીં. આ તો એન્જિન ચાલ્યું ગયું અને ડબ્બા પડ્યા રહ્યા – એના જેવી વાત થઈ. બોલો, આમાં ગાડીવાન ૫૨ ગુસ્સે ન થઈએ તો બીજું અમે શું કરીએ!’
- ‘અમે એક એવા સ્થાન ૫૨ જઈ રહ્યા છીએ કે જ્યાં સદાને માટે આપત્તિઓની વર્ષા વરસ્યા કરે છે, જ્યાં તાજા ખબરોનો દુકાળ કદાપિ જણાતો નથી.’
- જોલિવેટે પોતાના ખિસ્સામાંથી એક નોંધપોથી બહાર કાઢી અને તેમાં લખ્યું.-ટેલ્ગા – રશિયાની ગાડી – જ્યારે એ ચાલે છે ત્યારે એને ચાર પૈડાં હોય છે, પરંતુ જ્યારે એ અંતિમ લક્ષ્ય ૫૨ પહોંચે છે ત્યારે તેને બે જ પૈડાં હોય છે!’
- આ જ માણસે એનું ઈશિમ સ્ટેશને અપમાન કર્યું હતું. નિજની નવગ્રેડમાં આ જ માણસે બોહેમિયનનો વેશ પહેર્યો હતો. આ જ વ્યક્તિએ જિપ્સીના વેશમાં જિપ્સી લોકોમાં ભળીને પોલીસની આંખમાં ધૂળ નાખીને વિદ્રોહીના દળમાં પ્રવેશ કર્યો હતો? ક્રોસસ’ જહાજ પર આ જ વ્યક્તિ હતી.
- આ શહેર હવા ખાવા માટે પ્રસિદ્ધ હતું. તેના રહેવાસીઓને તાર્તારોના આક્રમણનો ભય હતો નહીં. તેઓ માનતા કે તેમને માટે આક્રમણ થાય તોપણ નાસી છૂટવાની અનુકૂળતા સારી છે.
- જોલિવેટે હેરીને કહ્યું, ‘આ કોર્પાનફ હોય કે માઈકલ હોય, પણ માણસ ખરેખર મરદ છે! વાહ રે સાઇબિરિયન જુવાન!”
- માઈકલે હસીને કહ્યું, ‘હા, એ તો હું ઈચ્છું છું. પીપ ખાલી કરીને, તેમાં હવા ભરીને મોં બંધ કરી દેવાં. પછી એ બંધ પીપોને આપણી ગાડીની આસપાસ ચારે પૈડાં સાથે બાંધી દેવાં. પછી જ તમને ખબર પડશે કે આપણી ગાડી કેવી આસાનીથી પાણીમાં તરે છે ને આપણો બોજ ઉપાડી શકે છે!’
- તેણે પેલા વૃદ્ધ ભોમિયાને એ વાત કરી. ભોમિયાએ આંખો ખેંચીને તે તરફ જોયું. જોયા બાદ તેણે કહ્યું, ‘એ તાર્તાર લોકો નથી. ઝેડિયો નામનાં રાની પશુઓ છે. તાર્તાર લોકો કરતાં એ ઓછાં નિર્દય છે ! હવે આપણે બધાં મુસાફરોને તૈયાર કરવાં પડશે. પરંતુ આપણે ખૂબ સાવધાનીથી કામ લેવાનું છે. નામનો પણ અવાજ થવો જોઈએ નહીં. કોઈએ પિસ્તોલ કે બંદૂકનો અવાજ કરવાનો નથી; નહિ તો પશુઓને આપણી ગતિવિધિનો ખ્યાલ આવી જશે!’
- આ વખતે આપણે નદીના રસ્તા પર ચાંપતી નજર રાખવાની છે. બરફનાં અસંખ્ય ચોસલાં તરતાંતરતાં આ તરફ આવી રહ્યાં છે. જેમ વધારે ઠંડી પડશે એમ નદીમાં વધુ બરફ જામતો જશે. તાર્તાર લોકો એવા જામેલા બરફ પર થઈને આક્રમણ લાવે તેવો પણ સંભવ છે!’