દાયકાઓ સુધી કચ્છમિત્રના તંત્રી રહેલા કિર્તી ખત્રી કચ્છને સૌથી વધુ જાણનારા વ્યક્તિઓ પૈકીના એક છે. એ જાણકારી એમણે બે પુસ્તકોનાં ૬૪૦ પાનામાં રજૂ કરી છે.
કચ્છડો મારા આભલામાં (ભાગ ૧ અને ૨)
લેખક – કિર્તી ખત્રી
પ્રકાશક – વિવેકગ્રામ પ્રકાશન (૦૨૮૩૪-૨૨૩૨૪૩)
કિંમત – ૩૨૦+૩૪૦
પાનાં – ૩૨૦ અને ૩૪૪
કચ્છ જિલ્લા છેલ્લા બે દાયકામાં નવા કલેવર ધારણ કર્યા છે અને પોતાના અનેક રૂપો દેખાડયા છે. એટલે કચ્છ વિશે લોકોને જાણવાની ઉત્સુકતા વધી છે. એવી વ્યાપક માન્યતા પણ છે કે ગૂગલ કરવાથી માહિતી મળે, પણ અભ્યાસુઓને દર વખતે મળતી નથી. એ માટે ઊંડાણપૂર્વકનો અભ્યાસ ધરાવતા પુસ્તકો જોઈએ. એવા બે પુસ્તકોની વાત કરીએ..
- કચ્છના જાણકાર પત્રકાર અને સાહિત્યકાર જયંત ખત્રીના પુત્ર કિર્તી ખત્રીએ કચ્છ વિશેના લેખોનો સંગ્રહ ‘કચ્છડો મારા આભલામાં (બે ભાગ)’માં પ્રગટ કર્યા છે. બન્ને પુસ્તકમાં કુલ મળીને ૧૬૪ લેખોનો સંગ્રહ છે.
- આ પુસ્તકોમાં કચ્છનો ઇતિહાસ છે, ભૂગોળ છે, ધર્મ છે, સંસ્કૃતિ છે, સમાજ જીવન છે. મહાનુભાવો છે અને કચ્છ વિશે ન જાણતા હોય એવું ઘણું બધું છે.
- કેટલીક માહિતી પહેલી નજરે જાણીતી લાગે એવી છે, તો ઘણી ખરી માહિતી ફર્સ્ટ હેન્ડ અને જાત અનુભવમાંથી રજૂ થયેલી છે. કચ્છમાં જ જન્મ અને કચ્છમાં જ નિવૃત્તિ સુધીની કારકિર્દીને કારણે કિર્તી ખત્રીનો અનુભવ ખાસ્સો વિશાળ છે અને એ પુસ્તકમાં રજૂ થયો છે.
- કચ્છની કથા માંડી હોય અને યુદ્ધની વાત ન આવે તો કેમ બને? ભારત-પાકિસ્તાન યુદ્ધ વિશેના પણ ઘણા પ્રકરણો બન્ને પુસ્તકમાં છે.
- કચ્છમાં કેવા-કેવા પ્રશ્નો છે અને કચ્છમાં કયા કયા મુદ્દે વિકાસની કાયાપલટ થઈ શકે એમ છે આ દિશામાં આંગળી ચીંધતા લેખો પણ છે.
- અનેક કચ્છીઓ પરદેશ માં વસે છે તેમની સફળતા અને સંઘર્ષની દાતાઓના પ્રકરણ છે.
- કચ્છ તેની કળા અને સંસ્કૃતિ માટે જગ વિખ્યાત છે. એવા કચ્છની વાત કરતાં પુસ્તકના કવર કલાત્મક ન હોય એવું કેમ ચાલે? સદભાગ્યે આ પુસ્તકના કવર અત્યંત રસપ્રદ છે આકર્ષક છે જોવા ગમે એવા છે. પુસ્તકના કવર લેખકની દોહિત્રી કીર્તના જયરાજ ભટ્ટે તૈયાર કર્યા હોવાની નોંધ પણ પ્રસ્તાવનામાં લખેલી છે.
- આભલા શબ્દ આજે બહુ જાણીતો નથી. પણ એ ગ્રામીણ સંસ્કૃતિ રજૂ કરતો શબ્દ છે. આભલા એટલે ચૂંદડી કે વસ્ત્રમાં ટાંકવામાં આવેલો સાવ નાનો અરીસો. એવું આભલું પુસ્તકના કવર પર દોરેલું પણ છે. એ આભલામાં ભારતના બીજા ક્રમના સૌથી મોટા જિલ્લા કચ્છને સમાવવાનો આ પુસ્તકમાં પ્રયાસ થયો છે.