ડૉ આઈ. કે. વીજળીવાળાની બાળ-સાહસકથા શ્રેણીનું આ પુસ્તક વાંચનારાઓને પાપુઆ ન્યૂગિનીના જંગલોમાં લઈ જાય છે, જ્યાંનું જીવન રહસ્યમ અને કાળજુ કંપાવનારું છે.
લેખક : ડૉ આઈ કે વીજળીવાળા
પ્રકાશક: આર આર શેઠ એન્ડ કંપની
કિંમત : ૧૧૦ રૂપિયા
પાના : ૧૪૧
– નિતુલ મોડાસિયા
ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારા નજીક આવેલો આ ટાપુ પ્રદેશ વર્ષો સુધી આધુનિક જગતથી અજાણ્યો હતો. માનવામાં આવે પાપુઆ ન્યૂગિનીની ઘણી બધી નદીઓની રેતીમાં સોનુ વહે છે. આ નદીઓ ગાઢ જંગલ અને ખતરનાક માણસખાઉ વનવાસીઓ વચ્ચે આવેલી છે. આ પ્રદેશમાં વસતા વનવાસીઓ આત્મા કાઢી લેવાની વિધિ, હેડ-હન્ટિંગ અને પુરી પુરી જાદુ જેવી ભયંકર પ્રથાઓ સાથે જીવે છે.
આ કથાના મુખ્ય પાત્રો એટલે પાંચ મિત્રો ડીક, રોબર્ટ, પોલ, જેક અને હેસ્લિંગ. આ કથાના પહેલા પાંચ ભાગમાં બીજા ઘણા પાત્રો જોડાયા છે, જેમ કે માઈકલકાકા, માતાદી, અબીરા, અબાના, આલ્બર્ટો, કોકોરાઈ, મિસ્ટર પેટ્રિક, મિસ્ટર ડેવિડ, કાપેર અને સટાફીન.
કોકોરાઈ પાપુઆના આદિવાસી પરિવારથી છે. નાનપણમાં તે તેના મા-બાપથી વિખૂટો પડી ગયો હતો અને અમેરિકા પહોંચી ગયો હતો જ્યાં તેને એક પરિવારે દત્તક લઇ મોટો કર્યો હતો. તે આલ્બર્ટો સાથે કોલેજમાં ભણતો હતો જ્યાંથી તેની મુલાકાત કથાના બીજા પાત્રો સાથે થાય છે. સાહસના શોખીન અને નવા વિસ્તાર જોવાની ચાહ સૌ કોઈ કોકોરાઈ સાથે તેના વતન પાપુઆ જવા નીકળી પડે છે.
કોકોરાઈનો પરિવાર તેને મળીને ખૂબ ખુશ થાય છે પણ અજાણ્યા માણસોને જોવાના આદિ ન હોવાને લીધે સૌ કોઈ મુસીબતમાં મુકાઈ જાય છે.
જગતના સૌથી ઝેરીલા સાપ માંથી એકનું વર્ણન અહીં કરવામાં આવેલું છે. તાઈપેન નામનો આ સાપ થોડી જ વારમાં માણસનો જીવ લેવા સક્ષમ છે. આ સાપ ટુકડીમાં રહેલા વેદ આબાના ને કરડી જાય છે. આ સાપના કરડવાથી શું થાય અને તેના ઇલાજનું વર્ણન અહીં કરવામાં આવેલું છે.
જ્યાં સોનું હોય ત્યાં જીવનો ખતરો હોવાનો જ. આ કથામાં સોના માટે કોઈ માણસ વનવાસીઓનો ઉપયોગ કરી કેટલી હદ સુધી સુધી પડી શકે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. મિસ્ટર પેટ્રિક નામના પાદરી દ્વારા કરવામાં આવતા પુરીપુરી જાદુનું વર્ણન અહીં અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે.
તેના સિવાય પાપુઆનું પ્રખ્યાત પક્ષી કેસોવેરી કેવી રીતે હુમલો કરે અને તેના ઈંડાને કેવી રીતે ઓળખવા તેનું વર્ણન કથારૂપે ખુબ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ પક્ષી સ્વભાવે ડરપોક છે પણ તેના ઈંડાના રક્ષણ માટે હિંસક રૂપ પણ ધારણ કરી લે છે.
બાળકો-કિશોરો માટે લખાયેલી આ વાર્તા સૌ કોઈને રસ પડે એવી છે.