ભારતમા ગોવા, જગન્નાથપુરી, ગુજરાતનો દરિયાકાંઠો, દક્ષિણ ભારતના બીચ વગેરે પોપ્યુલર છે. પણ દુનિયામાં ભાતભાતના દરિયાકાંઠા આવેલા છે, જેમ કે..
અઢીસો કિલોમીટરનો સૌથી લાંબો બીચ
બ્રાઝિલના કાંઠે કેસિનો બીચ આવેલો છે. બ્રાઝિલના રિયો ગ્રાન્ડ શહેરથી લઈને છેક દક્ષિણે પડોશી દેશ ઉરુગ્વેની સરહદ સુધી લંબાતા એ બીચને માપવા માટે અઢીસો કિલોમીટરનો આંકડોય ક્યારેક ઓછો પડે છે. આખો બીચ વળી એક સરખો જ રેતાળ છે, એટલે પ્રવાસીઓમાં પણ તેનું વિશેષ આકર્ષણ છે. બાજુમાં જો ઉરુગ્વેની સરહદ ન આવતી હોત તો આ કાંઠો વળી ઓર લંબાયો હોત. ગિનેસ બૂકે સત્તાવાર રીતે લાંબા ગણેલા આ બીચનું સર્ફિંગ, સેઈલિંગ, ડાઇવિંગ કરનારાઓમાં અનેરું આકર્ષણ છે. ભારતમાં ચેન્નઈના કાંઠે પથરાતો મરીના બીચ છ-સાડા છ કિલોમીટરનો છે. તેનાથી લાંબો બીજો કોઈ બીચ ભારતમાં નથી.
છૂપાયેલો દરિયાકાંઠો
Beach -દરિયાકાંઠો તો એવો વિશાળ હોય કે તેને કોણ છૂપાવી શકે? માનવીય તાકાતથી ન થઈ શકે એ કુદરત તો કરી શકે ને? મેક્સિકોમાં એક એવો જ બીચ છે, જે ગુફાઓ વચ્ચે સંતાયેલો છે. દરિયાકાંઠે ખડકો છે, એ ખડકો નીચેથી દરિયો આગળ વધે છે અને ખડક વચ્ચે વિશાળ વર્તૂળમાં બીચ તરીકે પથરાય છે. મેક્સિકોના કાંઠે આવેલા મારિએટા ટાપુઓ પર કુદરતની આ અજબ રચના જોવા મળે છે.
કુદરતા તેજે ઝળહળાટ
માલદિવ્સના દરિયાકાંઠે એક એવોય વિસ્તાર છે, જે સાંજ પડયે કુદરતી તેજે ઝમગમવા માંડે છે. એ કમાલ જોકે પ્લાન્કેટોન નામના અત્યંત સુક્ષ્મ જીવોને કારણે જોવા મળે છે. આગિયાઓની માફક આ જીવો કુદરતી પ્રકાશ ધરાવે છે. દરિયાકાંઠે તેનો જથ્થો વધે એટલે જાણે રોશની માટે સિરિઝ ગોઠવી હોય એવુ લાગે.
બીચ ઓફ કેથેડ્રલ
સ્પેનનો બીચ ઓફ કેથેડ્રલ કુદરતી રીતે ખડકો વચ્ચે ચર્ચ બનાવ્યા હોય એવો છે. કેમ કે ત્યાં દરિયા કાંઠે એવા ખડકોની હારમાળા છે, જે ચર્ચ જેવો આકાર ધારણ કરે છે. કરોડો વર્ષથી પાણીને કારણે ખવાઈ ખવાઈને ખડકોમા એવા પોલાણ થઈ ગયા છે. ક્યારેક ભરતી આવે ત્યારે આ કાંઠો ડૂબી જાય છે, પરંતુ ઓટ વખતે પ્રવાસીઓ અહીં આ ઈશ્વરીય ચમત્કાર જોઈને અચંબિત થયા વગર રહેતા નથી.
નીચે દરિયો ઉપર વિમાન
કેરેબિયન સમુહના સેન્ટ માર્ટિનના કાંઠે માહો બીચ આવલો છે. નજીકમાં જ રહેલા એરપોર્ટને કારણે બીચ પર રજાઓ ગાળતા પ્રવાસીઓના માથે વિમાનો સતત ઝંબુળાતા રહે છે. ક્યારેક તો લોકોને એવુ લાગે કે હમણાં વિમાનના લેન્ડિંગ ગિયર આપણા ટકામાં અથડાશે! બીચને અડીને રસ્તો અને પછી તુરંત જ રન-વે શરૃ થાય છે. દક્ષિણ ભારતમાં ત્રિવેન્દ્રમનું એરપોર્ટ પણ દરિયાકાંઠે જ છે, પણ ત્યાં રન-વે થોડો દરિયાકાંઠાથી દૂર છે.
ભારતનો સૌથી લાંબો બીચ
ચેન્નઈમાં આવેલો મરિના ભારતનો સૌથી લાંબો અને જગતનો બીજા ક્રમનો લાંબો બીચ છે. લંબાઈ ૧૩ કિલોમીટર છે. બીચ પછી થોડી રેતાળ જગ્યા અને એ પછી પસાર થતો રસ્તો આ જગ્યાને આકર્ષક બનાવે છે. બીચની ક્યાંક ક્યાંક પહોળાઈ ૧૫૦૦ ફીટ સુધીની છે. ૧૮૮૦ના દાયકામાં અંગ્રેજોએ આ બીચનો વિકાસ શરૃ કર્યો હતો. આજે તો ત્યાં એકથી એક ચડિયાતા આકર્ષણો પ્રવાસીઓના મનોરંજન માટે ઉભા કરી દેવાયા છે. સામાન્ય રીતે દિવસે અહીં ૩૦ હજાર લોકો ફરવા આવે છે.
હવાઈનો લીલા કલરનો Green beach
હવાઈ ટાપુ પર આવેલો પાપાકોલેઆ બીચ તેની લિલોતરી માટે જાણીતો છે. ના બીચના કાંઠે શેવાળ નથી, પણ રેતીનો કલર જ લીલો છે. જગતમાં આવા ચાર બીચ છે, જ્યાં કુદરતી રીતે જ રેતી લીલી છે. રેતી લીલી હોવાનું કારણ તેમાં રહેલું ઓલિવાઈન નામની ધાતુનું વધુ પડતું પ્રમાણ છે.
સફેદ રેતી ધરાવતો હીયામ બીચ/Hyams Beach
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી પોણા બસ્સો કિલોમીટર દૂર આવેલો આ બીચ જાણે ખાદીના વસ્ત્રો ચડાવ્યા હોય એવો છે. તેની રેતી એકદમ સફેદ છે. પાણી સાફ છે. એટલે સામાન્ય રીતે સમુદ્ર કાંઠે બ્લુ કલરનો જમાવડો હોય તેના બદલે અહીં સફેદ કલરનું સામ્રાજ્ય છે. અહીંની રેતી જગતની સૌથી સફેદ રેતી ગણાય છે.