અરલ્લિના શિક્ષક-આચાર્ય ઈશ્વર પ્રજાપતિએ લખેલું આ નાનકડું પુસ્તક નવરચિત અરવલ્લી જિલ્લાને સમજવા-જાણવા-માણવામાં ઉપયોગી થાય એવું છે.
અરવલ્લીની અસ્મિતા
પ્રકાશક-કાવ્યાર્થ પ્રકાશન (ધનપુરા-9825142620)
વિતરક-ગૂર્જર એજન્સી (અમદાવાદ-079-22144663)
કિંમત -140
પાનાં-120
કોઈ શાયરે અમુક પંક્તિ બસની ટિકિટ પાછળ લખી હતી કે પછી રૃમાલ પર કવિતા લખી હતી કેમ કે ત્યારે તેમની પાસે કાગળ ન હતા. એટલે કે લખવું જ હોય તો સંજોગો રોકી શકતા નથી. આ પુસ્તક અને તેના લેખક લખવું જ હોય તો…નું સર્વોત્તમ ઉદાહરણ છે. કેમ કે ઈશ્વરભાઈ મોબાઈલમાં જ ટાઈપ કરીને બે પુસ્તકો (બીજું – વ્યક્તિવિશેષ) લખ્યાં છે.
મોબાઈલ પર જ સીધું ગુજરાતી લખનારા લોકોની સંખ્યા વધતી જાય છે, પણ એમાં ઈશ્વરભાઈ ખાસ્સા અગ્રણી ગણી શકાય.
અરવલ્લી પર્વતમાળા આપણે સૌ ભૂગોળમાં ભણી ચૂક્યા હોઈએ. ગુજરાતના ઉત્તર-પૂર્વ છેડે સાબરકાંઠામાંથી અલગ પડી નવા રચાયેલા જિલ્લાને યથાયોગ્ય રીતે અરવલ્લી નામ અપાયું. જિલ્લો નવો છે, માટે જિલ્લાનો ઇતિહાસ, માહિતી આપતા પુસ્તકો ખાસ લખાયા નથી. એ સંજોગોમાં આ પુસ્તક પ્રાથમિક માહિતી માટે ઘણું ઉપયોગી સાબિત થાય છે.
પુસ્તકની ઓળખ મળી રહે એ માટે એમાંથી કેટલીક રસપ્રદ માહિતી..
- અરવલ્લી પર્વતમાળા ભારતની પ્રાચીનતમ પર્વતમાળામાં એક છે. અરવલ્લી મૂળ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે અરા+વલી અર્થાત્ line of peaks શિખરોની ચોટીની રેખા. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એમ ચાર રાજ્યોમાં આ પર્વતમાળા પથરાયેલી છે. અરવલ્લી ગિરિમાળાની કુલ લંબાઈ ૬૯૨ km છે. આ ગિરિમાળાનો ૮૦ ટકા ભાગ રાજસ્થાન રાજ્યમાં પથરાયેલ છે. આ પર્વતમાળા રાજસ્થાન બે ભાગમાં વહેંચે છે. જેનો પશ્ચિમ ભાગ મારવાડી અને પૂર્વ ભાગ મેવાડ તરીકે ઓળખાય છે.
ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી તરફ જતાં આ પર્વતમાળાની ઊંચાઈ ક્રમશઃ ઘટતી જાય છે. ઘટતાં-ઘટતાં દિલ્હી જતા આ પર્વતમાળા મેદાન સ્વરૂપમાં પરિણમે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે દિલ્હી ખાતે રાયસીના હિલ્સ આપણું રાષ્ટ્રપતિ ભવન આવેલું છે એ રાયસીના હિલ્સ એ અરવલ્લી પર્વતમાળા નો જ એક ભાગ છે.
- 16 હાથનો ચણિયો એ ડુંગરી ભીલ સ્ત્રીઓનાં પહેરવેશની વિશિષ્ટતાં છે.
- એક લોકવાયકા એવી છે કે 1857ના વિપ્લવ બાદ મરાઠા વીર તાત્યા ટોપેએ મોડાસામાં માજૂમ નદીના સામે કાંઠે થોડા દિવસો વિતાવ્યા હતા. એમના માટે ખાદ્ય સામગ્રી મોડાસાના ગાંધીવાડામાં વસતા નગરશેઠના ત્યાંથી મોકલવામાં આવતી હતી.
- (દેવની મોરી વિશે એક રસપ્રદ માહિતી) બીજા એક દાબડા પર સંસ્કૃત ભાષામાં લખેલું હતું કે આ બાંધકામની ડિઝાઇન અગ્નિવર્મા સુદર્શને તૈયાર કરી હતી અને તેનું બાંધકામ રૂદ્રસેન નામના રાજાએ કર્યું હતું. એ સ્તૂપની આજુબાજુ બૌદ્ધ સાધુઓને રહેવા માટેની ૩૬ રૂમો હતી. અહીંથી પકવેલી માટીની બુદ્ધની મૂર્તિઓ પણ મળી આવી. આ અવશેષો આજે શામળાજી તેમજ વડોદરા મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવ્યા છે.
- મેશ્વો નદીકિનારે ખંડિત હાલતમાં ઉત્તમ પ્રકારના શિલ્પવાળી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ચોરી દર્શનિય છે.
- દેવાયત પંડિત અહીં આવ્યા ત્યારે તેમના ખોબામાં જુવાર હતી તેમાંથી કેટલાક દાણા જમીન પર પડતાંની સાથે જ દાણાના ફૂલ બની જતાં. તેમણે પોતાના ગુરૂજીના વચનો મુજબ ત્રિકાળજ્ઞાન થતાં ભવિષ્યવાણી ઉછેરવા લાગ્યા. આ ભવિષ્યવાણી સતી દેવલદે ને સંબોધીને કહી.
દેવાયત પંડિત નું નામ આગમવાણી કરનાર મુખ્ય ત્રણ વ્યક્તિઓમાં થાય છે. એક ત્રિકાળજ્ઞાની સહદેવ, સરણાવ ઋષિ અને ત્રીજા દેવાયત પંડિત. આશરે સાતસો વર્ષ પહેલાં ઉચરેલી આ ભવિષ્યવાણી આજે યથાર્થ સાબિત થતી લાગે છે.
- અંગ્રેજોની નીતિ-રીતિના વિરુદ્ધમાં ૧૮૫૭નો મહાન વિપ્લવ સમગ્ર દેશમાં પ્રસર્યો હતો. તેમાં બૃહદ સાબરકાંઠા પણ જોતરાયું હતું. આ જિલ્લામાં માલપુર, પ્રાંતિજ, ઈડર અને ભિલોડા તાલુકામાં વિપ્લવ અંગે ક્રાંતિકારી કામગીરી થઈ હતી. તેમાં ઈડર તાલુકાના ચાંડપ અને મુડેટી ગામે બનેલા બનાવો વધુ જાણીતા છે. આ ઉપરાંત વિજ્યનગર તાલુકાના દડવા પાસે પાલ ગામે ૭ માર્ચ ૧૯૨૨ના રોજ જલિયાવાલા બાગને પણ ભૂલાવી દે તેવો નરસંહાર થયો હતો. વિશાળ લોકસમૂહ ખાળવા અંગ્રેજી ઓફિસર એમ.જી. શટના આપેલા હુકમ મુજબ ભીલ કૉપર્સે ગોળીબાર કરતાં, અંદાજે ૧૨૦૦થી પણ વધુ શહીદવીરો પોતાના જાનની આહૂતિ આપી હતી. આ હત્યાકાંડના શહીદ થયેલાની યાદમાં તે સ્થળે સ્મારક આજે પણ મોજૂદ છે. એમ છતાં આ આહુતિ ઇતિહાસના પાને અંકિત નથી. ઇતિહાસમાં આ બનાવોને નોંધ લેવાઈ નથી.
- શામળાજીનો કારતકી પૂનમનો મેળો કારતક વદ અગિયારસથી માગસર વદ એકમ સુધીનો ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો છે.
આઝાદી ની લડત માં સાબરકાંઠા જિલ્લા નું યોગદાન