ગ્રેટ ઈન્ડિયન સર્કસ : રાજકારણમાં જંગલવાદ અને જંગલમાં રાજકારણ…

હર્ષ મેસવાણિયાનું આ પુસ્તક હાસ્ય નિબંધોનો સંગ્રહ છે. જંગલને એક સામ્રાજ્ય કલ્પી લેવાયું છે, જ્યાં સરકાર છે, મંત્રી છે, સાસંદો છે અને એ બધાના વિશિષ્ટ નામો છે. ગુજરાતી હાસ્યમાં લાંબા સમય પછી આવુ મનોરંજક પુસ્તક આવ્યું છે.

ગ્રેટ ઇન્ડિયન સર્કસ – હર્ષ મેસવાણિયા
પ્રકાશક – આર.આર.શેઠ
કિંમત – 200
પાનાં – 180

ઓનલાઈન શોપિંગ લિન્ક

જંગલ કોઈ પણ માટે રસપ્રદ વિષય બની શકે, પરંતુ રાજકારણમાં સામાન્ય માણસને ક્યાંથી પસ પડે? અહીં જંગલના પરાક્રમો અને રાજકારણના તોફાનો મિક્સ કર્યા છે. ગુજરાત સમાચારમાં દર ગુરુવારે પ્રગટ થયેલા આ હાસ્ય નિબંધોના કેન્દ્રમાં મુખ્યત્વે જંગલ છે. પણ જંગલ સામાન્ય નથી.

જંગલમાં રાજકારણીઓ છે, સરકાર છે, હોદ્દેદારો છે, વિવિધ સમુદાય છે, મહિલા મોરચો છે, સોશિયલ મીડિયા સ્ટાર છે… ઈન શોર્ટ જંગલ આપણા સમાજનો અરીસો છે. આપણા દૈનિક જીવન અને રાજકારણમાં ચાલતી ગરબડો આ અરીસામાં રજૂ કરવામાં આવી છે.

આ પ્રકારનું હાસ્ય ગુજરાતીમાં ઓછું લખાય છે અને કદાચ અંગ્રેજી કે અન્ય ભાષાઓમાં પણ ઓછું લખાતું હશે. પુસ્તક કેવું છે કે લેખન કેવું છે, તેની પિંજણમાં પડ્યા વગર તેના અંશોની મજા લઈએ..

  • હવે તમે જ વિચારો આવતા નામ આ જમાનામાં કોઈ યાદ રાખે? ધીમે ધીમે બધાએ એમાંથી ટૂંકા અક્ષરો પસંદ કર્યા. ચિંતાશીલનો ‘સી’ બેઇજ્જતદાસનો બી’ અને ઈમાનદારનો ‘આઈ” લઈને બધા મારું નવું નામકરણ કર્યું – સીબીઆઈ પોપટ. બસ, પછી તો મારું આ જ નામ જાણીતું થઈ ગયું.
  • સારી-ખરાબ દરેક સ્થિતિ જીરવી જવાની અજબ આવડત જંગલવાસીઓમાં આ આસનથી કેળવાઈ ગઈ છે. વેઠયોગની સૌથી સારી બાબત એ છે કે વર્ષમાં કોઈ એક જ દિવસે એ કરી લો એટલે વાત પૂરી થઈ જતી નથી. આ આસન વર્ષો સુધી થતું રહ્યું છે અને વર્ષો સુધી થતું રહેશે. જંગલવાસીઓ પાસે એના સિવાય કોઈ વિકલ્પ નથી. કહોને કે આ આસન યોગ દિવસનું મોહતાજ નથી. દરરોજ સૂર્ય ઊગ્યે ‘વેઠયોગ’ શરૂ થાય છે અને ઘણી વખત તો સૂર્ય આથમ્યા પછી પણ ‘વેઠયોગ’ પૂરો થતો નથી! 
  • એ જોઈને એકાદ બે જંગલવાસીથી બોલી જવાયું, “જંગલના નેતાઓએ સત્ય અને અહિંસામાં ‘આ’ની જ ફેરબદલી કરી નાખી છે. અહિંસાની આગળથી ‘અ’ હરાવીને ‘સત્ય ની આગળ મૂકી દીધો છે!
  • “દુખાવો થાય છે?” ડૉ. ઓક્ટોપસ સૌથી મહત્વનો સવાલ છેલ્લે પૂછયો. તાલીમ દરમિયાન એમને એ પણ શીખવાડાયું હતું કે દર્દી તમારી પાસે દુ:ખાવાની દવા લેવા જ આવ્યો હશે. ‘હાઇ-ફાઇવ’ કરીને તાલી મારવા નહીં જ આવ્યો હોય, તોય બધા સવાલો પછી ‘દુખાવો થાય છે ?’ એવો અલ્ટિમેટ સવાલ તો પૂછી જ લેવાનો.
  • નવી ચૂંટણી સુધીમાં કપાયેલા નાકની યોગ્ય સારવાર થાય અને ફરીથી આપનું નાક કપાવા યોગ્ય બને એની કાળજી લેવામાં આવશે. જો નાક ફરીથી કપાવા યોગ્ય ન થાય તો પૈસા પાછા આપવામાં આવશે.
  • “એ કવિ સંમેલનમાં ઘાંટા પાડતા હોય છે એટલે એમનું ઉપનામ ઘાંટાપાટુ પડી ગયું છે અને બીજી એક વાત.” પહેલા ઘુવડ ઉમેર્યું, “દિવસ ઉપર એણે ઘણી કવિતાઓ લખી ને ઘુવડ સમાજને એમની કવિતાઓ મારફતે દિવસનાં દર્શન કરાવ્યાં છે. ઘુવડ સાહિત્યમાં આ એમનું મોટું પ્રદાન છે. હું તેમને સાંભળવા જ આ કાર્યક્રમમાં આવ્યો છું. આપણે ન જોઈ શકીએ એ કવિની આંખો જોઈ શકે!
  • ઓહ વાહ! જોરદાર આઈડિયા છે. એમાં હું પણ કંઈક આઈડિયા કહું ?” પપ્પુએ ગુલાબદાસના જવાબની રાહ જોયા વગર જ આગળ ચલાવ્યું, “આપણે એક નહીં બે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરીશું, એકમાં સ્વબચાવ શીખવીશું અને બીજામાં માથાભારે થઈને મારામારી કેમ કરવી તે શીખવીશું. જો મારામારી નહીં થાય તો સ્વબચાવ માટે આપણી પાસે આવશે કોણ?” જંગલના બિઝનેસમેનમાં સહજ હોય એવા ચાલાકીથી પપ્પુ પોપટે કહ્યું.
  • અમુક એક્સપર્ટ્સ તો એવાય છે કે જેમણે ગણ્યાં-ગાંડ્યાં વર્ષોમાં એટલી વખત પાટલી થપથપાવી હતી કે તેના કારણે તેમના પંજામાંથી ભાગ્યરેખાઓ જ લુપ્ત થઈ ગઈ. કદાચ એટલે જ તમને ફરીથી લોકસભામાં જવાની તક ન મળી અને તમારા વર્કશોપમાં એક્સપર્ટ બનવાની તક સાંપડી.
  • રીંછભાઈના મિત્ર હાથીભાઈ હરખપદૂડાએ રીંછ ભાઈના કાનમાં કહ્યું: “ભસવાનો હક મહારાજ સિંહનો છે એ વાક્યમાં ભૂલ છે. ગર્જના કરવાનો હક મહારાજનો છે એમ કહેવું પડે.”
  • કુતરા કાબૂમાં હોય તો જ જતે દહાડે બિલાડા સમાજની વેલ્યુ રહે એ વાત બરાબર સમજતા સરકારી અધિકારી બબ્બન બિલાડાએ સરકારી પરિપત્ર જારી કર્યો.
  • વાંદરાભાઈ વડપાડુ સભા સ્થળની નજીક તો પહોંચી ચૂક્યા હતા, પરંતુ ત્યાં એક વૃક્ષની ડાળીએ લટકીને શ્રોતાઓને રાહ જોવડાવતા હતા. નેતાએ થોડું મોડું પહોંચવું જોઈએ એવું માનતા વાંદરાભાઈ વડપાડુએ થોડી વાર રાહ જોવડાવ્યા પછી સભામાં એન્ટ્રી મારી તે સાથે ભાષણોનો દોર શરૂ થયો.
  • ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુના મુખ્ય રાજકીય સલાહકાર અને અખિલ જંગલી કૂતરા સમાજના પ્રમુખ કૂતરાભાઈ કડકા ઉનાળામાં બફારાથી શાંતિ મેળવવા હિલ સ્ટેશને આંટાફેરા કરવા ગયા હતા. એ પાછા ફર્યા એ જ દિવસે સમાચાર જાણવા મળ્યા: “જંગલી પોલીસ વિભાગમાં કાર્યરત 46 કૂતરાઓની એકાએક બદલી. ડોના, ડફી, જુલી, એની, જિયા, શેફી, રાનો, લારા, સ્ટેફી અને સેન્ડી સહિત તમામ તાલીમ પામેલા શ્વાન અધિકારીઓ હવે નવી જગ્યાએ ચાર્જ સંભાળશે.
  • વાંદરાભાઈ વટપાડુ આગળ કંઈ બોલે એ પહેલાં જ રીંછભાઈએ કટાક્ષ કર્યો, ‘તમે તમારું નામ થોડીવાર ‘બંદર’ રાખો, થોડીવાર ‘વાનર’, ઘડીક કપિ’, તો ઘડીક ‘માંકડું’, થોડીકવાર વળી મંકી કરી નાખો એટલે અમારે શું સમજવાનું?”
  • ગણપતભાઈ ગેંડાના આ શબ્દો ગેંડાસમાજના ઘણા ગેંડાઓના જાડા કાનમાંથી અંદર જતા વાર લાગી અને પછી શું વિચારવું તે ન સમજાયું એટલે બધાએ વિચારવાને બદલે ગણપતભાઈ ગેંડા તરફ જોયા કર્યું.
  • મૂળ નામ વાંદરાકુમાર ધમાલિયા, પણ એ નામ ક્લિક થતું ન હતું. વીડિયો ઇન્ડસ્ટ્રીમાં નામ જરા હટકે હોવું જોઈએ એવું સમજ્યા પછી વાંદરાકુમારે પાણી બચાવવાની થીમ પકડી અને નામ રાખ્યું – વાંદરાકુમાર વૉટરસેવર.
  • આ બધું જોઈને બાબાલાલ બકરાને પહેલાં તો તાડૂકવાની ઇચ્છા થઈ, પરંતુ બકુલા બહેનબકરી સાથેના લાંબાં લગ્નજીવનના અનુભવથી તેને એ વાત બરાબર ખબર હતી કે તાડૂક્યા પછી શું પરિણામ આવશે!?
  • ગ્રુપ સેલ્ફી લીધી પછી માદાપાર્ટી પૂરી જાહેર થઈ. જ્ઞાની ગાયબહેન, બકુલાબહેન બકરી, ભટકેલી ભેંસબહેન સહિત જેમને ચાલીને જવાનું હતું તેમણે સૌને બાય-બાય કહીને ચાલતી પકડી. જેમને ઊડીને જવાનું હતું એ માદાઓ હજુય તરેહતરેહની ચાંચ-મોં કરીને સેલ્ફી લેતી હતી. 
  • જંગલબંધ પછી વળી કોઈ એમ કહી જાય કે “તમે તો એ દિવસે બહાર નહોતા નીકળ્યા કાં?” “ઘરે બેસીને પાડીભાભી સાથે ટીવી જોતા’તા?” તો પરાક્રમી ઇતિહાસ ધરાવતા પાડાઓને ખાબોચિયામાં પડીને મરવા જેવું થાય! એટલે આખા જંગલના પાડાઓમાં બંધને ‘હિંસક’ અને ‘સફળ’, બનાવવાનો નશો ચડ્યો હતો.’
  • “અમે તો નિયમોનું પાલન કરીએ છીએ. ગ્રાહક ફરિયાદ ન કરે ત્યાં સુધી મારાથી કશું જ ન થાય.” જવાબદારી આવી એટલે ગ્રાહક સુરક્ષા અધિકારી કાચબાભાઈએ લાંબી ગરદન સંકેલીને અંદર કરી લીધી!
  • એ કાર્યક્રમમાં ગેંડાભાઈ ભાષણ આપતા હતા : “મારા વહાલા જંગલવાસીઓ, આજે આ વીજવાયરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. વર્ષોથી આ વીજવાયર બદલાતો નહોતો. આ મતદારના પિતાશ્રી અને દાદાશ્રી પણ એ વાયર બદલી શક્યા નહોતા. નબળા વાયરના કારણે કેટલીક વખત ઘરમાં વીજળી વગર આ પરિવારે દિવસો કાઢ્યા છે. મતદારના દાદાશ્રી તો કેટલીક વખત અધખુલ્લા વાયરમાંથી કરંટ લાગ્યા હતા, પરંતુ હવે મારા કાર્યકાળમાં આ વાયર બદલાઈ રહ્યો છે. હું સંસદસભ્ય બન્યો તે પછી આપણા વિસ્તારમાં જંગલ વાસીઓ ધનવાન થયા છે. આ ઘટના તેનો પુરાવો છે.”  ગેડાભાઈ ગુમાનીના સમર્થકોએ ભાષણને જોરદાર તાળીઓથી વધાવી લીધું. ગેંડાભાઈ વાયરના ફીંડલા ખોલીને કારીગરોને આપ્યું તે સાથે જ ઉદ્ઘાટન સમારોહ પૂરો થયો.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “ગ્રેટ ઈન્ડિયન સર્કસ : રાજકારણમાં જંગલવાદ અને જંગલમાં રાજકારણ…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *