જૂલે વર્નના આ પુસ્તકનું નામ તો મોં બ્લાં છે, પણ તેમાં કુલ 3 ટૂંકી વાર્તા છે, માસ્ટર ઝચારીઅસ, બાઉન્ટી નામના જહાજ પર થયેલો બળવો અને મોં બ્લાં શિખરનું આરોહણ..
મોં બ્લાં – જૂલે વર્ન
અનુવાદ – જીગર શાહ
પ્રકાશક – આર.આર.શેઠ
કિંમત – 90
પાનાં – 120
લાંબી વિજ્ઞાન, સાહસકથાઓ ઉપરાંત જૂલે વર્ને કેટલીક નાની-નાની વાર્તાઓ પણ લખી હતી. એવી 3 વાર્તાઓ આ અનુવાદમાં સમાવિષ્ટ કરાઈ છે. સંભવતઃ ગુજરાતીમાં તેનો પ્રથમ વાર અનુવાદ થઈ રહ્યો છે. સુરતના યુવાન વર્નપ્રેમી જીગર શાહે આ વાર્તાઓ ગુજરાતીમાં રજૂ કરી છે. ત્રણેયની વાત..
માસ્ટર ઝચારીઅસ
સ્વિત્ઝરલેન્ડના જીનિવા નગરમાં રહેતા ઘડિયાળી ઝચારીઅસને પોતાની ઘડિયાળ સર્જન કળાનું ગુમાન હતું, વળગણ હતું, મમત્ત્વ હતું… તેનું પરિણામ છેવટે સારું ન આવ્યું. આ વાર્તા વિજ્ઞાન કે સાહસને બદલે જીવનજીવવાની સમજણની છે અને કેટલીક આગાહીઓ છે..
- તેમનું મડદાં જેવું શરીર અને શુષ્ક ચહેરો જોઈને કોઈ પણ વ્યક્તિ તેને જીવતો છે તેવું પહેલી નજરે ધારી શકે તેમ ન હતું.
- માનવી પોતે જ નાશવંત હોય તો તે અવિનાશી વસ્તુનું સર્જન કઈ રીતે કરી શકે?
- નિતનવાં ઘડિયાળો બનાવવામાં યુરોપભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર માસ્ટર ઝચારીઅસ સમક્ષ અત્યારે મુખ્ય પ્રશ્ન એની ઘડિયાળોની વિશ્વસનિયતાનો હતો.
- પોતાની ભૌતિક શોધને માત્ર એક વૈજ્ઞાનિક આવિષ્કાર ગણવાને બદલે ઘડિયાળમાં પોતાનો પ્રાણ પૂરી તેમણે તેને ધબકતી કરી છે તેવું માનતા થયા હતા. તેમના મતે તેમણે ઘડિયાળને જીવતી કરી હતી.
- આ અજાણ્યા માણસની ઉંમર કેટલી હતી? તેના દેખાવ પરથી અનુમાન કરતાં જાણે સેંકડો વર્ષની ઉંમર હોય તેવું લાગતું હતું.
- ઘડિયાળમાં અગિયાર વાગ્યાના સૂચક ટકોરા પડવા શરૃ થયા. ઝચારીઅસે ઘડિયાળના ડાયલ નીચે ચમકેલા શબ્દો ઊંચા અવાજે વાંચ્યા. – માનવી વિજ્ઞાનનો ગુલામ બનશે. તે માટે પરિવારજનો અને સ્નેહીઓનું બલિદાન આપવા તૈયાર થશે.
બાઉન્ટીનો બળવો
બાઉન્ટી નામના બ્રિટિશ જહાજ પર થયેલા બળવાની સાચી ઘટના પરથી લખાયેલી વાર્તા છે. 19મી સદીની સમુદ્રી સફર, કેપ્ટન, નાવિકોનો વિદ્રોહ અને એ પછી થતી સજા.. વગેરેનો ખ્યાલ આ વાર્તામાં મળે છે. ક્યારેક તો વળી આવા જહાજના જહાજીઓને વતનમાં ક્યારેય પગ મૂકવા મળતો નથી. તેના બે-ચાર અંશો..
- કેપ્ટન તારે કપડાં પહેરવાની પણ કોઈ જરૃર નથી. બોબે ઉમેર્યું, તને જહાજના કૂવાથંભ પર ફાંસીએ લટકાવશું ત્યારે તારું આ ઉઘાડું તંદુરસ્ત શરીર વધુ શોભશે.
- ત્યાં જ તેમાંથી એક મૂર્ખ નાવિક બેનક્રોફ્ટે અવિચારી પગલું ભર્યું. કાંઠા પર ભુલાઈ ગયેલી તેની કેટલીક વસ્તુઓ પાછી લઇ આવવા નૌકાપરથી ઊતરીને તે કિનારા તરફ દોડ્યો.
- ત્યાં કેપ્ટન બ્લિઘે એક યુક્તિ લડાવી. તેમણે પોતાનું જેકેટ ઉતાર્યુ અને દરિયાના પાણીમાં તરતું મૂકી દીધું. પીછો કરતા મોટા ભાગના આદિવાસીઓ તેને કોઈ નાવિક દરિયામાં પડી ગયો છે તેવું સમજી, તેને ઘેરી, તેને પકડવા ગયા. તેનો ફાયદો ઉઠાવી કેપ્ટન નૌકાને ઝડપથી દરિયાનાં પાણીમાં આગળ વધારી.
- તેઓ ગરમી સામે રક્ષણ મેળવવા ગળાથી પગ સુધી માટીમાં લથબથ થઈ જતાં જેથી તેમને સૂર્યની સીધી ગરમીથી રક્ષણ મળી રહે.
મોં બ્લાં
મોં બ્લાં યુરોપનું સૌથી ઊંચુ શિખર છે, પણ આપણે ત્યાં એ એ નામે વેચાતી મોંઘી બોલપેનોને કારણે જાણીતું છે.
એવરેસ્ટનું આરોહણ 1953માં થયું. એવા તો ઘણા ગગનગામી શિખરો સર કરવા સાહસિકો નિકળતા હતા, પણ એ બધી ઘટનાઓ મોટે ભાગે 20મી સદીમાં બની છે. આ વાર્તા ત્યારે લખાઈ જ્યારે હજુ શિખર આરોહણ સાવ અજાણ્યું સાહસ હતું.
આલ્પ્સના સૌથી ઊંચા શિખરને સર કરવા માટે નીકળેલા સાહસિકોને કેવી મુશ્કેલી નડે છે, તેમની મનોવ્યથા, આપસી તાલ-મેલ, વગેરે આ ટૂંકી વાર્તામાં સમાવી લેવાયા છે. વર્નની અન્ય વાર્તાઓની માફક વિજ્ઞાન, અજાણી જગ્યાએ ફસાવાની મુશ્કેલી કે પછી રમૂજ આ વાર્તામાં ખાસ જોવા મળતાં નથી.