પાવાગઢ અને ચાંપાનેર એક-બે દિવસ ના પ્રવાસ માટે ઉત્તમ જગ્યા છે. ઇતિહાસમાં રસ હોય એના માટે આ પર્વત પર ઘણા બધા બાંધકામો છે.
નિતુલ જે. મોડાસિયા
ભારતમાં કુલ ૩૮ વૈશ્વિક ધરોહર એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. જેમાંથી ત્રણ આપણા ગુજરાતમાં આવેલી છે. તેમાં રાણકીવાવ, ચાંપાનેરનો કિલ્લો અને અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. આ ત્રણમાં ચાંપાનેર કિલ્લો સૌથી જુનો અને ઐતિહાસિક છે. ચાંપાનેરનો કિલ્લો પાવાગઢ પર્વતની તળેટીમાં આવેલો છે.
ચાંપાનેરનું નિર્માણ વનરાજ ચાવડાએ આઠમી સદીમાં કરાવ્યું હતું. તેનું નામ તેમણે પોતાના મિત્ર ચાંપરાજ ના નામથી ચાંપાનેર પાડ્યું હતું. ત્યારબાદ પંદરમી સદીમાં ચૌહાણ રાજપુતોએ આ શહેરને પર્વત ઉપર ફેરવી નાખેલુ. ૨૧ નવેમ્બર ૧૪૮૪ ના રોજ મહેમૂદ બેગડાએ ચાંપાનેર અને પાવાગઢ પર હુમલો કરી પોતાનો કબજો જમાવી દીધો. ૨૩ વર્ષ સુધી કામ કરાવીને બેગડાએ ચાપાનેર ને પોતાના અનુસાર ફરી ઊભું કર્યું અને તેને મહમૂદાબાદ નામ આપ્યું.
આજે ચાપાનેર કિલ્લાનો ઘણોખરો ભાગ નામશેષ થઈ ગયો છે. પણ ત્યાંના મસ્જિદો, હવા મહેલ અને પર્વત પર આવેલા કિલ્લાના અવશેષો આજે પણ જોઇ શકાય છે.
ત્યાં આવેલી જમા મસ્જિદ ગુજરાતની બાંધકામ કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે. મધ્યમાં ગુંબજ, બંને બાજુ ૩૦ મીટર ઊંચા મિનારા અને ૧૭૨ થાંભલા પર ઊભું કરાયેલું મસ્જિદ ખુબ જ સુંદર અને કિલ્લાનું મુખ્ય આકર્ષણ છે. તેના સિવાય પણ કિલ્લામાં બીજી મસ્જિદો આવેલા છે જેવા કે શહેર મસ્જિદ અને નગીના મસ્જિદ .
તેમજ આ કિલ્લામાં એક ખૂબ સુંદર અને વિશાળ વાવ આવેલી છે. કિલ્લાથી થોડે દૂર તળાવના કિનારે એક નાનકડો મહેલ પણ આવેલો છે જે અત્યારે ખંડેર હાલતમાં છે. આ બધા સિવાય પણ કિલ્લામાં દરેક જગ્યાએ આવેલા કિલ્લાના અવશેષો જેવા કે કિલ્લા ના સાત દરવાજા, કિલ્લાની ભવ્ય દીવાલો અને દરવાજાની બાજુમાં થઇ ને કિલ્લાના કાંગરા પર ચડી શકાય તેવી સીડીઓ આ કિલ્લાના મુખ્ય અને અદભુત આકર્ષણો છે.
ચાંપાનેરથી પાંચ મિનિટના અંતર પર પાવાગઢનો પર્વત શરૂ થાય છે. આ પર્વત પર મહાકાળીનું ખૂબ જૂનું અને ભવ્ય મંદિર આવેલું છે. તેમજ અમુક જૈન દેરાસર પણ આવેલા છે. આ પર્વતનો વિસ્તાર જાંબુઘોડા વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીમાં આવતો હોવાથી સાંજના સમયે બંધ કરી દેવામાં આવે છે. પાવાગઢ પર્વત ધાર્મિક મહત્વ ધરાવતો હોવાથી વર્ષોથી ભક્તો માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. મંદિર સુધી પહોંચવા માટે અહીંયા રોપ-વે તેમજ પગથિયા બંને સુવિધા ઉપલબ્ધ છે. પગથિયા અને રોપવેના સ્ટાર્ટિંગ પોઇન્ટ સુધી પહોંચવા નો રસ્તો ખુબ જ રોમાંચક અનુભવ કરાવનાર છે. ઓપન જીપ્સી માં પર્વતના રસ્તા પર ચઢાણ કરવાનો આ એક રોમાંચક અનુભવ છે. ઘણા બધા પ્રવાસીઓ પાવાગઢ પર્વત પર મંદિરમાં દર્શન કરી ઘરે પાછા ફરતા હોય છે. પરંતુ આ પર્વત પર મંદિર સિવાય પણ ઘણી બધી વસ્તુ જોવાલાયક છે.
પૌરાણિક બાંધકામમાં રસ હોય એના માટે આ પર્વત પર ઘણા બધા બાંધકામો છે. જંગલ જાડીઓ વધી જવાથી આમાંના ઘણાખરા બાંધકામો ઢંકાઈ ગયા છે. તેના માટે સૌથી ઉત્તમ વિકલ્પ છે સાત મિનિટ નું જિપ્સી નું ચઢાણ પગપાળા પાર કરવું . આ રીતે પર્વત પરથી ચડતા કે ઉતરતા આપણને એ કિલ્લા પર આવેલા વિવિધ બાંધકામો દેખાઈ આવે છે. આ બાંધકામો સમયની સાથે તૂટ્યા જરૂર છે પણ તેમની ભવ્યતા અને ઐતિહાસિક મહત્વ આજે પણ અકબંધ છે.
પાવાગઢ અને ચાંપાનેર એક-બે દિવસ ના પ્રવાસ માટે ઉત્તમ જગ્યા છે. પાવાગઢથી માત્ર આઠ કિલોમીટર પર આવેલું હાલોલ શહેર અમદાવાદ ,વડોદરા અને ગાંધીનગરથી જમીન માર્ગે જોડાયેલું છે. જાંબુઘોડા સેન્ચ્યુરી રીંછ માટે અને વાઘ માટે જાણીતું છે. સમય હોય તો તે પણ જોવાલાયક જગ્યા છે. ખાવા-પીવા અને રહેવાની સગવડ પાવાગઢ-ચાંપાનેરમાં સહેલાઇથી મળી રહે છે.