જૂલે વર્ને લખેલી વાર્તા મિસ્ટિરિયલ આઈલેન્ડનો ગુજરાતીમાં માયાવી ટાપુ નામે અનુવાદ થયો છે. પાંચ સાહસિકો અજાણ્યા ટાપુ પર ફસાયા પછી તેમની સાથે રહસ્યમય ઘટનાઓ બને છે.
મિસ્ટિરિયસ આઈલેન્ડ – માયાવી ટાપુ
અનુવાદ – શ્રીકાન્ત ત્રિવેદી
પ્રકાશક – અરૃણોદય પ્રકાશન (અમદાવાદ, 079-22114108)
કિંમત -125
પાનાં -128
જૂલે વર્ને 1863માં લખેલી પહેલી કથા હતી ‘ફાઈવ વીક ઈન અ બલૂન’. 1851માં વર્ન ફ્રાન્સના એક બલૂનિસ્ટને મળ્યા હતા. પછી એમને બલૂનકથાઓ સર્જવાની પ્રેરણા મળી હશે. બલૂન વિશે લખી હોય એવી વર્નની આ બીજી કથા છે. વર્નની કથા ‘ટુ યર્સ લોંગ વેકેશન’માં પણ 15 બાળકો ટાપુ પર બે વર્ષ ફસાઈ રહે છે. એ કથા અને આ કથામાં ઘણું સામ્ય છે, પરંતુ વાર્તા અલગ-અલગ છે. વળી દરેક વાર્તા કહેવાની વર્નની અલગ રીત છે.
વર્નની દરેક કથામાં કેટલીક સમાનતા જોવા મળે, જેમ કે વફાદાર નોકર હોય, છાપું કે પછી તેના પત્રકારનો સક્રિય રોલ હોય, સાથે એકાદ પ્રાણી પણ હોય છે. એવાં કેટલાક તત્ત્વો આ વાર્તામાં પણ છે. વાર્તા સાહસકથા છે, સાથે રહસ્યકથા પણ છે.
ગૃહયુદ્ધ પછી અમેરિકાના રિચમોન્ડ શહેરમાં ફસાયેલા પાંચ સાહસિકો શહેરની બહાર નીકળવા બલૂનનો સહારો લે છે. એ આઈડિયા કામ કરી જાય છે, પંચરત્નો શહેરની બહાર નીકળી શકે છે, પણ પછી એકલવાયા ટાપુ પર ફસાઈ જાય છે. એ કથાનું રહસ્ય ખુલ્લું ન પડી જાય એ રીતે તેના કેટલાક અંશો..
- નીચે દરિયામાં મોજાંની ઘુઘવાટી થઈ રહી હતી અને આકાશમાં વાદળની ગડગડાટી ગાજતી હતી. દિવસ છે કે રાત, એની પણ ખબર પડે તેમ નહોતું.
- સાંજે ચાર વાગ્યે બલૂન દરિયાની સપાટીથી 400 ફૂટ ઊંચે હતું. તે વખતે કેપ્ટને મહાપરાણે બગલમાં દબાવી રાખેલા તેના કૂતરાના ભસવાનો અવાજ સંભળાયો. બલૂનમાં મુસાફરો સાથે એક કૂતરો પણ હતો.
- બલૂનમાં તેમણે સાત હજાર માઈલની અત્યંત જોખમી સફર ખેડી હતી.
- મોટી મુસીબત એ હતી કે જો તાપણું ન સળગે તો બધા રાતની ઠંડીને લીધે ઠૂંઠવાઈ જાય.
- વાત જાણે એમ હતી કે તેમના ગયા પછી હાર્ડિંગે ઘડિયાળના બે કાચ ભેગા કરી, વચ્ચે થોડું પાણી ભરીને એની ફરતી ધારને માટીથી સાંધી દીધી હતી. આમ આગિયો કાચ બનાવી લઈ સૂર્યનાં કિરણો એમાંથી પસાર થવા દઈને કેપ્ટને ઘાસ સળગાવ્યું હતું.
- કુદરતની કોઈ અકળ લીલાથી આપણે આ ઉજ્જડ ટાપુ ઉપર આવી ચડ્યા છીએ, પરંતુ આપણે અમેરિકાના વતની છીએ. આ ટાપુને આપણું નવું સંસ્થાન સમજીને અહીં આનંદથી રહીશું.
- પોતાના સાથીઓની મદદથી એક નાનુ સરખું લોખંડનું કારખાનું પણ એણે ઊભું કરી દીધું.
- પરંતુ સાત માઈલનો ઘેરાવો ધરાવતા વિશાળ સરોવરની સપાટી એક ફૂટ નીચે ઉતારવી, એ તો કોઈ મહાન ઇજનેરનું જ કામ હતું. બહુ વાર સુધી વિચાર કર્યા બાદ કેપ્ટન હાર્ડિંગે તેના સાથીઓને કહ્યું કે પોતે સરોવરના પાણીને બીજે માર્ગે વહેતું કરી દેવાની યોજના વિચારી લીધી છે.
- કૂવો કેટલો ઊંડો હશે? હર્બટે પૂછ્યું.
એની આપણે હમણાં ખાતરી કરી લઈએ.
આમ કહી હાર્ડિંગે એક સળગતું લાકડું કૂવામાં નાખ્યું, એનું અજવાળું દેખાયું ત્યાં સુધીનો સમય ગણી કાઢી, હાર્ડિંગે તારવણી કાઢી કે કૂવો સોએક ફૂટ ઊંડો હોવો જોઈએ. - થોડા દિવસોમાં તો બધાએ મળીને ઈંટો અને લાકડાંની મદદથી ગૂફાની અંદર બેઠકકંડ, કોઠાર, સૂવાનો ઓરડો વગેરે જુદા જુદા વિભાગ તૈયાર કરી નાખ્યા.
- આવી ઠંડીમાં તો બહાર નીકળી શકાય એમ નહોતું. એટલે નવરાશનો સમય પસાર કેમ કરવો, એનો ઉપાય તેમણે શોધી કાઢ્યો. સરોવરના ઉત્તર કાંઠા તરફ લાંબુ ઘાસ થતું હતું. એ ઘાસ એકઠું કરી મહેલમાં પૂળા ખડકી રાખ્યા હતા. એમાંથી બધા નવરા બેઠાં બેઠાં કરંડિયા, ટોપલા, સાદડી વગેરે વસ્તુઓ બનાવતા હતા.
- પેનક્રોફ્ટ અફસોસ કરતો બોલ્યો, આમાં બધી વસ્તુ છે ફક્ત એકની ખામી છે. તમાકુનું પડીકું નથી. અહીં આવ્યો છું ત્યારથી હોકલી પીવા મળી નથી.
- ગ્રેનાઈટ મહેલની આગળ આવીને તેમણે જોયું તો દોરડાની સીડી ગુમ. આ અજબ બનાવ જોઈ સૌ ઠરી જ ગયા. એમણે માની લીધું કે તેમની ગેરહાજરીમાં નક્કી કોઈ મહેલમાં ઘૂસી ગયું હોવું જોઈએ.
- પેનક્રોફ્ટ બોલ્યો, આને (વાંદરાને) આપણે પાળીએ તો કેવું? આપણી ગેરહાજરીમાં એ મહેલની ચોકી કરશે.
- એને એક જ વિચાર આવ્યા કરતો હતો કે આ ટાપુ ઉપર બીજું પણ કોઈ જરૃર રહે છે, પરંતુ કોઈને કોઈ દિવસ હું એને શોધી કાઢ્યા વિના રહેવાનો નથી.
- હર્બટ બોલ્યો આ વાંદરો નથી. જરા ધ્યાનથી જુઓ.
ઓત્તારી એ વાંદરો નહીં પણ વાંદરા જેવો લાગતો માણસ હતો. પરંતુ માણસનું એકેય લક્ષણ તેનામાં દેખાતું નહોતું. - તાપણું, શાનું તાપણું? હાર્ડિંગ નવાઈ પામી બોલ્યો.
કેમ તમે રાત્રે ટેકરી પર તાપણું સળગાવ્યું નહોતું? પેનક્રોફ્ટ બોલ્યો.
ના રે, એ રાત્રે હું અને નેબ બહાર જ નહોતા નીકળ્યા. હાર્ડિંગ બોલી ઉઠ્યો.
ગજબ કહેવાય, તો પછી તાપણું સળગાવ્યું કોણે?
- બધાએ જોયું તો ટેબલ પર એક નાની ડબ્બી પડી હતી, ક્વિનાઈન.
બધા ટગર ટગર એ દાબડી તરફ જોઈ રહ્યા. એ દાબડી ટેબલ પર કોણ મૂકી ગયું? - હું હિન્દુસ્તાનના એક નાના રાજ્યનો રાજા હતો. મારા પિતાએ મને દસ વર્ષની ઉંમરે વિલાયત ભણવા મોકલ્યો હતો.