ગાંધીજીએ આઝાદીની લડત દરમિયાન દેશમાં ઘણા આશ્રમો સ્થાપ્યા. તેમણે સ્થાપેલો છેલ્લો આશ્રમ મહારાષ્ટ્રમાં વર્ધા પાસે સેવાગ્રામમાં હતો. એ આશ્રમની શાબ્દિક અને તસવીરી સફર..
સેવાગ્રામ ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ બધેથી ભારતના કેન્દ્રમાં આવેલું સ્થળ કહી શકાય. આ આશ્રમમાં શક્ય એટલો જૂનવાણી દેખાવ જાળવી રખાયો છે. પ્રાંગણમાં ઉગેલા ઘટાદાર અને કદાવર વૃક્ષો શાંતિનિકેતનની યાદ અપાવે એવા છે. 1936માં સ્થપાયેલા આશ્રમમાં ગાંધીજી લગભગ 1948 સુધી રહ્યા હતા. અલબત્ત 1940 પછી અહીં રહેવાનું ઓછું થતું ગયું હતું કેમ કે આઝાદીની પ્રવૃત્તિ વધતી જતી હતી. વર્ધાથી આઠેક કિલોમીટર દૂર સેગાંવ નામના ગામે આ આશ્રમ સ્થાપ્યો અને સેવા મૂળ ઉદ્દેશ હોવાથી સેવાગ્રામ નામ આપ્યું હતું. વળી ગ્રામ્ય જીવન જીવવાનું હોવાથી ઈલેક્ટ્રિસિટી જેવી સુવિધાઓ ફીટ કરાઈ ન હતી. ગાંધીજીમાં રસ હોય કે ન હોય આઝાદી યુગની ઝાંખી મેળવવા માટે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.
જતાં પહેલા જાણી લો
સેવાગ્રામ આશ્રમ મહારાષ્ટ્રના નાગપુરથી 60 કિલોમીટર દૂર છે, વર્ધાથી આઠેક કિલોમીટર દૂર છે.