જૂનાગઢના પાદરમાં ઉભેલો ગિરનાર અનેક શિખરોનો સંગમ છે. અંબાજી સૌથી વધુ પ્રસિદ્ધ શિખર-તીર્થધામ છે, તો જૂનાગઢવાસીઓમાં દાતાર લોકપ્રિય છે. તેની તસવીરી સફર..
જૂનાગઢના કોઈ પણ છેડેથી ગિરનારનું ઊંચુ શીખર અંબાજી દેખાય અને ડાબે-જમણે ટેકરીઓની હારમાળા જોવા મળે. રાત પડ્યે અંબાજી જતાં પગથિયાની લાઈટો જળહળે એટલે ગિરનાર પર કોઈ પ્રકાશની વાંકી-ચૂંકી રેખા વહેતી હોય એવુ લાગે. તેનાથી જમણી બાજુ એક નાની પ્રકાશિત રેખા દેખાય, એ દાતારની સીડી.
ગિરનાર પર જવાની ઓછામાં ઓછી 3 સીડી છે. એક સીડી મુખ્ય એટલે કે અંબાજી પર જાય. તેનાથી ડાબી તરફ સીડી છે, જે ભરતવન-સિતાવન જાય છે. આ બન્ને સીડીઓ ભવનાથ તળેટી વિસ્તારમાં જ છે. એ સિવાય ખાસ્સે દૂર વિલિંગ્ડન ડેમ પાસે એક સીડી છે, જે દાતારની.
ગિરનાર કરતાં દાતાર નાનું શિખર છે, ચઢાણ-ઉતરાણ કરવાનું સરળ છે અને ભીડ ઓછી હોય છે. માટે જૂનાગઢ અને આસપાસના રહેવાસીઓ અડધો દિવસના આઉટિંગ માટે જવું હોય તો દાતાર ઉપડી જાય.
શિખર ઉપર જમિયલશા પીરની જગ્યા છે, જેને હિન્દુ અને મુસલમાન બન્ને પ્રજા માને છે. સમર્થ ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ તેમના અભ્યાસપૂર્ણ પુસ્તક ‘જૂનાગઢ અને ગિરનાર’માં નોંધ્યા પ્રમાણે જમિયલશા રા માંડલિકના સમયમાં એટલે કે 1470ના ગાળામાં ફરતાં ફરતાં જૂનાગઢ આવ્યા હતા. મૂળ તેઓ સિંઘના નગરઠઠ્ઠા શહેરના રહેવાસી હતા.